" ખોફ " પ્રકરણ-1
ચૌદ વરસની માસૂમ બાળકી, ખૂબ જ રૂપાળી, ડાહી અને ઠરેલી પણ એટલી જ. મમ્મી-પપ્પાની ખૂબજ લાડકી. પપ્પાની એક જ બૂમમાં "હા પપ્પા, આવી પપ્પા " કહેતી અને હાજર થઈ જતી.
હસતી-ખેલતી, રમતી-કૂદતી માસૂમ બાળકીને અચાનક આ શું થઈ ગયું...?? ખબર જ ન પડી. ચાર તાવ, પાંચ તાવ થઈ જતો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી જતાં કે અચાનક મીનુને આમ આટલો બધો તાવ કેમ આવી જાય છે...??
ઘણાં દિવસ સુધી આમ ચાલ્યું પણ કંઈ ખબર પડતી નહિ. ડૉકટર પણ વિચારમાં પડી જતાં કે આટલી બધી પ્રોપર ટ્રીટમેન્ટ કરવા છતાં આ છોકરીને કંઈ ફરક કેમ પડતો નથી...?? દવાની અસર હોય ત્યાં સુધી જ સારું રહે પછી પાછો થર્મોમીટરનો પારો ઉંચે ચઢી જાય છે અને ચાર કે પાંચ તાવ મીનુને હોય જ.
ડૉકટર સાહેબના કહેવા પ્રમાણે મીનુના પપ્પા દર્શનભાઈએ મીનુના બધાજ રિપોર્ટ કરાવી લીધા હતાં પરંતુ રિપોર્ટ પણ બધાં નોર્મલ જ આવ્યા હતાં..!!
તો પછી, આ મીનુને થઈ શું ગયું છે..?? તે પ્રશ્નનો જવાબ કોઈની પણ પાસે ન હતો.
અને હવે મીનુની કઈરીતે દવા કરવી..?? શું દવા કરવી જેથી મીનુને હંમેશ માટે સારું થઈ જાય તેની ડૉક્ટર સાહેબને પણ ખબર પડતી ન હતી...!!
મીનુને તેની મમ્મી રીનાબેન અવાર-નવાર પૂછી રહ્યા હતા કે, " બેટા, તને કોઈ વસ્તુનો કે વાતનો ડર લાગે છે..?? તને કોઈ હેરાન કરે છે..?? તને કોઈ છોકરો સતાવે છે..?? તને શું મૂંઝવણ છે..?? તું આમ ચૂપ કેમ છે બેટા..?? તને શું થઈ ગયું છે..?? તને તાવ કેમ નથી ઉતરતો બેટા..?? " અને રીનાબેનની આંખો આંસુઓથી ઉભરાઈ જતી પણ મીનુ પાસે મમ્મીના આ પ્રશ્નનો કોઈ જવાબ ન હોય તેમ તે ચૂપ જ રહેતી હતી અથવા તો તે આ પ્રશ્નનો જવાબ આપવા માંગતી ન હતી...!!
શું કારણ હશે તે કોઈને પણ ખબર પડતી ન હતી.
રીનાબેને મીનુની નજર પણ લીંબુ-મરચુ વગેરે લઈને કેટલીય વાર ઉતારી જોઈ પણ છતાં મીનુની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો.
એટલું જ નહીં પરંતુ રીનાબેન અને દર્શનભાઈ મીનુને એક મહારાજ પાસે પણ લઈ ગયા અને તેમની પાસે એક કાળો દોરો બનાવડાવી લાવ્યા અને મીનુને ગળામાં પહેરાવ્યો પણ છતાં મીનુની પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડતો ન હતો.
હવે શું કરવું..?? કોની મદદે જવું..?? તે સૌ માટે એક પ્રશ્ન હતો.
મીનુએ જે જોયું હતું અને અવાર-નવાર તે જે જોઈ રહી હતી તે વાતથી તે એટલી બધી તો ડરી ગઈ હતી કે તે વાત તેના હોઠ ઉપર આવતી શુધ્ધા ન હતી.
મીનુ હાઈ રાઈઝ ફ્લેટના દશમા માળે રહેતી હતી. તે હોમવર્ક કરવા માટે હંમેશાં બાલ્કનીમાં જ બેસતી...
એક વખત તેને હોમવર્ક કરતાં કરતાં રાતના બાર વાગી ગયા. ઘરમાં બધાં જ સૂઈ ગયા હતાં. અચાનક તેની નજર તેની સામેના ફ્લેટના દશમા માળે પડી તો તેણે જે દ્રશ્ય જોયું તેનું વર્ણન તે હજી સુધી કોઈની પણ આગળ કરી શકી ન હતી.
તેણે સામેના ફ્લેટના દશમા માળેથી એક સ્ત્રીને છેક નીચે પડતાં અને " બચાવો... બચાવો... " તેમ બૂમો પાડતાં જોઈ. છેક નીચે પડતાંની સાથે જ તે સ્ત્રીનું માથું ફાટી ગયું હતું અને તે લોહી-લુહાણ થઈ જમીન ઉપર પડેલી હતી.
જ્યારથી મીનુએ આ દ્રશ્ય જોયું હતું ત્યારથી તે એટલી બધી તો ડરી ગઈ હતી કે, ન તો તે આ વાત કોઈને કહી શકતી કે ન તો તેના મનમાંથી આ વાતનો ડર ખસતો હતો.
આવું કંઈપણ બની શકે તેવી તો મીનુના ઘરમાં કોઈને કલ્પના માત્ર ન હતી.
બીજે દિવસે આ સ્ત્રીની લાશ કોઈને જોવા મળે છે કે નહીં..?? મીનુને તાવ ઉતરે છે કે નહીં..?? વાંચો આગળના પ્રકરણમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ