Prayshchit - 61 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 61

Featured Books
Categories
Share

પ્રાયશ્ચિત - 61

પ્રાયશ્ચિત પ્રકરણ 61

જમ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકી ના સ્પોન્સર લેટર માટે દુબઈ ગ્રાન્ડ હયાત હોટલના મેનેજર શેટ્ટી સાથે વાત કરી લીધી. એ પછી તરત જ કેતને પણ પોતાના અને જાનકીના તમામ ડિજિટલ ડોક્યુમેન્ટ ઈમેલ કરી દીધા.

બીજા દિવસે સાંજે શેટ્ટીનો ફોન પણ આવી ગયો અને ઈમેલ ઉપર સ્પોન્સર લેટર પણ આવી ગયો. સ્પોન્સર લેટર આવ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકી માટે મુંબઈથી સવારે ૦૭:૫૦ કલાકે ઊપડતા ઈન્ડિગોની ૭ ડિસેમ્બરની દુબઈ જવાની બે ટિકિટ બુક કરાવી દીધી.

કેતન અને જાનકી ૬ ડિસેમ્બરે સાંજે છ વાગે શતાબ્દિ એક્સપ્રેસમાં મુંબઈ જવા રવાના થઈ ગયાં અને એરપોર્ટ પાસેની કેતનની જાણીતી હિલ્ટન હોટલમાં રાત રોકાઈ ગયાં.

સવારે વહેલા ઊઠીને ૦૬:૩૦ કલાકે બંને જણાં એરપોર્ટ પહોંચી ગયાં. બોર્ડિંગ પાસ લઈને સિક્યુરિટી ચેકિંગ કરાવી દીધું અને અંદર લોન્જમાં જઈને બેઠાં.

જાનકી પહેલીવાર વિદેશ પ્રવાસ કરી રહી હતી એટલે આજે એ ખૂબ જ રોમાંચક અનુભવ કરી રહી હતી. લગ્ન થયાં ત્યારથી જ બંને જણાં આમ તો રોમેન્ટિક બની જ ગયાં હતાં ! પણ આ વિદેશ પ્રવાસનો રોમાંચ કંઇક અલગ પ્રકારનો હતો !!

કેતને એરપોર્ટ ઉપરથી જ દુબઈની કરન્સી લઈ લીધી હતી. ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ તો હતું જ છતાં કેટલીક જગ્યાએ ત્યાંની લોકલ કરન્સીની જરૂર પડતી હતી.

સવારે ૧૦ વાગે દુબઈ એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયું. એક નંબરના ટર્મિનલ ઉપર ટ્રેનની વ્યવસ્થા હતી. જેમાં બેસીને ઈમિગ્રેશન વિભાગમાં જવાતું હતું. ત્યાં જઈને ઈમિગ્રેશન ચેકિંગ કરાવી બંનેના પાસપોર્ટ ઉપર એન્ટ્રીનો સ્ટેમ્પ લગાવી કસ્ટમ માં થઈને એ લોકો બહાર નીકળ્યાં.

એરપોર્ટ ઉપરથી ટેક્ષી કરીને એ લોકો ગ્રાન્ડ હયાત હોટેલ પહોંચી ગયા. ત્યાં પહોંચીને કેતને મેનેજર શેટ્ટી સાથે વાત કરી. શેટ્ટીએ ચોથા માળે એક બેસ્ટ સ્યુટ એ લોકોને આપી દીધો. સ્યુટમાં પ્રવેશ કર્યો ત્યારે પોણા બાર વાગી ગયા હતા.

બંને જણા આજે વહેલી સવારે પાંચ વાગે ઉઠી ગયા હતા એટલે જાનકીને નાહવાનું બાકી હતું. સૌથી પહેલા તો જાનકી એ મન ભરીને સ્નાન કરી લીધું. અડધા કલાકે બહાર નીકળી. વેસ્ટર્ન આઉટફીટમાં એ ખૂબ જ આકર્ષક લાગતી હતી.

બંને જણાં તૈયાર થઈ ગયાં ત્યારે ૧૨:૩૦ જેવું થઈ ગયું હતું. બંનેને ભૂખ પણ લાગી હતી એટલે દૂરની કોઈ રેસ્ટોરન્ટમાં જવાના બદલે ગ્રાન્ડ હયાતની રેસ્ટોરન્ટમાં જઈને પંજાબી ડિશ જમી લીધી. ફ્રેશ નોનવેજ ફૂડ અહીં મળતું હતું પરંતુ બંને શાકાહારી હતાં.

જમ્યા પછી બપોરે થોડો આરામ કર્યો. ચાર વાગ્યે ઊઠીને હોટેલના રિસેપ્શનમાં થી ટુરિસ્ટ ટેક્ષીનું સેટિંગ કર્યું અને દુબઈની સહેલગાહે બન્ને નીકળી પડ્યાં.

સાંજનો સમય હતો એટલે ટેક્ષી વાળો સૌથી પહેલાં પામ જુમીરાહ આઇલેન્ડ લઈ ગયો. બીચ ઉપર બંનેએ અડધો કલાક લટાર મારી. ત્યાંથી પાછા વળતાં એટલાન્ટિસની પણ વિઝીટ કરી.

દુબઈ મોલ ઉપર આવેલો ફાઉન્ટેન દુબઈનું મુખ્ય આકર્ષણ હતું. રાત્રિના ટાઈમે એનો નજારો ખૂબ જ સુંદર હતો એટલે ટેક્ષી વાળો એમને દુબઈ મોલ લઈ ગયો. ખરેખર મનમોહક આ ફુવારો હતો !! બાજુમાં જ દુબઈનો ખૂબ જ પ્રખ્યાત બુર્જ ખલીફા હતો પણ રાત પડી ગઈ હોવાથી એની મુલાકાત કાલ ઉપર રાખી.

ત્યાંથી એ લોકો જમવા માટે મેરિયોટ હોટલમાં ચોથા માળે આવેલી રંગ મહલ રેસ્ટોરન્ટમાં ગયા. અદભુત રેસ્ટોરન્ટ અને અદભુત વાનગીઓ !! આટલી સુંદર રેસ્ટોરન્ટ જાનકી પહેલીવાર જોઇ રહી હતી !! દુબઈ તો દુબઈ જ હતું. દરેક વાનગી ખૂબ જ ટેસ્ટી હતી અને સર્વિસ પણ લાજવાબ હતી.

હોટેલમાં પાછા ફર્યા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. આજે વેસ્ટર્ન આઉટફિટમાં જાનકી ખૂબ જ આકર્ષક લાગતી હતી. દુબઈની એ પહેલી રાત કેતન અને જાનકીએ ઉન્માદની ઉર્મિઓ વચ્ચે વીતાવી.

બીજા દિવસે સવારે ૮ વાગે આંખો ખુલી. બ્રશ કરીને બંને જણાં ફ્રેશ થઈ ગયાં. ચા અને બ્રેકફાસ્ટ રૂમ સર્વિસમાં ઓર્ડર આપીને રૂમમાંજ મંગાવી લીધાં.

આટલી સુંદર હોટલના વિશાળ બાથરૂમમાં ગરમ પાણીના ફુવારા નીચે સાથે બાથ લેવાની ઈચ્છા કેતન ના રોકી શક્યો. યૌવનની મસ્તી આજે હિલોળે ચડી હતી !!

આજે બુર્જ ખલીફા જવાનો પ્લાન હતો. સવારે ૧૦ વાગ્યે હોટલનો ટેક્ષીવાળો આવી ગયો. ફરી ટેક્ષી દુબઈ મોલ પહોંચી ગઈ.

બુર્જ ખલીફા ૮૩૦ મીટરની ઊંચાઈ ધરાવતી દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. ૧૨૪ મા માળ સુધી લીફ્ટ જાય છે અને ત્યાં ગોળ ફરતી ગેલેરી છે. ત્યાંથી આખા દુબઈનાં દર્શન થાય છે. અફાટ દરિયો અને રણ બંને સાથે જોઈ શકાય છે. કેતન અને જાનકીએ અહીંયા એકબીજાના ફોટોગ્રાફ્સ લીધા અને દુબઈનું શૂટિંગ પણ કર્યું. અડધો કલાક પસાર કરીને બંને નીચે ઉતર્યાં.

એ પછી દુબઇ મોલમાં બન્ને જણાએ જરૂરી શોપિંગ પણ કર્યું. શિવાની માટે પણ જાનકીએ થોડી ખરીદી કરી. મોલ એટલો બધો વિશાળ છે કે ચાલતાં ચાલતાં થાકી જવાય. બપોરે જમવાનું પણ મોલમાં આવેલા એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં કર્યું.

ત્યાંથી એ લોકો બીચ ઉપર ગયા અને યોટ માં બેસીને બે કલાક દરિયાની સફર કરી. દુબઈનું વિશાળ વ્હીલ પણ જોયું.
ત્યાંથી એ લોકો મીના બજાર ગયા અને થોડીક જ્વેલરી કેતને જાનકીને ગિફ્ટ કરી. જાનકીએ પણ શિવાની માટે ઇયરીંગ્સ લીધાં.

સાંજનું બૂફે ડીનર પામ્સ માં એટલાન્ટિસ માં નક્કી કર્યું એટલે ટેક્ષી ત્યાં લઈ લીધી. અહીંયા ઘણી બધી વેરાઇટીઝનો એ લોકોએ આનંદ માણ્યો.

ત્રીજા દિવસે એ લોકોએ ૭ સ્ટાર બુર્જ અલ અરબ હોટેલ નું ચક્કર માર્યું. ત્યાંથી એ લોકો પ્રખ્યાત દુબઈ એક્વેરિયમમાં ગયાં. એ પતાવીને અમીરાત મોલમાં એક કલાકની લટાર મારી.આ મોલ ખરેખર સુંદર હતો.

એ પછી અબુધાબી જઈને ત્યાંનો એક રાઉન્ડ લીધો. બપોરનું લંચ અબુધાબીમાં ભાવના ડાઇનિંગ હોલમાં લઈ લીધું. અબુધાબી પણ એક સુંદર સીટી હતું.

પાછા ફરતાં દુબઈના શેખ જાયેદ રોડની ગગનચુંબી ઇમારતો નો પણ રોમાંચક અનુભવ જાનકીએ કર્યો. કેતન તો અમેરિકા રહેલો હતો એટલે એના માટે કંઈ નવું ન હતું.

સાંજનુ ડીનર દુબઈની પ્રખ્યાત અમૃતસર પંજાબી રેસ્ટોરન્ટમાં કર્યું. ડીનર પતાવીને રાત્રે ૯:૩૦ વાગે હોટલ ઉપર પાછાં પણ આવી ગયાં. કેતન અને જાનકીએ ત્રણ દિવસમાં આખું દુબઈ જોઈ લીધું. રણમાં ઉભું કરેલું આ સુંદર શહેર આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

આવતી કાલનું વહેલી સવારે સાડા છ વાગ્યાનું એર ઇન્ડિયાનું મુંબઈનું ફ્લાઇટ હતું. અને સવારે પાંચ વાગ્યે હોટલ છોડી દેવાની હતી. કેતને તમામ બિલનું પેમેન્ટ રાત્રે જ કરી દીધું જેથી સવારે સીધા નીકળી જવાય. ટેક્ષીવાળાને કહી રાખ્યું હતું એટલે એ કોઈ ચિંતા ન હતી.

દુબઈની એ છેલ્લી રાત કેતન અને જાનકીએ સાચા હનીમુન કપલની જેમ એન્જોય કરી. સવારે વહેલા ઉઠવાનું હતું એટલે ૦૪:૩૦ વાગ્યાનું એલાર્મ મુકીને બે વાગે સુઈ ગયાં.

ટેક્ષીવાળાને કહી રાખ્યું હતું એટલે સવારે ૪:૩૦ વાગે એનો ફોન પણ આવી ગયો.

" સરજી ગાડી તૈયાર હૈ " ટેક્સીવાળો સરદારજી બોલ્યો.

" બસ મૈં પાંચ બજે તક નીચે આ જાતા હું . " કહીને કેતને જાનકીને પણ ઉભી કરી દીધી. બંનેએ ફટાફટ બ્રશ વગેરે પતાવી દીધું અને ફ્રેશ થઈ ગયાં. આજે નાહવાનો ટાઈમ નહોતો.

એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે સાડા પાંચ વાગી ગયા હતા. બોર્ડિંગ પાસ લઈને કસ્ટમ ઇમિગ્રેશન વગેરે પતાવી દીધું અને મુંબઈ તરફની ડીપાર્ચર લોન્જમાં પહોંચી ગયાં. એરપોર્ટના સ્ટાફમાં ઘણા બધા ઇન્ડિયન દેખાતા હતા.

" આ ફ્લાઈટ આપણને ૧૧:૧૫ વાગ્યે મુંબઈ ઉતારશે. ત્યાંથી સુરત જવાનું કેવી રીતે કરીશું ? બપોરે અઢી વાગ્યા આસપાસ બોરીવલીથી કર્ણાવતી આપણને મળી શકે. જો આપણે મુંબઈમાં જ કોઈ હોટલમાં નાહી ધોઈને થોડો આરામ કરી લેવો હોય તો પછી સાંજની કચ્છ એક્સપ્રેસ પકડી લઈએ. " કેતને જાનકીને પૂછ્યું.

" એક વાત કહું ? બપોરની કર્ણાવતી પકડવાની મજા નહીં આવે. ખોટી દોડાદોડી થઈ જશે અને આપણને ઉજાગરો પણ છે. બપોરે થોડા આરામની જરૂર છે. આપણે માટુંગા જતા રહીએ. નાહી ધોઈને આરામ કરીશું. ખોટા હોટલોમાં પૈસા હવે બગાડવા નથી. " જાનકીએ એક ગૃહિણીની જેમ સલાહ આપી.

" ચાલો તું જેમ કહે એમ. તો તું મમ્મીને અત્યારે જ ફોન કરી દે. અને કહેજે કે કોઈ ખોટી ધમાલ કરવાની જરૂર નથી. દાળ ભાત શાક રોટલી ચાલશે. " કેતન બોલ્યો.

જાનકી ઊભી થઈ અને કેતનથી થોડે દૂર જઇ મમ્મી સાથે વાત કરી લીધી.

" આમ દૂર જઈને કાં વાત કરે છે ? મારી હાજરીમાં પણ કરી શકાય ને !! "

" તમને એમાં સમજ ના પડે. અમારી સ્ત્રીઓની વાતચીત કરવાની એક આગવી સ્ટાઈલ હોય સાહેબ. અને મા દીકરીની વાતમાં ખાનગી ઘણું હોય. " જાનકી હસીને બોલી.

પરંતુ કેતન કંઈ જવાબ આપે તે પહેલાં પેસેન્જરોને અંદર જવાનું એનાઉન્સમેન્ટ થઈ ગયું. પ્લેન લાગી ગયું હતું. બે બેગો તો લગેજમાં આપી હતી. નાની સૂટકેસ જ સાથે રાખી હતી. લાઈનમાં આગળ વધીને બંને પ્લેનમાં ગોઠવાઈ ગયાં.

બરાબર ૬:૩૦ વાગે પ્લેન દુબઈની ધરતી ઉપરથી રવાના થયું. દૂર દૂરથી દુબઈનો પરિચય કરાવતો બુર્જ ખલીફા ક્યાંય સુધી જોઈ શકાતો હતો. કેતન અને જાનકીની હનીમુન યાત્રા પૂરી થઈ ગઈ હતી.

પ્લેન એના શીડ્યુલ પ્રમાણે સમયસર મુંબઈ પહોંચી ગયું. એરપોર્ટ માંથી બહાર આવતાં બીજો અડધો કલાક નીકળી ગયો. બાર વાગ્યે બહાર આવીને એમણે ટેક્ષી કરી લીધી. ટેક્ષીમાંથી જ કેતને તત્કાલ કોટામાં કચ્છ એક્સપ્રેસની ફર્સ્ટ ક્લાસની બે ટિકિટ બુક કરાવી દીધી. એક કલાકમાં બંને માટુંગા ઘરે પહોંચી ગયાં.

લગ્ન પછી પહેલી વાર જમાઈ ઘરે આવતા હતા એટલે શિરીષભાઈ અને કિર્તીબેને એમનું ભાવભીનું સ્વાગત કર્યું.

" આવો કેતનકુમાર... કેવી રહી દુબઈની ટ્રીપ તમારી ? " દેસાઈ સાહેબ બોલ્યા.

" દુબઈ તો દુબઈ જ છે પપ્પા ! " કેતને હસીને કહ્યું. અને એ સોફામાં બેઠો.

" કેતન આપણે નાહવાનું કામ પહેલાં પતાવી લઈએ. .હું તમારાં કપડાં કાઢી આપું. ટુવાલ તો અંદર બાથરૂમમાં છે જ." જાનકી બોલી અને બેગ ખોલીને અન્ડરવેર અને બનીયન બહાર કાઢ્યાં.

" અરે તમે લોકો પહેલાં જમી લો. એક વાગી ગયો છે. તમે બંને નાહવાનું કરશો તો બે વાગી જશે. રસોઈ પણ ઠંડી પડી જશે. જમી કરીને શાંતિથી પછી નાહી લેજો ને ? " કીર્તિબેન બોલ્યાં.

" મમ્મીની વાત સાચી છે જાનકી. પહેલાં આપણે પેટપૂજા પતાવી લઈએ. આમ પણ આટલું મોડું તો થયું જ છે. " કેતને મમ્મીની વાતમાં સાથ આપ્યો.

" હમ્... પોતાને ભૂખ લાગી લાગે છે. ચાલો જમી જ લઈએ. " કહીને જાનકી ડાઇનિંગ ટેબલ તરફ ગઈ અને કેતન પણ હાથ ધોઈને જમવા બેસી ગયો.

કીર્તિબેને દાળ, ભાત, પુરી, પાપડી રીંગણનું શાક અને સાથે કંસાર બનાવ્યો હતો. લગ્ન પછી પહેલીવાર જમાઈ ઘરે આવ્યા હતા એટલે લાપસી તો બનાવવી જ પડે !!

જમીને પછી તરત જ કપડાં લઇ કેતન બાથરૂમમાં ગયો. વીસેક મિનિટમાં તો એ નાહીને બહાર પણ આવી ગયો. જાનકીએ પેન્ટ અને શર્ટ બાથરૂમની બહાર તૈયાર જ રાખ્યાં હતાં એ પહેરી લીધાં.

જાનકીને નાહતાં પૂરો અડધો કલાક થયો. એણે કેતનનાં ભીનાં અંડરવેર બનીયન તરત જ ધોઇ નાખ્યાં અને સૂકવી પણ નાખ્યાં જેથી સાંજે બેગમાં મૂકી શકાય. જો કે કેતન પોતાની બેગમાં ગંજી અને ચડ્ડી ની ત્રણ ત્રણ જોડી સાથે જ રાખતો હતો.

કીર્તિબેને બેડરૂમમાં નવી ચાદર પાથરી દીધી હતી. જેથી દીકરી જમાઈ જમીને થોડો આરામ કરી શકે.

બાંદ્રા ટર્મિનસ ૫:૩૦ સુધીમાં પહોંચી જવાનું હતું એટલે પાંચ વાગ્યે તો નીકળી જવું જ પડે. આરામ માટે માત્ર ત્રણ કલાક બચ્યા હતા. કેતને સૌથી પહેલાં સુરત સિદ્ધાર્થ સાથે વાત કરી લીધી.

" અમે લોકો મુંબઈ પહોંચી ગયા છીએ અને અત્યારે માટુંગા રોકાયા છીએ. કચ્છ એક્સપ્રેસની ટિકિટ બુક થઈ ગઈ છે. રાત્રે સાડા નવ વાગ્યે તમે સ્ટેશન આવી જજો ભાઈ " કેતન બોલ્યો.

" ઓકે વેલકમ. દુબઈમાં કોઈ તકલીફ તો નથી પડી ને ? " સિદ્ધાર્થે પૂછ્યું.

" ના ભાઈ હોટલ પણ સારી હતી. વી રીયલી એન્જોઇડ. " કેતને કહ્યું અને ફોન કટ કર્યો.

" મમ્મી અમે થોડી વાર આરામ કરી લઈએ. તમે પોણા પાંચ વાગે જગાડી દેજો. " જાનકીએ કીર્તિબેનને કહ્યું અને બન્ને જણાં બેડરૂમમાં ગયાં. જો કે આદત મુજબ કેતને પણ એલાર્મ મૂકી દીધું.

પાંચ વાગે મમ્મી પપ્પાની રજા લઈને એ લોકો બહાર નીકળી ગયાં અને ટેક્ષી કરીને બાંદ્રા ટર્મિનસ પહોંચી ગયાં. ત્યાંથી જ ઉપડતી કચ્છ એક્સપ્રેસ પકડી લીધી.

આજે સ્ટેશન ઉપર કેતન અને જાનકીને લેવા માટે સિદ્ધાર્થભાઈની સાથે શિવાની પણ આવી હતી.

" વેલકમ ટુ સુરત.... ભાઈ અને ભાભીશ્રી !! " બંનેને જોઇને શિવાની બોલી ઉઠી.

" કેમ છો નણંદબા મજામાં ? " જાનકી શિવાનીને પ્રેમથી ભેટી પડી. કેતનના ઘરનાં તમામ માણસો પ્રેમાળ હતાં અને એમાં પણ આ બોલકી શિવાની જાનકીને બહુ વહાલી લાગતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)