પ્રાયશ્ચિત પ્રકરણ 62
જાનકી અને કેતનનું પરિવારે સ્વાગત કર્યું. બંનેના આગમનથી ઘરમાં જાણે કે રોનક આવી ગઇ. જાનકી મમ્મી પપ્પાને પગે લાગી. ઘરના તમામ સભ્યો કેતન અને જાનકીને વીંટળાઈ ગયાં.
" કેવી રહી તમારી દુબઈની યાત્રા ? " સૌથી પહેલો સવાલ રેવતીએ કર્યો.
" ખૂબ જ મજા આવી ભાભી. ભાઈએ હોટલ પણ સારી શોધી કાઢી હતી. અમને લોકોને કોઈ જ તકલીફ પડી નથી. ત્રણે ત્રણ દિવસ ફરવામાં જ વિતાવ્યા છે. " કેતન બોલ્યો.
" મને તો સૌથી વધારે મજા બુર્જ ખલીફા માં આવી. છેક ૧૨૪મા માળે બે મિનિટમાં લિફ્ટ પહોંચી ગઈ. અને ત્યાંથી આખું દુબઈ એટલું સરસ દેખાય છે ભાભી કે શું વાત કરું !! બીજા નંબરે રંગમહેલ ડાઇનિંગ હોલ ! "
" ત્યાંના મોલ પણ ખૂબ જ અદભુત છે. તમારા ભાઈ તો બસ ચાલ ચાલ જ કરે અને આગળ નીકળી જાય. મારે એમને પાછા બોલાવવા પડે. મોલમાં જોવા જેવી વસ્તુ જોવી તો પડે ને ! " જાનકીએ મીઠી ફરિયાદ પણ કરી લીધી.
" એવું નથી. જે વસ્તુ લેવાની જ ના હોય એવી શોપમાં ખાલી ખાલી આંટો મારવાનો શુ મતલબ ? બાળકોના કપડાં મળતાં હોય ત્યાં પણ ચક્કર મારે ! આપણે મધ લેવાનું ના હોય છતાં મધની શોપમાં જઈને જાતજાતના મધના ભાવ પૂછે. શાકભાજીના સ્ટોલ ઉપર પણ ઉભી રહે !! " કેતન બોલ્યો.
" અરે મમ્મી આપણે સફેદ મધ ક્યાંય જોયું છે ? જ્યાં કુતૂહલ થાય ત્યાં પૂછવામાં શું વાંધો ? અને અમને સ્ત્રીઓને શાકભાજી જોવામાં રસ પડે જ. શું કહો છો ભાભી ? " જાનકીએ રેવતીને પક્ષમાં લીધી.
" હા એ વાત તો જાનકીની સાચી છે હોં કેતનભાઇ . કંઈક નવું પહેલીવાર જોયું હોય તો બે મિનિટ ઊભા રહીને જોવાનું મન તો થાય ! અને ત્યાં કોઈ નવાં શાકભાજી દેખાય તો એ જોવા ઉભી જ રહે ને ? " રેવતી બોલી.
" હવે તમે લોકો ફરિયાદો બંધ કરો અને જમવા માટે બેસો. બધા તમારી રાહ જોઈને બેઠા છે. " જયાબેન બોલ્યાં.
બધાં ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં. આજે મહારાજે હૈદરાબાદી બિરયાની બનાવી હતી. સાથે દહીં અને સાલાન ની વ્યવસ્થા તો હોય જ !
ગઈકાલ રાતનો ઉજાગરો હતો અને આજે બપોરે પણ માંડ બે કલાક સુતાં હતાં એટલે જાનકી અને કેતને આજે રાત્રે સંપૂર્ણ આરામ કરવાનું નક્કી કર્યું હતું.
સવારે કેતન વહેલો ઉઠી ગયો. ધ્યાન યોગા વગેરે પતાવી નાહી લીધું. જાનકીને પણ એણે છ વાગે ઉઠાડી દીધી. નાહી ધોઈને જાનકી નીચે ગઈ. ઘરના તમામ સભ્યોએ સવારે ચા નાસ્તો કરી લીધો.
" હવે તમારો દુબઈનો પટારો ક્યારે ખોલશો ભાભી ? મારાથી હવે રહેવાતું નથી. " શિવાની બોલી.
" ધીરજનાં ફળ મીઠાં હોય છે બેનબા. ચિંતા ના કરો. અત્યારે જ તમને તમારી ગિફ્ટ આપી દઉં છું. " જાનકી બોલી અને બંને બેગો બેડરૂમ માં લઈ લીધી.
રેવતી પણ જાનકીનું શોપિંગ જોવા માટે બેડરૂમમાં આવી ગઈ. જાનકી એ એક બેગ ખોલીને ખરીદ કરેલી તમામ વસ્તુઓ બેડ ઉપર પાથરી દીધી.
" આ સાડી મમ્મી માટે. આ એક્ ડ્રેસ ભાભી માટે અને બીજો આ વેસ્ટર્ન ડ્રેસ શિવાની બેન માટે. આ બંગડીનો સેટ પણ ભાભી માટે. બંગડીનો આ બીજો સેટ ખાસ મમ્મી માટે. "
અમેરિકન ડાયમંડ અને રત્નો જડેલી આ બંગડીઓ બધાને ગમી ગઈ. દરેકના હાથની બંગડીની સાઈઝ જાનકીએ ફોન ઉપર પૂછી લીધેલી. કારણકે આટલે દૂરથી લાવેલી મોંઘી બંગડીઓ પછી બદલી શકાય નહીં.
અદભુત વર્ક કરેલા બંને ડ્રેસ પણ લાજવાબ હતા. જયાબેનનો ડ્રેસ લાઇટ કલરનો હતો જ્યારે રેવતીનો ડ્રેસ ડાર્ક કલરનો હતો. સિદ્ધાર્થ માટે કેતને એક મોંઘી રિસ્ટ વોચ ખરીદી હતી એ પણ બધાને બતાવી.
શિવાની અને રેવતીભાભી માટે જે ઇયરિંગજ લીધા હતા તે પણ એ બંનેને આપી દીધા. બંને ઇયરિંગજ રિયલ ડાયમંડના હતા. કારીગરી અદભૂત હતી !
શિવાની ઇયરિંગજ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ.
બીજી બેગમાં નાની-મોટી ઘરવખરીની વસ્તુઓ અને ક્રોકરી સેટ હતા જે પોતાના ઘર માટે જાનકીએ ખરીદ્યા હતા. એ બેગ જામનગર લઈ જવાની હતી ! સ્ત્રીઓની કોઠાસુજ ગજબની હોય છે. ખૂબ જ પ્લાનિંગથી જાનકીએ ખરીદી કરી હતી.
ગીફ્ટ મેળવીને જયાબેન રેવતી અને શિવાની ત્રણેય ખુશ હતાં. જાનકી એ બધાંને માટે દિલથી ખરીદી કરી હતી.
જામનગર લઈ જવાની બેગ જાનકી પોતાના બેડરૂમમાં લઇ ગઈ. આજે રાત્રે ૧૨:૩૦ની સૌરાષ્ટ્ર મેલની જામનગરની ટિકિટ હતી. કાલે ૧૨ ડિસેમ્બરે બપોરે ૧૨ વાગે જામનગર પહોંચી જવાનું હતું. એણે પોતાની અને કેતનની બેગ તૈયાર કરવાની શરૂઆત કરી.
આજે જયાબેને જાનકી વહુને જોડે બેસાડીને ઘણી બધી શિખામણો આપી. કારણ કે કાલથી જાનકી અને કેતનનો નવો ઘરસંસાર ચાલુ થઈ રહ્યો હતો.
રાત્રે જમી-કરીને ૧૧:૩૦ વાગ્યે જાનકી અને કેતનને વળાવવા ઘરના તમામ સભ્યો સ્ટેશન જવા બે ગાડીઓમાં નીકળી ગયાં. શિવાનીને પણ જવાની ઘણી જ ઈચ્છા હતી પરંતુ હવે એની કોલેજ ચાલુ થતી હતી.
પ્લેટફોર્મ ઉપર પપ્પાએ પણ કેતન સાથે ઘણી વાતો કરી. ઘણી બધી શિખામણ પણ આપી. કરોડોનો વહિવટ થવાનો હતા એટલે ધ્યાન રાખવાની પણ સલાહ આપી. લોકો ઉદારતાનો ખોટો ગેરલાભ ના લે એનું પણ સૂચન કર્યું. જાનકીનું પણ ધ્યાન રાખવાનું કહ્યું.
" પપ્પા તમે અહીંથી મને ૨૦૦ જેટલા સારી ક્વોલિટીના ગરમ ધાબળા આંગડિયામાં પાર્સલ કરી દો. ૭૦ ૮૦ ધાબળા તો મારે હોસ્પિટલમાં જ દર્દીઓ માટે જોઈશે કારણ કે શિયાળો શરૂ થઈ ગયો છે.
૧૨:૩૦ વાગે એના સમય મુજબ સૌરાષ્ટ્ર મેલ પ્લેટફોર્મ ઉપર આવીને ઊભો રહ્યો. કુલી તૈયાર જ હતો. ફર્સ્ટ ક્લાસના એ રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં સામાન ગોઠવી દીધો. જયાબેન જાનકીને વળગીને રડી પડ્યાં.
વ્હિસલ વાગી એટલે કેતન અને જાનકી કોચમાં ચઢી ગયા અને દરવાજા પાસે ઉભાં રહ્યાં. ગાડી ધીમે ધીમે ગતિમાં આવતી ગઈ અને પરિવાર દૂર દૂર થતો ગયો. પરિવારથી અલગ થવાની જાનકીની જરા પણ ઈચ્છા ન હતી પરંતુ મજબૂરી હતી. હાથ હલાવતાં હલાવતાં જાનકીની આંખો માં પાણી આવી ગયાં.
જાનકી અને કેતન પોતાની બર્થ ઉપર ગોઠવાઈ ગયાં.
" એક સુંદર સપનું આજે પૂરું થઈ ગયું જાનકી ! લગ્ન, હનીમૂન, દુબઈની ટ્રીપ, પરિવારનો આનંદ .... દસ દિવસનો આ જીવન મહોત્સવ ક્યારે પસાર થઈ ગયો ખબર જ ના પડી. " કેતન પણ થોડો અપસેટ થઈ ગયો.
" હા કેતન. હું ખૂબ જ નસીબદાર છું કે મને આવું સરસ સાસરુ મળ્યું છે. કેટલા પ્રેમાળ છે તમારા ઘરના લોકો !! પાણી માગો ત્યાં દૂધ આપે છે. હવે કાલથી આપણે એકલાં. " જાનકી બોલી.
" કાલથી એ જ રૂટીન લાઈફ હવે ચાલુ. એટલું સારું છે કે હવે હું એકલો નથી. તું મારી સાથે છે. ઘરના કામકાજની તો કોઈ ચિંતા નથી. બે ટાઇમ જમવાનું પણ સરસ મળે છે. તારે પણ હવે ઓફિસ સંભાળવી પડશે. આપણે કામને વહેંચી દેવું પડશે. " કેતન બોલ્યો.
અને આમ અડધો કલાક બંને વચ્ચે વાતો ચાલી. રાત નો એક વાગ્યો હતો બંને ધાબળો ઓઢીને સુઈ ગયાં.
બીજા દિવસે બપોરે ૧૨:૧૫ વાગે સૌરાષ્ટ્ર મેલ જામનગર સ્ટેશને પહોંચી ગયો.
આગલા દિવસે જ કેતને મનસુખ માલવિયા સાથે વાત કરી લીધી હતી અને દક્ષાબેનને પણ કહેવડાવી દીધું હતું. એટલે મનસુખ કેતનની ગાડી લઈને સ્ટેશન ઉપર તૈયાર જ હતો. હવેથી એ કેતનનો કાયમી ડ્રાઇવર બની ગયો હતો.
બંને જણાં લગ્ન કરીને જામનગર આવ્યાં હતાં. એટલે તેમના આશ્ચર્ય વચ્ચે સ્ટેશનની બહાર ફૂલોનો બુકે લઈને જયેશ ઝવેરી એના પુરા સ્ટાફ સાથે ઉભો હતો.
જયેશ અને મનસુખ તો જાનકી મેડમના પરણ્યા પછીના આ નવા સ્વરૂપને જોઈ જ રહ્યા. જાનકી એક તો ખૂબ જ ગોરી હતી અને લગ્ન પછી નવોઢા તરીકે ખૂબ જ સુંદર લાગતી હતી. લાલ ઘરચોળામાં એનું રૂપ પણ ખીલ્યું હતું.
" વેલકમ શેઠ... વેલકમ મેડમ. અમારા બધા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. " બધા એકસાથે બોલ્યા અને જયેશે કેતન ના હાથમાં બુકે આપ્યો.
" અરે તમે લોકોએ તો જબરદસ્ત સરપ્રાઇઝ આપ્યું. થેંક્યુ... થેંક્યુ વેરી મચ" કેતને વળતો જવાબ આપ્યો.
" તમે લોકો બધા જમીને આવ્યા છો કે જમવાનું બાકી છે ? " કેતને બધાને પૂછ્યું.
" જમવાનું તો બાકી છે સાહેબ. અમે ઓફિસથી જ સીધા અહીં આવ્યા છીએ. રાજેશને પણ ઓફિસ બોલાવી લીધેલો. આ બે આપણા નવા સ્ટાફ મેમ્બરો છે. આ છે અદિતિ જે કાજલની સાથે એકાઉન્ટમાં લીધી છે અને આ છે કૌશલ જે વિવેકની મદદમાં છે. " જયેશે ઓળખાણ કરાવી.
" નમસ્તે સર... નમસ્તે મેડમ " બંનેએ હાથ જોડીને કેતન અને જાનકીને નમસ્કાર કર્યા.
" ચાલો આ કામ તમે સરસ કર્યું છે. હવે સાંભળો. મારા તરફથી અત્યારે તમારે હોટલ માં લંચ લેવાનું છે. તમે તમારું ટિફિન લઈને આવ્યા હો તો એ સાંજે જમજો. તમે લોકો બધા જયેશભાઈ ની સાથે જઈને જમી આવો. અમારાં લગ્ન નિમિત્તે જમણવાર સમજી લેજો. " કેતન બોલ્યો.
" અને મનસુખભાઈ તમે પણ એ લોકો સાથે જમવામાં જોડાઈ જાઓ. ગાડી હું ચલાવી લઈશ. જમીને પછી મારા ઘરે આવી જજો. મારો સામાન મારી ગાડીમાં મૂકી દો. " કેતને આદેશ આપ્યો.
" જી શેઠ " મનસુખ બોલ્યો અને એણે બંને બેગો ડીકીમાં મૂકી દીધી.
સ્ટાફના માણસો તો કેતનની વાતોથી ખૂબ જ અંજાઈ ગયા. જમનાદાસ ટ્રસ્ટની ઓફિસમાં જોબ મળવી એ પણ એક સૌભાગ્ય હતું !!
કેતન ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો બાજુમાં જાનકી બેઠી. જાનકીની બંગડીઓનો રણકાર અને પગની ઝાંઝરીનો ઝણકાર કેતનના મનમાં એક નવો જ ઉન્માદ પેદા કરતો હતો. જાનકી સાવ બદલાઈ ગઈ હતી.
ઘરે પહોંચ્યા ત્યારે દક્ષાબેને પણ વર-કન્યાનું કંકુના ચાંલ્લા અને ચોખાથી સ્વાગત કર્યું. એ પછી જમતા પહેલાં બંનેએ ફટાફટ નાહી લીધું.
જમવામાં આજે કંસાર, ફ્લાવર બટેટાનું મિક્સ શાક, રોટલી અને મગ ભાત હતા. લગ્ન પછી કેતન અને જાનકી પહેલીવાર ઘરે આવ્યાં હતાં એટલે દક્ષાબેને શુકનનો કંસાર અને મગ ખાસ બનાવ્યા હતા.
જમીને બંનેએ થોડો આરામ કરવાનું નક્કી કર્યું. ચાર વાગ્યા સુધી બંને સૂતાં રહ્યાં. ઊઠીને જાનકી એ બંને માટે ચા બનાવી દીધી.
કેતન ૧૨ દિવસથી હોસ્પિટલ ગયો નહોતો એટલે આજે હોસ્પિટલમાં એક રાઉન્ડ મારવાની એની ઈચ્છા થઈ. એ શૂટ પહેરીને તૈયાર થઈ ગયો. જાનકીએ જીન્સ અને ડાર્ક પર્પલ કુર્તી પહેરી લીધી. એના ગોરા શરીર ઉપર આ કુર્તી સરસ શોભતી હતી.
મનસુખ પણ આવી ગયો હતો. કેતન અને જાનકી જેવાં ઘરની બહાર નીકળ્યાં કે તરત જ મનસુખ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો. કેતને ગાડી હોસ્પિટલ લેવાનું સૂચન કર્યું.
હોસ્પિટલમાં જેવી ગાડી પ્રવેશી કે તરત જ તમામ સિક્યોરિટી વાળા સાવધાન થઈ ગયા. એક સિક્યોરિટી વાળાએ અંદર દોડીને માહિતી આપી દીધી કે કેતન શેઠ અને મેડમ આવ્યાં છે. અંદર નો સ્ટાફ પણ સાવધાન થઈ ગયો.
કેતન અને જાનકીએ હોસ્પિટલમાં પ્રવેશ કર્યો ત્યારે આ નવદંપતિને બધાં જોઈ જ રહ્યાં. સ્ટાફમાં તો બધાને ખબર હતી કે કેતન શેઠનાં લગ્ન હતાં એટલે એ સુરત ગયા હતા.
શાહ સાહેબ પોતાની ચેમ્બરમાંથી બહાર આવ્યા. એમણે આ નવપરિણિત દંપતીને લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી. બીજા પણ બધા ડોક્ટરોને ખબર પડતાં એ બધા બહાર આવ્યા અને શુભેચ્છાઓ પાઠવી. કેતન અને જાનકીએ બધાંનો આભાર માન્યો.
કેતન જાનકીને લઈને પહેલા માળે પોતાની ચેમ્બરમાં ગયો. પાછળ ને પાછળ શાહ સાહેબ પણ ઉપર ગયા. કેતનનો એટેન્ડન્ટ જયદીપ હાજર થઈ ગયો અને નમસ્કાર કર્યા.
" જયદીપ... ઉપર કેન્ટીનમાંથી ચા લઈ આવ સાહેબ માટે. " શાહ સાહેબ બોલ્યા.
" ના સાહેબ ઘરેથી ચા પીને જ નીકળ્યાં છીએ. " કેતન બોલ્યો એટલે જયદીપ બહાર જઈને બેઠો.
" કેતનભાઇ હોસ્પિટલનો રિસ્પોન્સ જબરદસ્ત છે. ઈમેજીંગ સેન્ટર તો આખો દિવસ ફૂલ રહે છે. ૫૦% ના ભાવે તમામ ટેસ્ટ આપણે કરી આપીએ છીએ એટલે તમામ દર્દીઓ એમઆરઆઈ અને સિટીસ્કેન કરાવવા માટે અહીં જ આવે છે. હોસ્પિટલમાં પણ તમામ બેડ ફૂલ રહે છે. અમુક કેસોમાં તો વેઇટિંગ ચાલી રહ્યું છે. સર્જરીના કેસો વધી ગયા છે. તે જ પ્રમાણે ડીલીવરીના કેસો પણ ઘણા વધી ગયા છે. જામનગરમાં આ હોસ્પિટલની ઘણી ચર્ચા થાય છે. " ડૉ. મહેન્દ્ર શાહે રિપોર્ટિંગ કર્યું.
" ચાલો સારી વાત છે. શરૂઆત તો સારી છે. " કેતને ખુશી વ્યક્ત કરી.
" તમે વાતો કરો ત્યાં સુધીમાં હું જરા વોર્ડમાં ચક્કર મારીને આવું છું." કહીને જાનકી ત્રણે ય વોર્ડનો રાઉન્ડ લેવા માટે ઉપર ગઈ.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)