જોતજોતમાં બીજું અઠવાડિયુંય પત્યું. બેઉ કુટુંબના સગા-વ્હાલા, ઓળખીતા-પાળખીતા, સ્નેહીજનો અને પડોશીઓ ભેગા થયા, મળ્યા, રીત-રસમ પુરા કર્યા, મજાક-મસ્તી અને આનંદભરી વાતોથી ઘર ધમધમતું કરી દીધું અને વિવિધ વાનગીઓની મહેકથી ઘરમાં એક પ્રસંગની સુવાસ અને ઉલ્લાસ ભરી દીધો; અને ક્યારે સગપણની ઔપચારિકતા પુરી થઈ ગઈ, અને પુરા ઘરમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ - જાણે બધું એટલું ઝડપથી પતી ગયું કે એમ થાય કે 'કાંઈક છૂટી ગયું, કાંઈક રહી ગયું, કે કાંઈક ખોવાય ગયું..! બસ, કાંઈ ખબર જ ના પડી - બધું યંત્રવત થઈ ગયું હોય એમ લાગે..
"દિવસ કેમ નીકળી ગયો, ખબર જ ના પડી.." મમ્મીની વાતમાં સહમતીના સૂર પુરાવતા હોય એમ, એક ઊંડા હાસકારા સાથે, સોફામાં બેસતાં-બેસતાં પપ્પાએ ઉમેર્યું - "સમય જતાં ક્યાં વાર લાગે છે..જોને, આપણાં લગ્ન થયા, નમ્રતાનો જન્મ થયો, શાળા-કોલેજનો તેનો અભ્યાસ પૂરો થયો અને જોતજોતામાં આવડી મોટી પણ થઈ ગઈ..., જોને, આજે સગાઈ થઈ ને 'કાલે' સાસરે જતી રહેશે... ! બસ, આવું તો હોય છે સમયનું.."
"હા, સમયનું શું?. આપણી ચકુ જૂવોને, હમણાં આમ સાવ નાની, ઘરમાં કૂદમકૂદ કરતી'તી; અને આજે બધા સાથે બેસીને એવી રીતે વાતો કરે કે માનવામાં ન આવે." બોલતાં બોલતા, મમ્મીના ચહેરા પર સ્નેહના પાણીનો કોઈએ છટકાવ કર્યો હોય એમ દીકરી માટેની લાગણી તરવરી જતી હતી..
એક પિતા માટે, પોતાની દીકરી પ્રત્યેનાં સ્નેહની કોઈ સ્પર્ધા કરી જાય એ ચાલે જ કેમ? "દીકરી કોની છે?? મારી..! સદાનંદભાઈની દીકરી કાંઈ જેમ તેમ ન હોય. એ તો એના નવા ઘર-કુટુંબને ચમકાવી દેશે. મારી દીકરી ખાલી દેખાવે જ પૂનમનો ચાંદ છે એવું નથી, એતો ગુણોમાંય બીજાનું પોષણ કરે અને ઉર્જા આપે એવી ચાંદની છે..."
"શું તમે બેઉએ આ સ્પર્ધા ચાલું કરી છે..? થાક્યા નથી સહેજેય..? હું એકલી નહીં; કોઈ પણ માં-બાપ માટે એમની દીકરીઓ, દેખાવે કે સ્વાભાવે જેવી હોય એવી, ઘરની ચાંદની ને રોશની જ હોય..! હવે, બેસો નિરાંતે અને બીજી કાંઈ વાતો કરો. હું તમારા બેઉં માટે મસ્ત ચા બનાવી લાવું છું" આમ, ચાલુ થયેલી હરીફાઈને હળવી બ્રેક લગાવી નમ્રતા રસોડામાં જતી રહી.
માં-બાપનું એવું જ હોય છે. દીકરીની વાતોએ ચડે એટલે અડધાં-અડધાં જીતવાનું ફાવે જ નહીં. બેઉં પુરા જીતે કાંતો બેઉ પુરા હારે, ને તોય મિયાજીની તંગડી નીચી તો ના જ થાય!
ચા બનાવતાં બનાવતાં, નમ્રતા મલકાતી રહી. પપ્પા-મમ્મીની પ્રેમ ભરી વાતો, પોતાના માટે અપાર સ્નેહ અને સતત ત્રણ-ચાર કલાક સુધી સુહાસનો ચહેરો પોતાની નજરમાં છલકાતો રહ્યો, અને વારેવારે રૂમ-રસોડાના દરવાજાને અથડાઈને ઢળી જતી સુહાસની દ્રષ્ટિ - બધા જ દ્રશ્યો નમ્રતાની આંખોમાં તરવરતા ને સળવળતા રહ્યા, તપેલીમાં ઉકળતી ચા એનો રંગ પકડવા લાગી અને ચાની ખુશ્બૂ પરસાળમાં બેઠેલાં સદાનંદભાઈ અને સરયુબહેનનાં હૃદયમાં ઘોળાતી રહી.
"ચા તૈયાર છે..." એમ બોલતી, નમ્રતા ટ્રેમાં ચાર કપ લઈને આવી ગઈ.
મમ્મીને નવાઈ લાગી. "ચકુ, ચાર કપ કેમ? સુહાસ તો ક્યારનાય એમનાં ઘરે જતા રહ્યા છે." પપ્પાનું હસવું રોકાયું નહીં ને નમ્રતાએ ખુલાસો કર્યા વગર છુટકો નહોતો.
"એ તમારા બેઉં માટે છે.. અડધો-અડધો કપ એક્સ્ટ્રા. તમે બહુ ખુશ હો ત્યારે બીજી વાર ચા બનાવડાવો છો એટલે..!
"આ તો અમને એમ કે....સુ.." પપ્પાને વચ્ચેથી જ રોકી દઈ નમ્રતાએ, થોડાં ઊંચા અવાજે - મીઠા અને કડક લહેકામાં , "બસ, બહુ સારું. ચા પીવો હવે..!" બોલીને પોતેય ચાનો કપ લઈ બેસી ગઈ અને આખા દિવસના મીઠાં સંસ્મરણો જાણે ચાના ઘૂંટની ચૂસકીએ ચૂસકીએ ગળે ઉતરતા હોય તેમ ચહેરો મરક મરક થતો રહ્યો. હૃદયનાં એ ભાવ સરયુબેન કાળી ગયા, "બેટા, ખુશીમાં ને ખુશીમાં આજે તને ચા નો સ્વાદ બદલાય ગયો છે એ પણ ખ્યાલ ન આવ્યો?"
પપ્પાએ સહમતીનો સુર પૂર્યો, "હા, બેટા! આજે ચા જરૂરથી વધારે મીઠી થઈ ગઈ હોય એવું લાગે છે."
'' તે થઈ જ જાય ને! ક્યારનાંય તમે બેઉં ચાસણીમાં ઝબોળી ઝબોળીને મારી જલેબી બનાવતા હતા!" નમ્રતાનાં અસાધારણ પ્રત્યુત્તરથી મમ્મી-પપ્પા હસવું રોકી ન શક્યા.
"એ બધું તો ઠીક છે, બેટા." મમ્મીએ હસવું રોકી વાતાવરણને થોડું ગંભીર કર્યું. "માં-બાપ પાસે તો એ બધું ચાલી જાય; પણ સાસરે થોડું સાચવવું પડે. આમ ચા મીઠી થઈ જાય તો સાસુ ચલાવી લેશે એવું જરૂરી નથી."
"તું ય શું નાહકની ચિંતા ઉભી કરે છે ? આપણી નમ્રતા બધું સંભાળી લેશે." પપ્પાને આનંદની અને ચાની મીઠાશ ઓછી થાય એ ન ગમ્યું હોય તેમ આખી વાતને ત્યાંજ રોકી દીધી..
"હાસ્તો..! મમ્મી, બધું સારું જ થશે!" એમ કહી, ચાના કપ અને ટ્રે લઈ રસોડામાં મુકવા ચાલી, ને સાથે ચાલતો રહ્યો સુહાસનો ચહેરો!
રસોડાનું કામ પતાવી, પોતાનાં રૂમમાં પહોંચી. પોતાને પપ્પા તરફથી મળેલા અરીસા સામે જઈને એવી અદાથી, મરક-મરક મલકાતી, ઉભી રહી કે જાણે વર્ષો બાદ વિખૂટાં પડેલા પ્રિયતમને જોઈને જે લાગણી થઈ આવે તેમ, આખોય અરીસો હરખથી છલકાઈ ને ઝુમી ઉઠ્યો હોય એવું લાગે. નમ્રતાના ચહેરાના થનગનાટને જોઈને જાણે ગુલાબની પાંખડીઓની વર્ષા આજે પોતાના ઉપર થતી હોય એવી ધબકતી પળ ગુમાવવાની ઈચ્છા અરીસાનેય નહીં થતી હોય!
નમ્રતાના માથાથી લઈને કમર સુધી ઝૂમતા શરીરનું સાક્ષી બની અરીસામાનું પ્રતિબિંબ અને નમ્રતા - બન્ને - એકબીજાને નિરખાતા રહ્યા.
"હવે તો વાતોય થશે ને મુલાકાતોય..! કહેવાય છે ને કે સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો એ સૌથી અનેરો અને અમૂલ્ય સમય હોય છે.. હા.. હોવો જ જોઈએ. હવે એ પળોને જીવવાની છે, અનુભવવાની છે.." નમ્રતા પોતાનાં ભાવ પ્રગટ કરે અને અરિસામાંનું પ્રતિબિંબ મલકાયા વગર રહે જ શાનું? " ..અને લગ્ન પછી પણ બે વ્યક્તિ ભેગા મળી જીવનને સુખદ અને ખુશહાલ કેમ ન બનાવી શકે?? મમ્મી-પપ્પાના જીવનમાંથી એ તો શીખી છું કે જીવનને પ્રેમ કરવાનો અને પ્રેમને જીવી લેવાનો! અમે - હું અને સુહાસ - બન્ને મળીને એવું જીવન - મનની ભીતરે ને પ્રેમનાં ધબકારે જીવાતું જીવન - વાસ્તવમાં જીવી લઈશું. આ તો શરૂઆત છે. ઉડાન તો હવે ભરવાની છે - જીવનની ઉડાન, મારા શમણાંની ઉડાન - ખુલ્લા અને ઊંચા આકાશમાં !
ખુલ્લી આંખોમાં ઉછળતા શમણાંઓને - ગગનમાં વિહરતા અને વરસવા તૈયાર થયેલા ઘટ્ટ વાદળોની જેમ - ચોક્કસ લક્ષ્ય મળી ગયું હોય તેવા અહેસાસ સાથે નમ્રતાએ પોતાના ખુલ્લા, વિખરાયેલા, લાંબા અને કાળા વાળને બે હાથ વડે ત્રણ-ચાર આટી લગાવી એવી રીતે અંબોડો બાંધ્યો કે એ જલ્દી છૂટે નહીં ને વાળ વિખરાય નહીં. ને.. સાથે સાથે
પાછળની બાજુએ પલંગ પર પડેલા મોબાઈલને જોવા, અરીસા તરફ એક ત્રાંસી નજર કરી લીધી...
......
...ક્રમશઃ