The Next Chapter Of Joker
Part – 23
Written By Mer Mehul
મુંબઈનાં અંધેરી વેસ્ટમાં સ્થિત સેટેલાઇટ ક્લબનાં પ્રાઇવેટ રૂમમાં એક વ્યક્તિ સૂતો હતો. તેણે છેલ્લી રાત્રે હદથી વધુ દારૂ પી લીધો હતો એટલે બપોર થયાં તો પણ હજી તેની આંખો બંધ જ હતી. એ વ્યક્તિ આ ક્લબનો માલિક હતો, અનુપમ દીક્ષિત. અનુપમ ઉંમરે આશરે પંચાવન વર્ષનો હતો પણ પોતાનાં શરીરની સાચવણી અને દવાઓને કારણે એ માત્ર પિસ્તાલિસેક વર્ષનો જ દેખાતો હતો. અત્યારે એ જે રૂમનાં બેડ પર સુતો હતો એ રૂમ તેનો પ્રાઇવેટ રૂમ હતો. તેની બાજુમાં પચીસેક વર્ષની એક યુવતી સૂતી હતી, તેણીએ પણ અનુપમ સાથે વધુ પ્રમાણમાં દારૂ પીધો હતો. એ યુવતી સેટેલાઇટ ક્લબમાં બારગર્લની જોબ કરતી.
અનુપમ ધનવાન હતો અને એટલે સુધી જ ક્લબમાં એ જે છોકરી તરફ ઈશારો કરતો એ છોકરી તેની સાથે સુવા તૈયાર થઈ જતી. અત્યારે તેની સાથે જે યુવતી સૂતી હતી તેનું નામ હિના સાંગલે હતું. હિના સુંદર હતી, અતિ સુંદર હતી. પહેલી નજરે જ આંખોમાં વસી જાય એટલી સુંદર. તેનો ગોરો ચહેરો, મખમલ જેવા મુલાયમ ગાલ તથા અંગોનો ઉભાર કોઈને પણ પાગલ કરી શકે એમ હતો. હિના કહેવા માટે બારગર્લ હતી, હકીકતમાં એ અનુપમની રખાત હતી.
અત્યારે બંને ગાઢનિંદ્રામાં એકબીજાને લપેટાઈને નગ્ન અવસ્થામાં સુતા હતાં. બાજુનાં ટેબલ પર પડેલો અનુપમનો ફોન વારંવાર રણકીને બંધ થઈ જતો હતો. આવું સતત આઠ-દસ વાર થયું હતું. ફરી એકવાર ફોન રણકવાનું શરૂ થયું. આ વખતે હિનાની આંખો ઊઘડી ગઇ. તેણે હાથ લાંબો કરીને ફોન હાથમાં લીધો અને અનુમપને જગાડીને તેનાં હાથમાં આપ્યો. અનુમપે ઊંઘમાં જ ફોન રિસીવ કર્યો.
“આજ ડિલિવરી નહિ હો પાયેગી…” ફોનમાં એક શખ્સે કહ્યું.
“ક્યું નહિ હો પાયેગી ?, મેને અપને કસ્ટમરો સે વાદા કિયા હૈ…તુમ એસા મત કરો યાર..” અનુમપે કહ્યું.
“વો રબારી થા ના…ઉસકો કિસીને માર દિયા હૈ…વો હી સપ્લાય કરને વાલા થા...”
“હમારે પાસ ઔર ભી સપ્લાયર હૈ ના…કિસીસે ભી લેકર કલ શામ તક મુજે ડિલિવરી ભેજો…”
“સૉરી…વો નહિ હો સકતા…યહાં પુલીસને ચારો ઔર નાકાબંધી કર લી હૈ…થોડે દિન કે લિયે અન્ડર ગ્રાઉન્ડ હોના પડેગા…”
“તુમ કુછ ભી કરો…મુજે કલ શામ તક ડિલિવરી ચાહીએ…” અનુપમે તરડાઈને કહ્યું.
“પર બૉસ….” સામેનો વ્યક્તિ બોલતો હતો ત્યાં અનુમપે તેને અટકાવ્યો, “મુજે કુછ નહિ સુનના…મુજે ચાહીએ મતલબ ચાહીએ…”
“ઠીક હૈ…મેં કુછ કરતાં હું…” આખરે સામે રહેલા શખ્સે હાર માનીને કહ્યું. બંને બાજુથી ફોન કપાઈ ગયો.
“કિસકા ફોન થા ડિયર ?” હિનાએ અનુપમની સોડમાં ઘુસતા પૂછ્યું.
“ડીલર કા ફોન થા…તુમ જ્યાદા મત સોચો…આ જાઓ…” કહેતા અનુપમે હિનાની કમર ફરતે હાથ વિંટાલ્યો અને તેણીને પોતાનાં તરફ ખેંચી.
*
જુવાનસિંહ અને હિંમત મીરાજ સિનેમા પાસે આવેલા ‘નેમિનાથ પ્રોવિઝન સ્ટોર’ પર ઉભા હતાં. તેની સામે ચાલીસેક વર્ષનાં એક સજ્જન બેઠા હતાં.
“ઇકબાલનું ઘર કંઈ બાજુ છે ?” હિંમતે પૂછ્યું.
“કોણ ઇકબાલ ?”
“લાંબી દાઢી અને લાંબા વાળ છે એ…” હિંમતે કહ્યું.
“એનું નામ ઇકબાલ નથી, રાજુ છે…જમણી બાજુની ત્રીજી ગલીમાં છેલ્લું મકાન” સજ્જને કહ્યું.
“થેંક્યું” હિંમતે કહ્યું અને બંને જમણી બાજુ તરફ ચાલવા લાગ્યાં.
“સર…આ ઇકબાલ પહોંચેલી ચીજ માલુમ પડે છે…જ્યાં કાંડ કરે છે ત્યાં રાજુનું નામ આપે છે અને જ્યાં એ રહે છે ત્યાં પણ રાજુનું જ નામ આપે છે…મતલબ બધી બાજુથી રાજુનો તો મરો જ છે..” હિંમતે કહ્યું.
“પોલીસની હાથ લાંબા હોય છે હિંમત…ગમે તેમ કરીને ગુન્હેગારનાં ગળા સુધી પહોંચી જ જાય છે..” જુવાનસિંહે હળવું હસીને કહ્યું. ત્રીજી ગલી આવતાં બંનેએ વળાંક લીધો. સામે છેલ્લા મકાનની બહાર એક રીક્ષા પડી હતી. રિક્ષાની બાજુમાં બે નાની બાળકીઓ રમતી હતી. જુવાનસિંહ અને હિંમત એ તરફ આગળ વધ્યા.
બંને જ્યારે રીક્ષા પાસે પહોંચ્યા ત્યારે ઇકબાલ બહાર નીકળતો હતો. હિંમતે સ્ફૂર્તિથી કૂદકો મારીને તેને ગળેથી દબોચી લીધો.
“બોલ સાલા…ક્યાં છુપાઈને બેઠો હતો…” હિંમતે તેને ગરદનથી ઝુકાવીને પીઠ પર કોણી મારી. ઇકબાલ ગોઠણભર બેસી ગયો.
“મારો છો શું કામ સાહેબ…મેં શું ભૂલ કરી એ તો જણાવો..”
“એક..એક..એક મિનિટ…” જુવાનસિંહે ચમકીને કહ્યું, તેઓની નજર ઘરનાં દરવાજા પર ઊભેલી ગર્ભવતી સ્ત્રી પર પડી.
“આ તારી પત્ની છે ?”
“હા..”
“તે દીકરા માટે માનતા રાખેલી છે ?”
“હા..”
“તારો જમણો હાથ લાંબો કર..” કહેતા જુવાનસિંહે તેનો હાથ પકડીને ખેંચ્યો. હાથ પર ‘જય માતાજી’ લખેલું ટેટુ હતું.
“તારું નામ શું છે ?”
“રાજુ…”
“ડ્રાઇવિંગ લાઇસન્સ લાવ તારું..”
રાજુએ રિક્ષાનાં બોક્સમાંથી લાઈસન્સ કાઢીને જુવાનસિંહનાં હાથમાં પકડાવ્યું.
“સાંઈબાબા સોસાયટીમાં તું જ ભાડું ભરવા જતો ?”
“હા સાહેબ….”
“તો તું ઇકબાલને ઓળખતો જ હશે..?”
“હા સાહેબ…એ જ મને ત્યાનું ભાડું ચીંધેલું…”
“અમારી સાથે પોલીસ સ્ટેશને ચાલ…” જુવાનસિંહે કહ્યું.
“કેમ સાહેબ…મેં શું ભૂલ કરી ?”
“તે કોઈ ભૂલ નથી કરી….તું જે સોસાયટીમાં ભાડું ભરવા જતો તેનાં પાડોશીનું મર્ડર થઈ ગયું છે અને એ રાત્રે ઇકબાલને ત્યાં જોવામાં આવ્યો હતો. તે અને ઈકબાલે બંનેએ દાઢી વધારેલી છે એટલે કન્ફ્યુઝન થયું છે…તારે ઇકબાલનો સ્કેચ તૈયાર કરવામાં અમારી મદદ કરવાની છે”
“તમે એને શોધો જ છો તો સ્કેચની શું જરૂર છે ?, હું એનાં સુધી પહોંચવાનો રસ્તો જાણું છું….ઇકબાલનો જીગરજાન દોસ્ત ફજલ છે…ઇકબાલ એને બધી જ વાતો જણાવે છે…ફજલને ઇકબાલ વિશે બધી જ ખબર હશે…”
“ફજલ ક્યાં મળશે ?”
“હું તમને પહોંચાડી દઈશ સાહેબ…તમે ચાલો મારી સાથે…” રાજુએ કહ્યું.
“અમારી જીપ બહાર છે…તું ચાલ અમારી સાથે..” હિંમતે કહ્યું. ત્રણેય રોડ પર આવ્યાં. હિંમતે જીપ સ્ટાર્ટ કરી અને રાજુનાં માર્ગદર્શન મુજબ દોરી લીધી.
*
આ તરફ ચાવડાએ શાંતાનાં બંગલાનો ઉપરનો પૂરો રૂમ ખોળી લીધો હતો પણ તેનાં હાથમાં પહેલાની જેમ નિરાશા સિવાય કંઈ નહોતું લાગ્યું. તેણે સાગર અને રમીલાને નીચેનાં રૂમમાં મોકલ્યાં હતાં. ચાવડા જ્યારે માનસિક તણાવ અનુભવતો ત્યારે એ સિગરેટ પી લેતો હતો, આજે તો તેનાં કોઈ સાહેબો પણ સાથે નહોતાં એટલે ચાવડાએ ગજવામાંથી સિગરેટ થતાં માચીસ કાઢ્યું અને સિગરેટ સળગાવીને ઊંડો કશ ખેંચ્યો. તેણે હવામાં ધુમાડો છોડતી વેળાએ રાહત અનુભવી. સહસા કોઈનાં ભરેભરખમ પગરવનો અવાજ ચાવડાને કાને પડ્યો. ચાવડાએ સિગરેટને હાથમાં છુપાવી દીધી અને હાથ કમર પાછળ રાખી દીધો.
“સાહેબ…, નીચે કંઈક મળ્યું છે…” એ સાગર હતો, “સિગરેટ પુરી કરીને નીચે આવો..”
“આવું થોડીવારમાં..” કહેતાં ચાવડાએ હવામાં ઉડતાં ધુમાડાને ફૂંક વડે દૂર કર્યા. સાગર નીચે ઉતરી ગયો. ચાવડાએ ઉતાવળથી સિગરેટનાં દમ ખેંચ્યા, સિગરેટ પુરી કરી..ટિપિંગ પેપરને બારી બહાર ફેંકીને એ નિચે ગયો.
“આ બાજુ સાહેબ…” સાગરે રસોડા તરફ ઈશારો કર્યો.
“ઘઉંનાં ડબ્બામાંથી આ ડાયરી મળી છે…” રમીલાએ ડાયરી ઊંચી કરીને કહ્યું.
“શું છે ડાયરીમાં ?” ચાવડાએ પૂછ્યું.
“કોડ વર્ડમાં કંઈક લખેલું છે સર.. C – 1R ની સામે i , C – 2J ની સામે V, C – 3B ની સામે P… એમ C – 9 સુધી લખેલું છે અને તેની સામે જુદાં જુદાં આલ્ફબેટ છે” રમીલાએ કહ્યું.
“બીજું શું લખેલું છે ?”
“બીજું કંઈ જ નથી લખ્યું સર…પુરી ડાયરી બ્લેન્ક છે..”
“ડાયરીને બેગમાં રાખો અને તપાસ શરૂ રાખો…કંઈક તો હાથમાં લાગવું જ જોઈએ…” ચાવડાએ કહ્યું.
“નીચે બધું જ ચૅક કરી લીધું સર…કંઈ જ નથી મળ્યું…” સાગરે કહ્યું.
“ઉપરનાં રૂમમાં કંઈ નથી…શાંતા એ જતાં જતાં બધા જ કાગળો સળગાવી દીધાં છે..” ચાવડાએ કહ્યું, “ચાલો તો ખૂણા પર ચા પીને ચોકી તરફ જઈએ…”
બંનેએ નતમસ્તક થઈને માથું ધુણાવ્યું. ત્રણેય બંગલો લૉક કરીને બહાર નીકળ્યાં.
*
“હેલ્લો બોસ…” ઇકબાલે ફોનમાં કહ્યું, “ઇન્સ્પેક્ટર મને શોધે છે…તેને રાજુનું સરનામું આપીને હું અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છું..”
“એ ઇન્સ્પેક્ટર તને નહિ શોધી શકે…” સામે રહેલા શખ્સે કહ્યું, “આજે રાત્રે તારે મુંબઈ જવાનું છે…થોડાં દિવસ મુંબઈમાં રહેજે…અહીં મામલો શાંત થશે એટલે હું તને બોલાવી લઈશ..”
“પણ બોસ આ સમયે મારું અમદાવાદ બહાર નીકળવું મુશ્કેલ છે…પોલીસ શિકારીની જેમ મને શોધે છે”
“એની ચિંતા ના કર….રાત્રે સાડા અગિયાર વાગ્યે CTM આવી જજે…ત્યાંથી એક લક્ઝરી બસનો ડ્રાઇવર બનીને તારે જવાનું છે…અને તને કોઈ રોકશે નહિ એની વ્યવસ્થા મેં કરી લીધી છે..”
“ઠીક છે બોસ…”
“અને સાંભળ….તારો પહેરવેશ અને ચહેરો બદલી નાંખજે…”
“સારું બોસ…”
બંને છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. ઇકબાલે સ્ક્રીન પર નજર કરી તો ફજલનાં બે ફોન આવી ગયા હતાં. ઇકબાલે ફજલને ફોન જોડ્યો.
“અસલ્લામુ અલઈકુમ ભાઈજાન…” ફજલે ફોન ઉપાડીને કહ્યું.
“વાલેકુમ અસ્લામ ભાઈજાન..” ઇકબાલે જવાબ આપ્યો.
“ક્યાં ફરો છો ?, બધું ખેરીયતથી છે ને..?”
“અલ્લાહની મહેરબાનીથી હાલ બધું બરોબર છે પણ હવે ધ્યાન રાખવું પડશે… પોલીસ મારી પાછળ પડી છે..”
“ઓહ…અત્યારે ક્યાં ?”
“એ હું નથી જણાવી શકું એમ પણ આજે રાત્રે હું મુંબઈ જવાનો છું તો કોઈ કામ હોય તો બોલો..”
“કામ તો કંઈ નથી પણ ધ્યાન રાખજો પોતાનું…”
“જી બિલકુલ…”
“અને હું શું કહેતો હતો ભાઈજાન…મુંબઈ જાઓ જ છો તો અમ્મીએ અબ્બુ માટે કપડાં ખરીદ્યા છે એ દેતાં આવજો ને…”
“હું ફોન કરું ત્યારે CTM આવી જજો…મોડી રાતે ફોન કરીશ..”
“સારું….રાખું તો..ખુદા હાફિસ…”
“ખુદા હાફિસ…” કહેતાં ઇકબાલે ફોન કટ કરી દીધો.
*
નરોડા પાટિયાથી થોડે આગળ રાજુએ જમણી તરફ વળાંક લેવા કહ્યું. હિંમતે સામે આવતાં વાહનોને જોઈ, રોડ ક્રોસ કરીને જીપનો વળાંક લીધો. આગળ થોડાં વળાંકો લઈને જીપ એક મકાન બહાર ઉભી રહી. જીપ જે વિસ્તારમાં ઉભી હતી એ વિસ્તાર થોડો પછાત હતો. અહીં વિલાયતી નાળિયાં અને જૂના બાંધકામનાં મકાનો હતાં. મકાનોમાં મોટા ભાગનાં મકાનો લીલા રંગનાં જ હતાં.
“આ બાજુ સાહેબ…” રાજુએ કહ્યું. બંને ઑફિસર રાજુ પાછળ ચાલ્યાં. આગળ જતાં એક સાંકડી ગલીમાં થઈને રાજુ બંનેને એક ઘરનાં ફળિયામાં લઈ આવ્યો.
“આ જ ફજલનું ઘર છે..” રાજુએ કહ્યું.
“બોલાવ એને…” હિંમતે કહ્યું.
“ફજલ….” રાજુએ ઊંચા અવાજે ફજલને સાદ કર્યો.
થોડીવાર પછી ત્રીસેક વર્ષનો એક વ્યક્તિ બહાર આવ્યો.
“રાજુભાઇ…આવોને…” કહેતાં તેણે ઊડતી નજર બંને ઑફિસર પર ફેરવી.
“ઇન્સ્પેક્ટર સાહેબ ઇકબાલ વિશે પૂછપરછ કરવા આવ્યાં છે..” રાજુએ કહ્યું.
“પહેલા અંદર આવો બધા…” ફજલે આગ્રહ કર્યો અને સામે ચાલીને દીવાલ પાસે ટેકવેલો ઢોલિયો ઢાળ્યો. જુવાનસિંહ અને હિંમત તેનાં પર બેસી ગયાં. રાજુ ફજલની બાજુમાં ઉભો રહ્યો. ફજલ બધા માટે પાણી લઈ આવ્યો.
“બોલો હવે સાહેબ…” બધાએ પાણી પીધું એટલે ગ્લાસ હાથમાં લેતાં ફજલે કહ્યું.
“ઇકબાલ તમારો દોસ્ત છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“હા.. ઇકબાલ ભાઈજાન મારા દોસ્ત છે..”
“થોડા દિવસ પહેલા….” જુવાનસિંહે ઈકબાલની બાબતમાં બધી માહિતી આપી.
“જો ઇકબાલ અમને એ રાત વિશે જણાવે તો અમે કેસમાં પ્રોગ્રેસ કરી શકીએ…પણ પોલીસનાં ડરને કારણે એ અમારાથી દૂર ભાગે છે..” જુવાનસિંહે કહ્યું. જુવાનસિંહે સવારે ઇકબાલ સાથેની બનેલી ઘટનાં જાણી જોઈને છુપાવી હતી.
“હું શું મદદ કરી શકું તમારી ?” ફજલે પૂછ્યું.
“તમે કૉલ લગાવીને એ અત્યારે ક્યાં છે એ જણાવી શકો ?”
“જી બિલકુલ…” કહેતાં ફજલે ફોન હાથમાં લીધો અને ઈકબાલને ફોન જોડ્યો.
“વ્યસ્ત આવે છે..” કહેતાં ફજલે બીજી રિંગ કરી. બીજીવાર પણ ફોન વ્યસ્ત જ આવતો હતો.
“થોડીવારમાં ભાઈજાન સામેથી કૉલ કરશે..” ફજલે કહ્યું.
એક મિનિટ પછી ફજલનો ફોન રણક્યો.
“અમે અહીંયા છીએ એ ના જણાવતાં.. નહીંતર ઇકબાલ સાચા જવાબ નહિ આપે..” જુવાનસિંહે કહ્યું.
“ઠીક છે…” ફજલે કહ્યું અને ફોન રિસીવ કર્યો.
“અસલ્લામુ અલઈકુમ ભાઈજાન……” ફજલે ફોન રિસીવ કારીને કહ્યું. ત્યારબાદ બંને વચ્ચે વાત થઈ. વાત થઈ એ દરમિયાન ફોન સ્પીકર પર હતો. જુવાનસિંહ તથા બાજુમાં રહેલા બધા લોકો ઇકબાલની વાત સાંભળતાં હતાં.
“બીજું કંઈ કામ સાહેબ ?” ફોન કાપતાં ફજલે પૂછ્યું.
“તમારે અમારી સાથે પોલીસ સ્ટેશને આવવું પડશે…” જુવાનસિંહે કહ્યું, “રાત્રે તમે CTM ઇકબાલને ઓળખી કાઢો પછી કૉન્સ્ટબલ તમને ઘરે છોડી જશે”
“ચાલો…નેક કામમાં રાહ ના જોવાય..” કહેતાં ફજલ ઉભો થયો. બધા સાંકડી ગલીમાંથી બહાર આવ્યા અને જીપમાં બેસીને પોલીસ સ્ટેશન તરફ રવાના થયા.
*
“સાહેબ….કૉલ ડિટેઇલ્સનાં રિપોર્ટ આવી ગયા છે…” ચાવડાએ ટેબલ પર એક ફાઇલ રાખીને કહ્યું, “અને શાંતાનાં બંગલેથી આ ડાયરી મળી છે” કહેતાં ચાવડાએ ડાયરી ટેબલ પર રાખી. જુવાનસિંહે કૉલ ડિટેઇલ્સની ફાઈલને સાઈડમાં રાખીને ડાયરીમાં રસ દાખવ્યો. ડાયરી હાથમાં લઈ જુવાનસિંહે પેજ પલટાવ્યું. જુવાનસિંહની નજર કોડવર્ડમાં લખેલા શબ્દો પર પડી. તેઓએ બે-ત્રણ વાર બધા શબ્દો વાંચીને તેનો અર્થ કાઢવાની કોશિશ કરી પણ એ તેનો અર્થ ના કાઢી શક્યા.
“આ શું છે ?” જુવાનસિંહે માથું ખંજવાળીને કહ્યું.
“એ જ નથી સમજાતું સાહેબ…કોડવર્ડમાં લખેલું છે એટલી ખબર છે, પણ શું લખ્યું છે એ નથી ખબર…”
“એ તો હું પણ સમજ્યો…” જુવાનસિંહે કહ્યું અને બીજું પેજ પલટાવ્યું.
“બાકીની ડાયરી બ્લેન્ક છે સાહેબ…એક લિટો પણ નથી કરેલો…” ચાવડાએ કહ્યું. જુવાનસિંહે અંગૂઠા વડે પુરી ડાયરીનાં પેજ એક સાથે ફેરવી જોયા.
“અજીબ કહેવાય…શાંતાએ માત્ર આટલાં શબ્દો લખવા જ ડાયરીનો ઉપયોગ કેમ કર્યો હશે ?” જુવાનસિંહે ગુંચવાઈને કહ્યું.
“એ તો શાંતા જ જણાવી શકે…” ચાવડાએ કહ્યું. જુવાનસિંહે ઊડતી નજર ચાવડા પર ફેરવી.
સહસા ઓફિસનો દરવાજો ખુલ્યો. હિંમત હાથમાં એક કાગળ લઈને ઓફિસમાં પ્રવેશ્યો. હિંમતનાં ચહેરા પર અજીબ ઉત્સુકતા તરવરતી હતી.
“જે.જે. રબારીનાં કોમ્પ્યુટરમાંથી ડેટા મળ્યો હતો એની પ્રિન્ટ…” કહેતાં હિંમતે એ કાગળ ટેબલ પર રાખ્યાં.
“એક જ કાગળ છે ?” કહેતાં જુવાનસિંહે કાગળ હાથમાં લીધો અને તેમાં નજર ફેરવી.
“હા સર…એક જ કાગળ છે…” હિંમતે કહ્યું, “એમાં કંઈ સમજાતું નથી…”
કાગળમાં શાંતાનાં ઘરેથી મળેલી ડાયરીની જેમ જ કોડમાં શબ્દો લખેલા હતાં. જુવાનસિંહે શાંતાનાં બંગલેથી મળેલી ડાયરી હાથમાં લીધી, તેનું પહેલું પેજ ખોલીને હિંમતે લાવેલા કાગળને બાજુમાં રાખ્યો અને બંનેનું લખાણ તપાસ્યું. શાંતાની ડાયરીમાં કંઈક આવી રીતે લખેલું હતું,
C - 1 = R = I
C - 2 = J = V
C - 3 = B = P
C - 4 = B = M
C - 5 = V = M
C - 6 = H = C
C - 7 = R = F
C - 8 = R = K
C - 9 = H,
છેલ્લા કોડની પાછળનો છેલ્લો આલ્ફાબેટ નહોતો લખેલો. જુવાનસિંહ, પ્રિન્ટ કરેલા કાગળ પર નજર ફેરવી. ડાયરી અને કાગળ પરનું લખાણ સરખું જ હતું માત્ર શરૂઆતનાં આલ્ફાબેટમાં ફેરફાર હતો. ડાયરીમાં જ્યાં શરૂઆતમાં ‘C’ લખ્યું હતું, કાગળમાં ત્યાં ‘D’ લખ્યું હતું.
“આ બંને ડેટાનો મિનિંગ એક જ છે…” જુવાનસિંહે કહ્યું, “મતલબ આ બંને મર્ડર એકબીજા સાથે સંપૂર્ણપણે સંકળાયેલા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તદુપરાંત, જો મારું ગણિત ખોટું ના હોય તો આ માત્ર શરૂઆત જ છે. આગળનાં દિવસોમાં એવી ઘટનાઓ બનવાની છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકવાના. આ કેસ માત્ર મર્ડર સુધી સીમિત નથી. આપણી હાથમાં જે જાણકારી મળી છે એ કોઈ મામૂલી કેસ નથી. એક નામચીન અને ધનવાન વ્યક્તિ તથા એક ઉચ્ચ કક્ષાનાં અધિકારીનું મર્ડર થવું, એ આપણને કોઈ મોટા કેસ તરફ દોરી જાય છે” જુવાનસિંહ શ્વાસ લેવા અટક્યા.
“હવે આપણી હાથમાં જેટલા સબુત અને સસ્પેક્ટ છે એની ચર્ચા કરીએ. સૌ પ્રથમ પહેલાં મર્ડરની વાત કારીએ. પહેલા સસ્પેક્ટ અવિનાશ છે, જે એક છોકરીનું જીવન બરબાદ થતાં અટકાવવા માટે રમણિક શેઠને વિનંતી કરવા જાય છે અને એ ત્યાં પહોંચે ત્યારે એ રમણિક શેઠનું મર્ડર થઈ ગયું હોય છે. આ અવિનાશનું સ્ટેટમેન્ટ કહે છે પણ હકીકત શું છે એ આપણે જાણીને રહીશું. બીજો સસ્પેક્ટ ઇકબાલ છે, જે એ રાત્રે એક છોકરીને રમણિક શેઠને તેનાં બંગલે છોડવા ગયેલો. રમણિક શેઠનાં પાડોશી મિસિસ બલરનાં સ્ટેટમેન્ટ અનુસાર તેણે ઈકબાલને રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ રમણિક શેઠનાં બંગલા બહાર જોયો હતો. એનો મતલબ એમ છે કે ઇકબાલ બંગલામાં પ્રવેશ્યો જ નહોતો.
હવે વાત કરીએ ત્રીજા સસ્પેક્ટની…ત્રીજો સસ્પેક્ટ એ છોકરી છે જેને ઇકબાલ રમણિક શેઠનાં બંગલે લઈ ગયો હતો. આપણાં માટે એ ‘મિસ્ટ્રી ગર્લ’ છે અને એ જ મહત્વની સસ્પેક્ટ છે. મારી ધારણા મુજબ રમણિક શેઠનું મૃત્યુ થયું ત્યારે એ છોકરી ત્યાં હાજર હતી. જો આપણે એ ‘મિસ્ટ્રી ગર્લ’ ને શોધી લઈએ તો કાતિલને શોધવામાં એક કદમ આગળ વધી જઈશું. એ છોકરી સુધી પહોંચવાનાં માત્ર બે રસ્તા છે. એક શાંતા, જે હાલ ક્યાં છે એ કોઈને ખબર નથી અને બીજો ઇકબાલ.
ઇકબાલ આજે રાત્રે બસ ડ્રાઇવરનાં વેશમાં મુંબઈ જવા CTM પહોંચવાનો છે. આપણી પાસે આ ઉત્તમ તક છે. ઇકબાલને બાનમાં લઈ તેની પાસેથી પેલી ‘મિસ્ટ્રી ગર્લ’ની માહિતી ઓકવવાની છે.
ત્યારબાદ બીજા મર્ડર વિશે વાત કરીએ, RTO ઑફિસર જયેશ ઉર્ફ જે.જે. રબારીનું મર્ડર વધુ મિસ્ટ્રીવાળું છે. કારણ કે હજી સુધી એ મર્ડરનો કોઈ સસ્પેક્ટ આપણાં હાથમાં નથી આવ્યો. ત્યાંથી મળેલા સબુતમાં માત્ર આ એક કાગળ, માઇલ્સ સિગરેટનું ટિપિંગ પેપર અને પેલું જોકરનું કાર્ડ છે. હવે મહત્વની વાત એ છે કે આ ત્રણ સબુત બંને ઘટનાં સ્થળે મળેલા છે. એનો સીધો મતલબ એમ નીકળે છે કે આ બંને મર્ડર માત્ર એકબીજા સાથે સંકળાયેલા જ નથી, મર્ડર કરનાર વ્યક્તિ પણ એક જ છે. અને તમને અગાઉ જણાવ્યું એ કાતિલ સુધી પહોંચવા માટે આપણે ‘મિસ્ટ્રી ગર્લ’ સુધી પહોંચવું પડશે અને એ ‘મિસ્ટ્રી ગર્લ’ સુધી પહોંચવા માટે ઇકબાલ સુધી. તો ઇકબાલને કેવી રીતે બાનમાં લેવો એનો કોઈની પાસે આઈડિયા છે ?” લગભગ ત્રણેક મિનિટ પછી જુવાનસિંહે પોતાની વાત પૂરી કરી.
“હું જણાવું સર…” સાગરે હાથ ઊંચો કરીને કહ્યું.
“યસ પ્લીઝ…”
“આપણે વેશ પલટો કરીને જઈએ તો….?”
“ના સર….એ રીત જૂની થઈ ગઈ છે અને ગુન્હેગારો પણ હવે શાતીર થઈ ગયા છે. બે કે તેથી વધુ વખત આપણી સાથે આંખો મળશે એટલે એ સમજી જશે” હિંમતે કહ્યું.
“તો પછી બીજી ટીમને મોકલીએ સાહેબ ?” ચાવડાએ કહ્યું.
“ના... એમાં રિસ્ક વધુ છે…જો એકવાર ઇકબાલ હાથમાંથી છટકી ગયો તો આપણી પાસે એક આશાનું કિરણ છે એ પણ આથમી જશે” જુવાનસિંહે કહ્યું.
“મારી પાસે એક આઈડિયા છે સર…” આ વખતે રમીલાએ હાથ ઊંચો કર્યો.
“યસ…બોલો…” જુવાનસિંહે કહ્યું.
“ઇકબાલને બાનમાં લેવા માટે પહેલા આપણે તેનાં જ પોઇન્ટ ઑફ વ્યુથી વિચારવું પડશે…” રમીલાએ કહ્યું.
“મતલબ….”
“સમજો સર…તમે કોઈથી બચતાં હોવ તો તમારી નજર આજુબાજુ કોને શોધતી હોય ?”
“જે વ્યક્તિથી હું બચવાની કોશિશ કરું છું એને..” જુવાનસિંહે કહ્યું.
“હવે તમે એમ વિચારો છો કે એ વ્યક્તિ વેશ પલટો કરીને આવશે…તો તમે શું વિચારો ?”
“હું જુદા જુદા પહેરવેશ ધરાવતાં વ્યક્તિને ધ્યાનથી જોઉં અને જે વ્યક્તિ મને શોધે એ નથી તેની ખાતરી કરું…”
“એક્ઝેટલી….હવે તમે વેશ પલટો કરેલા માણસો પર નજર રાખવામાં તેનો અસલી પહેરવેશ ચેક કરવાનું ભૂલી જ જશો…અને બસ એ જ ઇકબાલની ભૂલ થશે..”
“રમીલા…તું શું બોલે છે એનું તને ભાન છે ?” હિંમતે સહેજ અકળાઈને કહ્યું, “એ વર્દી જોશે એટલે પહેલાં પોબારા ગણશે અને પછી બીજુ બધું વિચારશે..”
“એક મિનિટ હિંમત” જુવાનસિંહે હિંમતને અટકાવતાં કહ્યુ, “રમીલાને પોતાની વાત પૂરી કરવા દો…”
“યસ સર…” હિંમત ભોંઠો પડ્યો.
“હા સર…તો હું એમ જ કહું છું કે આપણે વેશ પલટો કરવાની જરૂર નથી અને ઈકબાલ પર નજર રાખવાની પણ જરૂર નથી. એ ફજલને મળવા આવવાનો જ છે…આપણે ચારેય તરફથી તેને ઘેરી લઈશું”
જુવાનસિંહ હળવું હસ્યાં. જુવાનસિંહનાં હસવા પાછળનું કારણ કોઈ સમજી નહોતું શકતું પણ બધાનાં ચહેરા પર પણ હળવી સ્માઈલ આવી ગઈ હતી.
“વાત સિમ્પલ હતી..તો પણ બધાએ દિમાગ સારું દોડાવ્યું…” કહેતાં જુવાનસિંહ ફરી હસવા લાગ્યાં. હવે બધાને પોતાની મૂર્ખામી પર જ હસવું આવી ગયું.
“પાર્ટ ઑફ જૉક…” થોડીવાર પછી જુવાનસિંહે ગંભીર થતાં કહ્યું, “ઘણીવાર આપણે કામમાં એટલા બધા પરોવાઈ જઈએ છીએ કે આપણી સામે સીધો રસ્તો હોવા છતાં આપણે વળાંકવાળો રસ્તો પસંદ કરીએ છીએ. આગળથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પહેલાં સરળ વિચાર અને પછી જ ઊંડા વિચાર…”
“યસ સર…” બધા એક સાથે બોલ્યાં.
“તો સાંજે દસ વાગ્યે આપણે અહીં જ મળીશું…” જુવાનસિંહે કહ્યું, “ત્યાં સુધીમાં સાગર તમે, જે.જે. રબારીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કરો. કેયુર તમે…” જુવાનસિંહે ચાવડા તરફ નજર ફેરવીને કહ્યું, “તમે CTMમાં જેટલા ખબરી છે તેને એક્ટિવ કરો થતાં મુંબઈ જતી બધી જ ટ્રાવેલ્સનાં ડ્રાઇવરની વિગત મેળવો, મદદ માટે તમે રમીલાને સાથે લઈ જશો. હિંમત તમે આ કોડવર્ડમાં શું લખ્યું છે જાણવાની કોશિશ કરશો. જરૂર પડે તો કોઈ એક્સપર્ટને બોલાવી લો પણ જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી આ ગૂંથીને સુલજાવો”
બધાએ હકારમાં માથું ધુણાવ્યું અને એકસાથે સલામી ભરીને બધા પોતાનાં કામે લાગી ગયાં.
હવે જુવાનસિંહ પોતાની ઓફિસમાં એકલા જ હતાં. સતત એકધારું બોલવાથી તેઓનું ગળું સુકાઈ ગયું હતું. જુવાનસિંહે પાણીની બોટલ હાથમાં લઈ અડધી બોટલ પેટમાં ઠાલવી દીધી. ત્યારબાદ જ્યારે તેઓએ બોટલ ટેબલ પર રાખી ત્યારે કૉલ ડિટેઇલ્સની ફાઇલ પર તેઓની નજર પડી. ફાઇલ હાથમાં લઈ જુવાનસિંહે કાગળ તપસ્યા. પહેલા કાગળમાં અવિનાશનાં નંબરની કૉલ ડિટેઇલ્સ હતી. અવિનાશે છેલ્લે તેજસ સાથે વાત કરી હતી, ઉપરાંત તેનાં છેલ્લાં કૉલ દોસ્તોને જ કરેલા હતાં. આમ પણ અવિનાશ નિર્દોષ સાબિત થયો હતો જુવાનસિંહે બધા કોન્ટેક્ટ પર ઊડતી નજર ફેરવીને કાગળ બાજુમાં રાખ્યો. બીજા કાગળમાં જે.જે. રબારીનાં કૉલ્સની ડિટેઇલ્સ હતી. જુવાનસિંહે જોયું, જે તારીખે રમણિક શેઠનું મર્ડર થયું એ દિવસે જે.જે. રબારીએ તેને ઘણાબધા કોલ્સ કર્યા હતાં. ઉપરાંત ઘણાં બધાં એવા નંબર હતાં, જેની સાથે છેલ્લાં થોડા દિવસોમાં જે.જે. રબારીએ લાંબી-ટૂંકી વાતો કરી હતી. જુવાનસિંહે એક પેન્સિલ હાથમાં લીધી અને જે નંબર સેવ નહોતા એ નંબરનાં કૉલ ડ્યુરેશન માર્ક કર્યા. તેમાંથી છેલ્લે જે અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો એ જે.જે. રબારીનાં મર્ડરનાં દિવસે સાંજે આવેલો હતો. જુવાનસિંહે એ નંબર પોતાનાં મોબાઇલમાં ડાયલ કરીને ફોન જોડ્યો, પણ કૉલ કનેક્ટ ના થયો. જુવાનસિંહે કાગળ બાજુમાં રાખ્યો અને બ્રેક લઇ બહાર ટહેલવા નીકળી ગયાં.
(ક્રમશઃ)