Prayshchit - 67 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 67

Featured Books
Categories
Share

પ્રાયશ્ચિત - 67

પ્રાયશ્ચિત પ્રકરણ - 67

સમ્રાટમાં કેતન પહેલીવાર જમવા માટે આવ્યો હતો પણ ખરેખર એ ખુશ થઈ ગયો. વેજિટેરિયન રેસ્ટોરેંટ હતી અને સર્વિસ પણ અફલાતૂન હતી.

" આજે ચાર વાગે વિનોદ માવાણીને ઓબેરોય ઉપર બોલાવ્યો છે પરંતુ એ માત્ર ઔપચારિક મીટીંગ છે. તને એજન્સી આપવાનું મેં ફાઇનલ કરી જ દીધું છે. તમે એકબીજાને ઓળખી લો એટલે કામ પૂરું. તારે તાત્કાલિક કંપની ઊભી કરીને કંપનીના નામે ચલણ અને બિલ બુક વગેરે છપાવવાં પડશે. એ પછી જ માલ સપ્લાય કરી શકાશે. "

" પેમેન્ટની ટર્મ્સ અને કન્ડીશન પણ નક્કી કરી લો. ૯૦ દિવસનો ટાઈમ તારે કહેવાનો ભલે પછી મહિના બે મહિનામાં જ આપણે પેમેન્ટ આપી દઈએ. " કેતન જમતાં જમતાં અસલમને સમજાવતો હતો.

" આપણા બંનેની મૈત્રીને ધ્યાનમાં રાખીને મેં " મૈત્રી ટ્રેડર્સ " નામ વિચારી લીધું છે. એકવાર આ મિટિંગ થઈ જાય એટલે રાજકોટ જઈને સેલટેક્સ નંબર લઈ લઈશ. " અસલમ બોલ્યો.

એ જ સમયે અચાનક કેતનનું ધ્યાન ખૂણાના ટેબલ તરફ ગયું. ત્યાં જમી રહેલી વ્યક્તિ શિકાગો વાળા રમણભાઈ પટેલ હતા. જો કે કેતન તરફ રમણભાઈ ની પીઠ હતી એટલે એ કેતનને જોઈ શકતા ન હતા. કેતને ધારી ધારીને જોયું. ચોક્કસ એ રમણભાઈ જ હતા.

રમણભાઈ પટેલ અત્યારે અહીં ક્યાંથી ? એમની તો શિકાગો જવાની ટીકીટ પણ મેં કરી આપી હતી અને એ પ્રમાણે એ સુરતથી નીકળી પણ ગયા હતા. શું એમણે ટિકિટ કેન્સલ કરાવીને મુંબઈમાં રોકાણ કર્યું હશે ? કેતનના મનમાં અનેક સવાલો હતા.

જમીને રમણભાઈ વોશબેસિન વાળા રૂમમાં ગયા. એ આવીને બહાર નીકળે એટલે એમને રૂબરૂ જ પૂછી લઉં એમ વિચારી કેતન થોડીવાર સુધી એ તરફ જોતો બેસી રહ્યો. બે લોકો બહાર નીકળ્યા પણ એમાં રમણભાઇ ન હતા.

કેતન લોકો પણ હવે જમી રહ્યા હતા એટલે બંને મિત્રો વોશબેસિન રૂમમાં ગયા. કેતનના આશ્ચર્ય વચ્ચે ત્યાં તો કોઈ જ ન હતું. રમણભાઈ ક્યારે નીકળી ગયા એ એને સમજાયું નહીં.

એણે સમ્રાટમાંથી બહાર આવીને જોયું તો એને કોઈ દેખાયું નહીં. એણે ફોન કર્યો પરંતુ કોઈએ ઉપાડ્યો નહીં.

" અરે કેતન તું કોને શોધે છે ક્યાર નો ? "

" એક પરિચિત અંકલને મેં સમ્રાટમાં જમતા જોયા. જમીને એ વોશબેસિન તરફ ગયા પણ પાછા આવ્યા જ નહીં. મારી આંખો ક્યારે પણ મને દગો કરે નહીં. " કેતન બોલ્યો.

૩ વાગી ગયા હતા એટલે ટેક્સી કરીને બંને મિત્રો ઓબેરોય પહોંચી ગયા. ૪ વાગે વિનોદ માવાણી આવવાનો હતો.

જમીને થોડોક આરામ કરવાની કેતનને ટેવ પડી હતી એટલે એણે બેડ ઉપર લંબાવી દીધું.

ચાર અને પાંચ મિનિટે વિનોદનો કેતન ઉપર ફોન આવ્યો.

" કેતનભાઇ હું નીચે લોન્જમાં આવી ગયો છું. " વિનોદ માવાણી બોલ્યો.

" બસ દસ જ મિનિટમાં અમે નીચે આવીએ છીએ. " કેતન બોલ્યો અને બંને મિત્રો ઊભા થઈ ગયા.

ફ્રેશ થઈને કેતન અને અસલમ નીચે લોન્જમાં પહોંચી ગયા.

કેતને સોફા ઉપર બેસીને બંનેની એકબીજા સાથે ઓળખાણ કરાવી. અસલમ ને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે વિનોદ માવાણીને વિનંતી પણ કરી. પોતાની હોસ્પિટલ અંગે પણ વિગતવાર વાત કરી.

" જો વિનુ હું પોતે ડાયરેક્ટ તારી પાસેથી દવાઓ મંગાવી શકું છું. મારે વચ્ચે કોઈપણ એજન્સીની જરૂર નથી. આપણે બંને મિત્રો છીએ. પરંતુ મારે અસલમને આ ધંધામાં સેટ કરવો છે એટલા માટે જ હું આ બધું કરી રહ્યો છું. તારે એમ જ સમજવાનું કે તું તમામ માલ મને જ સપ્લાય કરી રહ્યો છે. " કેતન બોલ્યો.

" કેતનભાઈ તમારે આ બધા ખુલાસા કરવાની કોઈ જરૂર નથી. તમે મને જેવી વાત કરી કે તરત જ હું તૈયાર થઈ ગયો. મેં તમને એક પણ સવાલ પૂછ્યો નથી. આ એક ફોર્મલ મીટીંગ છે. "

" અને બીજી પણ એક વાત કહું. મેં આઈવી સેટ અને ઇન્જેક્શન માટેની નીડલ્સની પણ એક સારી કંપનીની એજન્સી લીધી છે. હોસ્પિટલમાં સતત એની જરૂર પડતી હોય છે. " માવાણી બોલ્યો.

" આ તો સરસ વાત કરી. તારી પાસે જે પણ હોય તે બધું જ મોકલ. મિત્રતા નિભાવવા માટે તો તમને બંનેને ભેગા કર્યા છે. કરોડો રૂપિયા મારાથી કમાશો. " કેતને હસીને કહ્યું.

" એમાં તો કોઈ શક નથી. આ ડીલ એકદમ કન્ફર્મ છે. કેતનભાઈ વચ્ચે છે એટલે પેમેન્ટ માટે કોઈ ટર્મ્સ અને કન્ડીશન આપણે નક્કી નથી કરતા અસલમભાઈ અને મારે કોઈ એડવાન્સ પેમેન્ટ પણ જોઈતું નથી. " વિનોદ માવાણી બોલ્યો.

" થેન્ક્સ... આઇ એમ ઓબ્લાઈઝડ. " અસલમ બોલ્યો.

એ પછી એ લોકોએ કોફીનો ઓર્ડર આપ્યો અને વિનોદ માવાણી માટે બ્રેડ બટર વિથ કોફીનો ઓર્ડર આપ્યો. કેતન અને અસલમ જમીને આવ્યા હતા એટલે એ લોકોને જરા પણ ભૂખ ન હતી.

" આપણી મીટીંગ પૂરી થઈ છે. તમે હવે હોલસેલ દવાઓના બિઝનેસમાં આગળ વધી શકો છો. દવાઓ, ઇન્જેક્શનો, ગ્લુકોઝ, સેલાઇન, આઈવી સેટ, નીડલ્સ વગેરે તમામ આઈટમો મારી હોસ્પિટલના ઓર્ડર પ્રમાણે હું અસલમની કંપનીને લખાવીશ અને એ તારે અસલમને મોકલી આપવાનો રહેશે. ઓર્ડર કરતાં પણ સ્ટોક વધારે હોવો જોઈએ એ વાત બંનેએ ખાસ યાદ રાખવાની. "

એ પછી વિનોદ માવાણીએ પોતાનું કાર્ડ અસલમને આપ્યું અને રાજકોટ જતાં પહેલાં એકવાર લોહાર ચાલની પોતાની ઓફિસ અને ગોડાઉન જોઈ લેવાનો અસલમને ખાસ આગ્રહ કર્યો.

વિનોદ માવાણી ગયો પછી કેતન અને અસલમ પોતાના રૂમમાં ગયા.

" જો અસલમ આ ધંધામાં વ્યક્તિગત તારે ધ્યાન આપવું પડશે. માણસોના ભરોસે આ ધંધો ચલાવી નહીં શકાય. કરોડોનું ટર્ન ઓવર કરવું હોય તો તારે આ હોલસેલના દવાઓના બિઝનેસમાં અંગત રસ લેવો પડશે. નવી નવી હોસ્પિટલોના સંપર્કો કરવા પડશે ત્યાં પણ સપ્લાય ચાલુ કરવો પડશે." કેતન બોલ્યો.

" તારી લાગણી હું સમજુ છું કેતન. હું ચોક્કસ ધ્યાન આપીશ. હવે આગળનો પ્રોગ્રામ શું છે ? " અસલમે પૂછ્યું.

" આજે રાત્રે તો તારી સાથે જ છું. સવારે હું માટુંગા જઈશ. જો જાનકીની માટુંગા થોડા દિવસ રહેવાની ઇચ્છા હોય તો પરમ દિવસે હું એકલો જ જામનગર જઈશ. એને મારી સાથે જ આવવું હશે તો અમે સાથે જ પાછાં જામનગર જઈશું. તારો શુ પ્રોગ્રામ છે ? " કેતન બોલ્યો.

" મુંબઈ આવ્યો છું તો મારા ધંધાની એક-બે મીટીંગો મારે કરવાની છે. મારે એક-બે દિવસ રોકાવું પડશે હજુ. " અસલમ બોલ્યો.

" તને ખોટું ન લાગે તો એક સલાહ આપું ? " કેતન બોલ્યો.

" અરે કેતન તું તો મારા સગા ભાઈ જેવો છે. તું મારા માટે આટલુ બધુ વિચારે છે તો તારી કોઈ વાતનું મને ખોટું થોડું લાગે ? બેધડક કહી શકે છે. " અસલમ બોલ્યો.

" તું ઈંગ્લીશ દારૂના ધંધામાં છે ત્યાં સુધી ઠીક છે. ભૂલેચૂકે પણ ડ્રગ્સ અને શસ્ત્રોના ધંધામાં ના પડતો. હથિયારો સપ્લાય કરવાથી દૂર જ રહેજે. ડ્રગ્સ તો બિલકુલ નહીં. મને અંદરથી એવો અવાજ આવ્યો કે આવી જ કોઈ મીટીંગ તું કરવાનો છે. "

" કેતન તારાથી હવે મારે શું છુપાવવાનું ? નાઇજીરીયાની એક પાર્ટી સાથે ડ્રગ્સ અંગેની જ મારી કાલે મીટીંગ છે. તારી વાત એકદમ સાચી છે. એક મહિનાથી વાત ચાલતી હતી પણ આ વખતે મુંબઈ આવ્યો જ છું તો મળી લઉં. " અસલમ કેતનની વાતથી આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

" અસલમ તારી સાથે હું જોડાઈ ગયો છું એટલે તારા અંતરમન ને હું જાણી લઉં છું. મુંબઈ આવે છે ત્યારે કોઈ છોકરીને પણ તું મળે છે. એનાથી પણ તું દૂર રહેજે. ફસાઈ જઈશ. " કેતન બોલ્યો.

" કેતન તું ત્રિકાળ જ્ઞાની થઈ ગયો છે કે શું ? તને આ બધી કેવી રીતે ખબર પડી ? તારી પાસે આવી બધી સિદ્ધિ કેવી રીતે આવી ? " અસલમ તો કેતનની વાત સાંભળીને એકદમ ચકિત થઈ ગયો. એની તમામ વાતો સાચી હતી.

કેતનને પોતાને પણ આશ્ચર્ય થયું કે આવું એ કઈ રીતે કહી શક્યો ? રોજ ધ્યાનમાં બેસે છે એની આ અસર હશે કદાચ.

" રોજ કલાક બે કલાક ધ્યાનમાં બેસું છું અસલમ અને મારા ઉપર સ્વામીજીની કૃપા છે. " કેતને ખુલાસો કર્યો.

કેતન એટલું બોલ્યો ત્યાં રમણભાઈ પટેલનો એના ઉપર ફોન આવ્યો.

" કેતન તારો મિસકોલ જોયો. શિકાગોમાં સવારના ૬:૩૦ વાગ્યા છે. હમણાં જ ધ્યાનમાંથી ઉઠ્યો અને મોબાઈલ હાથમાં લીધો તો તારો ત્રણ કલાક પહેલાં એક ફોન હતો એ જોયું. કંઈ કામ હતું મારું?"
રમણભાઈ બોલ્યા.

" તમે શિકાગોમાં છો ? મેં તમને આજે બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યે મુંબઈમાં ચર્ચગેટ વિસ્તારમાં આવેલી સમ્રાટ હોટલમાં જમવા બેઠેલા જોયા. આવડી મોટી ભૂલ મારાથી થાય જ નહીં. તમે વોશબેસિન પાસે ગયા પણ પછી પાછા બહાર આવ્યા જ નહીં એટલે મેં તમને ફોન કરેલો કે તમે મુંબઈમાં જ છો ? પણ તમે ફોન ના ઉપાડ્યો. " કેતન બોલ્યો.

" તો તો નક્કી એ મારા ગુરુદેવ ચેતન સ્વામી જ હતા. એ ઘણી વાર આ રીતે કોઈ પરિચિત ના સ્વરૂપમાં અચાનક દર્શન દેતા હોય છે. પોતાના અસલી સ્વરૂપમાં ક્યારે પણ આવતા નથી. તું કોઈ મહત્વના કામે મુંબઈ આવ્યો લાગે છે. એમના દર્શન થયા એનો મતલબ એ કોઈ સંકેત આપવા ચોક્કસ માગે છે. આજકાલમાં જે પણ ઘટનાઓ બને એ તું બસ જોયા કર. " રમણભાઈ બોલ્યા અને કેતન ધ્યાનથી સાંભળતો રહ્યો.

" ઘણીવાર કંઇક બનવાનું હોય ત્યારે એ રોકવા માટે પણ એ હાજરી આપે છે. એ તારી સાથે છે એનો કંઇક અનુભવ તને થશે જ. છતાં તને કોઈ અનુભવ ન થાય તો કાલે સવારે ધ્યાનમાં બેસીને સ્વામીજીને વિનંતી કરજે. " રમણભાઈ બોલ્યા.

આજે પોતે અસલમના મનની વાત જાણી લીધી એ પણ કદાચ સ્વામીજીના દર્શનનો જ પ્રભાવ હતો એ હવે કેતનને સમજાઈ ગયું.

એણે અસલમને સ્પષ્ટ શબ્દોમાં ડ્રગ્સ માં આગળ નહીં વધવાનું કહી દીધું. અને પેલી છોકરી સાથે પણ કોઇપણ જાતનો સંબંધ નહીં રાખવાની કડક સૂચના આપી.

એ પછી બંને મિત્રોએ ઓબેરોય ના રેસ્ટોરન્ટમાં જ રાત્રે ડિનર લઈ લીધું.
રાત્રે જ અસલમે નાઇજીરીયા ની પાર્ટી સાથે વાત કરી લીધી અને પોતાને કોઈ ઇન્ટરેસ્ટ નથી એમ કહી એનો નંબર બ્લોક કરી દીધો. એણે પેલી છોકરી સાથે કોઈપણ જાતની વાત કરી નહીં અને એનો નંબર પણ બ્લોક કરી દીધો.

કેતન પોતાને લાખો કરોડોનો પ્રમાણિક બિઝનેસ આપતો હોય અને એની વાતનો અનાદર કરવો એ કેતનના અપમાન બરાબર હતું એટલે અસલમે એ બાબતમાં મક્કમ મનથી આગળ નહીં વધવાનું નક્કી કરી દીધું.

બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે કેતન ઉભો થઇ ગયો અને ધ્યાનમાં બેસી ગયો. એણે સાચા હૃદયથી સ્વામીજીને વારંવાર પ્રાર્થના કરી. સ્વામીજીનો ચહેરો સામે લાવી મનનું અનુસંધાન કર્યું અને આજે દર્શન આપ્યાં એની પાછળનું રહસ્ય સમજાવવાની વિનંતી કરી.

" તું અસલમ શેખ સાથે દવાઓના ધંધામાં જોડાઈ રહ્યો છે. અસલમ ડ્રગ્સના કારોબારમાં જોડાવાનો હતો. અસલમ જો આગળ વધ્યો હોત તો એક વર્ષ પછી એ રેકેટ બહાર આવવાનું હતું અને અસલમ પકડાઈ જવાનો હતો. એ વખતે નાર્કોટિક્સ વાળા તને પણ ઉપાડી જતા અને રિમાન્ડ ઉપર લેતા " સ્વામીજીની સૂક્ષ્મ વાણી તંદ્રાવસ્થામાં કેતનના માનસપટલ ઉપર સંભળાતી હતી.

" એ લોકો તો એમ જ માને કે ડ્રગ્સના કારોબારમાં તારો પણ ભાગ છે જ અને હોસ્પિટલ માટેની તમામ દવાઓ ડ્રગ્સના પૈસાથી જ ખરીદાય છે. તારી ખૂબજ મોટી બદનામી થવાની હતી એટલા માટે કાલે મારે હાજર રહીને અસલમ સામે તારા મોઢે બધું બોલાવવું પડ્યું."

" એ જે છોકરીને મળતો હતો એ પણ ડ્રગ્સની ગેંગની જ છે અને એ છોકરીએ જ નાઇજીરીયા વાળી પાર્ટીનો અસલમ સાથે પરિચય કરાવ્યો હતો. અસલમના કેટલાક હરીફ દુશ્મનો પણ છે જે અસલમને ફસાવવા માગે છે. અસલમે તને બચાવ્યો છે એટલે હું પણ એનો શુભચિંતક છું. જેમ તારી સુરક્ષાની બધી જવાબદારી મેં લીધી છે એમ મારે એને પણ બચાવી લેવો પડે છે. અસલમ હવે એની સાથે આગળ નહીં વધે. મેં એને આશીર્વાદ આપી દીધા છે. " કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

તંદ્રાવસ્થામાં સ્વામીજી સાથે થયેલા સંવાદોથી કેતનનું મન પ્રસન્ન થઈ ગયું કે સ્વામીજી મારુ કેટલું બધું ધ્યાન રાખે છે. જો સ્વામીજીએ આ સંકેત ના આપ્યો હોત તો પોતાને તો ખબર પડવાની જ ન હતી કે હવે અસલમ ડ્રગ્સના કારોબારમાં જોડાવાનો છે !

અને જો એવું થયું હોત તો પછી જે માન પ્રતિષ્ઠા અને ઈજ્જત જામનગરમાં મળી એ બધી ધૂળધાણી થઈ જાત અને પોતે જેલના સળિયા પાછળ હોત !! ખરેખર બહુ જ મોટી આફતમાંથી સ્વામીજીએ મને બચાવી લીધો છે.

કેતને સવારે અસલમને ફરીથી કડક શબ્દોમાં ડ્રગ્સના ધંધામાં આગળ વધવાની મનાઈ કરી.

" અસલમ ઈશ્વરની કૃપાથી ધ્યાનમાં મને ક્યારેક ક્યારેક કેટલાક સંકેતો મળી જાય છે. જેમ કે ડ્રગ્સ માટે તું મિટિંગ કરવાનો હતો અને કોઈ છોકરીને તું મુંબઈમાં અવારનવાર મળે છે એ બધી જ વાતની મને ખબર પડી ગઈ. " કેતન બોલ્યો.

" આજે રાત્રે પણ મને સંકેતો મળ્યા કે તારા કેટલાક દુશ્મનો તને ફસાવવા માગે છે અને તને જેલ ભેગો કરવા માગે છે. માટે મહેરબાની કરીને ભવિષ્યમાં પણ મને પૂછ્યા વગર આવી કોઈ આડી અવળી લાઈનમાં આગળ ના વધીશ આપણા ધંધામાં ઘણું કમાવાનું છે. "

" અને સૌથી અગત્યની વાત. તું મારી સાથે જોડાયેલો છે. મારો પાર્ટનર છે. એટલે તારી ઈજ્જત સાથે મારી ઈજ્જત પણ જોડાયેલી છે. " કેતન બોલ્યો.

" આઈ પ્રોમિસ કેતન. જેન્ટલમેન પ્રોમિસ !! " અસલમ બોલ્યો. એની વાણીમાં પ્રમાણિકતા હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)