(૮)
(શિવાદેવીએ નેમના લગ્ન કરવાની જવાબદારી રુક્મિણી અને સત્યભામાને આપે છે. રુક્મિણી નેમનું તોફાન યાદ કરી રહી છે. હવે આગળ....)
પરાક્રમ એ કોઈ વ્યકિતની જાગીર નથી હોતી. એ દરેક વ્યક્તિને જન્મજાત મળે છે, જેમ કૃષ્ણ મહારાજને મળી, અર્જુનને મળી. એમાંય એનાથી પણ ઘણા ચડિયાતા હોય છે, જેમ કે કર્ણ. આવું જ છે, નેમકુમારમાં. કૃષ્ણ, બલદેવ અને નેમકુમાર ત્રણે રૂપમાં, ગુણમાં જ સરખા નહીં, પણ એટલા જ બળમાં સરખા. કદાચ નેમકુમાર એમનાથી પણ વધારે બળમાં હતા.
દ્રારકાનગરી ઉપર નીચે થઈ ગઈ હતી. પાંચજન્યના શંખનાદથી બધા જ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. ત્યાં તો આશ્ચર્ય નું આશ્ચર્ય ત્યારે થયું, જયારે તેમને ખબર પડી કે સૌથી વધુ આશ્ચર્ય તો યાદવપતિ કૃષ્ણ મહારાજને જ થયું છે.
તેમના મનમાં તો,
'છે તો મારા શંખનો નાદ, પણ ત્રિભુવનમાં કોણ સમર્થ પાકયો? કોણે સ્વર પૂર્યો? '
એમને સોનાના હીંચકાથી ઊભા થઈ સુવર્ણદંડ લઈ કાંસાની ઝાલર પર માર્યો અને બૂમ પાડીને કહ્યું,
"અરે, કોણ છે હાજર?"
રક્ષકે આવીને એમને નમસ્કાર કર્યા.
"આજ્ઞા મહારાજ..."
"આ અવાજ કયાંથી આવ્યો?"
રક્ષક ડરી ગયો. તેને મહારાજ કૃષ્ણનો રોષ એને પણ બાળી રહ્યો હતો.
"મહારાજ, નેમકુમારે શંખમાં સ્વર પૂર્યો છે."
યાદવ યોધ્ધાઓ તપાસ કરીને પાછા વળ્યા હતા અને તે બોલ્યા.
"કોણ નેમે શંખમાં સ્વર પૂર્યો! એ પણ આટલી તાકાતથી...."
"હા મહારાજ...."
મહારાજ કૃષ્ણના મુખ પર પહેલા આનંદ અને બીજી જ ક્ષણે આનંદ ચિંતા માં ફેરવાઈ ગયો.
"નાનો નેમ અને આટલો બળવાન... એ નિર્દોષ અને મુગ્ધ કિશોરમાં આટલું સામર્થ્ય... એના બાહુમાં આટલી વીરતા ભરી છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમે બંને યુધ્ધમાં ગયેલા ત્યારે મને એના પરાક્રમની થોડી ખાતરી તો થયેલી. એ છે જ રંગીલો અને મોજીલો જીવ. મોજમાં શંખ ઉપાડયો હોવો જોઈએ. એને બોલાવું... એટલે ખબર પડે..'
"લાવને... રુક્મિણી અને સત્યભામાની પણ એના પરાક્રમની જાણ કરું."
અને કૃષ્ણ અંત:પુર બાજુ ચાલ્યા. અંત:પુરમાં પણ ભારે ગડબડ મચી ગઈ હતી. શંખના નાદે બધાને વિચલિત કરી મૂકયા. એમાંય વળી, કૃષ્ણ મહારાજના અચાનક આગમન થયું એટલે સૌ ચમકી ગયા. અતિથિ આવ્યા હોય એવો જ ભાવ સૌના વદન પર ફેલાઈ ગયો.
"કેમ બધા સૂનમૂન થઈ ગયા છો?"
મહારાજ કૃષ્ણે પ્રવેશ કરતા સત્યભામાને પૂછ્યું.
"પણ તમે આ વખતે કયાંથી?"
"મના છે આવવાની?
"મના નહીં, પણ અણધાર્યા આવ્યા અને તે પણ રાજકાજના વખતે?"
"પરિસ્થિતિ એવી ઊભી થઈ છે."
સત્યભામાના મનમાં પણ ચિંતા પેદા થઈ, ન જાણે સ્વામી શું કરશે?
"કેમ બોલી નહીં?"
"શું બોલું? તમે વાત કરો ત્યારે સમજણ પડે ને."
"પહેલા નેમને બોલાવવા મોકલ, પછી બધી વાત કરીએ."
"એમના પર રોષે તો નથી ભરાયા ને? શંખસ્વર અમે પણ સાંભળ્યો, ડરી ગયા હતા બધા. પણ હમણાં જ ખબર પડી કે આતો નાના દેરીડાનાં લાડ હતાં."
સત્યભામા જરા ગભરાતા ગભરાતા કહ્યું.
"ઘણો રોષે ભરાયો છું."
"પણ એ તો હજી બાળક કહેવાય, રમતમાં ને રમતમાં આવું કરી બેઠા હશે. એમને થોડું કંઈ ખબર પડે?"
"મારે નથી સાંભળવું... એ મારું અપમાન છે."
કૃષ્ણ મહારાજે રોષમાં કહ્યું.
"પણ એ તમારો ભાઈ છે."
"ભાઈ હોય તો પણ એનાથી રાજઆજ્ઞા નો ભંગ ના થાય. એ એના મનમાં મારો ભાઈ છે એટલે કંઈ પણ કરી શકે, એવું સમજે તો ના ચાલે."
"પણ એમના ઠેકાણે તમારા પુત્રે એવું કર્યું હોય તો?"
"તો.. તો મને ગૌરવ થાય, મારા રાજપાટનો વારસ પર અભિમાન થાય. તમે સ્ત્રીઓ રાજકારણમાં સમજ પડે નહીં, તો પછી માથું શું કામ મારો છો?"
સત્યભામા જઈને કૃષ્ણ મહારાજની જોડે જઈને મનાવવા બેસી ગઈ.
"નાથ, એમને ક્ષમા કરો. નેમ તો હજી બાળક છે."
"પહેલાં તું એને બોલવવા મોકલ, પછી બીજી વાત છે..."
"એ આવતા જ હશે... તમારા કહ્યા પહેલા જ મેં અને રુક્મિણીબેને એમને બોલવવા દાસી રવાના કરી છે."
"હમમમ.... કયાં છે રુક્મિણી?"
"આવતા જ હશે, એ પણ નેમકુમારની વાટ જોતાં જ બેઠા છે."
કૃષ્ણ મહારાજ પાછા ગંભીર થઈ ગયા, મનમાં ને મનમાં જ,
'આ નેમની મોહિની અપાર છે. આ સૌને એના માટે કેટલો સ્નેહભાવ ધરાવે છે.'
એટલામાં રુક્મિણીની આંગળી પકડી નાનો બાળક ચાલતો હોય એમ નેમકુમાર ત્યાં આવી પહોંચ્યા.
'મીઠો લાગે એવો કોઈ શામળો કિશોર હતો. જુવાની એના દેહના દ્વાર પર આવીને હજી બહાર જ ઊભી હતી.
કેડ પર કીમતી ઉપવસ્ત્ર હતું. સોનાનાં કંદોરા થી બાંધ્યું હતું. કિશોરની બંને બાજુઓમાં બાજુબંધ, ગળામાં હાર અને હાથમાં કડા પહેરેલા. પણ ઘરેણાં એનાથી એ શોભતો કે એનાથી ઘરેણાં શોભતા, એ એક ગહન પ્રશ્ન હતો. એના મસ્તક પર સુંદર વાળ અને એમાંથી સુંદર તેલની આવતી સુગંધ હતી.
કિશોરની આંખોમાં અજબ કરામત હતી. એનું જાદુ જાણે એમાં જ હતું, એ તેની એક ર્દષ્ટિથી અનેકને વશ કરી શકતો.
એ દ્રારકાના ગૌધણ જેવો ગૌરવશાળી અને ગિરનારના સિંહ જેવો પ્રતિભાશાળી લાગતો હતો, છતાંય નાચવામાં મોર જેવો, કૂદવામાં હરણ જેવો અને સ્વર તો તેનો કોયલ જેવો હતો. એને જોવો એટલે એનામાં ખોવાઈ જ જાવ -એવી કરામતવાળો આ કિશોર હતો. દરેકને એની સાથે રમવાનું કે ગેલ કરવાનું મન થઈ જાય.'
"બહેન, સાચવજો...."
સત્યભામાએ રુક્મિણીને ઉદ્શેની કહ્યું.
કૃષ્ણ મહારાજ તો ગંભીર જ હતા પણ નેમકુમાર તેમના હોઠ પરનું હાસ્ય પારખી ગયા.
"કેમ ભાઈ, બધા મને કેદ કરવાનાં છો કે શું? એક બાજુ વહાલી ભાભીઓ અને એક બાજુ મોટાભાઈ, વચ્ચે આ નાનેરો નેમ છે."
"નાથ.... હજી નેમકુમાર બાળક છે." સત્યભામાએ એની એ જ વાત કરી.
"આ બાળક છે? પણ જોર તો મારા કરતાં ચારગણું છે."
"પણ બુદ્ધિ તો બાળકની!"
"કોણ મને બુદ્ધિમાં બાળક કહે છે?... ભાભી"
કુમારે એકદમ જ સત્યભામાની નજીક જઈને કહ્યું કે,
"મને શું ધારો છો? જુઓ, હું મોટો થઈ ગયો છું."
"હું તો તમારા ભાઈને ક્રોધ શાંત થાય એ માટે કહું છું, દિયરજી..."
કુમારમાં ધીમે ધીમે હિંમત આવતી હતી.
"પણ ભાઈને ક્રોધ આવે એવું કશું જ મેં નથી કર્યું?"
"એમ આખી નગરી ધમધમી ગઈ, હાથીઓ ગભરાયા અને એના કરતાંય લોકો બિચારા ગભરાયા. તું કહે છે કે મેં કંઈ કર્યું નથી?"
કૃષ્ણ મહારાજે ગુસ્સામાં કહ્યું.
"પણ મેં કયાં એવું કરવા શંખ લીધો હતો? મને શી ખબર કે આટલી નાની વાતને લોકો આટલું મોટું સ્વરૂપ આપતા હશે?