(૭)
(શિવાદેવીને પોતાના પુત્ર નેમ માટે ચિંતા થાય છે અને એ તે પોતાના પતિ સમુદ્રવિજય રાજાને કહે છે. હવે આગળ....)
કળાઓથી ભરેલી હોય છે સ્ત્રીઓ, એમાં પણ અમુક જન્મજાત હોય છે. એમાંની એક,
'ભલે તે એકબીજા સાથે ગમે તેટલી લડે, પણ જયારે તે પોતાના પરિવાર પર કોઈ મુસીબત આવે તો તે એક થઈ જાય.'
બીજી,
'તે પોતાના પતિના મુખેથી જ તેમની ગમતી કે મનની વાત જ બોલાવી શકે.'
આવી જ કળા શિવાદેવીમાં પણ સ્વભાવિક રીતે હતી. એટલે જ એમને બધી ગોઠવણ કરી દીધી અને પછી પોતાના પતિને જણાવ્યું અને હા પણ કરાવી દીધી.
એ જ સમયે રથના પૈડાંનો અવાજ સાંભળ્યો,
"આવ્યા લાગે છે, તમે જાવ તો એ બંને આવી શકે."
શિવાદેવી બોલતા જ,
"હા ભાઈ હા, તમે તમારી ગોઠડી ચલાવો એ તમારો કારભાર. અમે અમારા કારભાર ચલાવીશું."
સ્નેહ નીતરતી આંખ સાથે રાજાએ પત્નીની વિદાય લીધી અને દાસીએ સત્યભામા અને રુક્મિણી આવ્યાના સમાચાર આપ્યા.
"અહીં લઈ આવ અને પછી એમના માટે ભોજન વિગેરેની વ્યવસ્થા કર."
"જી..."
થોડીવારમાં બંને ત્યાં આવ્યા તો શિવાદેવીએ,
"આવો.. આવો..."
"આજે એવું તે શું અગત્યનું કામ આવી પડયું?"
બંનેએ તેમને પગે લાગતાં કહ્યું.
"દીકરીઓ, કામ વગર કાકી ન જ બોલાવે, એમ માનો છો ને?"
"એમ નહીં કાકી, પણ સંદેશા પરથી એવું લાગેલું એટલે."
સત્યભામા બોલી અને રુક્મિણી ચૂપચાપ બેસી ગઈ.
"રુક્મિણી, તું સત્યભામા જેવી બોલકી કયારે થવાની? જયારે જુઓ ત્યારે શાંત, જાણે પોષ મહિનાનું પાણી. કૃષ્ણે તને બહુ દબાવી દીધી લાગે છે."
"એટલે જ કાકી, બહેન નથી બોલતા એટલે જ મારે વધારે બોલવું પડે છે."
સત્યભામા પોતાનો બચાવ કરતાં કહ્યું.
"વાહ ભાઈ વાહ, તમે બધાએ ભેગાં મળી મને મૂંગી બનાવવાનું કાવતરું કર્યું લાગે છે, પણ કારણ વિના શું બોલવું એ મને સમજાતું નથી. કદાચ તે મારી નિર્બળતા પણ હોય."
"ના, એ તો મોટો ગુણ છે. સાધારણ રીતે સ્ત્રીઓ માટે એક એવી માન્યતા છે કે વગર કારણે, વેળા કવેળાએ પણ સ્ત્રી બોલ્યે જ રાખે છે અને એ રીતે પોતાની જાતને હોશિયાર, મળતાવડી, આનંદી અને હસમુખી વિગેરે તેના વિશે બોલાય તેવું ઈચ્છે છે. અને તું તેવી નબળાઈ નથી બતાવતી..."
"એટલે અમે એવા છીએ, એમ તમે માનો છો ને?"
સત્યભામાએ બનાવટી રોષ સાથે કહ્યું.
"જો પાછું તને ખોટું લાગ્યું, રોષ આવ્યોને. સત્યભામા તારો આ રિસાળ સ્વભાવના ગયો. મારો કહેવાનો અર્થ તું ના સમજી શકી. એનો ગુણ બતાવ્યો એટલે તારો અવગુણ થોડો કહેવાય, એવું શું કામ માનવું?"
સત્યભામાની પીઠ પર હાથ ફેરવતા શિવાદેવી બોલ્યા અને ત્રણે જણા હસી પડ્યા.
દાસીએ આવીને પૂછ્યું કે,
"થાળ તૈયાર કરું?"
"ના, થોડી વાર પછી..."
તેના ગયા પછી કહે કે,
"જુઓ, આજે મેં તમને મારી એક મૂંઝવણ દૂર કરવા બોલાવ્યા છે. નેમને માટે કોઈ સારી અને સંપૂર્ણ રીતે યોગ્ય હોય એવી કન્યા શોધવાની છે."
"તે એ તમારા એકલાની મૂંઝવણ છે, એમ માનો છો કાકી?"
સત્યભામાએ પૂછયું.
"ના દીકરી, પણ મને થોડી વધારે ચિંતા થાય એ તો સ્વભાવિક છે ને."
"અમને પણ હવે ચિંતા થવા માંડી છે, રોજને રોજ એવી વાતો કરે છે કે આપણી ચિંતા ઘટવાના બદલે વધે."
"કૃષ્ણને કહેજોને કે એને જરા ઠેકાણે લાવે. યાદવકુળનો ઉધ્ધાર આ કૃષ્ણ, બલદેવ અને નેમની ત્રિપુટીના હાથમાં હોય તેમ લાગે છે."
"અમને સૌને એની ખાતરી થઈ ગયો છે, પણ નેમ તો એવી નવાઈભરી વાતો સંભળાવે છે કે ક્ષણભર તો આપણે પણ એમની વાતો માનતા થઈ જઈએ."
રુક્મિણી બોલી તો શિવાદેવીને મનમાં ને મનમાં ગૌરવ થયું.
"અને કાલે જ મને કહેતા હતા કે 'આ લોકો શું નકામા યુધ્ધે ચડતા હશે, આ લશ્કર શા માટે? અને આ શસ્ત્રો પણ શા માટે? આ પ્રજાની માલની ખરાબી કેટલી થાય, એમને કેટલી તકલીફો પડે? જેને વેર હોય તે સામસામા આવી જાય, એ હારે અને એ જીતે એટલે બસ પત્યું. આજની લડાઈઓ તો બ્રહ્માંડને ચકડોળે ચઢાવ્યું છે. આવી જાય ને કોઈ મારી સામે, એક જ હાથે એને પરાજિત કરીને જિંદગીમાં લડવાનું નામ ભુલાવી દઉં.' આવી ગાંડીઘેલી વાતો, પાયા વિનાની અને મેળ વિનાની વાતો કર્યા જ કરે છે."
"જેને ઘરમાં લડનાર ના મળે એટલે એ બહાર જઈ લડનાર શોધે. કાકી, હવે નેમને કોઈ લડનારની જરૂર ઊભી થઈ છે એમ લાગે છે. જે એમને હરાવે અને એમની તરંગી વાતોમાં રસ લે."
સત્યભામા બોલી,
"તો હવે એ સાથીદાર શોધી લાવવાનું કામ તમારું, એના લગ્ન જીવનનો આરંભ થશે એટલે આપોઆપ આ બધા નખરાં એમના એમ જ રહી જશે."
"હા... એ વાત તો છે આજ સુધી અમે કાન પકડયો, હવે કોઈ બીજું કાન પકડે એવું લાવવું જોઈએ."
સત્યભામાએ ઉત્સાહથી કહ્યું તો શિવાદેવી બોલ્યા કે,
"તું આવનારીને પતિના કાન પકડાવાનું બરાબર શીખવી દેજે, એ તને વધારે ફાવશે."
જયારે રુક્મિણી કોઈ જુદા વિચારમાં હોય એમ ખોવાઈ ગઈ. તેના મનમાં હમણાં જ નેમ કરેલું તોફાન યાદ આવી ગયું.
તોફાન... પણ કેવું? એકદમ મીઠું લાગે એવું, વારેઘડીએ યાદ કરવાનું મન થાય એવું.
તોફાન... પણ કેવું? જેમાં આખી દ્રારકા નગરીમાં ઊંચા આવાસો એકવાર તો ડોલી ઉઠયા. મદઝરતા હાથીઓ ભયમાં ખીલેથી છૂટવા પ્રયત્ન કરવા લાગ્યા અને પંચકલ્યાણી અશ્વો તો ખીલેથી છૂટવા પ્રયત્ન કરવા લાગ્યા.
જાણે શાંત ધરતી પર ભૂકંપનો ગડગડાટ સંભળાય એવો કોઈ ક અવાજ દિશાઓને જીવંત કરીને વહી રહ્યો હતો.
અને અવાજ પણ કેવો? ગાયોએ ચારો મૂકી દીધો.
સ્વર પણ કેવો? ટહુકતો મોર ભયમાં ડોક નીચે નાંખી દીધી.
એક ભયંકર સ્વરનાદ ગુંજી રહ્યો હતો, જાણે મેરુશિખર પાછળથી કોઈ ભયંકર ઝંઝાવાત આવી ના રહ્યો હોય. એની આગાહી કરતો આ સ્વરનાદ છે.
વનમાં વનકેસરી તાડુકા દેતો હોય તેવો નાદ... બાળકો રડતા છાના રહી ગયા. યોધ્ધાઓના હાથમાંથી શસ્ત્રો સરી ગયા. યાદવકુળના મહાન યોધ્ધાઓ હથિયાર વિગેરે તપાસ કરવા દોડયા.
આખી નગરી ઉપર નીચે થઈ ગઈ. સમગ્ર નાગરિકગણ દ્રિધામાં પડી ગયા, અચાનક યુધ્ધ... એકાએક કયાંથી આવ્યું. આ તો મહારથી કૃષ્ણનો પાંચજન્ય શંખનો સ્વરનાદ... આમ અકાળે કૃષ્ણ મહારાજે કેમ શંખ ફૂંકયો? શું કોઈ ભયાનક યુધ્ધ આવી ગયું કે શું?