(ભાગ - ૬)
આજે રવિવારની રજા હતી, ગરિમા સવારથી વ્યોમેશનાં ઘરે આવી હતી. ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ આર્યા પ્લેટમાં પીરસી રહી હતી. ગરિમા મીઠી કડક ચાઈ સાથે હાજર થઈ. ચારે જણાં વાતો કરતા નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા. પરમને ગરિમાનું સવારથી આવવું અને એ રજાના દિવસે ઘરે હોય ત્યારે આવવું વિશેષ કઠ્યું. પપ્પાની તબિયતને કારણે કશું બોલતો નહીં પણ બિલકુલ એને ગમતું નહતું. પપ્પાને લીધે ચલાવતો એ ખુશ રહે છે ને !!!
આર્યાની વાત યાદ આવતી, પાપાજીની ખુશી ગરિમા આંટીમાં સમાયેલી છે, તું સ્વીકાર કર એમનો, મારે સમય જોઈશે એવું પરમ કહેતો. વાતો કરતો ગરિમા સાથે પણ કામ પૂરતી જ, ગરિમા એની સાથે પ્રેમથી જ બોલતી, એના વર્તનમાં અને વાણીમાં પ્રેમ જ રહેતો. પરમ મહેસૂસ કરતો પણ દિલ હજી માનતું નહતું.
નાસ્તો કરતાં વ્યોમેશને ખાંસી આવવા લાગી, આર્યા જલદી પાણી લેવાં કિચનમાં દોડી, પાણી લઇને આવતાં આર્યાને આંખે અંધારા આવી ગયા. ગ્લાસમાંથી પાણી છલકાઈ ગયું. ધબ દઈને ખુરશીમાં ફસડાઈ પડી. પરમ તરત ઊભો થયો ને આર્યાને પકડી, ઓચિંતું શું થયું એને, કોઈની સમજમાં નાં આવ્યું, ખુદ આર્યાને પણ, ત્યાંજ એને જોરદાર ઉબકો આવ્યો ને એક હાથે મોઢું દબાવી, બીજા હાથે પવનનો હાથ પકડી વોશરૂમમાં દોડી.
વ્યોમેશની ખાંસી ગાયબ થઈ ગઇ, નવી સમસ્યા આવી, ક્યારેય આર્યાને આવો પ્રોબ્લેમ થયો નથી તો આ શું થયું આજે ??
ગરિમા પર નજર પડતાં એ હસતી હતી, કેમ હસે છે ? મારી દીકરીને ચક્કર ને વોમિટીંગ થાય છે, તને હસવું આવે છે ?
હા, હું હસું છું. મારી અનુભવી આંખો કહે છે, ખુશીયો દસ્તક દઈ રહી છે, પા પા પગલીનો પાડનાર છડી પોકારી રહ્યો છે, વ્યોમેશ તમે દાદા બનશો એમ કરીને આલિંગન આપે છે.
પરમ ત્યાં આર્યાને લઇને આવે છે, કહે છે હું ડોકટર પાસે લઈ જવું છું.. અરે !! આર્યા સ્વસ્થ છે, ગરિમા બોલી, પવન એક કામ કર પહેલાં મેડિકલ સ્ટોરમાં જઇ પ્રેગનન્સી ટેસ્ટની કીટ લઇ આવ. આર્યા અને પરમ એકબીજાની સામે જોઈ રહ્યા, ગરિમાની વાત સાંભળીને થોડા શરમાઈ ગયા અને આનંદમાં જ પરમે, આર્યાને મોટું હગ આપ્યું સાથે ચુંબનો.
ગરિમાની વાત સાચી પડી, પરમતો આનંદના અતિરેકમાં પોતાના વ્હાલા પાપાને ભેટ્યો, હરખનાં આંસુ આવ્યાં બંનેને, દીકરા તું પણ બાપ બની ગયો, હું દાદા !! મસ્તીમાં આવીને ગરિમાને પણ પરમે વ્હાલ કર્યું, એ જોઇને બધાંની ખુશી બમણી થઈ. પગલી પાડનારે તો આવતાંમાંજ ખુશીઓ વહેચવાનું ચાલુ કરી દીધું.
પરમને આજ્ઞા કે ઉપદેશ આપીને ગરિમાને અપનાવવાનું કહેત તો ન માનતો, પણ પ્રેમ કરતી રહી ગરિમા ને પરમ એમાં ભીંજાયો. ભીંજાવાનું પણ દરેકનાં નસીબમાં નથી હોતું, અમુક તો કોરા જ રહી જાય છે.
સદા જ્યાં ખુશી રહેતી હોય, વહેંચાતી હોય, ત્યાં પ્રેમનો વરસાદ અવિરત વરસતો જ રહે છે..
જીવનનાં સંગીતમાં પ્રેમની બુંદો લય બને છે. રવ બનીને મીઠો ઝંકાર કરે છે. જીવનની ક્ષણોને માણવા આનંદથી તરબોળ કરે છે. જીવનમાં પ્રેમનું સંગીત ગુંજતું રહે છે.
મસ્તીનો પળો વહી રહી હોય છે, ત્યાં ગરિમાનાં મોબાઈલ પર નંબર ફ્લેશ થાય છે ?
(ભાગ --૭ )
ગરિમાનાં મોબાઈલ પર નંબર એનાં જેઠજીનો ફ્લેશ થઇ રહ્યો હતો. બધાંની નજર ત્યાંજ હતીને ગરિમાએ ધીરેથી આશંકા સાથે ફોન ઉઠાવ્યો. મોટાભાઈ પ્રણામ કહેતા, સાથે જ મોટાભાઈનો અવાઝ ભારે થયોને બોલ્યા..
ક્યાં છો તમે ? હું અને તારા ભાભી સ્નેહ સાંકળ ધામમાં મળવા આવ્યા છીએ.
અરે !!! મોટાભાઈ કામ હતું તો મને કહેવું હતું હું આવી જાત.
હા, તમને હવે સમય જ ક્યાં છે ? ફેમિલીને મળવા માટે. તમે તો હવે પ્રેમમાં પડ્યા છોને ? એ જ દુનિયામાં જીવો. મને તારા ખબર મળતાં રહે છે, તું એમ નાં માનીશ કે અમે તારું ધ્યાન રાખતાં નથી. સમાજ અમને કહી રહ્યો છે ગરિમાએ આ ઉંમરે શું માંડ્યું છે ? દીકરાની પ્રેમ કરવાની ઉમર છે નહિ કે ગરિમાની, મારે શું જવાબ આપવો બોલ ?
ગરિમાની આંખો ભીની થઈ ગઈ વાતો સાંભળીને,
કંઇક દિલને વ્યથા થાય એવી વાત ચાલી રહી છે એવું વ્યોમેશને સમજાઈ ગયું. વ્યોમેશે આંખના ઇશારાથી આર્યા અને પરમને જવા કહ્યું. આર્યા તો કિચન સાફ કરવાનું કરીને ગઇ સાથે પરમે કહ્યું હવે મારે તને મદદ કરવી પડશેને તો ચાલ આજથી જ શુભ શરૂઆત કરું એમ કહી વાતાવરણ હલકું કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
કોનો ફોન હતો ? ક્યા મોટાભાઈ હતા ? શું કહ્યું એવું ? કેટલાં પ્રશ્નો પૂછી લીધા વ્યોમેશે. ગરિમાએ કહ્યું તમે આરામ કરો, હું નીકળું છું, તમારે અત્યારે જાણવાની કોઈ જરૂરત નથી.
વ્યોમેશે કહ્યું કેમ નથી ? તારું દુઃખ એ હવે મારું દુઃખ છે. આપણે દરેકમાં સહભાગી છે. હવે તું મારી છે એટલો હકક તો મને છે જાણવાનો.
મોટાભાઈએ કરેલી વાત કરી અને ગરિમાએ કહ્યું હું એમને મળીને કહીશ કે તમે વિધુર થયા હતાં તો તમે કેમ ફરી રીમેરેજ કર્યા ? પુરુષ પ્રેમ કરી શકે, રિમેરેજ કરી શકે ? તો સામે એક સ્ત્રી જ છે ને. ઘરની સ્ત્રીની વાત આવે ત્યારે સમાજ યાદ આવે, શું કહેશે સમાજ ? સંઘર્ષ ભર્યા દિવસો કેમ કરીને પસાર કરે છે એક વિધવા, એ લોકો શું જાણે ? રાતોની રાતો રુદનમાં વિતાવી હોય, સવારે શું થશે ની હમેંશા ડર, કોણ કેવા વેણ બોલી જસે જે એક ઘા ને બે કટકા જેવા હોય. કેમ કરીને મે દસ વર્ષ વિતાવ્યા છે મારો આત્મા જાણે છે. દીકરાના કારણે હું જીવી ગઇ બાકી પોતાનું માણસ જાય એટલે બધાનાં વ્યવહાર બદલાતા જોયા છે મેં.
અડીખમ ઊભી રહીને મે ટક્કર આપી છે આજ સુધી. મે તને પ્રેમ કર્યો, થઈ ગયો પ્રેમ, પૂછીને થોડો થાય પ્રેમ, એ મારો આત્મા જાણે છે. મને તારી લાગણી, હુંફ, તારી કેર, તારું મૃદુ વર્તન, તારો પ્રેમ ખેચી લાવ્યો નજદીક, ક્યારે હૈયામાં વ્હાલમ બની રહી ગયો તું, મને શરીરની લાલશા નથી .તારો સાથ જ અગત્યનો છે બાકીનું જીવન જીવવા માટે, તો શાં માટે હું મોટાભાઈ કે કોઈનાથી ડરું.
હજી હાથમાં હાથ રાખીને ડગ ભર્યા ત્યાં શંકાઓનાં ચક્રવાતના વંટોળ ઉમટ્યા. લાંબી મંજિલ કાપવાની છે બધાંની વચ્ચેથી. હજી આપણે આગળ શું કરવું છે વિચાર્યું નથી ત્યાં રોડા આવવાનાં ચાલુ થઈ ગયા.
ગુસ્સો તો મને બહુ આવે છે ક્યારેક પણ લોકોને મન તમાશો બને છે એટલે મે ગુસ્સો પીવાનું ચાલુ કર્યું છે. મન શાંત રાખું છું જેથી હું મારું ધાર્યું કરી શકું.
વ્યોમેશ તમે હમેંશા સાથ આપશોને ? એમ કરતાં તો આંસુઓ આખરે બંધની પાળ તોડીને વહી આવવા મજબૂર થયા, સૈલાબ આવ્યો જાણે !!!
ગરીમાને ક્યારેય આટલી હારેલી જોઈ નહતી, વ્યોમેશ એના માથે હાથ ફેરવતો રહ્યો ગળે લગાવીને, એની આંખો પણ નમ બની હતી, પોતાનાં પ્રેમને મજબૂર જોઇને, પણ હાલાત જ એવા થયા હતા. મનભરીને રડવા દીધી જ્યાં સુધી દિલ હલકું નાં થયું, કેટલા વખતથી આંસુઓનો સમંદર ભરેલો હતો આજે અચાનક ઉલેચાયો.
આર્યા પાણી લઈને આવી, એનાથી નાં રહેવાયું ગરિમાને આવી હાલતમાં જોઇને તો એ પણ ભેટી પડી. પરમને બધાં પર વ્હાલ આવી ગયું તો એ પણ જોડાયો.
ગરિમાને તો જાણે લાગણી અને હૂંફનો ખજાનો ખુલ્યો. પ્રેમનાં દરવાજા ખુલી ગયા, વરસાદી બુંદોની જેમ અણમોલ મોતીઓ મળ્યા. દરેકનાં મન પ્રેમમાં ભીંજાયા.
પરમે કહ્યું આંટી તમે કોઈ વાતથી પરેશાન થશો નહી, અમે બધાં તમારી સાથે છે આજથી હું તમારો પણ દીકરો મનનની જેમ. ચારે જણાં ફરી એકબીજાની ઉષ્મામાં પલળ્યા. જાદુની ઝપ્પી હોય જ એવી, એક અહેસાસ આપે, લાગણી, હુંફ અને પ્રેમની. તમે જિંદગી જીતી જાવ તેના થકી. જે જાદુ કરી જાય કમાલની.
ચાલો લાવો હું જ ફોન કરીને વાત કરું છું એમ કહીને પરમે ફોન લગાવ્યો.
(તો પરમ શું કહેશે ફોનમાં, ખરેખર કોને કર્યો હસે... મિત્રો તમે શું કહેશો...)
ક્રમશ :...
""અમી ""