NARI-SHAKTI - 18 in Gujarati Women Focused by Dr. Damyanti H. Bhatt books and stories PDF | નારી શક્તિ - પ્રકરણ-18,( દેવમાતા અદિતિ-ભાગ-1)

Featured Books
Categories
Share

નારી શક્તિ - પ્રકરણ-18,( દેવમાતા અદિતિ-ભાગ-1)

નારી શક્તિ ,પ્રકરણ 18, (દેવમાતા -અદિતિ,ભાગ -1)
[ હેલ્લો વાચક મિત્રો! નમસ્કાર, નારી શક્તિ પ્રકરણ-૧૮, ભાગ-૧ માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન કરું છું. નારી શક્તિ, પ્રકરણ-૧૭ આપણે જુહૂ બ્રહ્મજાયા નું જીવન ચરિત્ર જાણ્યું અને માણ્યું. હવે આ એપિસોડમાં હું દેવમાતા "અદિતિ" ની કહાની જેમાં ઇન્દ્ર જન્મની કથા આવે છે તે લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપ સર્વેનો સાથ અને સહકાર જ મારા ઉત્સાહને પ્રેરે છે. એ બદલ આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર! માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર! ધન્યવાદ !!!પ્રતિસાદની અપેક્ષા એ .....]
પ્રસ્તાવના:-
વૈદિક સંસ્કૃતિના નિર્માતા ઋષિઓમાં એક બહુશ્રુત અને બહુ વિખ્યાત નામ છે અદિતિ. દેવીપુજક વૈદિક સંસ્કૃતિ અદિતિને માતાના રુપમાં સન્માન કરે છે. ઇન્દ્ર, વરુણ, સૂર્ય આદિ દેવો અદિતિના અભિધાન થી જ આદિત્ય સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અદિતિ પ્રજાપતિ દક્ષની પુત્રી છે. તેથી એને 'દાક્ષાયણી' પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર પ્રજાપતિ દક્ષ બ્રહ્માના પુત્ર હતા. એમની દનુ ,દિતિ,અદિતિ વગેરે કેટલીએ કન્યાઓ હતી જેમાંથી દિતિથી દૈત્યોની તથા અદિતિથી આદિત્ય એટલે કે દેવોની ઉત્પત્તિ થઈ હતી.
ઋગ્વેદમાં 'અદિતિ'નું વર્ણન એક દેવીના રૂપમાં આવે છે. અદિતિ નામ ઋગ્વેદમાં લગભગ ૮૦ વખત આવે છે. તથા પોતાના પુત્રો આદિત્ય વગેરેની સાથે જ તેનું આવાહન કરવામાં આવે છે. એમને "રાજમાતા" શ્રેષ્ઠ પુત્રો અને વીર પુત્રો વાળી કહેવામાં આવી છે. દેવી અદિતિ થી મોટાભાગે વિપત્તિઓ અને પાપોથી રક્ષા તથા પૂર્ણ સુરક્ષા કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. મેક્સ મુલર અનુસાર અદિતિ સીમાની પેલે પાર પૃથ્વીનો અનંત વિસ્તાર મેઘો તથા આકાશને વ્યક્ત કરવાવાળું પ્રાચીનતમ નામ છે. પિશેલ ના મત અનુસાર અદિતિ પૃથ્વી નું પ્રતિનિધિત્વ કરે છે. ઋગ્વેદના દશમાં મંડળમાં સંકલિત 72મા સૂક્ત ની ઋષિ અદિતિ છે.
ઋગ્વવૈદિક સંદર્ભ અનુસાર દેવમાતા અદિતિએ પોતાના મહિમાથી સુશોભિત ઇન્દ્ર માટે ઉત્કૃષ્ટ બહુ પ્રસંશિત સ્તોત્રની રચના કરી હતી. દેવી અદિતિએ સૃષ્ટિના અભિપ્રેરક પ્રકાશપુંજ સૂર્યની પણ સ્તુતિ કરી છે. (મંત્ર 1)
આ ઉપરાંત ઋગ્વેદના 10મા મંડળમાં સંકલિત 18માં સૂક્ત નાં, 3:5 મંત્ર ની ઋષિ પણ અદિતિ છે. આ સૂક્ત ઇન્દ્ર-વામદેવ-અદિતિ સંવાદના રૂપમાં પ્રસ્તુત છે. આર્ષાનુક્રમણી માં આ સંવાદનો એક પ્રસંગ આવે છે જેમાં ઇન્દ્ર જન્મની કથા કહેવામાં આવી છે.( મંત્ર 2)
જેમાં માતાના ગર્ભમાં દીર્ઘકાળ સુધી રહીને વૃદ્ધિને પ્રાપ્ત કરીને અસહ્ય તેજ વાળો ઇન્દ્ર પોતાના જન્મ માટે નૈસર્ગિક યોનિમાર્ગને છોડીને, ઉદરના ભાગ થી બહાર નીકળવા ઈચ્છે છે અને માતાની મૃત્યુનું કારણ બનવા વાળા તેના આવા કૃત્યોથી ઈન્દ્રને માતા-અદિતિ તેમજ વામદેવ સમજાવે છે. ઇન્દ્ર ના જન્મ પછી માતા અદિતિ તેના એ પરાક્રમની પ્રશંસા અને પુત્ર ની સ્તુતિ કરે છે. આ સૂક્ત માં સંકલિત 3.5 ઋચાઓ વૈદિક આયુર્વેદ વિજ્ઞાનના ઉત્કર્ષના સૂત્ર ના રૂપમાં સ્વયં નિર્માણ પામેલી હોવાને કારણે અત્યંત મહત્વપૂર્ણ છે. (મંત્ર 3)
ઋગ્વેદના 8 ,12 અને 14માં મંત્રમાં પોતાના સ્વરાજ પુત્ર ઈન્દ્રની પ્રશંસામાં રચિત દેવી અદિતિએ જે સ્તોત્રની રચના કરી છે તે સ્તોત્ર ના ભાવ આ પ્રમાણે છે.
પ્રસ્તુત સંવાદ સૂક્તમાં અદિતિના સંવાદની પહેલા જે 3.5 મંત્રો આવે છે, તે મંત્રો ગર્ભસ્થ ઈન્દ્ર અને ઋષિ વામદેવના વાર્તાલાપના રૂપમાં નિબધ્ધ છે. વામદેવ ચતુર્થ મંડળના ઋષિ છે જે વંશ મંડળ ની અંદર આવે છે. ચતુર્થ મંડળના પૂર્વાર્ધમાં જ્યારે વામદેવ ઋષિ ઇન્દ્ર પર આક્ષેપ કરતાં કહે છે કે માતા અદિતિએ ઈન્દ્રને સહસ્ત્ર માસો સુધી અને અનેક સંવત્સરો સુધી પોતાના ગર્ભમાં ધારણ કર્યો હતો. પરંતુ ઈન્દ્રએ માતાને કષ્ટ દેવાવાળુ કાર્ય કેમ કર્યું ? ત્યારે માતા અદિતિ ના આક્ષેપના ઉત્તરમાં વામદેવ ને સંબોધન કરીને અદિતિ કહે છે કે હે વામદેવ! જે દેવો વગેરે ઉત્પન્ન થયા અને જે ભવિષ્યમાં ઉત્પન્ન થશે એમની સાથે ઈન્દ્રની તુલના ન થઈ શકે. કારણ, ઇન્દ્ર અતુલનીય છે. એના જેવો બીજો કોઈ ભવિષ્યમાં થઈ શકે નહીં (મંત્ર 4)
માતા જન્મથી જ તેજસ્વી પુત્રની પ્રશંસા કરે છે, ઇન્દ્ર જન્મ નાં અનુભવ નું સ્મરણ કરતાં કહે છે કે ,દીર્ઘકાળ સુધી ગર્ભ રૂપી ગુફામાં સ્થિત રહેલો ઇન્દ્ર અસહ્ય, અવધ્ય છે. નિંદનીય અથવા કષ્ટ દેવાવાળો માનતા હોવા છતાં પણ માતાએ તેને બળપૂર્વક બહાર કાઢ્યો હતો. ત્યારે તે બાળક પોતાના તેજો મંડળને ધારણ કરતો, સ્વયમ જાતે જ ઊઠીને બેઠો થયો હતો, ઊભો રહ્યો હતો ,ઉત્પન્ન થતા વેંત જ તેણે પૃથ્વી અને સ્વર્ગ ને પોતાના તેજથી થી ભરી દીધું હતું.
હવે પછીના પ્રસ્તુત મંત્રમાં શિશુઓના પ્રજનનની પ્રક્રિયા તરફ સંકેત છે. સામાન્ય રીતે બાળક નિશ્ચિત અવધિ સુધી માતાના ગર્ભમાં રહી અને પછી યોનિમાર્ગ થી જન્મ લે છે. અસામાન્ય શિશુઓનો ગર્ભકાળ અધિક હોઈ શકે છે. ઈન્દ્રનો ગર્ભવાસનો સમય અને વૃદ્ધિ સામાન્ય શિશુ કરતા ઘણો અધિક હતો. આ કારણથી જ તેની માતા અદિતિ ને તેની ગર્ભાવસ્થા દરમ્યાન ખૂબ જ કષ્ટ- પીડા સહન કરવા પડ્યા હતા. પ્રસૂતિ સમયે માતા નું મૃત્યુ થઈ શકે એવી પણ સંભાવના હતી. યોનિમાર્ગ થી ન નીકળતાં ઇન્દ્ર પાછળના ભાગથી નીકળવા ઈચ્છે છે. ઇન્દ્ર જન્મની આ કથા શલ્ય ક્રિયા એટલે કે સીઝેરિયન દ્વારા, ઓપરેશન દ્વારા ઇન્દ્ર નો જન્મ તે તરફ સંકેત કરે છે. વૈદિક સંસ્કૃતિમાં પણ વિજ્ઞાન ઉપલબ્ધ હતું. શલ્ય ચિકિત્સા પ્રાચીનકાળમાં પણ ઉપયોગમાં હતી તે વાતની સાક્ષી આ ઇન્દ્ર જન્મની ઘટના પૂરે છે. અહીં ઇન્દ્ર જન્મની કથા ની સાથે વિજ્ઞાનનો સંયોગ છે. ઋગ્વેદ કાળમાં પણ નોર્મલ ડીલેવરી ને ઉત્તમ માનવામાં આવતી .કુદરતી પ્રસૂતિ એ જ ઉત્તમ ચિકિત્સા હતી. માતા અદિતિ કુદરતી રીતે ઇન્દ્ર નો જન્મ થાય એમ ઈચ્છતી હતી .તેથી તેણે પોતાની સંપૂર્ણ શક્તિથી ઈન્દ્રના ગર્ભને બહાર કાઢ્યો હતો અને એ રીતે ઇન્દ્ર જન્મ થયો હતો. ( વધુ આવતા અંકે....)
[ © and By Dr.Bhatt Damyanti H.]