( ડૉક્ટર ફ્રાન્સિસ ડાર્વિન કદાચ આગ લાગતા પહેલા જ મૃત્યુ પામ્યો હોઇ શકે એવુ મંતવ્ય રજૂ કરે છે... હવે વધુ આગળ જોઈએ )
શેલ્ડન : ડોકટર આના મૃત્યુ પામ્યાને કેટલો સમય થયો એ ચોક્કસાઈથી કહી શકાશે ?
ફ્રાન્સિસ : આ કેસમાં એ શક્ય બને નહિ શેલ્ડન. સામાન્યતઃ આપણે Algor mortis ( અલ્ગર મોર્ટીસ ) ઉપરથી અંદાજ લગાવીએ છીએ. તે મુજબ વ્યક્તિ મૃત્યુ પામે પછી દરેક કલાકે શરીર ઠડું પડતુ જાય છે અને તે ઉપરથી એ કેટલા કલાક પહેલા મૃત્યુ પમ્યો હશે એ જાણી શકાય છે . પણ આ કેસમાં બર્ન્સના કારણે એ જાણી શકાયુ નથી.
ઓફીસર શેલ્ડન કંઈક વિચારે છે. પછી ડોક્ટરને કહે છે : ફ્રાન્સિસ તુ ગમે તેમ કરીને બ્લડ સેમ્પલ લઈ શકાય આનુ એવુ કઈ કર. મારે આની ઓળખાણ માટે એ અત્યંત આવશ્યક છે. સાથે આના કપડા ઉપરથી જે જ્વલનશીલ પ્રવાહી મળ્યું હતું તે શું છે એની પણ તપાસ કર. ડીએનએ ટેસ્ટ માટે આની કોઈ પણ વાપરેલી વસ્તુઓ મળે એની હું કંઇક વ્યવસ્થા કરુ છુ.
ફ્રાન્સિસ : ઠીક છે ઓફિસર.
શેલ્ડન ત્યાંથી નીકળીને હવે ડાર્વિનના ઘરે ફરી જવા નીકળે છે અને માર્ટીનને સીધો ત્યાં બોલાવે છે. મકાનના મુખ્ય પ્રવેશવાના ગેટથી લઈને મુખ્ય દરવાજા સુધી એ બધુ તપાસે છે. સઘન પ્રયાસ પછી એક ઘડિયાળ ત્યાં પડેલુ મળે છે. ખૂણામાં ઝાડની નીચે એ પડ્યુ હશે એટલે કોઇનુ એના પર ધ્યાન ગયુ નહોતુ.ત્યાં સુધી માર્ટીન ત્યાં આવી જાય છે.શેલ્ડન ઘડિયાળ સાચવીને પુરાવા મૂકવાની બેગમાં એણે મૂકવાનુ કહે છે.
શેલ્ડન : આ નોકર વિશે શું જાણવા મળ્યુ છે ? એના કહેલા સમયે એ જે સ્ટોરમાં ગયો હતો એમ કહે છે ત્યાં એ ખરેખર હાજર હતો કે નહિ ?
માર્ટીન : સર એ સુપર માર્કેટમાં ગયો હતો એ વાત તો સાચી છે. ત્યાં સ્ટોરમાં હાજર સ્ટાફ દ્વારા એની પુષ્ટિ થઈ છે. પરંતુ એમનો સીસીટીવી કેમેરો કામ કરતો નથી તેથી એની કોઈ વિડિયો ક્લિપ અને ચોક્ક્સ સમય પુષ્ટિ કરવા માટે નથી. જોકે એ સવારમાં ત્યાં ગયો હતો એ વાત નક્કી.
શેલ્ડન : પૈસા કેવી રીતે ચૂકવ્યા હતા ? કાર્ડનો ઉપયોગ કર્યો હોય તો આપણે સમય જાણી શકીએ કારણ કે બેંકમાં એની ઇ-એન્ટ્રી જરૂર પડી હશે.
માર્ટીન : એ વિચાર મને આવ્યો સર પરંતુ પૈસા એને હાથોહાથ જ ચલણી નોટ દ્વારા આપ્યા છે.
શેલ્ડન : ઠીક છે ચાલ રૂમની ફરીથી વ્યવસ્થિત તપાસ કરીએ. એને વાપરેલી કોઈપણ વસ્તુ મળે તો એને પુરાવા તરીકે સાથે લઈ લેજે.ડીએનએ ટેસ્ટ માટે કામમાં લાગશે.
બંને ઓફીસર બેડરૂમમાં પ્રવેશે છે. તેઓ નાનામાં નાની વસ્તુનું ધ્યાનથી અવલોકન કરી રહ્યા છે.
માર્ટીન : સર ઘરમાંથી કોઈપણ વસ્તુની ચોરી થઇ નથી. બેડરૂમમાં પણ જે કેશ હતી તે બળીને ખાખ થઇ ગઇ છે. એનો અર્થ કે ચોરીનો કોઈ પ્રયત્ન થયો હોય એમ લાગતું નથી.
બેડરૂમમાં તો બધુ બળી ગયું છે પરંતુ વોશરૂમમાં ડાર્વિન રોજ જેનાથી બ્રશ કરતો હતો તે ટૂથબ્રશ હજી સલામત છે.
શેલ્ડન : ટૂથબ્રશ સાથે લઈ લે. એ કામમાં લાગશે.અને નોકરને બોલાવ.
આ ઘડિયાળ પહેલા જોયું છે ક્યાંક ?
પોલ ધ્યાનથી ઘડિયાળ જુએ છે અને તરત તેને ઓળખી જાય છે. આ તો માલિકનું જ છે.
શેલ્ડન : ડાર્વિન શું કામ કરતો હતો ? એનો ધંધો રોજગાર શું હતો ?
પોલ : સર એમની પોતાની જમીન છે અને એમાં વિવિધ શાકભાજી તથા ફળોની ખેતી કરે છે. આ કામ તેઓ વર્ષોથી કરતા આવ્યા છે."સ્ટોક્સ બ્રધર ફર્મ"નામથી એમના બાપદાદાના જમાનાથી તેઓ ખેતી કરતા આવ્યા છે અને પછી જાતે જ તેનુ વેચાણ કરતા.
શેલ્ડન : મિસ્ટર વિલ્સન સ્ટોક્સ પણ ખેતી જ કરે છે ?
પોલ : ના સર એમનો સેન્ચુરિયનમાં પોતાનો અલગ ધંધો છે. તેઓ હીરાનો વ્યાપાર કરે છે અને ખેતીમાં એમણે રસ નથી.
શેલ્ડન : બંને ભાઈઓ વચ્ચે કેવા સંબંધો છે ?
પોલ થોડુ ખચકાય છે પછી કહે છે : સર આમ તો તેમના સંબંધ સારા હતા. પરંતુ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ ઘણા સમયથી માલિકને જે ખાનદાની જમીન બંને ભાઈઓને મળી હતી એણે વેચીને અથવા એના જે રૂપિયા ઉપજે એમ હોય એ એમણે આપી દેવા માટે માંગણી કરતા હતા. એમને ખેતીમાં રસ હતો નહીં , તેઓ એ રૂપિયાથી પોતાનો ધંધો વિકસાવવા માંગતા હતા. એ બાબતે બંને ભાઈઓ વચ્ચે ક્યારેક બોલાચાલી થતી. છતા મિસ્ટર વિલ્સન એમના ભાઈને મળવા અચૂક દર અઠવાડિયે અહીં આવતા.
શેલ્ડન : હમમ... ઠીક છે ..
માર્ટીન અને શેલ્ડન બહાર નીકળે છે . હેનરી કયાં છે માર્ટીન ?
સર એ સેન્ચુરિયન ગયો છે તમે કીધુ હતુ એમ કાલે સવાર સુધીમાં આવી જશે .
શેલ્ડન : ઠીક છે તુ પણ હવે ઘરે જા. કાલે સવારે પોલીસ સ્ટેશનમાં મળીએ. હેનરીને આવવા જણાવી દેજે . પુરાવા જે અહીંથી એકઠા કર્યા છે એ ડોકટર ફ્રાન્સિસ સુધી પહોંચાડતો જજે.
જી સર... અને શેલ્ડન પોતાની કાર ડ્રાઇવ કરતા કરતા ઘરે જવા નીકળી પડે છે....
( ડાર્વિનના મૃત્યુનુ શું કારણ હશે !! ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ કેસમાં શું નવા તથ્યો બહાર લાવશે એ જોઈશુ વધુ આવતા અંકે....)