Ayana - 25 in Gujarati Love Stories by Heer books and stories PDF | અયાના - (ભાગ 25)

The Author
Featured Books
Categories
Share

અયાના - (ભાગ 25)

' એક મિનિટ , અગત્સ્ય પાસે ક્રિશય નો નંબર કંઈ રીતે હોય ? અને શું ક્રિશય એને ઓળખે છે...જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધીમાં ક્રિશય અને અગત્સ્ય વચ્ચે ક્યારેય મુલાકાત થઈ જ નથી...તો પછી આ નંબર....'

'"ક્યાં ખોવાઈ ગઈ ...." ડાઇનિંગ ટેબલ ઉપરથી એક પછી એક એમ બધા વાસણ એના મમ્મી રસોડામાં મૂકી આવ્યા ત્યાં સુધી અયાના ધીમે ધીમે બડબડ કરીને એકલી એકલી બોલી રહી હતી ત્યારે કુમૂદે એના માથા ઉપર ટપલી મારીને કહ્યું...અને ફરી રસોડામાં જતા રહ્યા...

અયાના એની પાછળ પાછળ રસોડામાં આવી અને બોલી...

" નંબર ક્રિશય પાસે છે...?"

આ સાંભળીને એના મમ્મી હસવા લાગ્યા...

"પહેલા પૂરી વાત તો સમજાય ને..."

"પૂરી વાત ..?"

"હા , મે તને કીધું નહતું કે કોલ આવ્યો છે એમ ...પૂછ્યું હતું...આવ્યો કે નહિ એમ..."

"ઓહ, તો શું મારે એનો કોલ આવાનો હતો...?"

" હા, તમે જે કેમ્પમાં ગયા હતા ત્યાંથી કાલે સાંજે તારા પપ્પા ઉપર કોઈકનો કોલ આવેલો એણે કહ્યું કે કોઈક અગત્સ્ય નામના પેશન્ટ ને અહીંયા શિફ્ટ કરવાનો છે ...."

એટલું સાંભળતા જ અયાના ના ચહેરા ઉપર નિખાલસતા છલકવા લાગી...પરંતુ એનાથી અજાણ કુમુદ નું બોલવાનું ચાલુ જ હતું ....

"....અને એ પેશન્ટ અહીંયા શિફ્ટ થતાં પહેલા તારી સાથે વાત કરવા માંગતો હતો...એટલે તારા પપ્પા એ તારો નંબર એને આપી દીધો હતો..."

"તો કોલ આવ્યો કેમ નહીં...?"

"એનું માનસિક સંતુલન ગુમાવી દીધું હોય તો એને થોડી યાદ રહે એ તો વાતથી ફરી પણ જાય...."

" અગત્સ્ય નું માનસિક સંતુલન એકદમ બરોબર છે..."

" તો એને શું બીમારી છે...."

" એની પ્રેમિકા મૂકીને જતી રહી એટલે થોડી ઊંડી અસર થઈ છે...."

"અત્યારના યુવાન પોતાની પ્રેમિકા પાછળ પાગલ પણ થઈ જાય..."

" ના મમ્મી એને તો પ્રેમમાં પાગલ કહેવાય...તું નહિ સમજેગી..."

" હા તું બહુ સમજે છે ને..."

બંને મા - દીકરી હસી પડી...

" એમ તો એ સારો છોકરો છે....બસ થોડી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો સાજો થઈ જાય એમ છે ..."

" બિચારા ને શોર્ટ સર્કિટ આપીને સાજો સારો કરે એની કરતા એમ જ રહેવા દેવાય..."

" ના મમ્મી આવા પેશન્ટ ને શોર્ટ સર્કિટ ની નહિ પરંતુ પ્રેમ ની જરૂર હોય છે , એક મિત્ર ની જરૂર હોય છે જે આખો દિવસ એની સાથે રહીને વાતો કરે ...આવા પેશન્ટ જલ્દી સારા થઈ જાય છે ...મે અગત્સ્ય ને જોયો ત્યારે જ મને વિચાર આવી ગયો હતો કે આની સારવાર તો હું જ કરીશ ...અને આજે મને ખબર પડે છે એ અહીંયા શિફ્ટ થવાનો છે ....વાઉ મમ્મી આઇ એમ સો હેપ્પી..." પોતાની મમ્મી ને ગળે વળગીને અયાના બોલી રહી હતી એ ખૂબ ખુશ દેખાતી હતી...અચાનક એને યાદ આવ્યું એના મમ્મી એ ક્રિશય નું નામ આપ્યું હતું...

"એક મિનિટ, તે તો કહ્યું હતું નંબર ક્રિશય પાસે છે..."

"તારા પપ્પા તો ત્યાંથી આવી ગયા હતા ત્યારે ત્યાં ક્રિશય જ બધું સંભળાતો હતો એટલે એ બધાના નંબર ક્રિશય પાસે છે એવું તારા પપ્પા એ કહ્યું હતું એટલે મને એવું લાગ્યું કે ક્રિશય પાસે અગત્સ્ય ની સારવાર કરવા વાળાનો નંબર હશે..."

' એની પાસેથી નથી લેવો નંબર ....અગત્સ્ય નો કોલ તો આવશે જ મારા માં આજે નહિ તો કાલે ...' મનમાં વિચારતી અયાના ત્યાંથી પોતાની રૂમ તરફ ચાલવા લાગી...

"આ વાસણ ધોવાના છે...."

" હા એ તો હું ભૂલી જ ગઈ ..." દાદર પાસે પહોંચી ગયેલી અયાના રસોડા તરફ આવી....

હોસ્પિટલમાંથી નીકળીને સમીરા ઘરે પહોંચી... અયાના ને મળ્યા બાદ કામના કારણે એ ક્રિશય ને મળી જ નહતી...

પરંતુ અયાના પાસેથી ક્રિશય વિશે અમુક માહિતી જાણીને સમીરા ને ઘણું જાણવા મળ્યું હતું ...
અત્યારે સુતા સુતા સમીરા હોસ્પિટલમાં અયાના એ કહ્યું હતું એ યાદ કરી રહી હતી....

*
"તે ક્રિશય ને ક્યારેય જણાવ્યું કેમ નહિ કે તું એને પ્રેમ કરે છે....

" હા એ વાત સાચી છે હું એને પ્રેમ કરું છું પણ એ વાત પણ ખોટી નથી કે એ મને પ્રેમ નથી કરતો...મારા પ્રેમ ની કહાની જો એને ખબર પડી જાય તો કદાચ અમારી મિત્રતા પણ ઓછી થઈ જાય...."

" એવું પણ થઈ શકે કે એ તને પ્રેમ કરવા લાગે..."

" હા એક છોકરી જ્યારે સામેથી કહે કે એ એને પ્રેમ કરે છે તો એ છોકરો જો કોઈ બીજાના પ્રેમમાં ન હોય તો એ જલ્દી પેલી છોકરીના પ્રેમમાં પડી શકે ...."

"તો અત્યારે તને એવું લાગે છે કે મારા આવ્યા બાદ હવે આ વાતની ખબર ક્રિશય ને પડે તો એ તને પ્રેમ ન કરે અને તમારી મિત્રતા..."

" ના સમીરા....પ્રેમનું બંધન ત્યાંજ બંધાય શકે જ્યાં બંને તરફથી પ્રેમ હોય....મારી કહાની માં પ્રેમ મારા તરફથી જ છે પરંતુ તારી કહાનીમાં પ્રેમ બંને તરફથી છે..."

સમીરા ખૂબ શાંતિથી અયાના ને સાંભળી રહી હતી...

" અમુક જોડી આપણે બનાવીએ છીએ પરંતુ અમુક જોડી તો ઉપરથી જ બનીને આવે છે ... ક્રિશય ની જોડી પણ જે રીતે નસીબના લેખ લખ્યા હશે એમ જ બનશે....અત્યારે આપણે બંને ક્રિશય ને પ્રેમ કરીએ છીએ પરંતુ ક્રિશય તો તને જ પ્રેમ કરે છે અને એ હું સ્વીકારવા તૈયાર છું....બસ આ વાતની જાણ ક્યારેય ક્રિશય ને નહિ થવા દેતી ... ક્રિશય મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને પ્રેમ ના કારણે હું એને ખોવા નથી માંગતી...."

અયાના જે બોલી રહી હતી એ એના ચહેરા ઉપરથી દેખાઈ આવતું હતું કે આ છોકરી કેટલી સત્યવાન છે...સમીરા કરતા પણ એ નાની હતી પરંતુ એની સમજશક્તિ ખૂબ જ વધારે હતી...

અયાના ના શબ્દો સાંભળીને સમીરા એને ભેટી પડી...

"અમારી મુલાકાત તો લડાઈ થી શરૂ થઈ હતી ક્રિશય સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એની મને જાણ જ નહતી રહી...જો આ વાત મને પહેલા ખબર હોત તો હું ક્યારેય તમારી વચ્ચે...."રડતાં રડતાં સમીરા બોલતી હતી...ત્યાં એની વાત પૂરી થાય એ પહેલા અયાના બોલી ઉઠી ...

" જે પ્રેમ લડાઈથી ચાલુ થાય છે એ તો ક્યારેય પણ પૂરો નથી થતો ...અને ક્રિશય તો તારો જ છે....અને તારો જ...રહેશે..." છેલ્લું વાક્ય બોલતા બોલતા અયાના એ આંખો બંધ કરી દીધી અને એની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું....

ત્યારબાદ બંનેએ ઘણા સમય સુધી બેસીને વાતો કરી....બધી વાતનો ટોપિક ક્રિશય જ રહ્યો હતો ...

ક્રિશય ને શું પસંદ છે શું પસંદ નથી એ બધું અયાના એ સમીરા ને જણાવ્યું ....
ક્રિશય વિશેની નાની નાની માહિતી પણ અયાના એ સમીરાને કહી હતી....

*

અત્યારે બેડ ઉપર સુતા સુતા જ્યારે સમીરા આ બધું યાદ કરતી હતી ત્યારે એને અચાનક ખ્યાલ આવ્યો કે ...
' અયાના ને ક્રિશય વિશે બધી જાણકારી છે એ એને ખૂબ જ પ્રેમ કરતી હશે પરંતુ આ રીતે પોતાના પ્રેમ ને બીજાને સોંપી દેવો એ પણ કંઈ નાની વાત ન કહેવાય....'
' શું ક્રિશયે ક્યારેય પણ અયાના ને પ્રેમ નથી કર્યો...'
' શું ક્યારેય પણ ક્રિશય ને અયાના ના પ્રેમ વિશે જાણ નહિ થઈ હોય '
' શું ક્રિશય પણ અયાના વિશે બધુ જાણતો હશે...' આ વિચાર હવે સમીરા ના મગજમાં સવાલ બનીને ઊભો રહી ગયો...
બધા વિચારને ખંખેરીને એણે આંખો બંધ કરી દીધી...

બે મિનિટ બાદ ફરી આંખો ખોલીને સમીરા બેઠી થઇ અને બોલી ઉઠી ...

' કદાચ એવું પણ હોય શકે કે ક્રિશય પણ અયાના ને પ્રેમ કરતો હોય પરંતુ એ વાતની ખબર પોતાને જ ન હોય....'

(ક્રમશઃ)