(૬)
(રાજુલ પોતાના હ્દયસ્વામી કયાં? પ્રશ્ન મનમાં રમ્યા કરે છે અને શિવાદેવી ભૂતકાળ વિશે વિચારે છે. હવે આગળ...)
સ્વભાવ એ દરેક વ્યકિતના અલગ અલગ હોય છે, એ દરેક સમયે અને દરેક કાળમાં પણ. અને એ જ દુનિયામાં દરેકને એકબીજાથી અલગ પાડે છે.
શિવાદેવી વિચારી રહ્યા હતા કે કૃષ્ણ, બળદેવ અને નેમકુમારની ત્રિપુટી હતી. નેમકુમાર એટલે રાજા સમુદ્રવિજય અને મારો પુત્ર.
કૃષ્ણ રાજકાજમાં હોશિયાર. નેમ આમ તો ઘણો બળવાન, પણ નાનપણથી જ નેમ અલગારી નીકળ્યો.
બળ એનામાં ઘણું છે પણ તે કહે - શરીરનું બળ નકામું, આત્માનું બળ સાચું.
રૂપ ઘણું પણ એ કહે - માણસના દેહનું રૂપ તો પતંગ જેવું, સાચું રૂપ તો અંતરનું. જેના અંતરમાં સત્ય અને પ્રેમ વસે એ રૂપાળો.
રાજપાટની વાત નીકળે ત્યારે કહે - આવા ક્ષણિક રાજય શું કામનું? રાજ તો હંમેશા ટકે તેવું હોવું જોઈએ, અને એ છે પ્રેમનું અને ચારિત્ર્યનું રાજ.
આમ નેમ આડીઅવળી વાતો કરે એટલે જ મને તેની ઘણી ચિંતા રહ્યા કરે છે. પણ બસ હવે, નેમને તો સાચો રસ્તે લાવો જ પડશે. આ શું જેમ તેમ બોલ બોલ કરવાનું. તેને પરણાવું અને ઘરબારી કરીને રાજ કારભારમાં જ ગૂંથવો છે.
પણ નેમને નાથે, નેમને નચાવે એવી કન્યા લાવવી કયાંથી? જોડ તો બરાબર મેળવવી જોઈએ. રૂપમાં તો કદાચ જોડ મળી જશે, પણ મારો નેમ વિચિત્ર અને એના તરંગોને નાથવા માટે કોઈ જબરી છોકરી જ જોઈએ. નહીંતર જો તે ઢીલીપોચી છોકરી હશે તો તે રડી રડીને મરી જાય.
આજે તો મારે સત્યભામા વિગેરેને બોલાવીને ચોખ્ખી સૂચના આપવી પડશે કે, 'નેમને ખોટા લાડ લડાવી, માથે ના ચઢાવો અને એની હા એ હા ના કરો. બને એટલી જલદી કોઈ કુંવરી શોધીને દિયરને પરણાવો.'
જયારે જુઓ ત્યારે નેમને એક જ આવડે છે -ગિરિશૃંગો પર ફરતા, લાંબા લાંબા વિચારો કરતા અને વળી બહુ તાનમાં આવે તો વીણા વગાડતા. કૃષ્ણ જેવો રાજ કારભારમાં કુશળ ભાઈ છે, એની પાસેથી રાજકાજ નથી શીખવું? આવું કયાં સુધી ચાલે?'
એટલામાં પાછળથી કોઈએ આવીને તેમની આંખો દબાવી. પતિનો સ્પર્શ ઓળખતાં પત્નીને વાર ના લાગે! પતિનો સ્પર્શ ઓળખીને શિવાદેવી પહેલાં ચમકયાં અને ચમકયાં પછી મલકાયાં.
"તમે પણ શું.... હજી નાના છોકરાની માફક ઘેલાં કાઢો છો?"
પતિનો હાથ પકડી હસતી આંખે બોલ્યા.
"પણ આપણે ઘરડા કયાં થઈ ગયા છીએ?"
રાજા સમુદ્રવિજયે પણ સામે કહ્યું.
"હવે તો છોકરો પરણવા જેવડો થયો."
"પણ છોકરો પરણવા જેવડો થાય એટલે કંઈ આપણે પરણેલા મટી નથી જતાં."
"લો રાખો હવે, મને શરમ આવે છે."
"વાણીમાં આવતી હશે દેવી, બાકી આંખોમાં તો... શરમના બદલે મસ્તી દેખાય છે."
"તો પછી તમારી ભૂલ થાય છે, મારી આંખોમાં ચિંતા છે."
"ચિંતા... શાની? શિવારાણીને ચિંતા શાની હોય?"
"ઘણી હોય સમજયા."
"બોલો એટલી જ વાર, ઘડીના છઠ્ઠા ભાગમાં એને દૂર કરી દઉં."
"અંતરની ચિંતા એમ નહીં નીકળે, નાથ...." શિવાદેવી ગંભીર થઈને કહ્યું તો સમુદ્રવિજય પણ તેમની વિમાસણ અનુભવી રહ્યા.
"જુઓ ને નેમ જન્મયો ત્યારથી જ જાણે કંઈક અજબ ભાવિના ભણકારા મને સંભળાયા કરે છે. એ છોકરો કંઈ નવાજુની કરવાનો. કાલે બાકી હતું તે પાછો શંખ વગાડી આવ્યો. હું કહું છું કે એ હાથમાં રહેવાનો નથી."
અને શિવાદેવીના આંખમાં થોડા આસુંડા દેખાયા.
"તને એના માટે અભિમાન નથી થતું."
"થાય છે... પણ સાથે ભય પણ એટલો જ લાગે છે."
"શાનો ભય?"
"એ જ કે એનું શું થશે? ધરતી. એના આટલા બધા પરાક્રમનો ભાર ન ઝીલી શકે તો.... એની અસાધારણ પ્રતિભા માટે એને વેઠવું તો નહીં પડે ને?"
"રાણી તમે પણ ઠીક આડે પાટે ચડી ગયા. લાગો છો, એ તો કુળ અજવાળવા પેદા થયો છે. એના માટે આવી બીક..."
"હું જાણું છું, પણ કુળ અજવાળનારનાં જીવન સરળ પણ નથી હોતા ને.... સમજયા."
"હમમ.... "
રાજા સમુદ્રવિજય વિચારમાં પડી ગયા. આખરે અકળાઈને તેમને પૂછ્યું કે,
"તો પછી તમારે કરવું છે શું?"
"મારે એના ચિત્તને ઠેકાણે લાવે.અને થોડો. વ્યવહારકુશળ બનાવે એવી વહુ લાવવી છે."
"આખરે તમે સ્ત્રીબુધ્ધિ બતાવી ખરી, છોકરો જન્મે ત્યારથી જ વહુ લાવવાની ગણતરી કરે
એ જ સાચી મા, ખરું ને?"
રાજા એ હસતાં હસતાં કહ્યું.
"મશ્કરી કરો, તો પણ હું આજે મારી વાત નથી છોડવાની... અને તમારે પણ મારી વાત અને નિર્ણયમાં સાથ આપવો જ પડશે."
"વિચાર કરવાની ના નથી કે સાથ આપવાની પણ ના નથી. પણ મને ચિંતા કરવાની જરૂર નથી લાગતી. કુદરતે આટલો સુંદર, બુદ્ધિમાન અને તેજસ્વી પુત્ર આપ્યો છે તો એવી પુત્રવધૂ નહીં આપે?"
"તમારી શ્રદ્ધા પણ ગજબ છે."
મહેલની અટારીમાં ઊભા ઊભા બંને આકાશભણી જોઈ રહ્યા હતા. રાજા સમુદ્રવિજય મનમાં,
"મને તો મુનિરાજે કહ્યું હતું કે બાવીસમાં તીથઁકર પરણશે જ નહીં. શિવાદેવીને નેમ વખતે આવેલ ચૌદ સ્વપ્ન પણ એમ જ સૂચવતા હતા કે તે તીથઁકર કે ચક્રવર્તી છે. શું તે ખબર નથી...
અને આ નેમની માતા તેને પરણાવવા માંગે છે. ખબર નથી કે નેમનું ભાવિ શું, તીથઁકર કે ચક્રવર્તી....?"
ત્યાં જ શિવાદેવી બોલ્યા કે,
"જુઓ ને, ચારે બાજુ નંદનવન કેવું લાગે છે. વૃક્ષો પણ પુષ્પો અને ફળોથી લચી પડયા છે. હવે તો મને પણ એમ ના થાય કે આપણી કુળવેલ કયારે ફૂલે અને કયારે ફળે?"
રાજાએ પોતાના વિચાર ખંખેરીને કહ્યું કે,
"પણ ના કોણે પાડી? તમારા પુત્રને દેવકુમાર બનીને ખેલી શકે એવી વ્યવસ્થા કરી દઉં. કહી દઉં કૃષ્ણને કે આને પણ તારી સાથે લઈ જા."
"હું પણ એ જ વિચારમાં છું અને એટલા માટે જ મેં આજે રુક્મિણી અને સત્યભામાને મને મળી જવાનો સંદેશો પણ કહેવડાવ્યો છે."
"આ પણ સ્ત્રીની નવી કળા- પોતાની ઈચ્છા પ્રમાણે બધી ગોઠવણ કરે અને બતાવે એવું કે પોતે બધું પતિની આજ્ઞા પ્રમાણે કરે છે."
"પણ એ કળા શીખવનાર તમે પુરુષો જ ને...."