અર્પણ
એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.
પ્રસ્તાવના
આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...
પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત
પ્રકરણ-૨૪
શોભબહેન એકદમ ગુસ્સામાં ઘરના ગેટની બહાર નીકળી ગયા. અને બહુ જ ઝડપી ચાલતા થયા હતા. ઘરના બધા શોભાબહેન આવું કંઈક કરશે એ સમજે એ પહેલા શોભાબહેન ગુસ્સામાં ચાલ્યા જ જતા હતા.
શોભાબહેનના અણધાર્યા વલણથી બધા શું બોલવું કે કરવું એ અસમંજસમાં હતા, સિવાય કે અમૃતા... અમૃતાએ હનીને રાજેશના હાથમાં સોંપી અને પોતે પણ સાસુમાની પાછળ દોટ મૂકી.. મમ્મી...મમ્મી.... કરતી અમૃતા એમની સમીપ પહોંચી ગઈ અને અનેક પ્રશ્નો એમને પૂછવા લાગી. "ક્યાં જવું છે મમ્મી તમારે? કેમ આમ અચાનક બહાર નીકળી ગયા? આટલું મોડું થયું છે અને ઠંડી પણ ખુબ છે તો આવામાં કેમ તમારે બહાર જવું છે? કંઈક તો બોલો મમ્મી?"
અમૃતા ચાલતા ચાલતા બોલતી જાય છે અને શોભાબહેન એની ધૂનમાં ગુસ્સામાં જ ચાલ્યા કરે છે. અમૃતાએ એમનો હાથ પકડી પોતાના માથા પર મૂકતા કહ્યું, "મમ્મી તમને મારા સમ... તમે નહીં ઉભા રહો તો હું પણ તમારી સાથે જ આવીશ પણ તમને એકલા નહીં મુકું..."
શોભાબહેન અમૃતાની વાત સાંભળીને ચાલતા અટકી જ ગયા. અમૃતાના દરેક શબ્દ એને આજ ઝંઝોળી ગયા. અમૃતા હજુ બોલતી જ હતી પણ શોભાબહેન એકદમ ધ્રાસ્કો પામી ગયા. એમને મનમાં ડૂમો ભરાઈ ગયો કે આ અમૃતા માટે હું આટલી નફરત કરું છું અને એ અમૃતા જ ખુલ્લા પગે મારી પાછળ બેબાકળી થઈ દોડી રહી છે? મારા બંને પુત્રો મારી દીકરી અને મારો પતિ પણ મારાથી થાક્યો છે પણ આ મેં જેને પારકી ગણી એ મારા માટે પોતાના જીવનમાં ઝંખતી હતી એ અમૂલ્ય પળ મૂકીને મારે માટે આવે છે? અમૃતા આ ઘરમાં આવી અને ઘરના દરેક વ્યક્તિ માટે અમૃત સમાન જ રહી પણ હું શોભા! શું આ ઘરની શોભા બની શકી?
એક પારકી જણી આજે બની છે સખી!
સંબંધોની આ બાજી જ કેવી છે અનોખી!
જે ઘરની હોવા છતાં એ ઘરથી જ નોખી!
ને તો ય એ પોતાના મનથી સાવ ચોખ્ખી!
અચાનક જાણે અસંખ્ય પ્રશ્નો એમના મનમાં ગુંજી રહ્યા હતા. ખૂબ પારાવાર અફસોસ થતો હતો. અફસોસનો ઘૂટડો એવો હતો કે શોભાબહેનના ગળેથી ઉતરતો નહતો. એમના ગળે ડૂમો ભરાઈ ગયો, એમનું શરીર પાણી પાણી થવા લાગ્યું. અમૃતા હજુ એમને મનાવવા મથી રહી હતી પણ એના શબ્દો સાંભળવામાં અસ્પષ્ટ થતા જતા હતા. એમણે પાછળ ધીરે ધીરે ફરીને જોયું તો અમૃતા સિવાય તેના સમીપ કોઈ નહોતું.
અનેક લોકોની વચ્ચે પણ છે એકલી!
એના જીવનની આ અધૂરપ છે કેવી!
પૂર્ણ કરવાને એ હવે નીકળી ચાલી!
ખોટ પુરાય નહીં, આ અધૂરપ છે એવી!
એમને આજ એકસાથે અમૃતા સાથે કરેલ દરેક અન્યાય નજર સમક્ષ આવવા લાગ્યા હતા. શોભાબહેન પોતાનું સંતુલન ગુમાવી બેઠા. એમનું શરીર પડે તે પહેલા અમૃતાએ એમને પોતાની બાહોમાં પકડી લીધી. શોભાબહેનને હવે કઈ જ સંભળાતું નહોતું. એમને ગભરાયેલ અમૃતા આંસુ સારતી અને કંઈક બોલતી હોય એવું ધૂંધળું દેખાતું હતું.
વિનયની ગાડીમાં બાકી બધા ત્યાં પહોંચી ગયા. એમને તરત જ અંદાજ આવ્યો કે, મમ્મીને ઠીક નથી. અમૃતાની બાહોપાશમાં જ બધા જ હોસ્પિટલ પહોંચ્યા. શોભાબહેન હોસ્પિટલની અંદર પ્રવેશે એ પહેલા જ એમણે અમૃતા સામે હાથ જોડ્યા. જાણે એ પોતાના બધાં જ કર્મોની માફી માંગી રહ્યાં હતાં. જાણે અમૃતામાં આજે એને દેવીમાંના દર્શન થયા. એણે પરિવારની સામે નજર ફેરવીને હનીના માથે હાથ મૂક્યો અને એમનો દેહ આત્મા વિહોણો બની ગયો.
રાજેશ અને અમૃતાના જીવનમાં હજી તો અમૂલ્ય એવી ખુશી એ પ્રવેશ કર્યો અને આ દુઃખદ બનાવ ઘડાયો.
એક જ પળમાં મળેલ ખુશી જ્યાં માણવા જાઉં છું,
ત્યાં જ વર્ષોવર્ષના સાથને ગુમાવી દુઃખનો ઘૂટડો પીવું છું.
રમેશભાઈ એકદમ ગળગળા થઈ ગયા. એમને થયું કે મેં ક્યાં કાળ ચોઘડિયે કીધું હતું કે, 'તું હવે આમ કોઈ પણ વાત એલફેલ બોલી તો તને આ ઘરમાં રહેવાનો હક નહીં રહે.' અપૂર્વએ ગાયત્રીને ફોન કરી હોસ્પિટલ બોલાવી લીધી હતી. એ પણ પહોંચી ગઈ હતી. પપ્પાના મુખેથી આવું સાંભળી એ બોલી, "પપ્પા તમે મહેરબાની કરી આવું ન બોલો, આમાં તમારો કોઈ વાંક નથી. જેનું સર્જન થાય તેનો વિનાશ એ જ ક્ષણે લખાયેલો જ હોય છે. મમ્મીને તમે ઘણા મોકા આપ્યા હતા સુધરવાના આથી આવું કહો એ સ્વાભાવિક જ છે ને.. મમ્મીની ગેરહાજરી સદાય દરેકના મનને વર્તાશે... " આટલું બોલતા બોલતા ગાયત્રીનો અવાજ પણ ભરાઈ આવ્યો હતો અને આંસુ અજાણતા જ આંખ માંથી સરકી રહ્યા હતા. છતાં એ મક્કમ હતી. એ ઢીલી પડી પોતાના મમ્મીની આત્માને દુઃખ પહોંચાડવા નહોતી ઈચ્છતી. ઘરના દરેક સદસ્યોને આ અચાનક મળેલ દુઃખ ઝીલવું અસહ્ય જ હતું. પણ કહે છે ને કે ભગવાન દરેકને આપેલ દુઃખ ઝીલવાની શક્તિ આપી જ દે છે.
૩ મહિના બાદ.....
અમૃતા રોજની માફક ઘરના મંદિરની આરતી ઉતારી રહી હતી. અને ભાર્ગવી ભગવાનનો ભોગ બનાવી એમની પાસે જ ઉભી હતી.
એમની સાથોસાથ રમેશભાઈ, રાજેશના હાથમાં તેડેલી હની, અપૂર્વના હાથમાં તેડેલી ભવ્યા... બધા જ સાથે મળી ભગવાનને વંદના કરી રહ્યા હતા. હની અને ભવ્યા જાણે પ્રસાદની જ રાહ જોઈ રહ્યા હતા. રાજેશ અને અપૂર્વ બંને ઈશારામાં એમને પૂજામાં ધ્યાન રાખવાનું કહી રહ્યા હતા.પૂજા પત્યા બાદ મંદિરની બાજુમાં રહેલ શોભાબહેનના ફોટાને નમન કરી અમૃતાએ બધાને પ્રસાદ આપ્યો અને બ્રેકફાસ્ટ માટે ડાયનિંગ ટેબલ પર આવવા કહ્યું.
પરિવારમાં આજે શોભાબહેનની ગેરહાજરી હતી પણ આખો પરિવાર એકસાથે હતો. પરિવારમાં મા ની ખોટ હોવા છતાં પણ કોઈના મનમાં આજે ખોટ નહોતી. અને એનો એહસાસ મંદિરમાં રહેલા શોભાબહેનના ફોટામાં રહેલ શોભબહેનના મુખ પરનું હાસ્ય કરાવી રહ્યું હતું. અધૂરપ હોવા છતાં બધા જ જાણે પૂર્ણ હતા.
જીવન તો છે પૂર્ણ અપૂર્ણના આરે
નફા ખોટના દાખલાઓના ભરોસે!
ચડતી પડતીના ખેલ છે આ ભારે!
અધૂરપની તડપને તો પ્રભુ જ પોષે!
(સંપૂર્ણ)