પ્રસ્તાવના
જૈન સંસ્કૃતિ એક અગાધ સમુદ્ર છે. જેમાં આપણે ડૂબકી મારીએ તો તેમાંથી દરેક વખતે નવું એક છીપ અને એક નવું જ મોતી મળે. દરેક ડૂબકીમાં નવા નવા જ મોતી મળે. દરેક મોતીનો એટલે કે દરેક વાતનો સાર મોક્ષ મેળવવાનો અને સંસારમાં થી પાર ઉતારવાનો છે.
આધ્યાત્મિક વાતો કરનારા ગ્રંથો, એને સમજાવતી વાર્તાઓ પણ ઘણી અને અદ્ભુત છે. એ ગ્રંથો આધ્યાત્મિક કેવી રીતે વિકાસ કરવો એની માહિતી સાથે સાથે પ્રેરણા આપે છે.
જૈન ગ્રંથોમાં ચોવીસ તીર્થંકરો અને એમની સાથે જોડાયેલા દરેક પાત્રોનું વર્ણન છે. એ દરેક વર્ણનો એટલા અદભૂત અને જીવંત છે કે જાણે એવું લાગે કે, આપણે ત્યાં જ બેઠા છીએ અને દરેકને નજર સમક્ષ નિહાળીએ છીએ.
આવો જ અગાધ સમુદ્ર સમાન ગ્રંથોમાં થી કહો કે વાર્તાઓ માંથી કહો તો ડૂબકી લગાવીને મેં શોધ્યું છે, એક એવું પાત્ર. શ્રી નેમિનાથ તીર્થંકરના સમયમાં થયેલ અને હિંદુઓના સમયમાં કૃષ્ણ ભગવાનના સમયમાં થયેલ છે.
જેને નેમિનાથ ભગવાન સાથેની પ્રીતિ સાચવી અને નિભાવી જાણી. એ પણ એક નવી રીત સાથે. જેને મંડપમાં જ એકલી મૂકીને જતા રહ્યા છતાંય તેને પોતાની પ્રીતિ સાચવવા શ્રી નેમિનાથ પાછળ ભેખ લીધો.
આ પાત્ર વિશે જેમ જેમ હું વિચારતી ગઈ તેમ તેમ હું ઊંડી ઊતરતી ગઈ. અને એ પાત્રને લખવા માટે મારું મન અતિશય લલચાઈ ગયું.
આ પાત્રને વિશે લખવા માટે જૈન ગ્રંથો અને જયા ઠાકોરના પુસ્તકનો આધાર લીધો છે. તો તમારા મહત્ત્વના પ્રતિભાવ અવશ્ય આપશો.
મિત્તલ શાહ
(૧)
પરોઢના સમયે વાતાવરણમાં મધ્યમ મધ્યમ હવા ચાલી રહી હતી. સુંદર મજાના ફૂલોની સુંગધ ફેલાઈ રહી હતી. ચંદ્ર પોતાના સ્થાને પાછા જવાની તૈયારી કરી રહ્યો હતો અને સૂરજ ઉગવાની. સૂરજ ઉગતાં પહેલાં જેમ છડી પોકારવા પોતાનો દૂત મોકલે તેમ તેની પહેલી કિરણનો ઉજાસ ધરતી પર પથરાઈ ગયો અને કેસરી જેવો રંગ રૂપ ધરતી ધારણ કરે તેવી જ ઉજ્જૈન નગરી દેખાઈ રહી હતી.
રાજમાર્ગો પર ચહલપહલ હજી તો ચાલુ જ થઈ રહી હતી. દરેક પોતાના કાર્ય કરવામાં મશગૂલ હતા, સાફસફાઈ કરનાર રાજમાર્ગની સફાઈ કરી રહ્યા હતા. પંડિત શુભાશીષ ઉચ્ચારી રહ્યા હતા. પણ દરેકના હ્રદયમાં એક જ વાત રમી રહી હતી કે,
'ધારિણી રાણી પુત્રીને કે પછી પુત્રને જન્મ આપશે?"
આ ચાલતી વાતનો ઉદગાર જાણે પૂરાવતી હોય તેમ મંદિરના ઘંટનો નાદ સંભાળ્યો. દરેકે એ નાદ પર જ આંખો બંધ કરીને પ્રાર્થના કરી અને પોતાના કામે લાગ્યા.
ઉગ્રસેન રાજાના મહેલમાં તે ઘડીકમાં સિંહાસન પર બેસતા તો ઘડીકમાં આંટાફેરા મારતા. ઘડીએ ઘડીએ રાણીવાસ તરફ નજર જઈ રહી હતી, જાણે તે ધીરજ જ ધરી ના શકતા હોય. હમણાં જ એમને ધારિણી રાણીની દાસી આવીને કહી ગઈ હતી કે, "રાણીને પીડા ઉપડી છે." બસ 'કયારે સમાચાર આવશે?' એની એ જ મનમાં ગડમથલ ચાલી રહી હતી.
ત્યાં જ સુભદ્રા આવી અને વધામણી આપતા બોલી કે,
"મહારાજની જય હો... જય હો... રાણીએ સુંદર, લક્ષ્મી જેવી દિકરીને જન્મ આપ્યો છે."
મહારાજે તો સમાચાર સાંભળતાની સાથે ખુશીમાં દાસીને પોતાના બધાજ પહેરેલા દાગીના મુગટ સિવાયના આપી દીધા અને પછી પૂછ્યું કે,
"રાણી અને પુત્રીનું સ્વાસ્થ્ય સારું છે ને? પુત્રી કેવી દેખાય છે?"
"મહારાજ, તે બંનેની તબિયત સારી છે અને પુત્રી તો જાણે રૂપ રૂપનો અંબાર કહીએ તો પણ ખોટું છે. એ તો એનાય કરતાં રૂપાળી જાણે સ્વર્ગની કોઈ પવિત્ર દેવી ના હોય તેવું જ લાગે છે. તેના ગળામાં ગળથૂથી ઉતરતી હોય તો તે આપણે દેખી શકીએ. વળી, તેને કાચની મૂર્તિ પણ ના કહી શકાય કારણ કે કાચ મેલો થાય પણ દિકરીને તો હાથ લગાડીએ તો કંકુ જેવી લાલ થઈ જાય છે. બોલવા કરતા દેખો તો જ ખબર પડે, મહારાજ. અમારું તો તેને દેખવાથી પણ મન નથી ધરાતું."
મહારાજને સાંભળીને અત્યંત આનંદ થયો અને કહ્યું કે,
"સારું રાણીને તબિયતના સમાચાર પૂછજો. દિકરીને મારા વતી રમાડજો અને તેમના ખાનપાનનું ધ્યાન બરાબર રાખજો "
સુભદ્રા પાછા પગલે ચાલતી રાજાની વિદાય લીધી અને ત્યાં જ મંત્રી આવ્યા.
"મહારાજની જય હો... રાજન તમારા મુખ પરની ખુશી બતાવી રહી છે કે શુભ સમાચાર આવી ગયા છે? શું છે શુભ સમાચાર?"
"મંત્રીશ્વર સૂતિકર્મ હોવાથી મહેલના પુજારીને કહેવડાવો કે પુત્રીજન્મ થયો છે તો તે પ્રમાણે પાળે. અને યોગ્ય દિવસે પુત્રીના જોશ જોવા અને નામ સૂચવવા આવે."
"વધામણી પુત્રી જન્મની વધામણી મહારાજ, હાલ જ હું પૂજારીને કહેણ મોકલું છું."
બારમા દિવસે પૂજારી દિકરીના જોશ જોવા આવ્યા.
" વાહ મહારાજ વાહ, દિકરીનું ભાગ્ય તો એકદમ ઉજ્જવળ છે. તે તો રાજરાણી બનશે, તેમના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રો તેમના સ્થાને ઉચ્ચ કક્ષાએ હતા. આ તો સ્વયં જ પોતે ભાગ્યનો અવતારના હોય એવું તેમનું ભાગ્ય છે. આટલું ઉત્તમ ભાગ્ય, નસીબદાર છે દિકરી મહારાજ."
"મહારાજ દિકરીનું નામ જન્મ સમય પ્રમાણે તુલા રાશિ પર આવે છે. એટલે કે 'ત, ર' પરથી પાડી શકાય. પણ મારા મતે તો તેનું નામ રાજીમતી કે રાજુલ રાખશો તો તે યોગ્ય રહેશે."
"આપની ઈચ્છા બરાબર ભગવાનની ઈચ્છા. તેનું નામ રાજુલ જ રાખીએ. મંત્રીશ્વર પૂજારીને વધામણી આપો."
આમ ઊગ્રસેન મહારાજે રાખેલું રાજુલ નામ સાંભળીને ધારિણી માતાને પણ અનહદ આનંદ થયો.
રાજુલ પણ સોનાના પારણે ઝૂલતી, રેશમની દોરીએ હિંચોળતી અને ધાવમાતાના નેજા હેઠળ મોટી થવા લાગી.
રાજા રાણીને માટે તેનું રડવું કે હસવું એટલું મીઠું લાગી રહ્યું હતું કે જાણે કોઈ સ્વપ્ન જોઈના રહ્યા હોય. તો પછી બોલવાનું ચાલુ કરે એ તો એમના તો એક અદ્ભૂત ઘટના ના લાગે તે જ નવાઈ.
રાજુલે જયારે બોલવાની શરૂઆત કરી તો તેના મ્હોંએ થી નીકળેલો પહેલો શબ્દ 'મા.... મા....' હતો. એ શબ્દ સાંભળીને ધારિણીરાણી તો એટલા ખુશ થઈ ગયા કે તેમને રાજા આગળ વધામણી ખાધી કે,
"મારી દિકરી બોલવા લાગી રાજન, એ પહેલો શબ્દ 'મા...' બોલી."
"સાચે જ રાણી, 'મા...' બોલી એનો આનંદ તમારા મુખ પર તો બરાબર દેખાઈ રહ્યો છે. દિકરી બોલતી થઈ ગઈ, કયારે?"
"હા રાજન, તે હમણાં જ મારી.જોડે રમી રહી હતી ત્યારે બોલી."
"આનંદ થઈ ગયો રાણી, આજે મારી દિકરી બોલતી થઈ પછી ચાલતી અને દોડતી થઈ જશે."
"હા રાજન, પછી તે રમતી, ભણશે અને મોટી થઈને સાસરે પણ જતી રહેશે."
"અરે... રે... તમે તો બહુ અધીરા, થોડા ધીરા પડો રાણી થોડા ધીરા. મારી દીકરીને હાલ કયાં સાસરે વળાવી દો છો! એને હજી તો મોટી થવા તો દો."
"તો આપણે કેમ થોડી ઘરે જ રાખવાની છે. દુનિયા કરતાં નવો રિવાજ થોડો ચાલુ કરવાનો છે. અને દરેક છોકરીઓના ભાગ્યમાં એમ જ લખાયું હોય."
"લખાયું હશે, દિકરીને સાસરે વળાવવાનો રિવાજ હશે, પણ મારે મારી દિકરીને તેની મરજી મુજબ મનગમતું પાત્ર ના મળે ત્યાં સુધી હું તેના લગ્ન નથી કરવાનો, સમજયા. ત્યાં સુધી ભલે મારી જોડે રહેતી. હું પણ શું તમારી જોડે આવી વાતો કરું છું, અને હાલથી શું કામ વિચારવું પડે આપણે આ બધું. આપણે તો હાલ તેનું બાળપણ ના માણીએ. ચાલો એની જોડે, મારે પણ એને બોલતા સાંભળવી છે."
રાણીએ પણ માથું હલાવીને રાજાની વાત સાથે સમંત થઈ.