The Next Chapter Of Joker - Part - 35 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 35

Featured Books
Categories
Share

The Next Chapter Of Joker - Part - 35

The Next Chapter Of Joker

Part – 35

Written By Mer Mehul


જૈનીત રૂમમાં આમતેમ આંટા મારતો હતો. જુવાનસિંહ પણ સોફા પ બેસીને વિચારોમાં ખોવાયેલા હતાં. ઘડિયાળમાં સાત વાગ્યાનો સમય થયો હતો.
“કેવી રીતે ?” જૈનીતે પોતાને જ પૂછ્યું, “આપણે મુંબઈમાં આવ્યા એને હજી એક દિવસ પણ પૂરો નથી થયો તો આ લોકોને કેવી રીતે ખબર પડી ગઈ ?”
“હું એ જ વિચારું છું.” જુવાનસિંહે કહ્યું, “આપણે કોઈને પણ આ વિશે જાણ નથી કરી તો આવું કેમ થયું ?”
“રઘુરામ પવાર આ લોકો સાથે મળેલો નથી ને ?” જૈનીતે હજી પોતાને પ્રશ્નો પૂછતો હોય એવી રીતે બોલતો હતો.
“ના, જો એ મળેલો હોય તો ઉસ્માનભાઈ વિશે સાચી માહિતી ન આપે.”
“ક્યાંક ઉસમાનભાઈ પણ...” જૈનીત બોલતાં અટકી ગયો. એ રસોડા તરફ ચાલ્યો અને ફ્રીજમાંથી પાણીની બોટલ લઈ આવ્યો.
“મારું મગજ અત્યારે કામ નથી આપતું, આ બધું એટલું બધું જલ્દી બની ગયું છે કે કંઈ સમજાતું જ નથી.” જૈનીતે કહ્યું અને બોટલમાંથી પાણી પીધું.
“હવે આપણે ‘ડ્રોપ ક્લબ’ માં જતાં પહેલાં પણ વિચાર કરવો પડશે, આ લોકો આપણી એક એક પળની ખબર રાખે છે. જો આપણે ડ્રોપ ક્લબમાં જવાનાં છીએ એવી તેઓને જાણ થઈ ગઈ હશે તો અગાઉથી જ આ લોકો તૈયાર રહેશે.” જુવાનસિંહે કહ્યું.
“આપણે વેશપલટો કરીને જઈશું.” જૈનીતે કહ્યું, “પણ જ્યાં સુધી આ દીક્ષિતનાં બચ્ચાંને પકડીશું નહિ ત્યાં સુધી અટકીશું નહિ.”
સહસા જુવાનસિંહનો ફોન રણક્યો. જુવાનસિંહે જોયું તો હિંમતનો કૉલ હતો.
“બોલો હિંમત.” જુવાનસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું.
“હસમુખ નાસી ગયો.” હીંમતે ધીમા અવાજે કહ્યું.
“નાસી ગયો મતલબ ?”
“આજે સવારે જ્યારે હું તેને ઇન્ટ્રોગેટ કરતો હતો ત્યારે કોઈનો ફોન આવ્યો હતો. કોઈનો ફોન આવ્યો એટલે દિપકે મને બોલાવ્યો. મને લાગ્યું તમારો કોલ હશે પણ મને ફસાવવામાં માટે એ કોલ કરવામાં આવ્યો હતો. હું ઓફિસમાં પહોંચ્યો ત્યારે જ હસમુખને કોઈ ભગાવી ગયું.”
“સવારની બનેલી ઘટનાની વાત તમે છેક અત્યારે કરો છો.” જુવાનસિંહે અણગમા સાથે કહ્યું.
“સવારે જ કોશિશ કરેલી પણ કોલ કનેક્ટ નહોતો થતો અને પછી હું આ તપાસમાં લાગી ગયો હતો.” હિંમતે સફાઈ આપી.
“શું જાણવા મળ્યું ? કોણ હતાં એ લોકો અને ફોન કોનો; ક્યાંથી આવ્યો હતો ?”જુવાનસિંહે એકસાથે ઘણાબધા સવાલો પૂછી લીધા.
“ઓફિસમાં જે કોલ આવ્યો હતો એ મુંબઈમાં સ્થિતિ ડ્રોપ ક્લબમાંથી આવેલો હતો અને જે લોકો હસમુખને ભગાવી ગયા હતા એ અહીંનાં લોકલ ગુંડા હતાં. અમે તેઓને ઝડપી પાડ્યા પણ કશું જાણવા નથી મળ્યું. કોઈએ તેને આ કામ કરવા માટે પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને વાડજમાં હસમુખને એક કારમાં બેસારીને આ લોકોનું કામ પૂરું થઈ ગયું હતું.”
“ડ્રોપ ક્લબ !” જુવાનસિંહ ચમક્યા.
“હા, ડ્રોપ ક્લબ. અંધેરી વેસ્ટ.”
“તમે લોકો તમારા તરફથી કાર્યવાહી આગળ ધપાવો, ડ્રોપ ક્લબમાંથી કોણે કોલ કર્યો એ હું જાણી લઇશ.” જુવાનસિંહે કહ્યું.
“યસ સર.” કહેતાં હિંમતે કોલ કટ કરી દીધો.
જુવાનસિંહે ઊડતી નજરે જૈનીત પર ફેંકી. જૈનીત અસમંજસભરી નજરે જુવાનસિંહ સામે જોઈ રહ્યો હતો.
“આપણાં પર શા માટે હુમલો થયો એનું રહસ્ય ઉજાગર થઈ ગયું છે.” જુવાનસિંહે કહ્યું, “હસમુખ નાસી ગયો છે, તેણે પુરી ઘટનાં દીક્ષિતને કહી સંભળાવી હશે અને એટલે જ આપણાં સ્વાગત માટે દીક્ષિતે આ બધી તૈયારીઓ કરી હશે.”
“તો હવે આગળ શું કરવાનું છે ?” જૈનીતે કહ્યું, “આ લોકોને આપણાં દરેક પગલાંની જાણ થઈ જાય. જો આવી રીતે ચાલ્યું તો આપણે કોઈ દિવસ આ લોકોને નહિ અટકાવી શકીએ.”
“તમે એક વાત વિચારો, આપણને તેઓનાં મનસૂબા વિશે જાણ થઈ છે એ વાત એ લોકોને ખબર છે. હવે એ લોકો એવું વિચારશે કે આપણે થોડા દિવસ ચૂપ રહીશું અને તેઓની આ જ ગફલતનો લાભ ઉઠાવીને આપણે તેઓને માત આપીશું.”
જૈનીતે સ્મિત વેર્યું, “મતલબ આપણે આજે જ રાત્રે ‘ડ્રોપ ક્લબ’ માં જઈએ છીએ.”
“હા.” કહેતાં જુવાનસિંહે મોબાઈલ હાથમાં લીધો. એક નંબર ડાયલ કરીને તેઓએ શું કરવાનું છે એ જણાવી દીધું.
*
જુવાનસિંહ અને જૈનીત ‘ડ્રોપ ક્લબ’ ની બહાર ઉભા હતાં. બંનેએ પોતાનો પહેરવેશ બદલી નાંખ્યો હતો. જૈનીતે એક પૈસાદાર વ્યક્તિનાં દિકરા જેવા કપડાં પહેર્યા હતાં જ્યારે જુવાનસિંહે બિઝનેસમેનનું પાત્ર પસંદ કર્યું હતું. રાતનાં સાડા દસ થયા હતાં. છેલ્લીવાર બંનેએ એકબીજા સામે જોયું, ત્યારબાદ જૈનીત ક્લબનાં દરવાજા તરફ આગળ વધ્યો. ગજવામાંથી સિગરેટનું પેકેટ કાઢી, સિગરેટ સળગાવીને જૈનીત દરવાજા પાસે ઊભો રહ્યો. દરવાજો બે બાઉન્સર ઉભા હતાં. તેઓએ જૈનીતની તલાશી લીધી, ત્યારબાદ અંદર જવા ઈશારો કર્યો.
દસ મિનિટ પછી જુવાનસિંહ પણ દરવાજા પાસે જઈને ઉભા રહ્યાં. બાઉન્સરોએ તેઓની તલાશી લીધી એટલે જુવાનસિંહ ક્લબમાં પ્રવેશ્યાં. ક્લબમાં પ્રવેશતાની સાથે જુવાનસિંહની આંખો જૈનીતને શોધવા લાગી. ક્લબમાં ડાબી તરફ બાર હતો, બારની સામે ટેબલો ગોઠવવામાં આવ્યા હતા. આ ટેબલોથી આગળ, જમણી બાજુએ મોટું સ્ટેજ હતું. સ્ટેજની એક તરફ ડી.જે. સોંગ વગાડી રહ્યો હતો. સ્ટેજ પર થોડા લોકો સોંગનાં તાલે ઝૂમી રહ્યા હતાં. ટેબલ પર પણ ગણ્યાગાંઠ્યા લોકો હાથમાં શરાબનો ગ્લાસ લઈને બેઠા હતાં.
જૈનીત પણ એક ટેબલ પર બેઠો હતો. તેનું ધ્યાન સ્ટેજ પર ડાન્સ કરતાં લોકો તરફ હતું. જુવાનસિંહ બાર કાઉન્ટરે પહોંચ્યા. ત્યાં તેઓએ ડ્રિંક માટે ઓર્ડર આપ્યો અને પછી ટેબલો તરફ આગળ વધ્યા. જૈનીત જે ટેબલ પર બેઠો હતો તેનાથી બે ટેબલ દૂર જઈને જુવાનસિંહ બેસી ગયા.
ક્લબમાં આવતાં પહેલા જુવાનસિંહ અને જૈનીત વચ્ચે એક યુક્તિ બનાવવામાં આવી હતી. બંને એકબીજાને ઓળખતાં ન હોય એવી રીતે ક્લબમાં પ્રવેશવાનું હતું અને ક્લબમાં કામ કરતાં લોકો પાસેથી ‘સયાલી પાટીલ’ વિશે માહિતી મેળવવાની હતી.
વેઈટર આવીને જુવાનસિંહનાં ટેબલ પર ડ્રિંક રાખી ગયો. એ ડ્રિંક રાખીને જતો હતો ત્યાં જુવાનસિંહે તેને રોક્યો અને ગજવામાંથી પાંચસોની નોટ કાઢીને ટેબલ પર રાખી. વેઈટરે એ ટેબલ પરથી નોટ લેવા હાથ લંબાવ્યો એટલે જુવાનસિંહે બાજની ઝડપે નોટ પાછી ખેંચી લીધી.
“એક વ્યક્તિ વિશે જાણકારી જોઈએ છે.” જુવાનસિંહે કહ્યું.
“નામ ?” વેઇટરે જુવાનસિંહની વાત સમજીને પૂછ્યું.
“સયાલી પાટીલ.”
“ક્યાં વિષયમાં માહિતી જોઈએ છે ?”
“એની કમજોરી વિશે જાણવ.”
“યુવાન અને દેખાવડા છોકરાઓ.”
“અત્યારે એ ક્યાં મળશે ?” જુવાનસિંહે પૂછ્યું.
વેઇટરે જુવાનસિંહનાં હાથમાં રહેલી નોટ પર નજર ટેકવી. જુવાનસિંહે એ નોટ ટેબલ પર રાખી અને તેનાં પર પોતાનો હાથ રાખ્યો.
“સામે રેડ ડ્રેસમાં ઊભા છે એ.” વેઇટરે સ્ટેજની બાજુમાં ઉભેલી યુવતી તરફ આંગળી ચીંધીને કહ્યું. જુવાનસિંહે ટેબલ પરથી નોટ લઈને બે આંગળી વચ્ચે દબાવી અને વેઈટર તરફ ઊંચી કરી. વેઇટરે સિફતથી એ નોટ લઈ લીધી. ત્યારબાદ એ બાર કાઉન્ટર તરફ ચાલવા લાગ્યો.
જુવાનસિંહે સ્ટેજ તરફ નજર કરી. સયાલી પાટીલ સ્લીવલેસ, સ્કેવર નેક, બોડી ફિટ કુર્તી ટાઈપનાં, રેડ પાર્ટી ડ્રેસમાં હતી. જુવાનસિંહે ઊડતી નજરે તેને ચેક-આઉટ કરી. સયાલીનું ધ્યાન સ્ટેજ પર ડાન્સ કરતાં એક છોકરા તરફ હતું. એ છોકરો દેખીતી રીતે ધનવાન પરિવારનો લાગતો હતો. જુવાનસિંહે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને એક મેસેજ ટાઈપ કરીને જૈનીતને મોકલ્યો.
થોડીક્ષણો પછી જૈનીત અને જુવાનસિંહની નજર મળી. આંખો વડે જ બંનેએ ઈશારા કર્યા એટલે જૈનીત ઊભો થયો. તેણે ટેબલ.પર રહેલો ગ્લાસ હાથમાં લીધો. ત્યારબાદ એ સ્ટેજ તરફ અગ્રેસર થયો. બરાબર સયાલીની સામે આવીને જૈનીત ઊભો રહ્યો.
“ડાન્સ ?” જૈનીતે પૂછ્યું.
“યાહ, શ્યોર !” કહેતાં સયાલીએ પોતાનો હાથ લંબાવ્યો.
જૈનીતે પોતાનાં હાથમાં રહેલો ગ્લાસ એક વેઈટરને આપ્યો. ત્યારબાદ સયાલીનો હાથ પકડીને એ તેણીને ડાન્સ કરતાં લોકો તરફ લઈ ગયો.
“આલિશન ક્લબ છે !” જૈનીતે ડાન્સ સાથે વાતોની પણ શરૂઆત કરી.
“પહેલીવાર અહીં આવ્યો છે ?” સયાલીએ પૂછ્યું.
જૈનીતે હકારમાં ડોકું ધુણાવ્યું.
“હું જ્યારે પહેલીવાર આવી ત્યારે મને પણ એવું જ લાગ્યું હતું,” સયાલીએ હસીને કહ્યું, “આલિશન ક્લબ કરતાં પણ તેની સર્વિસ વધુ સારી છે એ પાછળથી જાણવા મળેલું.”
“સર્વિસ !” જૈનીતે કહ્યું, “ક્યાં ટાઇપની સર્વિસ ?”
“એ સમજાય જશે તને,” સયાલીએ કહ્યું, “અત્યારે ડાન્સમાં ધ્યાન આપ.”
થોડીવાર થઈ એટલે સયાલીએ જૈનીતનાં કાન પાસે આવીને કહ્યું, “વોશરૂમ તરફ મારી સાથે આવ.”
સયાલીનો ઈશારો સમજી ગયો હોય એવી રીતે સ્મિત વેરીને જૈનીતે હકારાત્મક ઢબે માથું ધુણાવ્યું. સયાલી વોશરૂમ તરફ આગળ વધી. એ દરમિયાન જૈનીતે ઈશારો કરીને જુવાનસિંહને પણ વોશરૂમ તરફ આવવા ઈશારો કરી દીધો.
આગળસયાલી હતી, તેનાંથી માપસરનું અંતર જાળવીને જૈનીત હતો અને છેલ્લે જુવાનસિંહ વોશરૂમ તરફ આગળ વધતાં હતાં. વોશરૂમ તરફ આગળ જતાં ઉપર જવાનાં પગથિયા આવતાં હતાં. સયાલી એ પગથિયા વટાવીને વોશરૂમમાં ચાલી ગઈ. જૈનીત પણ તેની સાથે વોશરૂમમાં પ્રવેશ્યો.
આ સાથે જ એકસાથે બે ઘટનાં બની હતી. જુવાનસિંહ, જે દાદરા પાસે પહોંચ્યા હતા તેની પાસે અચાનક જ બે વ્યક્તિ દાદરો ઉતરીને નીચે આવ્યા. જુવાનસિંહ કંઈ સમજે એ પહેલા જ બંનેએ જુવાનસિંહ પર હુમલો કરી દીધો. જુવાનસિંહ કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલા બંનેએ જુવાનસિંહને દબોચી દીધા અને વોશરૂમ તરફ ઢસડીને લઈ ગયા.
આ તરફ જૈનીત સાથે પણ એવી જ ઘટના બની હતી. જૈનીત જેવો વોશરૂમમાં પ્રવેશ્યો તેની સાથે જ બે પુરુષ દરવાજા પાછળથી સામે આવ્યા અને જૈનીતને દબોચી લીધો. દસ મિનિટનાં અંતરાળમાં જુવાનસિંહ અને જૈનીતને બેહોશ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ બંનેનાં હાથપગ બાંધીને એક રૂમમાં કેદ કરી દેવામાં આવ્યા.

(ક્રમશઃ)