હવે ડૉક્ટર સાહેબને મીનુનો કેસ સમજાઈ ગયો હતો કે, મીનુએ આ વાર્તાનું પુસ્તક વાંચી લીધું લાગે છે જેની અસર તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી પડી છે અને જેને કારણે તે હદથી વધારે ડરી ગઈ છે અને તેને તાવ આવી જાય છે.
આવું ક્રીમીનલ પુસ્તક મીનુના હાથમાં ક્યાંથી આવ્યું તે પણ એક પ્રશ્ન છે.તેને માટે ડૉક્ટર સાહેબે મીનુના મમ્મી-પપ્પાની થોડી પૂછપરછ કરી પરંતુ તેમને તો આ પુસ્તક વિશે કંઈજ માહિતી ન હતી.
તેથી મીનુની બંને ફ્રેન્ડસને બોલાવવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી.
મીનુની ફ્રેન્ડ રુજુતાને આ વાતની કંઈજ ખબર ન હતી પરંતુ આર્યાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, હા, એક વખત અમને અમારી સ્કુલની લાઈબ્રેરીમાંથી ઘરે વાંચવા લઈ જવા માટે માટે એક પુસ્તક લેવાનું કહેવામાં આવ્યું ત્યારે મીનુના હાથમાં આ પુસ્તક આવી ગયું હતું મેં તેને આ પુસ્તક લેવા માટે ઘણી ના પાડી પણ તેણે મારી વાત માની નહીં અને તે કહેવા લાગી કે, "મારે આ પુસ્તક વાંચવું જ છે માટે હું તે લઈશ જ." પછી હું કંઈ ન બોલી. કદાચ, આ પુસ્તકની અસર તેના મન ઉપર પડી હોય તેવું બની શકે.
આર્યાની આ વાત સાંભળીને ડૉક્ટર સાહેબને લાગ્યું કે, આર્યાની વાત સાચી તો છે જ પણ કોઈ પુસ્તકની આટલી બધી ઉંડી અસર કોઈ વ્યક્તિના દિલોદિમાગ ઉપર પડે તેમ હું માનતો નથી પુસ્તકની અસર નીચે તો મીનુ છે જ પણ તેની સાથે સાથે બીજી પણ કોઈ વાત છે જે મીનુને સતાવી રહી છે અને તે શું વાત છે તે શોધી કાઢવું પડશે તો જ મીનુનો જીવ બચાવી શકાશે નહીં તો આ વસ્તુ મીનુનો જીવ છોડે તેમ નથી અને તેને માટે મારે મીનુને માનસિક રોગના ડૉક્ટર પાસે મોકલવી પડશે. તે કદાચ આ વાતને પકડી શકે.
અને મીનુના મમ્મી-પપ્પા મીનુને લઈને માનસિક રોગના ડૉ.તુષાર કોઠીયા પાસે આવ્યા. ડૉ.કોઠીયા ખૂબજ હોંશિયાર ડૉક્ટર હતાં અને તેમની સારી એવી પ્રેક્ટિસ ચાલી રહી હતી અને તે ડૉ.મિશ્રાના મિત્ર પણ હતા જેની દવા મીનુને અત્યારે ચાલી રહી હતી.
ડૉ.કોઠીયાએ પહેલા એક કલાક સુધી મીનુના મમ્મી-પપ્પાની સાથે બધી પૂછપરછ કરી અને ત્યારબાદ બે કલાક સુધી મીનુની સાથે ઘણીબધી વાતચીત કરી.
ડૉક્ટર સાહેબે મીનુને રાત્રે તેને કોઈ ખરાબ સ્વપ્ન આવે છે કે તેને કોઈ દ્રશ્ય દેખાય છે તેમ પણ પૂછ્યું પરંતુ તે બાબતે મીનુએ ચોખ્ખી ના જ પાડી.
બધીજ વાતચીત કર્યા બાદ ડૉક્ટર સાહેબે મીનુ સાથે તેણે જે પુસ્તક વાંચ્યું હતું તે વિશે પૂછપરછ કરવાની શરૂ કરી.
અને આ પુસ્તકની ચર્ચા શરૂ કરી અને તરતજ મીનુ ખૂબજ ડરવા લાગી અને રડવા લાગી.
મીનુના મુખ ઉપરના હાવભાવ જોઈને જ ડૉક્ટર સાહેબને સમજાઈ ગયું હતું કે, નક્કી આ પુસ્તક સાથે મીનુની એવી કોઈ વાત જોડાયેલી છે જેનાથી મીનુ ડરી રહી છે અને તે વાત તેના મનમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે જ મીનુને આ બીમારીમાંથી મુક્તિ મળશે.
પણ આ વાત તેના મનમાંથી કઢાવવી તે એક પ્રશ્ન હતો છેવટે ડૉ.કોઠીયાએ મીનુને કહ્યું કે, તે જે પુસ્તક વાંચ્યું છે તે મારે પણ વાંચવું છે પણ મને તેમાં થોડી ઓછી ખબર પડે છે તો હું તને જે પ્રશ્નો પૂછું તેનો જવાબ તારે મને આપવાનો રહેશે.
ડૉક્ટર સાહેબે આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને એક પછી એક મીનુને પ્રશ્ન પૂછવાના ચાલુ કર્યા અને થોડી વાર પછી મીનુ જે બોલવા લાગી તે સાંભળીને ડૉક્ટર સાહેબ પણ ચોંકી ઉઠ્યા.
એવું મીનુ શું બોલવા લાગી જે સાંભળીને ડૉક્ટર સાહેબ ચોંકી ઉઠ્યા ? જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ.....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/7/2021