નોવોટેલ હોટલ, અમદાવાદ
હોટલમાં પ્રવેશતાં જ જમણી તરફ ગોળ અને લંબચોરસ ટેબલોની ગોઠવણ હતી. તેના ફરતે સોફા અને ખુરશીઓ ગોઠવેલા હતા. આવી સોફા-ખુરશી અને ટેબલની જોડીઓમાં એક જોડી હતી ગોળ ટેબલ અને તેની ફરતે ત્રિકોણ બનાવતા ત્રણ સોફાની, જેમાં પ્રત્યેક સોફામાં એક જ વ્યક્તિ બિરાજી શકે તેમ હતું. ત્રણ સોફામાંથી હોટલનો પ્રવેશદ્વાર નજરો સમક્ષ જ રહે તે સોફો નિશાએ શોભાવેલ હતો. નિશા પણ ટેલિફોન પર જણાવેલ વ્યક્તિને મળવા આવી હતી. પરંતુ તે વ્યક્તિ એટલે કે શિલ્પા સાથે કોઇ અન્ય મુલાકાતી ચર્ચામાં હતી. આથી જ મેનેજરે નિશાને ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રતીક્ષા અર્થે જણાવેલું. શાર્ક ટેન્કની રજૂઆત સમયે ધારણ કર્યા હતા તેવા જ શ્યામ પેન્ટ અને તેટલો જ વિરોધી શ્વેત શર્ટ નિશાએ પહેરેલ હતો. ચમકતી આંખોને ગોળાકાર કાચ ધરાવતા ચશ્મા વધુ ચમકાવી રહ્યા હતા. ચશ્માના કાચ પર બરોબર સામે ટેબલ પર ગોઠવેલ લૅપટોપની સ્ક્રીનમાંથી પ્રકાશના કિરણો આપાત થઇ રહ્યા હતા. કાચની સપાટી પર અંગ્રેજીમાં આંકડાઓ ઊંધા દેખાઇ રહ્યા હતા. તે જ સ્ક્રીનનો પ્રકાશ ચશ્માની કાળી દાંડીને ચમકાવી રહેલો. નિશાએ અમૅરીકાનો કોફીનો ઓર્ડર આપેલો, જેના કપે ટેબલ પર ચોક્કસ જગા રોકી ચૂકેલી. નિશા ડાબા હાથે કોફીનો કપ ઉપાડતી, કોફીનો ઘૂંટ ઉતારતી, અને આંખો બંધ કરી સ્વાદને માણતી, સાથે જ કપ પાછો પોતાની જગા પર મૂકાઇ જતો. ચોક્કસ ક્ષણોના અંતરે કપ ઉપાડવાની, ઘૂંટ ઉતારવાતી, સ્વાદ માણવાની પ્રક્રિયા પુનરાવર્તન પામતી હતી. જે ક્ષણોમાં કોફીનો પ્યાલો ટેબલ પર હોય, તે દરમ્યાન નિશાની આંગણીઓ લૅપટોપના કી-બોર્ડ પર ઘમાસાણ મચાવતી હતી. ઘમાસાણ હતું ગણતરીનું, રજૂઆતને પોષતી ગણતરીનું, યોજના સાકાર થતા મળવાના નફાની ગણતરીનું. તેમાં નિશા ક્યાંય કચાશ રહી જાય તેમ નહોતી ઇચ્છતી. આથી જ પ્રત્યેક પરીબળો મજબૂત હોવા જોઇએ, તેવું તે માનતી, અને તે મુજબ જ યોજનાના પાસાઓ ગોઠવવાનો પ્રયાસ કરતી. એવું નહોતું કે રજૂઆત માટે જ, પરંતુ પ્રત્યેક કાર્યોમાં પ્રત્યેક પરીબળોનો અભ્યાસ કરવો, તેની અસરોનો અભ્યાસ કરવો, અને આવનાર પરીણામો વિષે વિચારીને જ કાર્ય કરવું, તે નિશાનો સ્વભાવ જ હતો.
નિશાએ તેના દ્વારા બનાવવામાં આવતા ફૂડ કે જે તંદુરસ્તીને લગતા હતા, તેના કાચા માલથી લઇને, બનાવવા માટે જરૂરી મરીમસાલા, તેમજ ફૂડ તૈયાર કરવા માટે વાપરવામાં આવતા ગૅસ સુધીની ગણતરી કરીને રજૂઆત તૈયાર કરી હતી. વણવપરાયેલ સામાન કે જે પડ્યો રહેવાનો હોય તેને પણ ગણતરીમાં લેવામાં આવ્યો હતો. જેના આધારે પ્રત્યેક ડીશની કિંમત, જેને ઍવરેજ ઓર્ડર વેલ્યુ કહેવામાં આવે છે, તે પણ ગણી રાખ્યું હતું. બધું જ તૈયાર હતું, દરખાસ્ત, નફા-નુકસાનની શીટ, આવનાર ત્રણ વર્ષ સુધીની વ્યૂહરચના, અને નિશા પોતે પણ.
નિશાની પ્રતીક્ષાની ક્ષણો ખતમ થઇ, મેનેજરે બીજા માળે રૂમ નંબર ૨૦૪માં મુલાકાત અર્થે નિશાને આમત્રંણ આપ્યું. મેનેજરે નિશાને દસેક મિનિટ પછી રૂમ તરફ જવા જણાવ્યું. નિશાએ કોફીનો ઘૂંટ લીધો. થોડીક જ મિનિટો બાદ તે રજૂઆત કરવા માટે જવાની હતી. પહેલી વખત હ્રદયના ધબકારા નિયત્રંણમાં નહોતા. રૂધિર ઝડપથી વહેવા લાગેલું. સાથે સાથે એક જુસ્સો, ઉત્સાહ પણ હતા. નિશાએ બન્ને હાથ ટેબલ પર મૂક્યા અને તેના ટેકે ઊભા થવાની તૈયારીમાં જ હતી, કે તેણ હોટલના પ્રવેશદ્વાર પાસે એક સ્ત્રીને ફ્લોર પર ફસડાયેલી નિહાળી, અને રિસેપ્શનિસ્ટને તેની મદદે જતા નિહાળ્યો. નિશાએ પણ ઝડપથી મદદે જવા માટે પગ ઉપાડ્યો. આ ઉતાવળમાં તેનો ડાબો પગ ટેબલના પાયા સાથે અથડાયો. અથડામણના કારણે ટેબલ અને નિશા, બન્નેએ ફ્લોર સાથે જાળવેલ સંતુલન ગુમાવ્યું. જેના લીધે નિશા જમીન પર પટકાઇ, પરંતુ સમયસૂચકતા વાપરી તેણે હાથના જોરે પોતાની જમીન સાથે અથડામણ થવા દીધી નહીં. જ્યારે સ્થિર ટેબલને અચાનક લાગેલા નિશાના પગના ઝટકાને કારણે સ્થિર રહેવા દીધું નહિ, અને તેના પર સ્થાન પામેલ લૅપટોપની ડાબી તરફ ચોક્કસ જગા પર નિશાએ મૂકેલો કોફીનો પ્યાલો પણ સ્થિર રહ્યો નહીં. પ્યાલાએ કોફીનું પૂર ટેબલ પર રેલાવ્યું, જેના વહેતા માર્ગમાં લૅપટોપની અડચણ આવી. જે વહેતા માર્ગને રોકી શકી નહી, અને લૅપટોપની કિનારી સાથે અથડાવાથી કોફીના ઉડતા છાંટાઓ કી-બોર્ડ પર વરસવા લાગ્યા. જોતજોતમાં તો લૅપટોપની સ્ક્રીન ઝાંખી થવા લાગી અને અંતે કાળા ડિબાંગ વાદળોની જેમ કાળી પડી ગઇ. તે દરમ્યાન નિશાને સંભાળવા માટે વાયુ વેગે હોટલ વેઇટર્સ નિશાની પાસે અને ટેબલની મદદ અર્થે સફાઇ કર્મચારીઓ ટેબલની પાસે પહોંચી ચૂકેલા.
નિશાના ચશ્મા એક વેઇટરે ટેબલ પર મૂક્યા, જેનો જમણી તરફનો કાચ તૂટી ચૂકેલો, અને દાંડી પણ વળી ચૂકી હતી. નિશાને તે જ વેઇટરે પાણીનો ગ્લાસ આપ્યો, નિશાએ એક ઘૂંટડો પીધો. શ્વાસ નિયમિત થવા દીધા. થોડી ક્ષણો માટે તે ચૂપચાપ બેઠી રહી. નિશાએ લૅપટોપ સામે જોયું, સ્ક્રીન કાળી હતી, અને લૅપટોપે અંતિમ શ્વાસ લઇ લીધા હતા. નિશાએ ઓન કરવા માટે સ્વીચ દબાવી પણ સ્ક્રીન પર કોઇ અસર દેખાઇ નહીં. તેની નજર તૂટેલા ચશ્મા પર પણ પડી. તેના ચહેરા પર ચિંતાના વાદળો સ્પષ્ટપણે દર્શન આપવા લાગ્યા. તેણે ચહેરાને હથેળીઓની મદદથી ઢાંકી દીધો. સોફાને ખસેડવાના અવાજને કારણે હથેળીઓ ચહેરા પરથી ધીરેથી ખસી. જે સ્ત્રીને તેણે પ્રવેશદ્વાર પાસે ફસડાયેલી નિહાળી હતી, તે સ્ત્રી અને તેને મેનેજર દ્વારા બરોબર નિશાની જમણી તરફના સોફા પર બેસવામાં મદદ કરતા જોયો. ટેબલને રક્ષતા ત્રણ સોફામાંથી બે સોફા ભરાઇ ચૂકેલા. એક પર નિશા તો બીજા પર એક અજાણી સ્ત્રી બિરાજેલી હતી. બન્ને એકબીજાને સામે નજર નાંખે, અને વાત શરૂ કરે, તેટલામાં જ મેનેજરે ત્રીજી સ્ત્રીને ત્રીજો અને ખાલી સોફો બેસવા માટે દર્શાવ્યો. તે સ્ત્રીના સફેદ વન-પીસ ડ્રેસ પર આછા નારંગી ડાઘા દેખાઇ રહ્યા હતા. નિશા અને અજાણી સ્ત્રીએ, શ્વેત વસ્ત્રમાં સજ્જ નારી તરફ નજર કરી. તે સ્ત્રી પણ બન્નેની તરફ જોઇ રહેલી. આખરે નિશાએ બન્નેની તરફ જોયું, અને મલકાતી આંખો સાથે ચહેરો સહેજ નમાવી અભિવાદન કર્યું.
*****
ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏