The Next Chapter Of Joker - Part - 17 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 17

Featured Books
Categories
Share

The Next Chapter Of Joker - Part - 17

The Next Chapter Of Joker

Part – 17

Written By Mer Mehul
ચાવડાનાં કહેવાથી બીજા કૉન્સ્ટબલે ‘ભાગ્યોદય હોટેલ’ નજીક જીપ થોભાવી. બધા જીપમાંથી બહાર આવ્યાં. સામે વસંતનગરનાં છાપરા દેખાતાં હતાં. બધાં ચાલીને થોડા આગળ ચાલ્યાં. વસંતનગરનાં છાપરાની બાજુમાં એક મોટું જુનવાણી એપાર્ટમેન્ટ હતું. તેની બાજુમાં એક ગલી પડતી હતી. ગલીની બરોબર સામે ‘બાપા સીતારામ’ નામની પાનની દુકાન હતી. બધા ચાલીને એ દુકાને પહોંચ્યા.
“બોલો સાહેબ…શું આપું ?” પંચાવન વર્ષનાં દેખાતાં વ્યક્તિએ બધાને માન આપીને પૂછ્યું.
“અમે કોઈ વસ્તુ લેવા નથી આવ્યાં…અમે એક વ્યક્તિને શોધીએ છીએ” ચાવડાએ કહ્યું.
“નામ કે સરનામું હશે એનું…”
“રાજુ નામનો રીક્ષા ચાલક છે…લાંબી દાઢી અને લાંબા વાળ છે…તેને સામેની ગલીમાં જતાં આ વ્યક્તિએ જોયો હતો”
“નામ તો નથી ખબર સાહેબ પણ થોડા દિવસથી તમે કહો છો એવા રીક્ષા ચાલકને મેં જોયો તો હતો…ત્રણ દિવસ પહેલાં જ રાત્રે એક રિક્ષાવાળા સાથે તેનો ઝઘડો થયો હતો અને પછીથી એ દેખાયો નથી”
“એ રિક્ષાવાળો આ જ હતો…” ચાવડાએ કહ્યું.
“શું થયું છે સાહેબ…વાત ગંભીર છે ?” દુકાનના માલિકે જિજ્ઞાસાયુક્ત સ્વરે પૂછ્યું.
“હા…ત્રણ દિવસ પહેલાં એક મર્ડર થયું છે અને એમાં એ વ્યક્તિનું નામ આવ્યું છે…” ચાવડાએ કહ્યું, “આ ગલીમાં એ કોને મળવા જતો એ જણાવી શકો છો તમે ?”
“શું તમે પણ સાહેબ…!, આ ગલીમાં શું ચાલે છે એ પુરા અમદાવાદને ખબર છે” દુકાન માલિક કટાક્ષમાં હસ્યો.
“શાંતા બાઈને ત્યાં ?” કાનાએ પૂછ્યું.
“હા સાહેબ…આ ગલીમાં જનાર માણસોમાં મોટાભાગના લોકો શાંતા બાઈનાં જ મહેમાન હોય છે”
“આ શાંતા બાઈ કોણ છે ?” ચાવડાએ પૂછ્યું.
“સેક્સ રેકેટ ચલાવે છે સાહેબ…” કાનાએ કહ્યું.
“શાંતા બાઈને દબોચો…એ રાજુ નામનાં વ્યક્તિને ઓળખતી હશે” ચાવડાએ કહ્યું. બધાં રોળ ક્રોસ કરીને સામેની ગલીમાં પ્રવેશ્યાં. શરૂઆતમાં થોડાં જુનાં મકાનો પછી એક અલાયદો બંગલો હતો. એ શાંતાનો જ હતો. બધા ગેટ ખોલીને પરસાળમાં પ્રવેશ્યાં.
કાનાએ આગળ ચાલીને દરવાજો નૉક કર્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. સામે ચાલીસેક વર્ષની સ્ત્રી ઉભી હતી.
“શાંતાબહેન..?” ચાવડાએ પૂછ્યું.
“જી બોલો….”” શાંતાએ કહ્યું.
“તમે અહીં સેક્સ રેકેટ ચલાવો છો એવી અમને માહિતી મળી છે” ચાવડાએ કહ્યું. ચાવડાની વાત સાંભળીને શાંતા હસવા લાગી.
“તમને આજે ખબર પડી સાહેબ ?, નવા ભરતી થયા છો ?, હપ્તો બે દિવસ પહેલાં જ પહોંચી ગયો છે” શાંતાએ કહ્યું.
શાંતાનો બંગલો ઠક્કરનગર પોલીસની હદમાં આવતો હતો એટલે ચાવડાને એ ઠક્કરનગરનાં પોલીસ તરીકે જોઈ રહી હતી. જો કે અહીં સેક્સ રેકેટ ચાલે છે એ વાત બાપુનગર પોલીસ સ્ટેશનનાં લોકોને પણ ખબર જ હતી. આ રેકેટ ચલાવવામાં મોટા સાહેબોનો સહકાર હતો એટલે તેઓ કોઈ એક્શન નહોતાં લઈ શકતાં.
“અમે હપ્તો લેવા નથી આવ્યાં…, અમે રાજુ નામનાં વ્યક્તિને શોધીએ છીએ અને એ તમારાં સંપર્કમાં આવ્યો હતો એવી માહિતી મળી છે” ચાવડાએ મુદ્દાની વાત કરી.
“કોણ રાજુ ?, હું કોઈ રાજુને નથી ઓળખતી…” શાંતાએ કહ્યું.
“ત્રણ દિવસ પહેલાં રાત્રે એ તમારાં બંગલે આવ્યો હતો…યાદ કરો…એને વાળ વધારેલા છે અને દાઢી પણ…” ચાવડાએ કહ્યું.
“તમે જે કહો છો એ વ્યક્તિને હું ઓળખું છું પણ તેનું નામ રાજુ નથી, ઇકબાલ છે” શાંતાએ કહ્યું.
“હા એ ઇકબાલ જ…એ રાત્રે ઇકબાલ અહીં શા માટે આવ્યો હતો ?”
“મારે એક કસ્ટમરને ત્યાં છોકરી મોકલવાની હતી એટલે મેં જ તેને ફોન કરીને બોલાવ્યો હતો..”
“અને એ કસ્ટમરનું નામ રમણિક શેઠ છે…બરોબરને ?” ચાવડાએ પૂછ્યું.
“જુઓ સાહેબ…હું તમને નથી ઓળખતી અને અમે કસ્ટમરનાં નામ નથી આપતાં”
“ફરી એકવાર વિચાર કરી લો શાંતાબહેન…રમણિક શેઠનું મર્ડર થઈ ગયું છે અને તમે જે આ ઇકબાલ વિશે કહો છો એ મર્ડર થયાનાં સમયે ત્યાં હાજર હતો. તમારો ધંધો કોની મહેરબાનીથી ચાલે છે એ અમને ખબર છે પણ એક વાત ના ભૂલો…પોલીસ કોઈ દિવસ કોઈની સગી નથી થઈ....જો ઇન્કવાઇરી થશે અને તેમાં તમારું નામ આવશે તો તમે પણ ફસાશો…” ચાવડાએ ચોખ્ખાં શબ્દોમાં ધમકી આપી.
ચાવડાની વાત સાંભળીને શાંતાનાં ચહેરા પર બે પ્રકારનાં ભાવ પ્રગટ થયા. એક, રમણિક શેઠનું મર્ડર થવાથી તેને જે તગડી રકમ મળવાની હતી એ હવે નહિ મળે..જેને કારણે શાંતાનો ચહેરો મુર્જાય ગયો. બીજો ભાવ, જો પોતાનું નામ આ કેસમાં બહાર આવશે તો જે લોકોની મહેરબાનીથી તેનો ધંધો ચાલે છે એ ધંધો ઠપ થઈ જશે અને પોતાનાં પર મોટી મુસીબત આવી જશે એમ વિચારીને શાંતાનાં ચહેરા પર ડરની રેખા ઉપસી આવી. ડરને કારણે તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને કપાળે પરસેવો વળી ગયો.
“હું..હું..બધું જાણવું છું સાહેબ…” શાંતાએ ધ્રુજતાં અવાજે કહ્યું, “રમણિક શેઠ મારાં જુનાં કસ્ટમર છે. અવારનવાર તેઓનાં બંગલે હું છોકરીઓ મોકલતી. થોડાં દિવસ પહેલાં તેઓ મારી પાસે આવ્યાં અને મારી કોઈ સારી છોકરીની માંગ કરી. મેં તેને મારી સૌથી પ્રીમિયમ છોકરીનું એડ્રેસ આપ્યું. શેઠનો પાછળથી ફોન આવ્યો અને તેઓએ એ છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં તેઓની સાથે પચીસ લાખમાં ડિલ ડન કરી હતી. કાલે એ રમણિક શેઠનાં એ છોકરી સાથે લગ્ન થવાનાં હતાં પણ આગળનાં દિવસે જ તેઓએ ‘રાહ નથી જોઈ શકતાં’ એવું કહ્યું હતું. મેં તેઓને એક દિવસની રાહ જોવા સલાહ આપી હતી અને તેનાં બદલામાં એક રાત માટે પેલી છોકરી જેવી જ બીજી છોકરીને મોકલી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શેઠે મંજૂરી આપી એટલે મેં બીજી છોકરીની વ્યવસ્થા કરી હતી અને એ છોકરીને રમણિક શેઠનાં બંગલે પહોંચાડવા જ મેં ઇકબાલને બોલાવ્યો હતો. ત્યારબાદ રમણિક શેઠ સાથે મારી કોઈ વાતચિત નથી સાહેબ…મેં તેઓને કાલે ઘણાં કૉલ કર્યા પણ કૉલ કનેક્ટ થયાં જ નહિ… મને શું ખબર હતી કે આવી ઘટનાં બનવાની છે..નહીંતર હું આ જમેલામાં પડેત જ નહીં…”
ચાવડાએ પુરી વાત ધ્યાન આપીને સાંભળી હતી. શાંતાની વાત સાંભળીને ચાવડાને આશ્ચર્ય તો થયું હતું પણ તેણે એ ભાવને ચહેરા પર પ્રગટ ન થવા દીધો.
“રમણિક શેઠનાં જે છોકરી સાથે લગ્ન થવાનાં હતાં એ છોકરી કોણ છે અને લગ્નનાં આગળનાં દિવસે જે છોકરીને મોકલવામાં આવી હતી એનું નામ શું છે ?” ચાવડાએ પૂછ્યું, “અને આ ઇકબાલ ક્યાં મળશે ?”
“તમારાં સવાલોનાં જવાબ હું નહીં આપી શકું સાહેબ…” શાંતાએ બે હાથ જોડીને કહ્યું.
“તમે અહીં જવાબ નહિ આપો તો તમને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવશે અને ત્યાં લેડી ઑફિસર તમારી સાથે કેવું વર્તન કરશે એની તો તમને ખબર જ હશે” ચાવડાએ ફરી ધમકી આપતાં કહ્યું.
“સા.. સા..સાહેબ…” શાંતા રડવા જેવી થઈ ગઈ, “ઇકબાલ એ દિવસ પછી ક્યાં ગયો એની મને નથી ખબર અને જે છોકરી સાથે શેઠનાં લગ્ન થવાનાં હતાં એ બાપુનગરનાં શિવરંજની એપાર્ટમેન્ટમાં રહે છે....”
“અને એ રાત્રે જે છોકરીને શેઠનાં બંગલે મોકલી હતી એ કોણ છે ?”
શાંતા રડવા લાગી,
“સાહેબ મેં તમને બધું જ જણાવી દીધું છે પણ એનાં વિશે હું નહિ જણાવી શકું નહીંતર એ લોકો મને મારી નાંખશે.. મહેરબાની કરો સાહેબ…એ સવાલનો જવાબ હું નહિ આપી શકું” શાંતાએ રડતાં રડતાં કરગરીને કહ્યું.
“ઠીક છે…” ચાવડાએ કહ્યું, “પણ એક વાત યાદ રાખજો…જરૂર પડશે તો તમને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવશે અને જરૂર પડશે ત્યારે તમારે એ છોકરીનું નામ પણ આપવું પડશે”
“જી સાહેબ…” શાંતાએ આંસુ લૂછતાં કહ્યું.
સહસા ચાવડાનો ફોન રણક્યો. ચાવડાએ જોયું તો ડિસ્પ્લે પર ‘હિંમત સર’ લખેલું હતું.
“સાહેબ…” ચાવડાએ ફોન રિસીવ કરીને કહ્યું.
“રાજુની કોઈ ખબર મળી ?” હિંમતે કહ્યું.
“જી સાહેબ…લાંબા વાળ અને લાંબી દાઢીવાળાનું નામ રાજુ નથી, ઇકબાલ છે અને મર્ડર થયાની રાત્રે ઇકબાલ રમણિક શેઠનાં બંગલે શું કરતો હતો એ પણ ખબર પડી ગઈ છે. ઇકબાલ અત્યારે ક્યાં છે એ તો ખબર નથી પણ રમણિક શેઠ વિશે એક જબરદસ્ત માહિતી મળી છે…તમે સાંભળશો તો તમને પણ આશ્ચર્ય થશે” કહેતાં ચાવડા ગેલમાં આવી ગયો..
“બોલ બોલ ચાવડા…એવું તો શું જાણવા મળ્યું છે તને ?” હિંમતે પણ ચાવડાની જેમ લહેકો લઈને કહ્યું.
“રમણિક શેઠ એક નંબરનો છોકરીબાજ હતો…નવી નવી છોકરી સાથે પોતાની રાતો રંગીન કરવામાં તેને વધુ રસ હતો અને એમાંથી એક છોકરી તેને એટલી હદે ગમી હતી કે શેઠે તેની સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. જે દિવસે તેનું મર્ડર થયું તેનાં પછીનાં દિવસે જ એ લગ્ન કરવાનો હતો અને તેનું મર્ડર થયું એ રાત્રે તેનાં અરમાનો વધુ પડતાં જાગી ગયા હતાં એટલે તેણે બીજી છોકરીની વ્યવસ્થા કરાવી હતી અને એ છોકરીને શેઠનાં બંગલે છોડવા ઇકબાલ આવ્યો હતો. આ બધી વાતની જાણકારી મને વસંતનગરનાં છાપરા પાસે જે શાંતાનો બંગલો છે ત્યાંથી જ મળી છે અને જે છોકરી સાથે શેઠનાં લગ્ન થવાનાં હતાં એનું એડ્રેસ મેં લઈ લીધું છે. બાપુનગરનાં ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ માં એ રહે છે અને અમે લોકો ત્યાં જવા નીકળીએ છીએ…”
“કયો એપાર્ટમેન્ટ કહ્યો તે?” હિંમતે ચોંકીને પૂછ્યું.
“શિવરંજની એપાર્ટમેન્ટ.. સાહેબ”
“મર્ડર થયું એ રાત્રે અવિનાશ પણ શિવરંજની એપાર્ટમેન્ટમાં મળવા એ જ છોકરીને મળવા ગયો હતો ચાવડા…!” હિંમતે કહ્યું.
“શું વાત કરો છો સાહેબ…મતલબ…” કહેતાં ચાવડા અટકી ગયો.
“મતલબ મર્ડરની પુરી મિસ્ટ્રી ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ ની એ છોકરીમાં છુપાયેલી છે”હિંમતે ‘એ છોકરી’ શબ્દ પર વધુ ભાર મુક્યો, “હું ત્યાં પહોંચું, તમે લોકો પણ ત્યાં પહોંચો અને બંને ખબરીને ઇકબાલને શોધવામાં લગાવી દો”
“જી સાહેબ....” કહેતાં ચાવડાએ ફોન કટ કરી દીધો. પછી કાના તરફ નજર ફેરવીને ચાવડાએ ઓર્ડર કર્યો, “તમે બંને ઇકબાલને શોધવામાં લાગી જાઓ..ઇકબાલને શોધી કાઢો એટલે સાહેબ પાસેથી દસ હજારનું ઇનામ અપાવવાની જવાબદારી મારી…”
ચાવડાની વાત સાંભળીને બંને ખબરી ખુશ થઈ ગયા. ખબરીને રવાના કરીને ચાવડાએ ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ તરફ જીપ મારી મૂકી.
*
ચાવડા જ્યારે ‘શિવરંજની એપાર્ટમેન્ટે’ પહોંચ્યો ત્યારે તેણે હિંમતની જીપ બહાર જોઈ. પોતાની જીપ રોડની સાઈડમાં પાર્ક કરીને ચાવડા દોડતો દોડતો ‘C’ વિંગના દાદરા ચડવા લાગ્યો. ઉષાનાં ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદર હિંમત, સાગર અને રમીલા તથા ઉષા, અંકિતા અને ફોરમ ઊભા હતાં. ચાવડા ચૂપચાપ સાગરની બાજુમાં જઈને ઉભો રહી ગયો.
“બોલો હવે…કોનાં લગ્ન રમણિક શેઠ સાથે થવાનાં હતાં ?” હિંમતે કડકાઇથી પૂછ્યું.
“મેં તમને કહ્યુંને સાહેબ…તમને ગલતફેમી થાય છે..અહીં કોઈ શરીરનો વ્યાપાર નથી કરતાં. આ મારી બંને દીકરી કોલેજ કરે છે અને મારો બાબો ભણવા ગયો છે…હું બીજાનાં ઘરનાં કચરા-પોતા કરીને પોતાનું ઘર ચલાવું છું. તમને કોઈએ ખોટી માહિતી આપી છે” ઉષાએ શાંત અવાજે કહ્યું.
“તમારો હસબન્ડ ક્યાં છે ?” હિંમતે પૂછ્યું.
“મારો ઘણી અમને નોંધારા મૂકીને મરી ગયો સાહેબ…” ઉષાનો અવાજ સહેજ નરમ થયો, તેણે આંખનાં ખૂણે આંગળી ફેરવીને આંસુ લૂછવાનું નાટક કર્યું.
“પતિ નથી એટલે તમને આઝાદી મળી છે.. બોલો જલ્દી તમારામાંથી કોના લગ્ન રમણિક શેઠ સાથે થવાનાં હતાં ?” હિંમતે બરાડીને કહ્યું.
“મેં તમને કહ્યું તો સહી સાહેબ…..”
“ચૂપ…એકદમ ચૂપ…તારા આ નાટક બીજા લોકો સામે કરજે…” હિંમતે રીતસરની ગર્જના કરી, પછી સાગર તરફ નજર કરીને કહ્યું, “વોચમેનને લઈ આવ…”
“જી સર..” કહેતાં સાગર ચાલવા લાગ્યો.
“તમે લોકો શું શું કરો છો એની જાણ પોલીસને થઈ ગઈ છે.. તમારો ખેલ હવે ખતમ થઈ ગયો છે” હિંમતે પૂર્વવત કડક અવાજે કહ્યું. ઉષા નીચે નજર કરીને ઉભી રહી. એટલામાં સાગર વોચમેનને સાથે લઈને રૂમમાં પ્રવેશ્યો.
“આ તમારા એપાર્ટમેન્ટનો વોચમેન છે…તેણે બધી જ વાત કહી દીધી છે..” હિંમતે કહ્યું અને વોચમેન તરફ નજર ફેરવી, “આમાંથી કોણ કોણ ધંધાવાળી છે ?”
વોચમેને અંકિતા તરફ હાથ વડે ઈશારો કર્યો. અંકિતા પણ ઉષાની જેમ નીચી નજર રાખીને ઉભી હતી.
“એ છોકરી… શું નામ છે તારું ?” હિંમતે પૂછ્યું.
“અ...અ.. અંકિતા….” અંકિતાએ ડરતા ડરતા કહ્યું.
“તું આ ધંધો કરે છે ?” હિંમતનો ગુસ્સો એક હદ વટાવી ચુક્યો હતો, એ મનમાં આવે એ બોલતો હતો.
હિંમત દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ અંકિતાએ હકારમાં માથું ધુણાવીને કહ્યું.
“રમણિક શેઠ સાથે તારાં લગ્ન થવાના હતાં ?” હિંમતે પૂછ્યું. અંકિતાએ ફરી હકારમાં માથું ધુણાવ્યું.
“તો હમણાં મેં આ સવાલ પૂછ્યો ત્યારે કેમ જવાબ ન આપ્યો ?” હિંમતે પૂછ્યું. અંકિતાએ કોઈ જવાબ ન આપીને પગનાં અંગૂઠા પર જ નજર સ્થિર રાખી.
“તમે લોકો પ્રેમની ભાષા નહિ સમજો..” હિંમતે કહ્યું, “રમીલા..ત્રણેયને હઠકડી લગાવ અને પોલીસ સ્ટેશનવા લઈ લે…આ લોકો લેડી ઓફિસરની ભાષા જ સમજશે”
“સર જે સવાલ પૂછે છે એનાં સીધી રીતે જવાબ આપી દો નહીંતર લેડી ઑફિસર વિશે તમને ખબર નથી…એ તમારી રિમાન્ડ લેશે તો તમને બેસવા લાયક પણ નહીં છોડે” રમીલાએ ત્રણેયને ડરાવવાનો નાહક પ્રયાસ કર્યો, રમીલાની વાત સાંભળીને કોઈને અસર ના થઈ.
“શું કરું સર ?” રમીલાએ હિંમત તરફ ફરીને પૂછ્યું.
“ઉઠાવી લે…એમ નહિ જ સમજે આ લોકો..” હિંમતે કહ્યું અને ફરી એ સાગર તરફ ફર્યો.
“હું હઠકડીઓ લઈ આવું” સાગરે સામે ચાલીને કહ્યું અને ચાલવા લાગ્યો.
“સાહેબ…” ઉષાએ મૌન તોડ્યું, “ફોરમ આ કામમાં શામેલ નથી. જે કાળા કામો કર્યા છે એ મેં અને અંકિતાએ જ કર્યા છે…તમે ફોરમને પોલીસ સ્ટેશનમાં ના લઈ જાઓ”
“એ બધું તારે પહેલા વિચારવાનું હતું…હવે મોડું થઈ ગયું છે” હિંમતે કહ્યું. એટલામાં સાગર હાથમાં ત્રણ હઠકડી લઈને આવી પહોંચ્યો. રમીલાએ વારાફરતી ત્રણેયનાં હાથમાં હઠકડી પહેરાવી દીધી. ઉષા હિંમત સામે ફોરમને છોડી દેવા કરગરતી રહી પણ હિંમત એકનો બે ના થયો.
“વોચમેન…, આનો દીકરો ભણીને આવે એટલે તેને આનાં કોઈપણ સંબંધીને ત્યાં છોડી આવવાની જવાબદારી તારી છે” હિંમતે વોચમેનને સૂચના આપતાં કહ્યું.
“જી સાહેબ…” વોચમેને કહ્યું.
ઉષા, ફોરમ અને અંકિતાને જીપમાં બેસારવામાં આવ્યાં. તેની સાથે રમીલાને તેઓની બાજુમાં બેસારી. એ જીપ ચાવડાએ ચલાવી, ચાવડાની બાજુમાં હિંમત બેઠો. બેસીને તેણે મોબાઈલ હાથમાં લીધો અને જુવાનસિંહને ફોન જોડ્યો સાથે આજે બનેલી બધી ઘટનાઓથી તેઓને વાકેફ કર્યા અને ત્રણેય માં દીકરીઓને લઈને એ સ્ટેશને આવે છે એની જાણકારી આપી.
હિંમતની વાત સાંભળીને જુવાનસિંહ પણ ખુશ થઈ ગયાં. જુવાનસિંહે ગઈ કાલે જે પ્લાન બનાવ્યો હતો એ કારગર સાબિત થયો હતો.
જુવાનસિંહ સાથેનો કૉલ પતાવીને બંને જીપ બાપુનગર પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ ગઈ.
(ક્રમશઃ)