The Next Chapter Of Joker - Part - 28 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 28

Featured Books
Categories
Share

The Next Chapter Of Joker - Part - 28

The Next Chapter Of Joker

Part – 28

Written By Mer Mehul


તારીખ – 14 સપ્ટેમ્બર
સ્થળ – વિજય પેલેસ હોટેલ (સુરત)
સમય – 10 : 30pm
હોટલ બહારનો સુમસાન અને અંધારપટ ભયંકર ચિત્કાર ભોંકતો હતો. થોડીવાર પહેલાં વરસેલા વરસાદનાં ઝાપટાંને કારણે આ વિસ્તારની વીજળી કપાઈ ગઈ હતી જેને કારણે લોકોની ગતિવિધિ પણ નહિવત જેવી થઈ ગઈ હતી. સમયાંતરે નીકળતાં વાહનો રસ્તા પરનું પાણી ઉડાડીને સડસડાટ નીકળી જતાં હતાં.
એક બુલેટ હોટેલ બહાર આવીને ઉભું રહ્યું અને હાંફતું હાંફતું બંધ થઈ ગયું. તેનાં પર સવાર વ્યક્તિ નીચે ઉતર્યો. તેણે કાળો, ગોઠણ સુધીનો રેઇનકોટ પહેર્યો હતો. તેનો ચહેરો પણ ઢંકાયેલો હતો. એ વ્યક્તિએ ગજવામાંથી મોબાઈલ કાઢ્યો અને ફ્લેશ લાઈટનાં સહારે દાદરા ચડીને રીસેપ્શન તરફ આગળ વધ્યો. રીસેપ્શન પર એક લેડી ઊભી હતી. પગરવને કારણે એ લેડીએ ટોર્ચ શરૂ કરી અને દરવાજા તરફ ફેરવી. ટોર્ચનો પ્રકાશ એ વ્યક્તિનાં ચહેરા પર પડ્યો એટલે એ વ્યક્તિએ ચહેરા પાસે હાથનો પંજો ફેલાવ્યો.
“શું કરે છે રીતુ..!!” એ વ્યક્તિએ સહેજ ચીડ ભર્યા અવાજે કહ્યું, “હું છું.. મોહન અંકલ”
“ઓહહ..સોરી.. અંકલ…” રીતુ નામની રીસેપ્શન લેડીએ ટોર્ચ નીચે ફર્શ તરફ ફેરવીને કહ્યું, “મને લાગ્યું કોઈ કસ્ટમર હશે…”
“આવા સમયે કોણ આવે ?” પચાસેક વર્ષનાં દેખાતાં મોહનલાલ નામનાં વ્યક્તિએ કહ્યું, “તું પણ આરામ કર હવે”
“આ લો ચાવી…” રીતુએ ડેસ્ક પરથી ચાવી લઈને હાથ લંબાવ્યો.
“થેંક્યું…” કહેતાં મોહનલાલે ચાવી હાથમાં લીધી, કોટ ઉતારીને ડેસ્ક પર રાખ્યો.
“ગુડ નાઈટ…” મોહનલાલે કહ્યું.
“ગુડ નાઈટ અંકલ…”રીતુએ કહ્યું.
મોહનલાલ પોતાનાં રૂમ તરફ આગળ વધ્યો. રીતુએ ડેસ્ક પરથી કોટ લઈને સાઈડમાં મુક્યો. ત્યારબાદ રજીસ્ટરમાં મોહનલાલની એન્ટ્રી નોંધી. મોહનલાલ મહિનાની.દર ચૌદ તારીખે રાત્રે અહીં રાત્રી રોકાણ કરતો એટલે રીતુ તેને સારી રીતે ઓળખતી હતી. લાઈટ હજી નહોતી આવી. રીતુએ રજીસ્ટર બંધ કરીને ડ્રોવરમાં રાખ્યું. ત્યારબાદ એ રિવોલ્વિંગ ચેર પર બેઠી અને ડેસ્ક પર માથું ઢાળી દીધું.
અગિયાર વાગ્યા એટલે રીતુની ઊંઘ ઊડી ગઈ. કોઈ ડેસ્ક પર ટકોરા મારતું હતું. રીતુએ ચહેરો ઊંચો કરીને જોયું તો સામે રહેલી મોબાઇલની ફ્લેશને કારણે તેની આંખો અંજાઈ ગઈ, સામે ઉભેલા વ્યક્તિએ સમજીને મોબાઇલની ફ્લેશ પોતાનાં ચહેરા તરફ ધુમાવી. પચીસેક વર્ષનો એક નૌજવાન રીતુની સામે ઊભો હતો.
“સૉરી સર…!!” રીતુએ સાઈડમાં રહેલા વાળ પાછળ ધકેલીને ઉભી થઇ ગઇ, “વરસાદીયું વાતાવરણ છે અને લાઈટ નથી મને લાગ્યું હવે કોઈ નહિ આવે…”
“કોઈ વાંધો નહિ…” નૌજવાને કહ્યું, “મારે પરમ દિવસ સવાર સુધી રૂમ જોઈએ છે”
“જી સર…” કહેતાં રીતુએ ડ્રોવરમાંથી રજીસ્ટર બહાર કાઢ્યું અને સાઈડમાં પડેલી ટોર્ચ હાથમાં લઈને શરૂ કરી.
“તમારું શુભ નામ ?” રીતુએ પૂછ્યું.
“ખુશાલ પ્રજાપતિ…” એ ખુશાલ હતો. જૈનીતનાં કહેવાથી ખુશાલ અત્યારે હોટેલમાં ચેક ઇન કરી રહ્યો હતો.
“તમે એક જ છો કે બીજું કોઈ આવશે ?” સહસ સ્વભાવે રીતુએ પૂછપરછ કરી.
“ના…હું એકલો જ છું” ખુશાલે રજીસ્ટર પર નજર ફેરવીને કહ્યું. રજીસ્ટરમાં મોહનલાલનાં નામ પર બાવીશ નંબરનો રૂમ બુક થયેલો હતો.
“મને એકવીસ નંબરનો રૂમ મળશે પ્લીઝ…” ખુશાલે વિનંતીભર્યા શબ્દોએ કહ્યું, “હું હંમેશા એ જ રૂમમાં રહું છું”
“સ્યોર…” કહેતાં રીતુએ રૂમ નંબરનાં ખાનામાં નંબર લખ્યો અને રૂમની ચાવી ખુશાલનાં હાથમાં રાખી.
“થેંક્યું….” ખુશાલે ચાવી લઈને કહ્યું અને રૂમનું ડિજિટલ પેમેન્ટ કરી આપ્યું.
“વેલકમ સર…ગુડ નાઈટ”
“ગુડ નાઈટ” કહેતા ખુશાલ આગળ વધ્યો.
રીતુએ ફરી ડ્રોવર ખોલીને રજીસ્ટર અંદર રાખ્યું અને ડેસ્ક પર માથું ઢાળીને સુઈ ગઈ.
અડધી કલાક પછી ક્રિશા પણ વિજય પેલેસ હોટેલમાં આવી અને ત્રેવીશ નંબરનાં રૂમમાં ચેક ઇન કર્યું.
જુવાનસિંહનો કૉલ આવ્યો પછી જૈનીતે મોહનલાલ વિશે તપાસ કરી હતી. એ તપાસમાં જ મોહનલાલ ચૌદ તારીખે રાત્રે વિજય પેલેસ હોટલમાં રોકાય છે એવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જૈનીતે ખુશાલ અને ક્રિશાને હોટેલમાં ચેક ઇન કરવા કહ્યું. પ્લાન સીધો હતો, મોહનલાલ અને હસમુખ વચ્ચે જે વાતો થાય એ રેકોર્ડ કરવાની અને મિટિંગ પુરી થાય એટલે બંનેને બાનમાં લેવા.
ક્રિશા રીસેપ્શન કાઉન્ટરે ફોર્મલિટી પતાવીને આગળ વધી. એકવીશ નંબરનાં રૂમની સામે જ બાવીશ નંબરનો રૂમ હતો, તેની બાજુમાં ત્રેવીશ નંબરનો રૂમ હતો. એકવીશ નંબરનાં રૂમનું બારણું અધુકડું ખુલ્લું હતું. ક્રિશાએ ફ્લેશનાં સહારે લોબીમાં બંને બાજુએ તથા બાવીશ નંબરનાં રૂમનાં બારણે નજર કરી. લોબીમાં પણ કોઈ નહોતું અને બાવીશ નંબરનાં રૂમનું બારણું પણ બંધ હતું. ક્રિશાએ ધીમેથી એકવીશ નંબરનાં રૂમનું બારણું ખોલ્યું અને રૂમમાં પ્રવેશી ગઈ. તેની સામે ખુશાલ ઉભો હતો. ખુશાલનાં હાથમાં સિગરેટ હતી.
“આ તરફ આવી જા…” ખુશાલે કહ્યું. ક્રિશા એ તરફ ચાલી.
“આ માઈક્રો ચિપ મોહનલાલનાં ફોન પર લગાવવાની છે” ખુશાલે કહ્યું, “હું અહીં દરવાજા પર જ ઉભો છું, ખતરા જેવું લાગે તો સિગ્નલ આપી દેજે”
“ઑકે…” કહેતા ક્રિશાએ માઈક્રો ચિપ હાથમાં લીધી.
“બેસ્ટ ઓફ લક…” ખુશાલે કહ્યું.
“થેંક્યું” કહેતાં ક્રિશાએ બે હાથ ફેલાવ્યાં અને ખુશાલને ગળે વળગી ગઈ. થોડીવાર પછી એ મોહનલાલનાં રૂમની બહાર ઉભી હતી. ક્રિશાએ પોતાનાં બાંધેલા વાળને મુક્ત કર્યા, તેણે જે શર્ટ પહેર્યો હતો તેની સ્લીવ ચડાવી અને ઉપરનું બટન ખોલી નાંખ્યું. ત્યારબાદ તેણે દરવાજા પાસેની બેલ બે વાર દબાવી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો.
“સૉરી જેન્ટલમેન પણ મને એક ફેવર મળશે…” ક્રિશાએ મીઠો લહેકો લઈને કહ્યું.
“બોલો મેડમ….હું શું મદદ કરી શકું ?” મોહનલાલે મુસ્કાન સાથે કહ્યું.
“એક્ચ્યુઅલી હું રાત્રે એકલી રહેવાથી ટેવાયેલી નથી અને અત્યારે લાઈટ પણ નથી એટલે મને થોડો ડર લાગે છે… તમને તકલીફ ના પડે તો લાઈટ આવે ત્યાં સુધી આપણે વાતો કરી શકીએ ?” ક્રિશાએ પૂછ્યું.
“સ્યોર…મને પણ કંપની મળશે” મોહનલાલે મોઢું મલકાવ્યું.
ક્રિશાએ પણ એવી જ સ્માઈલ આપીને રૂમમાં પ્રવેશી.
*
14 સપ્ટેમ્બર,
સ્થળ – કોઠીયા હોસ્પિટલ(અમદાવાદ)
રાતનાં સવા દસ થયાં હતાં. કોઠીયા હોસ્પિટલ બહાર પોલીસની બે જીપ આવીને ઉભી રહી. એક જીપમાંથી હિંમત અને જુવાનસિંહ નીચે ઉતર્યા તથા બીજી જીપમાંથી એક કૉન્સ્ટબલ અને રમીલા નીચે ઉતર્યા. કેયુર ચાવડા બપોર પછી રજા પર હતો.
“તમે લોકો અહીં ઊભા રહો અમે મળીને આવીએ છીએ” જુવાનસિંહે રમીલા અને તેણીનાં સાથી કૉન્સ્ટબલને ઉદ્દેશીને કહ્યું.
“યસ સર..” રમીલાએ કહ્યું.
“સાગરને કેમ છે હવે ?” જુવાનસિંહે પરસાળ તરફ ચાલતાં કહ્યું.
“સારું છે…ગનીમત રહી કે ગોળી નીચેનાં ભાગમાં લાગી, જો સહેજ ઉપર વાગી હોત તો મુશ્કેલી ઊભી થાત…” હિંમતે કહ્યું.
“નિડર અને બહાદુર વ્યક્તિ સાથે એવું જ થાય, મૌત આજુબાજુ આંટા મારી શકે પણ સ્પર્શી ના શકે” જુવાનસિંહે કહ્યું.
“એક વાત પૂછું સર…!?” હિંમતે પૂછ્યું.
“એક નહિ બે પુછોને…” કહેતાં જુવાનસિંહ હળવું હસ્યાં.
“આપણે રમણિક શેઠ અને જે.જે. રબારીનાં હત્યારાને શોધવાને બદલે આ લોકો પાછળ કેમ ફરીએ છીએ ?” હિંમતે પૂછ્યું.
બધા પરસાળમાંથી લોબીમાં પ્રવેશ્યાં.
“કારણ કે આ લોકોને જ આપણને તેનાં હત્યારા સુધી પહોંચાડશે…” જુવાનસિંહે કહ્યું, “આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે અને મારું માનવું છે ત્યાં સુધી આ બધાનો દુશ્મન કોઈ એક જ છે અને એ વ્યક્તિ આપણને મદદ કરે છે…બે દુશ્મન વચ્ચે આપણે લાભ ઉઠાવીએ છીએ” જુવાનસિંહે કહ્યું.
“પણ એક વાત સમજો સર…, આપણને જેટલાં લોકોની માહિતી મળી છે એમાંથી કાં તો એ મૃત્યુ પામ્યો છે કાં તો એ ફરાર થઈ ગયા છે… આપણને જે મદદ કરે છે એ આપણો ઉપયોગ કરતો હોય એવું પણ બની શકેને..?”
“બની શકે પણ બીજી એક વાત સમજવા જેવી છે” જુવાનસિંહે કહ્યું, “અત્યાર સુધીમાં કેટલા લોકોનાં નામ બહાર આવ્યા છે એ લોકો દૂધનાં ધોયેલાં નહોતા. જે વ્યક્તિ આ બધું કરી રહ્યો છે એનો મકસદ અને આપણો મકસદ એક જ છે એટલે હું એ વ્યક્તિને શોધવામાં રસ નથી દાખવતો”
“એ પણ સાચું સાહેબ…” હિંમતે સહમતીપૂર્વક માથું ધુણાવીને કહ્યું. સામે એક વોર્ડ બોય ટેબલ પર બેઠો બેઠો મોબાઈલ મચેડી રહ્યો હતો. જુવાનસિંહ તેની પાસે જઈને ઉભા રહ્યા.
“રાકેશ શર્મા ક્યાં મળશે ?” જુવાનસિંહે પૂછ્યું.
“ડૉક્ટરનાં કેબિનમાં, સીધાં ચાલ્યા જાઓ…” વોર્ડ બોયે મોબાઈલમાં જ ધ્યાન આપીને કહ્યું.
જુવાનસિંહે પણ તેનાં પર ધ્યાન ન આપ્યું અને સીધી દિશામાં આગળ વધ્યાં. છેલ્લે ડૉ. કે.એમ. કેવડિયાની નામની પ્લેટનો કાચનો દરવાજો હતો. જુવાનસિંહે ધક્કો મારીને એ દરવાજો ખોલ્યો. જુવાનસિંહ પાછળ હિંમત પણ કેબિનમાં પ્રવેશ્યો.
“સૉરી જેન્ટલમેન…તમારી મિટિંગ વચ્ચે ખલેલ પહોંચાડવા બદલ માફી ચાહું છું” જુવાનસિંહે કહ્યું, “હું ડાયરેક્ટર રાકેશ શર્મા સાથે થોડી વાતો કરવા ઈચ્છું છું”
“તમે કોણ છો ?” ડૉ. કેવડિયાએ પૂછ્યું.
“ઓહ સૉરી…હું યુનિફોર્મમાં નથી એટલે તમે મને નહિ ઓળખી શકો…હું નાયબ પોલીસ અધિક્ષક જુવાનસિંહ છું”
ડૉ. કેવડિયાની સામે બેઠેલાં રાકેશ શર્માએ ગોળ ચશ્મામાંથી જુવાનસિંહ તરફ જોયું. જુવાનસિંહને જોઈને તેનાં ચહેરાનો ઊડી ગયો. જુવાનસિંહ રાકેશ સામે જોઇને રહસ્યમય રીતે હસ્યાં.
“હું અહી બેસી શકું ?” જુવાનસિંહે કેવડિયા સામે જોઇને કહ્યું.
“યા.. સ્યોર…”
“થેંક્યું…” કહેતાં જુવાનસિંહ ખુરશી ખેંચીને બેસી ગયાં.
“હા તો મી. શર્મા…” જુવાનસિંહે રાકેશ સામે જોઇને કહ્યું, “મારા સવાલનાં જવાબ અહીં આપશો કે સ્ટેશને જઈને ?”
“પૂછો…” રાકેશે અણગમા સાથે કહ્યું.
“એસ.કે. વાટલીયાને ઓળખો છો ?” જુવાનસિંજે સીધું પૂછી લીધું.
“જી હા, મિત્ર છે મારા” રાકેશે માથું ધુણાવીને કહ્યું.
“ગુડ…એનો કોડ જણાવશો મને ?”
“સૉરી..?, તમે ક્યાં કોડની વાત કરો છો ?” રાકેશે પૂછ્યું.
“અજાણ ના બનો ડાયરેક્ટર સાહેબ….તમારો ભાંડો ફૂટી ગયો છે. તમારાં ત્રણ સાથીદાર સ્વધામ પહોંચી ગયા છે અને એક ફરાર છે. આગળનો નંબર તમારો પણ હોય શકે છે. જો તમે હકીકત જણાવશો તો અમે તમને બચાવી શકીશું”
શર્માએ કાનેથી ચશ્મા ઉતારીને મેજ પર રાખ્યાં. ત્યારબાદ હાથ વડે જ નાક પર આંગળીઓ ફેરવી અને આંખો ચોળી.
“તમે કશું નથી જાણતા ઇન્સ્પેક્ટર…” રાકેશે ઉદાસીન ભાવે કહ્યું, “અમે કૂવામાં રહેલા દેડકા છીએ, શિકારી માછલી તો દરિયામાં છે”
“એ માછલીનો પણ શિકાર થશે…હાલ દેડકામાં ચલાવી લેશું…” જુવાનસિંહે એ જ ભાષામાં જવાબ આપ્યો, “તમે જે જાણતા છો એ જણાવો”
“હું તમને એ વાત જણાવીશ તો એ લોકો મને નહિ છોડે અને નહિ જણાવું તો તમે લોકો….” રાકેશે કહ્યું.
“એક મિનિટ….” જુવાનસિંહે રાકેશને અટકાવીને હિંમત સામે જોયું અને ઈશારો કર્યો. હિંમતે સામે ચાલીને રાકેશને ઉભા થવા કહ્યું. રાકેશ ઊભો થયો એટલે હિંમતે તેની તલાશી લીધી.
“નથી સર…” હિંમતે કહ્યું.
“ઑકે….બેસો…” જુવાનસિંહે કહ્યું.
રાકેશ ખુરશી પર બેસી ગયો.
“શરૂ થઈ જાઓ…” જુવાનસિંહે કહ્યું.
“મને બચાવી લો ઇન્સ્પેક્ટર…મારે મરવું નથી…” રાકેશ કરગરવા લાગ્યો, “એ લોકો ગમે ત્યારે મારા સુધી પહોંચી જશે, મને એ લોકોએ ધમકી આપી છે”
“વિસ્તારમાં જણાવો…તમને ધમકી કોણે આપી છે ? અને શા માટે આપી છે ?”
“ફિલ્મ ઇન્ડ્રષ્ટીનાં નિયમોથી તો તમે વાકેફ જ હશો…કોઈ પણ છોકરીને ફિલ્મમાં આવવા માટે અથવા લીડ રોલ માટે કશું આપવું પડે છે એ જૂનો નિયમ છે, પણ હું એવો માણસ નથી. હું મહેનતુ અને યોગ્ય છોકરીઓને પસંદ કરીને ફિલ્મમાં લઉં છું. એક મહિના પહેલા મને કોઈ રેન્ડમ કૉલ આવેલો અને છોકરીઓનાં બદલામાં મને તગડી રકમની ઑફર આપવામાં આવી. મેં એ ઑફરને ઠુકરાવી દીધી તો બીજા દિવસે મારી ફેમેલીનાં ફોટા સાથે મને ધમકીઓ આપવામાં આવી. જો હું તેઓનું કામ ન કરું તો મારી ફેમેલીને ખતમ કરવાનાં મૅસેજ પણ આપવામાં આવ્યાં.. જુઓ એ મૅસેજ…” કહેતાં રાકેશે પોતાનાં મોબાઈલમાં આવેલા ટેક્સ્ટ મૅસેજ બતાવ્યા.
“બરોબર…આગળ શું થયું ?” જુવાનસિંહે મૅસેજ જોઈને કહ્યું.
“એ સમયે વૈશાલી મારા કોન્ટેક્ટમાં આવી હતી, તેને કોઈ પણ ફિલ્મમાં નાનો રોલ જોતો હતો અને રોલ મેળવવા એ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી…”
“એક..એક..એક મિનિટ” જુવાનસિંહે રાકેશને અટકાવ્યો, “આ વૈશાલી એ જ ને જે નરોડમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવે છે”
“હા એ જ.., દેખાવમાં એ સુંદર છે અને સારી એવી એક્ટિંગ પણ કરી લે છે…જો એણે હદ પાર કરવાની દરખાસ્ત ન રાખી હોત તો કદાચ મેં તેને રોલ આપી પણ દીધો હોત…પણ મેં તમને અગાઉ જણાવ્યું એ મુજબ હું મહેનતુ અને યોગ્ય પાત્રને પસંદ કરું છું. વૈશાલીને મહેનત વિના સફળ થવું હતું અને મારે આ લોકોથી છુટકારો મેળવવો હતો એટલે મેં આ લોકોને વૈશાલીનો કોન્ટેક્ટ કરાવી દીધો. બદલામાં એ લોકોનાં ફોન આવતાં બંધ થઈ ગયા”
“મતલબ તમે ચેઇનમાંથી નીકળી ગયા હતાં…” જુવાનસિંહે કહ્યું.
“હા…મેં એક કોઈ પણ વ્યક્તિની લાઈફ બરબાદ નથી કરી…”
“સમજ્યો…તો હમણા તમે ધમકીની વાત કરતાં હતાં એ શું હતું ?”
“આજે બપોરે ફરી એ જ નંબર પરથી કૉલ આવ્યો હતો અને દસ છોકરીની વ્યવસ્થા કરવા મને કહ્યું હતું. મેં ઘસીને ના પાડી તો એ લોકોએ મને મારી નાંખવાની ધમકી આપી છે”
“તમે આ વાત પોલીસને કેમ ન જણાવી ?”
“કેવી રીતે જણાવું સર ?, એ લોકોની ધમકી મળી પછી પંદર વર્ષની મારી દીકરી ગાયબ છે” કહેતાં રાકેશ રડવા લાગ્યો, “પ્લીઝ સર…તમે બચાવી લો એને…”
“મી.રાકેશ…તમે ચિંતા ના કરો…તમે કોઈનું ખરાબ નથી ઇચ્છયું એટલે ભગવાન પણ તમારી સાથે સારું જ કરશે” જુવાનસિંહે રાકેશનાં ખભે હાથ રાખીને કહ્યું, “મને એમ કહો કે તમારી છોકરી ગાયબ થઈ પછી એ લોકોનો કોઈ કૉલ આવ્યો હતો ?”
“હા…કાલે સવારે દસ વાગ્યા સુધીમાં જો મેં છોકરીઓની વ્યવસ્થા ના કરી તો એ લોકો મારી છોકરીને વેચી દેશે એવી ધમકી આપવામાં આવી છે”
“આ છોકરીઓને ક્યાં પહોંચાડવાનું કહ્યું છે ?”
“એસ.પી. રિંગ રોડ પાસે ‘શેઠ બંગલોઝ’ નામનાં ઘરમાં” રાકેશે કહ્યું.
“બરાબર…” જુવાનસિંહે કહ્યું, “તમે કોઈ મી. બલર નામનાં વ્યક્તિને ઓળખો છો ?”
“ના સર…” રાકેશે જવાબ આપ્યો.
“આજે જે નંબર પરથી કૉલ આવ્યો હતો એ નંબર મળી શકશે ?”
“સ્યોર…” કહેતાં રાકેશે એ નંબર લખાવ્યો.
“મારી દીકરીને બચાવી લો સર…આ હેવાનો તેને ચૂંથી નાંખશે…”
જુવાનસિંહ ઉભા થયાં.
“તમે બેફિકર રહો મી. શર્મા, તમારી દીકરીની જવાબદારી હું લઉં છું. એનો વાળ પણ વાંકો નહિ થાય. ફિલહાલ તમે અમારી સાથે સ્ટેશને ચાલો, અહીં તમે સુરક્ષિત નથી”
રાકેશ ઊભો થયો. જુવાનસિંહ દરવાજો ખોલીને બહાર નીકળ્યાં. તેની પાછળ રાકેશ અને તેની પાછળ હિંમત બહાર નીકળ્યો. જુવાનસિંહ સૌથી આગળ હતાં. તેઓની નજર વોર્ડબોયની ખુરશી પર પડી. વોર્ડ બોય ત્યાં હાજર નહોતો.
‘વોર્ડબોય મોબાઈલ મચેડવામાં એટલો વ્યસ્ત હતો કે તેને નજર ઉપર કરવાની પણ તકલીફ ના લીધી તો અત્યારે એ ક્યાં ચાલ્યો ગયો ?’ જુવાનસિંહનાં મગજમાં વિચાર આવ્યો. કંઈક ખોટું થઈ રહ્યું એની લાગણી જુવાનસિંહે અનુભવી.
“એક મિનિટ..” જુવાનસિંહે પોતાનાં બંને હાથ સાઈડમાં ફેલાવીને બધાને ઊભા રહેવા ઈશારો કર્યો.
“કંઈક ખોટું થઈ રહ્યું છે હિંમત” જુવાનસિંહે કમરેથી પિસ્તોલ કાઢતાં કહ્યું, “રમીલા અને બીજો કૉન્સ્ટબલ જીપમાં હાજર નથી”
“હું ચૅક કરું છું” કહેતાં હિંમત આગળ ચાલ્યો.
“નહિ….” જુવાનસિંહે હિંમત પર તરાપ મારી.
હિંમત જ્યારે આગળ નીકળ્યો હતો ત્યારે જુવાનસિંહે જીપની પાછળથી એક વ્યક્તિને બહાર નીકળતાં જોયો હતો, એ વ્યક્તિનાં હાથમાં ગન હતી અને ગનનું નાળચુ હિંમત તરફ હતું. હિંમતને આગળ વધતાં જોઈ એ વ્યક્તિએ ગોળી ચલાવી અને બરાબર એ જ સમયે જુવાનસિંહે પાણીમાં જેમ તરવૈયા તરાપ મારે એવી રીતે હવામાં ઉછળીને હિંમતને દૂર ધકેલી દીધો. સામેવાળા વ્યક્તિનું નિશાન ચુકી ગયું હતું. જુવાનસિંહ દડીને પીલર પાછળ લપાઈ ગયા અને જીપ તરફ બે રાઉન્ડ ફાયર કર્યા.
હિંમતે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જુવાનસિંહે બે રાઉન્ડ ફાયર કર્યા ત્યારે સામે રહેલો વ્યક્તિ જીપની આડશ લઈને છુપાઈ ગયો હતો, હિંમતે સ્ફૂર્તિ દેખાડી અને એ પણ દડીને બીજા પીલર પાછળ ધકેલાઈ ગયો. રાકેશ બરોબર લોબીની વચ્ચે ઉભો હતો. આ પરિસ્થિતિમાં શું કરવું એ તેને નહોતું સમજાતું. એ ડરીને અંદર તરફ દોડ્યો.
જીપની પાછળ રહેલા વ્યક્તિએ ફરી એકવાર જુવાનસિંહ તરફ એક રાઉન્ડ ફાયર કર્યો. જુવાનસિંહ એ સમયે પીલરની પાછળ હતાં ગોળી સીધી પીલર સાથે અથડાઈ હતી, સાથે જ જુવાનસિંહે વળતા પ્રહારમાં એક રાઉન્ડ ફાયર કર્યો. એ જ સમયે હિંમતે પણ એક રાઉન્ડ ફાયર કર્યો હતો. જીપ પાછળ રહેલો વ્યક્તિ ત્યારે છુપાઈ ગયો હતો એટલે બંને દ્વારા ફાયર કરવામાં આવેલા રાઉન્ડ વ્યર્થ ગયા.
થોડીવાર માટે જીપ પાછળ રહેલો વ્યક્તિ શાંત રહ્યો. જુવાનસિંહે અને હિંમતે એકબીજા સામે જોયું.
“હું ફાયરિંગ કરું એટલે અંદરની તરફ દોડજો…” જુવાનસિંહે ધીમેથી કહ્યું. હિંમતે અંગૂઠો બતાવીને સંકેત આપ્યો. થોડી ક્ષણો માટે પૂરું દ્રશ્ય થંભી ગયું, વાતાવરણમાં સ્મશાન જેવી શાંતિ પથરાઇ ગઈ.
“કોણ છો તમે ?, શા માટે ફાયરિંગ કરો છો ?” જુવાનસિંહે પીલર પાછળ રહીને જ મોટા અવાજે પૂછ્યું. વળતાં જવાબમાં પીલર સાથે બે ગોળીઓ અથડાઈ.
જુવાનસિંહે હિંમત તરફ ત્રણ આંગળી બતાવી, ત્યારબાદ એક આંગળી નીચી લીધી. ત્યારબાદ ફરી એક આંગળી નીચી લીધી અને આખરે મુઠ્ઠી વાળીને જુવાનસિંહે કહ્યું, “દોડો……”
એ સાથે જ જુવાનસિંહે જીપ તરફ બે રાઉન્ડ ફાયર કર્યા. એ જ સમયે હિંમત પણ લોબીમાં દોડ્યો.
જીપ પાછળ રહેલા વ્યક્તિનું ધ્યાન હિંમત તરફ પણ હતું જ, તેણે ગનનું નાળચુ હિંમત તરફ ફેરવ્યું અને એક રાઉન્ડ ફાયર કર્યો. ગોળી હિંમતને સ્પર્શ્યા વિના દૂરથી નીકળી ગઈ.
જુવાનસિંહે તકનો લાભ લઈને મોબાઈલ હાથમાં લીધો અને હેડક્વાર્ટરમાં ફોન લગાવીને મદદ માટે સંદેશો મોકલી દીધો.
ફરી વાતાવરણમાં ભયંકર અને મરણીય શાંતિ ફેલાઈ ગઈ. જુવાનસિંહ હજી પિલરની પીઠ ટેકવીને ઊભા હતાં. સામેનાં પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી થતી એટલે જુવાનસિંહે પિસ્તોલનું મેગઝીન બદલી નાખ્યું. એ જ ક્ષણે હોસ્પિટલમાં થયેલા ગોળીનાં ધડાકાનો અવાજ જુવાનસિંહનાં કાને પડ્યો.
(ક્રમશઃ)