The Next Chapter Of Joker - Part - 33 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 33

Featured Books
Categories
Share

The Next Chapter Of Joker - Part - 33

The Next Chapter Of Joker

Part – 33

Written By Mer Mehul


રાતનાં અઢી વાગ્યા હતાં. જુવાનસિંહ અને જૈનીત વડોદરા પાસેની આવેલી ‘બાપાસીતારામ હોટેલ’માં હોલ્ટ કરવા ઊભાં રહ્યા હતાં. બંને અત્યારે તાજગી મેળવવા ચાની ચુસ્કી લઈ રહ્યાં હતાં.
“તમને મારી વાત જાણીને આશ્ચર્ય થશે પણ મારું ટ્રાન્સફર નથી થયું…નથી તો હું કોઈ નાયબ પોલીસ અધિક્ષક બન્યો” જુવાનસિંહે ઠંડા અવાજે કહ્યું.
“શું કહો છો તમે ?” જૈનીતનાં અવાજમાં પારાવાર આશ્ચર્ય હતું.
“હા.. હું હજી એ જ ઇન્સ્પેક્ટર છું” જુવાનસિંહે હળવું હસીને કહ્યું.
“તો તમે ટ્રાન્સફર થયાની વાત અને નાયબ પોલીસ અધિક્ષક બનવાની વાત કહી હતી એ ?”
“એ નાટક હતું…”
“તમે વિગતવાર માહિતી આપો…તમારે નાટક કરવાની જરૂર શા માટે પડી ?”
“બે મહિના પહેલાની વાત છે” જુવાનસિંહે વાત શરૂ કરી, “હું એ દિવસે કામરેજ ચોકડીએ પેટ્રોલીંગમાં હતો, ત્યારે એક મુંબઈ જતી બસ ત્યાંથી પસાર થઈ. આમ તો અમે બધી જ બસો તપાસીએ છીએ પણ ત્યારે મારા ઉપરી અધિકારીએ એ બસની તલાશી લેવાની ના પાડી એટલે બસ તલાશી લીધા વિના જ નીકળી ગઈ. મને એ બસ પર શંકા ગઈ એટલે મેં એ બસનો નંબર નોંધી લીધો અને RTO દ્વારા બસનાં માલિકનું નામ જાણ્યું. એ બસ અમદાવાદનાં ઠક્કરનગરમાં સ્થિત કોઈ કમલ નામનાં વ્યક્તિની હતી. મેં વધુ તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું કે એ બસ અમદાવાદથી મુંબઈ મહિનામાં એક જ ટ્રીપ કરતી.
આ વાત જાણીને મારી શંકાનો પરિઘ વધી ગયો હતો. એ બસ મુંબઈમાં ક્યાં જતી હતી એ મેં જાણ્યું. દર વખતે એ બસ મુંબઈનાં જુદા જુદા સ્થળોએ પહોંચતી જેથી કોઈ ચોક્કસ સ્થાન જાણવું મુશ્કેલ હતું, પણ એ બસમાં બેહોશ છોકરીઓને લઈ જવામાં આવે છે એ વાત જાણવામાં હું સફળ થયો હતો. એ લોકો ઘણાં બધાં મોટા શહેરોમાં થઈને આ બસ કાઢતા હતા એટલે તેઓની પહોંચ ક્યાં સુધી હશે એનું અનુમાન લગાવવું મુશ્કેલ હતું. જો હું કોઈ ઉપરી અધિકારીને વાત કરું અને એ તેઓની સાથે મળેલા હોય તો મેં જે મહેનત કરી હતી એ વ્યર્થ જાય એમ વિચારીને મેં સીધો DGP સરને પત્ર લખ્યો અને તેમાં બધી માહિતી જણાવી.
સરે એ પત્ર વાંચીને મારો કોન્ટેક્ટ કર્યો અને આ માહિતી ગુપ્ત રાખી, મને જ આ કેસ સોલ્વ કરવા કહ્યું. એ જ અઠવાડિયામાં આકાશે જોકરનાં કાર્ડ પર મારું નામ લખ્યું અને મને અમદાવાદ આવવાનું લીગલ કારણ મળી ગયું. ત્યારથી જ હું આ આઠ લોકોને શોધવામાં લાગ્યો હતો અને આજે આ આઠ લોકો મળી ગયા એટલે હમણાં જ DGP સરને કૉલ કરીને જણાવ્યું હતું.
આપણે અત્યાર સુધીમાં વૃક્ષની ડાળીઓ કાપતાં હતા, હવે પૂરા વૃક્ષને જ જડમૂળમાંથી ઉખેડવાનો સમય આવી ગયો છે”
“સમજ્યો..” જૈનીતે કહ્યું, “અને આ ચંદ્રકાંત ઝા વિશે કેવી રીતે ખબર પડી ?”
“વૈશાલી અને પાર્થને કારણે” જુવાનસિંહે કહ્યું, “આજે પાર્થને ડોઝ આપવા માટે કોલ આવેલો એટલે પાર્થે મને જાણ કરી હતી. જે નંબર પરથી પાર્થને કોલ આવ્યો હતો. મેં તેને આઠ કલાકની જગ્યાએ બે કલાક બેહોશ થાય એવી દવા આપવા કહ્યું હતું અને પાર્થને જે નંબર પરથી કોલ આવ્યો હતો એ નંબર મેં સર્વેલન્સ પર નાંખ્યો અને માહિતી મેળવી. એ નંબર ચંદ્રકાંત ઝાનાં ડ્રાઇવરનો હતો. ત્યારબાદ મેં વૈશાલીને ચંદ્રકાંત અને એનાં ડ્રાઇવરનાં ફોટા મોકલ્યાં. આ બંનેએ જ વૈશાલીને આ કામમાં આવવા દબાણ કરેલું અને વૈશાલી સાથે....” કહેતાં જુવાનસિંહ શ્વાસ લેવા અટક્યા, “ચંદ્રકાંત આ લોકોને મદદ કરે છે એટલી મને ખબર પડી ગઈ હતી પણ જ્યારે હિંમત સાથે મારી વાતચીત થઈ ત્યારે બધી હકીકત સામે આવી ગઈ. તમને યાદ છે બે દિવસ પહેલા મારા પર હુમલો થયો હતો, એ હુમલામાં ઇન્સ. હિંમત ઘવાયા હતાં. આપણે બધી તૈયારી કરી લીધી પછી તેનો કોલ આવ્યો હતો અને અમારા પર હુમલો કરવા માટે ચંદ્રકાંત ઝાએ કહ્યું હતું એવું તેને જાણવા મળ્યું હતું. મેં ચંદ્રકાંત ઝાને બાનમાં લીધો અને બધી વાતો જાણી લીધી.
ત્યારબાદ હું એની જગ્યાએ ચંદ્રકાંત ઝા બનીને ગયો અને મેં તમને પ્લાન – બી કહ્યો.
હવે મારા બંને કોન્સ્ટેબલો પણ ‘શેઠ બંગલોઝ’ માંથી મળી ગયા છે, છોકરીઓને બચાવી લેવામાં આવી છે. બસ એક કામ બાકી છે”
“એક નહિ બે જુવાનસિંહ” જૈનીતે કહ્યું, “મુંબઈમાં જે વ્યક્તિ છે એને પણ શોધવાનો છે અને તમારો શુભચિંતકે કોણ છે એ પણ જાણવાનું છે”
“બરાબર..” કહેતાં જુવાનસિંહે ચાનો કપ ખાલી કર્યો.
*
‘સેટેલાઇટ ક્લબ’ ની સામે ‘હોટેલ વિસ્ટા’ માં જુવાનસિંહ અને જૈનીતે રોકાયા હતાં. જુવાનસિંહને મળેલી માહિતી અનુસાર ‘સેટેલાઇટ ક્લબ’ નો માલિક ‘અનુપમ દીક્ષિત’ અમદાવાદમાં ચાલતાં સેક્સ રેકેટનો માસ્ટર માઈન્ડ હતો.
અહીંથી એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. સુરત અથવા અમદાવાદમાં કોઈ પણ ગુન્હેગાર સુધી પહોંચવું આસાન હતું પણ આ મુંબઈ શહેર દિવસે સૂતું અને રાત્રે દોડતું શહેર હતું માટે અહીં કોઈ પ્લાન અથવા સુરક્ષા વિના જોખમ લેવું પોતાનાં પગ પર કુલ્હાડી મારવા જેવું હતું.
જુવાનસિંહે પોતાની ટ્રેનિંગ સમયનાં દોસ્ત ‘રામદિન સાગર’ જેનું પોસ્ટિંગ હાલ વાપીમાં હતું તેનો કોન્ટેક્ટ કર્યો હતો. રામદિન અવારનવાર મુંબઈ આવતો, જેનાં કારણે તેનાં મુંબઈમાં સારા એવા કોન્ટેક્ટ હતાં. રામદિનનાં કહેવાથી જુવાનસિંહ રઘુરામ પવારને મળવાનાં હતાં અને આગળ શું કરવું એ રઘુરામ પવાર પાસેથી જાણવાનું હતું.
સવારે દસ વાગ્યે ફ્રેશ થઈને જુવાનસિંહ અને જૈનીત બંને રઘુરામને મળવા નીકળી ગયાં. રામદીને રઘુરામનું સરનામું લખાવી આપ્યું હતું એટલે જુવાનસિંહને સરળતા રહી હતી.
પોણી કલાકમાં જુવાનસિંહ અને જૈનીત ‘અંધેરી વેસ્ટ’ માં આવેલા ‘સબ ટીવી રોડ’ નજીકનાં ‘ઑગસ્ટ કેફે’ માં પહોંચી ગયાં. અહીં અગિયાર વાગ્યે રઘુરામ મળવાનો હતો. જુવાનસિંહ અને જૈનિત નક્કી કરેલા અગિયાર નંબર ટેબલ પર બેસી ગયાં. અગિયાર વાગ્યાં એટલે એક વ્યક્તિ એ ટેબલ પાસે આવીને ઊભો રહ્યો. તેનો ચહેરો સહેજ શ્યામ હતો, તેણે ભૂરા પેન્ટ પર કાળું કમિજ પહેરેલું હતું. આંખો પર લંબગોળ નંબરનાં ચશ્મા હતાં.
“મી. જુવાનસિંહ !” એ વ્યક્તિએ જૈનીત અને જુવાનસિંહ પર ઊડતી નજરે જોઈને કહ્યું.
“હા.. “ કહેતાં જુવાનસિંહે તેને બેસવા ઈશારો કર્યો, “તમે રઘુરામ પવાર ?”
“હા, રામદિનનો દોસ્ત અને અંધેરી વેસ્ટ પોલીસફોર્સનો ખાસ ખબરી” રઘુરામે પોતાનો પરિચય આપ્યો.
“રામદિને તમને વાત કરી જ હશે !” જુવાનસિંહે મુદ્દા પર આવતાં કહ્યું.
“હા, તમને જે માહિતી મળી એ સાચી છે. અનુપમ દીક્ષિત જ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી છોકરીઓની તસ્કરી કરીને અહીં ઊંચા ભાવે વેચે છે અથવા તેની પાસે ધંધો કરાવે છે”
“બરાબર..” જુવાનસિંહે કહ્યું, “અહીંની પોલીસફોર્સ તેનાં વિરુદ્ધ એક્શન કેમ નથી લેતી ?”
“અનુપમ દીક્ષિત વિશે હજી તમને ખબર નથી, એ વ્યક્તિ પોલીસફોર્સ અને રાજકારણને પોતાનાં ગજવામાં લઈને ફરે છે અને મોટા મોટા સેલિબ્રિટી તથા બિઝનેસમેન માટે દીક્ષિત દલાલનું કામ કરે છે”
“ઓહ..સમજ્યો !” જુવાનસિંહે ઉદગાર કાઢ્યો, “તો તમારા કહેવા મુજબ દીક્ષિત સુધી પહોંચવું અસંભવ છે”
“અસંભવ નથી, જો દીક્ષિત સુધી પહોંચવાનો પ્રોપર પ્લાન બનાવીએ તો એ પણ હાથમાં આવી જાય”
“એટલા માટે તો તમને બોલાવ્યા છે સાહેબ” જૈનિત વચ્ચે કુદ્યો, “બનાવો કોઈ પ્લાન”
“પ્લાન તો બની જાય પણ….” કહેતાં રઘુરામ અટકી ગયો.
“કેટલા રૂપિયા લેશો તમે ?” જૈનીતે પૂછ્યું.
“અરે સાહેબ !” રઘુરામ હળવું હસ્યો, “રામદિન મારો જીગરી છે અને તમે એનાં દોસ્તો છો તો તમારી પાસેથી થોડા રૂપિયા લેવાનાં હોય. હું માણસોની વાત કરું છું, મુંબઈમાં દીક્ષિત વિરુદ્ધ કામ કરવામાં કોઈ સાથ નહિ આપે અને આપણે ત્રણ લોકો દીક્ષિત સુધી નહીં પહોંચી શકીએ”
“માણસોની ચિંતા ન કરો, તમે કહેશો એટલા માણસો મળી જશે” જુવાનસિંહે કહ્યું, “તમે બસ દીક્ષિત સુધી પહોંચવાનો રસ્તો બતાવો”
“હું માત્ર રસ્તો જ બતાવી શકું, આગળ જે કરવાનું છે એ તમારે તમારી રીતે જ કરવાનું છે” કહેતાં રઘુરામ ખુરશીથી ખેંચાઈને ટેબલ તરફ ખસ્યો, “અહીંથી જમણી બાજુએ જતાં ‘મસ્જિદ-એ-અમન’ નામની એક મસ્જિદ છે, એ મસ્જિદ ડાબી બાજુની ગલીમાં છેલ્લે ઉસ્માનની જનરલ સ્ટોરની દુકાન છે. મેં સાંભળ્યું છે ત્યાં સુધીમાં એક સમયે ઉસ્માન દીક્ષિતનો જમણો હાથ હતો. દીક્ષિતે ઉસ્માનની દીકરી પર જ નજર બગાડી અને એને પોતાની રખેલ બનાવી દીધેલી. ત્યારબાદ દીક્ષિતે ઉસ્માનને છૂટો કરી દીધેલો. ઉસ્માન બદલો લેવા અત્યારે બેચેન છે. તમે લોકો એનાં સુધી પહોંચી જાઓ તો કામ સરળ રહેશે”
“ઉસ્માનનો કોન્ટેક્ટ કેવી રીતે થશે ?” જુવાનસિંહે પૂછ્યું.
“હું એની દુકાનનું એડ્રેસ આપું છું, ત્યાં જઈને ‘સેટેલાઇટ ક્લબ’ આટલું બોલજો” રઘુરામે કહ્યું.
“આ ‘સેટેલાઇટ ક્લબ’ દીક્ષિતનો છે ને ?” જુવાનસિંહે પૂછ્યું.
“હા, પણ બે દિવસ પહેલા કોઈ કાંડ થયો હતો એટલે હાલ બંધ છે” રઘુરામે ઊભા થતાં કહ્યું, “એક વાત યાદ રાખજો, દીક્ષિતનું નેટવર્ક સ્ટ્રોંગ છે. એનાં માણસો ઠેરઠેર છે એટલે સાવચેત રહેજો” કહેતાં રઘુરામે ગજવામાંથી પોકેટ ડાયરી અને પેન કાઢી ઉસ્માનનું એડ્રેસ લખી આપ્યું.
“થેંક્યું” જુવાનસિંહે કહ્યું.
રઘુરામ કોઈ જવાબ આપ્યા વિના જ બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)