(ભાગ -૪)
દિલની ઘંટડીનો સૂર ઉતર્યો મનમાં
દસ્તકનો અવાઝ ઝુમ્યો હદયના દ્વારે.
વ્યોમેશ ઘરે પહોચ્યો, આનંદ ફૂલ્યો સમતો નહતો. રહી રહીને કાનોમાં જાનુના શબ્દોજ ગુંજન કરતાં. હું તને ખુબ પ્રેમ કરું છું. જાનું આ સાંભળવા તો બે વર્ષ વિતાવ્યા !!!.
આર્યાની આંખોથી કંઈ છુપતું નહીં, પપાજીનો મોં પર છવાયેલો આનંદ એને આનંદ આપતો હતો. પૂછીજ બેઠી હમમ.. શું વાત છે આજે ?? આજે તો બંનેએ પ્રેમનો એકરાર કરી લીધો. પહેલાં દિલ ડર સાથે ધબકતું હતું, શું કહેશે ક્યારેક ? આજે દિલ અરમાનો સાચા થયાને ધબકે છે, આનંદ સાથે. આજેતો હું આસમાનમાં ઊડતો હોવું. મને પાંખો આવી ગઇ હોય. ગગનમાં હિંડોળો બાંધી મુકત મને ઝુલીએ છે. મારાં કર્ણમાં ઘણાં વર્ષો પછી શહદથી મધુર શબ્દો સાંભળ્યા.
તેજ દીકરા પ્રેમ કરતાં શીખવાડ્યું મને, હું તો પ્રેમ નામની વસ્તુ જ ભૂલી ગયો હતો. રોજ તારો આગ્રહ રહેતો પપાજી હમસફર શોધી લો. જો આજે મેં શોધી લીધો. મારી જિંદગી તારા કારણે પ્રેમમય બની ગઇ.
ગરિમા આજે ખુશ હતી. સવાર માણવા રૂમની બહાર આવી, આજે ઘણાં વર્ષો પછી સૂર્યોદય નિહાળ્યો. આકાશ પણ સ્વાગત કરવાં રંગભરીને તૈયાર હતું. એનાં જીવનમાં પણ રંગ ભરાયા હતા, પ્રેમનો રંગ લાગ્યો હતો. જાણે આજે બધું ધબકતું લાગતું હતું. પક્ષીઓનો કલરવ પણ મીઠો લાગ્યો. એમની
ચહચહાહ્ટ ને નિહાળતી મુકતમનથી માણતી રહી. આજે એનું મન પણ પ્રેમનો એકરાર કરીને મુક્ત થયું. આજે મુકત બની હવામાં પ્રેમી સંગ ઊડવું હતું સ્વપ્નની ઉડાન લઇને દૂર દૂર ગગનમાં.
સ્નેહ સાંકળ ધામ પણ વધારે વ્હાલું લાગવા લાગ્યું અહીંયા મનમીત મળ્યો. જ્યાં જ્યાં બંનેએ સાથે સમય વિતાવ્યો હતો ખાલી વાતોજ હતી, પણ અત્યારે ત્યાં પ્રેમ કર્યા જેટલો આનંદ આવતો હતો.
બાંકડો એ બંનેનો પ્રિય હતો. ત્યાં કોઈ બહુ આવતું નહીં એટલે શાંતિથી વાત કરતાં, બંને પોતાનાં અતીતની વાતો ખુબજ કરતાં અને દિલનો ભાર હળવો કરતાં.
ગરિમાનો પતિ ખુબજ રોમેન્ટિક હતો. એનું જીવન પ્રેમથી ભરેલું હતું પણ અચાનક હમસફર છોડી જાય ત્યારે જીવન દોયલું બની જાય. પોતે ખુબસુરત હતી એટલે એકલી જાણી ભમરાના ગુંજન વધી જતાં. માનસિક ત્રાસ એનો એમાં વધી જતો. નક્કી કર્યું કે વિધવાનું લેબલ કોઈને બનશે તો કહેશે જ નહીં. મારે જૂઠી સહાનુભૂતિ જોઈતી નથી, શણગાર સજવાનાં ચાલુ જ રાખ્યા. સમાજે ટોકી ખાધી પણ મન મક્કમ કરીને હારનાં માની. દીકરો પણ મમાને પૂરો સહકાર આપતો, સમાજથી નહીં ડરવાનું, તને મમા કોઈ પસંદ આવે તો જીવનસાથી શોધી લો હજી તો તમે 40 વર્ષનાજ છો. તમારી સામે હજી જિંદગી પડી છે.
ગરિમાને દીકરાનો સાથ હતો એટલે સમાજને ગણકારતી નહીં, પરિવર્તન સમય સમય પર જરૂરી છે એવું અવશ્ય માનતી. હું પહેલ કરીશ તો મારી જેમ જેને દુઃખ આવ્યું હોય છે તેને સપોર્ટ મળશે. સમાજનાં ભૂખ્યા વરુઓ જે આજુબાજુ હોય છે તેમાંથી છુટકારો મળશે.
દીકરો હજી એન્જિનિયરિંગનાં પહેલાં વર્ષમાં હતો. કમ્પ્યુટરમાં એને માસ્ટરી હતી. સ્ક્રોલર હતો, ફર્સ્ટ હમેશાં આવતો. ગરિમા નાસ્તા ઘરે બનાવીને વેચવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ફાવટ આવતી ગઇ અને એનું નામ ગુંજતું થયું ગૃહઉદ્યોગમાં. પતિ સારી એવી મૂડી મૂકીને ગયા હતા. ખમતીધર ઘર હતું. બીજી કોઈ ચિંતા નહોતી પણ સમયનાં ઘા માંથી પસાર થવા કામ કરવું જરૂરી હતું.
આજે વ્યોમેશની રાહ જોવામાં દિલમાં કેટલી ઉથલપાથલ એનું મનજ જાણતું હતું. સામે આવે ત્યારે દિલને ઠંડક થાય. મન ખુશી માણે. વિરહ હવે સહન થતો નહતો, અરે !!! કાલે જ તો પ્રેમનો એકરાર થયો. આજે વહેલું આવવું જોઈતું હતું તો આજે જ લેટ. જા, આજે તો હું પણ રીસાઈશ, કેવું મનાવે છે ?? એમ સપનામાં રાચતી રાહ જોવાઇ રહી બેચેનીથી. લાવ, ફોન કરું ?? નાં નાં, રસ્તામાં જ હશે ? હું શું ઘેલી બનું છું. કોઈ બીજું કામ પણ આવી ગયું હોય, પણ ફોન તો કરેને, કેમ લેટ ?? ઓહો, આટલો અધિકાર મળી ગયો પ્રેમનાં સ્વીકારથી, કેટલું મંથન થયું મન સાથે, સમાધાન નાં થયું હાજર રહીને.
દિલનાં હાલથી મજબૂર નાં રહેવાયું, આંગળીઓ ફરી રહી મોબાઈલના ટચ સ્ક્રીન પર, વ્યોમેશ પર ક્લિક કરતાં જાણે એક પળ જીવી ગઇ, દિલ પર જો નામ કોતરાઈ ગયું હતું. આછેરી ચિંતા સાથે જોડાણ કર્યુને રીંગ વાગતા ધડકન તેજ થઇ ગઇ. કોઈક યુવતીએ ફોન ઉપાડ્યો અને હેલોનાં અવાઝ સાથે કંઇક કેટલાય સપના ચકનાચૂર થતાં લાગ્યાં. હોઠોથી અવાઝ બંધ થયો. આંખો પાણીથી ભરાઈ ગઇ, પાણી ચિંતાનું બન્યું કે ઈર્ષાનું ?
(આગળનાં ભાગમાં જોઈએ યુવતી કોણ છે ? વ્યોમેશ સાથે શું કરી રહી છે...)
ક્રમશ: ....
""અમી""