અમદાવાદ શહેર....!
આ શહેરની ઝાકમઝોળ સામે જો કોઈ ટકી શકે.. તો મારા માટે તો એવું એકમાત્ર સ્થળ હોય તો એ છે... મારું ગામ....! મારો મલક..! ને હું એ "મલકનો માલિક...!
.
હાં... સાચે જ... અમારાં જેવાં નવજુવાન માટે આમ તો અમદાવાદ એટલે સપનાનું શહેર.... જ્યાં સપનાઓને સાકાર કરી શકાય... જીવનનાં દરેક શોખ પૂરા કરી શકાય...
.
પણ, જીવનને જીવવું નહિ પણ માણવું હોય, તો એકવાર હું મારાં ગામડે પાછો ફરું તો જ એ શક્ય બને....
શું તમને પણ જોવા ની ખેવના ખરી.. મારા મલક ને...!
.
અરે આવી તો જુઓ... ખાલી એકવાર... અનેકવાર યાદ આવશે...!
તો હાલો ત્યારે...
મારા મલકમાં...!
મારાં ગામ નું નામ વૈકુંઠધામ...
ખરેખર આખું જીવન જીવ્યા પછી... "જીવ જ્યારે શિવ ની અંદર ખોવાઈ જાય, ત્યારે છેલ્લી એક જ ઈચ્છા હોય..." પોતાના આત્માને સ્વર્ગમાં ને "વૈકુંઠ ધામ" માં સ્થાન મળે....!
.
તો તો અહીંયા... મારા ગામનું શુભ નામ જ "વૈકુંઠ ધામ" હોય... ! બીજું શું જોઈએ, આ હંસલા ને....
સ્વાભાવિક રીતે મારા જીવને એ ઈચ્છા રહેવાની જ.. કે, જીવતા જીવ.. વૈકુંઠ ની અનુભૂતિ જેટલી થાય એટલી વધારે કરી લઉ...!
.
શું કહું.. હું મારાં ગામ વિશે...!
શરૂઆત ક્યાંથી કરી ને.. ક્યાં સુધી વિસ્તરી શકું..??
આખા વિશ્વનું શબ્દભંડાર પણ ઓછું પડે.. એની એક ઝલકની સાચી ઓળખાણ મેળવવા માટે... વાત્રક નદીના કિનારે વસેલું.. ને પોતાની છાપ એનાં નામથી જ અલગ પાડે એવું અમારું વૈકુંઠ ધામ....
એય રે... બારેમાસ ખળખળ વહેતી અમારી વાત્રક, અને ભરઉનાળે ધમધોખતાં ભાણ (સૂર્ય) થી આંખોને ટાઢક નો અહેસાસ કરાવે.. એવા તે ચારેકોર લીલાં છમ્મ ખેતરો... પ્રાતઃપરોઢના સમયે મહાદેવજીના મંદિરમાં ઝાલર એવી તે વાગે.. કે ઘરડા - જવાન.. સૌ ભેરુ,બાયું ને છોરું.. ભોળિયા નું નામ લઈ ને.. સોનેરી પરભાતમાં જાગે..!
.
ચોમાસામાં પહેલાં વરસાદથી જગતનો તાત એટલો રાજીનો રેડ થઈ જાય.. એવો તે અનુભવ એના અંગેઅંગમાં ખિલખિલાટ કરતો હોય, જેમ કે કોઈ પ્રેમિકા સદીઓ પછી.. એના વિખૂટા પડેલ પ્રેમીને મળી એકમેકમાં પરોવાઈ ને ગળાડૂબ બન્યા હોય...! ધરતી પણ વિરહની વેદના પછી પ્રેમનાં વરસાદમાં ભીંજાઈને આહલાદક ના બની ગઈ હોય...! ભલભલા ને એનામાં ખોવાનું મન થાય એવી વૈકુંઠ ધામની માટીની સુગંધ....કઈક અલગ જ અહેસાસ કરાવે... શિયાળામાં હાડને થીજવી દે એવી ઠંડી ઠંડી પવનની લહેરો ની યાદો.... ને ઉનાળામાં ભરબપોરે આંબાવાડીયા માં એય રે કોયલનો મીઠો ટહુકાર થતો હોય...!
જાણે એ સ્વરની રાણી મને .. એમ નાં કહેતી હોય કે "સાચું સુખ તું ખોટા સરનામે શોધી રહ્યો છે પાગલ...! સાચું જીવન એટલે સંપત્તિ નહિ પણ આતમ માં સુખનું સરનામું... આમ તેમ મૃગકસ્તુરી બની... ભટક્યા વગર.. તું બસ તારી માતૃભૂમિ નાં પાદરમાં ખોવાઈ જા...! અલખ નો ટંકાર ના સંભળાય તો કહેજે વ્હાલા....!
.
નદીકિનારે આવેલ બાવજીની પોતે જતન કરી... ઉભી કરેલી
આંબાવાડી જ્યાં શરૂ થાય...! ત્યાં જ આવેલું... વર્ષો જુનું "સિદ્ધેશ્વર મહાદેવ"નું મંદિર... ને એ જ અમારો મિત્ર મંડળનો દરબાર ગઢ...! રોજ સાંજે નદીના પટમાં આવેલા મંદિરે અમે સૌ મિત્રો ભેગા મળી... આખો દિવસ શું કર્યું..?? ને કાલે શું કરવું..?? એની માહિતી મેળવવાનું પ્રાપ્ય સ્થાન...!
ત્યાં જ આવેલ "ભૈરવ વડ".. ભૈરવનાથ બાબા નો ધુણો જેની નીચે ધખે... એય રે સદીઓ જૂનો વડલો અમારો... અમારાં વડવાઓનાં વડવાઓ પણ જેનાં સાક્ષી રહી ચૂક્યા.. જેમ કદંબના ઝાડ થી કૃષ્ણ ની ઓળખાણ... એવી અમારી એક આગવી ઓળખાણ.. એટલે અમારો "ભૈરવ-વડ" ... અમારાં વડવાઓ એ તો અનંતની વાટ પકડી.. પણ હજીયે એમની યાદો સાથે અડીખમ છે "ભૈરવ વડ" ને એની દરેક વડવાઈ... મન થાય એટલે એ હિલોળે હીંચકે ઝુલવાનું.. જ્યાં સુધી જવાની ભૂલી ને બાલ્યાવસ્થામાં પરત આતમ જતા રહ્યા નો ભાસ ના થાય... ત્યાં સુધી ઝૂલા ને ઝૂલ્યા જ કરવાના..!
સાચ્ચે... કેવી મજાની હતી એ જિંદગી... ગમે એટલા થાક્યાં પાક્યા હોય પણ વડવાઈ એ બે ઘડી આંખો બંધ કરી બેઠાં હોય.. તો ભરઉનાળે પણ ભલભલા ટોપકલાસ AC ને પણ પાછું પાડી દે .. એવી ઠંડકનો તન અને મનમાં પણ અહેસાસ થાય...! ત્યાં થી થોડાં આગળ જુઓ ત્યાં કોઠાના મોટા મોટા ઝાડ દેખાય... સીઝનમાં કોઠી નાં ઝાડ ઉપર લુમખે ને ઝુમખે કોઠા લાગ્યા હોય... અમે પાકેલા કોઠાની હાખ ની રાહ માં પરોઢિયે ચાર વાગ્યે ત્યાં જઈને ગોઠવાઈ જતા... અને બધાં મિત્રો ભેગા મળીને મરચું મીઠું નાખી ને... એવું ભચડ ભચડ કોઠું ખાતાં કે.. અત્યારે એ મીઠી વાતો યાદ કરીયે, તો અમારાં દાંત અત્યારે પણ અંબાઈ જાય છે...
સાચા આનંદ નો માળો એટલે, અમારૂ ફળિયું... જેમાં એક એક પંખી ભલે અલગ અલગ માળો બનાવે.. પણ જીવન તો પોતાની માટે નહિ.. પણ બીજાના માટે જીવતાં હોય એમ લાગે....! હાથીને મણ, ને ચકલીને ચણ... બધું ઉપરવાળો આપતો જ હોય છે.... અને અમારૂ ફળિયું એક વાત હંમેશા યાદ રાખે... કીડીનો સંપ...! બધાં ને ત્યાં કોઈ નવી વાનગી બને, તો બધાને થોડું તો થોડું પણ વહેંચીને જ ખાવાનું... એમાં કેવો અનેરો લ્હાવો અને સંતોષ મળતો.....! અને આજે કરોડોની હોટેલમાં ૩૨ પકવાન જમવા બેઠા હોય.. તો પણ એ સંતોષની લાગણી... ગમે એટલા પૈસા ખર્ચી નાખીએ, તો પણ એને તોલે તો ન જ આવી શકે...!
આજે પણ હું જયારે પણ આ શહેરના ખોટા દેખાડાનાં જીવનથી થાકી જાઉં, હાથી નાં દાંત જેવા માણહ ભાળું
... ત્યારે મારા ભોળીયાં ભેરૂઓ ને મન ભરી ને યાદ કરી લવ.. ને બે ઘડી આંખો બંધ કરું ત્યારે સબંધોનો સાચો સંતોષ અને પોતાનાપણાની લાગણી ના સાક્ષાત્કાર થાય..!
આજે પણ, મને જ્યારે દેખાડા ને ધતિંગ વગરનું સાચું જીવન જીવવાની ઈચ્છા થાય... ત્યારે આજે પણ હું મારા વૈકુંઠ માં લટાર મારી આવુ છું...
ને એની માટીમાં ખબર નહિ, કેવા તે વ્હાલનાં અમૃત ભર્યાં છે.... કે ગામનાં પાદરમાં એક ડગ દોરતાની સાથે જ વર્ષોનો થાક ક્ષણભરમાં દૂર થઇ જાય છે...!
.
છેલ્લે એટલું જ કહીશ કે...
.
"વર્ષો મહેનત કરી શહેરમાં સ્વર્ગ ભલે ઊભું કર્યું હોય...
.
પણ... મહેનત કે ઈજ્જત નહિ... અહીંયા બધું પૈસાથી અંકાય જાય છે..
.
વર્ષોનો થાકેલો આજે પણ.. જ્યારે એક પગ માંડે માં ભોમ ભણી...
.
ત્યારે સાચી "પાઘડી" એની.. "પા ઘડીમાં" સચવાઈ જાય છે..."
.
અસ્તુ:🙏😊