અજાણ એવું શું થઇ રહ્યું આજે મારા થી અજાણ?
જાણવા મથું છું ને થઈ જાય બધું ભેળસેળ....
આંખોની ભીનાશમાં તરવા કે ડૂબવાની મથામણ ...
ત્યાં કિનાર પર કોણ રોકે જાણીતી નજર?
હરખના આંસુ કે આંસુ નો હરખ?
હૃદય શા માટે ચહે પારખવા આંસુ નો આશય?
સઘળું પામી લવું કે સઘળું ત્યાગી દઉં?
દ્વિધામાં અટવાયેલું મન કે મનમાં ઉગેલી દ્વિધા?
પ્રતિદિન સ્વપ્નો સાચાં થવાની પ્રાર્થના તો પછી....
પ્રાર્થના વિશે શીદને શંકા સાચી કે આભાસી?
કેટીના મૃત્યુ અને તેના વિલ તથા આલયના પ્રેમ વચ્ચે ફસાયેલી મૌસમની દ્વિધા....
ઝડપથી પસાર થતા સમય સાથે મૌસમ અને આલયના જીવનમાં આ પડાવ આવવાનો જ હોય તેમ મૌસમ સ્વીકારવા લાગી હતી વાસ્તવિકતાને, પરંતુ આલય આ કેમ સ્વીકારશે તે વિચારી મૌસમ મૂંઝાઈ ગઈ
વિલ સાથે મુકેલા પત્ર માં શું લખ્યું હશે? તે જાણવાની ઉત્કંઠા મૌસમને ઓછી હતી કેમકે તે કેટીના સ્વભાવથી પરિચિત હતી. વિકલ્પ વિનાના ભવિષ્યની જ જાણે મૌસમે કલ્પના કરી લીધી.
મારી મૌસમ....
હું તારી મમ્મીની જેમ પ્રેમ વ્યક્ત નથી કરી શકતો પણ તારી મમ્મીની જેમ દેખાતું સત્ય નકારી પણ નથી શકતો.
મેં જાત મહેનતથી વિસ્તારેલુ સામ્રાજ્ય ખરેખર તો તારા માટે જ છે, પણ તારું ભવિષ્ય તારી એકલીનું નથી એ વિચારે સમગ્ર સંપત્તિમાં તારી સાથે તારા નવા કુટુંબને પણ સહભાગી બનાવતો જાઉં છું.
હમણાં થોડા વખતથી મારું મન ભૂતકાળ અને વર્તમાન કરતા ભવિષ્ય વિશે વધારે વિચારે છે. હું માનું છું કે તને અનુશાસન કરતાં તારી મોકળાશ વધારે ગમે છે અને આ મોકળાશ તને જાણીતા કુટુંબમાં કદાચ વધારે મળી શકશે.
અતુલ તને દીકરી કરતાં પણ વધારે પ્રેમ કરશે. તારી મમ્મી સાથે મારા લગ્ન થયા ત્યારે શરૂઆતના સંઘર્ષમાંથી સફળ રીતે પસાર થવામાં તારી મમ્મીના નસીબ, મારી મહેનત અને ઈશ્વરની કૃપાની સાથે-સાથે અતુલે કરેલી આર્થિક મદદ પણ મારા માટે ખાસ હતી. મારા બીઝનેસને આગળ લઈ જવામાં અતુલે પુરી મદદ કરી અને પાછળથી ક્યારેય એ વાત જતાવી નથી, માટે હું વિશ્વાસથી તેના દીકરાના હાથમાં તારો હાથ સોંપી શકું છું તે ઘરમાં તું તારી સ્વતંત્રતા પણ માણી શકીશ અને શૈલ મારો બિઝનેસ પણ સારી રીતે સંભાળશે.
આ પત્ર વાંચી એવું ના સમજતી કે આવું કરવા પાછળ મારી કોઈ જીદ છે. હું ફક્ત મને તારા માટે યોગ્ય લાગ્યું તે કરું છું હવે આગળ કોઈપણ નિર્ણય લેતા પહેલા અતુલનો ઉપકાર, તારૂ ભવિષ્ય અને આપણો મહેનતથી વિસ્તારેલો બિઝનેસ... આ બધાનો વિચાર કરીને આગળ વધજે.
દીકરા તું કોઈપણ નિર્ણય લે, હું હંમેશા તારી સાથે રહીશ પછી એ તારા લગ્ન અંગેનો હોય કે આપણા બિઝનેસ માટેનો, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે.
તારો ડેડ.....
પત્ર પૂરો થયો અને મૌસમને જાણે એમ લાગ્યું કે તે સાચે ડેડ સાથે વાત કરી રહી છે. વિચારોના જંગલમાં મૌસમ ફસાઈ ગઈ .થોડીક વાર માટે નક્કી ન કરી શકી કે શું નિર્ણય લેવો? એક બાજુ ડેડ ની અંતિમ ઇચ્છા અને તેનો મહેનતથી ફેલાવેલો બિઝનેસ છે, તો બીજી બાજુ આલયના બાહુપાશમાં પૂરી જિંદગીનું સુખ છે.
અને જો તે પોતાનું જ સુખ પસંદ કરી લે તો આખી જિંદગી કેટીની અધુરી ઈચ્છાઓ પોતાને કારણે હંમેશા અધૂરી રહી જશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તેને એક વખત શૈલ સાથે વાત કરી લેવાનું નક્કી કર્યું અને શૈલને એક કોફી શોપમાં બોલાવ્યો.
શૈલે પણ અનુમાન કર્યું હતું અને તેને પત્ર વિશે જાણવાની જિજ્ઞાસા પણ હતી, એટલે તરત જ આવી ગયો. તેણે વાતને ગોળ ગોળ ન ફેરવતા મૌસમને સીધું જ કહ્યું," તારો શું નિર્ણય હશે? તે સાંભળ્યા પહેલા હું એક બે બાબતો સ્પષ્ટ કરી દેવા માંગું છું. મને લગ્ન કે કોઈ સંબંધ માં જરાપણ રસ નથી, હું મારી બધી જ ઇચ્છાઓ લગ્ન વિના પણ પૂરી કરી શકું તેમ છું."
મૌસમ માટે આ બધું આશ્ચર્ય પમાડે તેવું હતું. ડેડ કેટલા ખોટા હતા પસંદગીની બાબતમાં તેનો વિચાર આવવા લાગ્યો. પરંતુ અત્યારે કઈ ન બોલતા ફક્ત સાંભળવાનું પસંદ કર્યું.
શૈલે કહ્યું, " અત્યારે અમારો બિઝનેસ ખુબ સરસ આગળ વધી રહ્યો છે, હું પણ વધારી શકું છું પણ ડેડ ને મારી રીતો ગમતી નથી અને મને તેમની. તેમને અહીં ઇન્ડિયામાં સેટ થવું છે અને મને અહીં એક વાર પણ આવવું ગમતું નથી. તેઓ એવું વિચારે છે કે કોઈ ભારતીય છોકરી સાથે મારા લગ્ન કરી દેવાથી હું સુધરી જઈશ. પરંતુ આ તેમનો ભ્રમ છે. મારા માટે દુનિયામાં સૌથી વધારે મહત્વ રૂપિયા રાખે છે, અને મારા મતે કોઇ પણ વ્યક્તિનો સૌથી સારો મિત્ર કદાચ રૂપિયા જ છે, રૂપિયા વિના કોઈ પણ સંબંધ ટકી શકે નહીં."
મૌસમને પોતાનો માસુમ આલય અને તેનો પ્રેમ યાદ આવી ગયા. પરંતુ શૈલ જે બોલ્યો તે સાંભળી મોસમને પોતાના પિતા યાદ આવી ગયા. શૈલે કહ્યું, " આપણા બન્નેના લગ્ન એક કોન્ટ્રાક્ટ જેવા હશે. તારી સાથે લગ્ન કરીશ એટલે ડેડનો એકમાત્ર વારસદાર હું બધી જ સંપત્તિનો માલિક બની જઈશ અને સામા પક્ષે તું મારી પત્ની બનીશ એટલે ઓફિસીયલી તને તારા પપ્પાની મિલકત મળી જશે અને આપણા બંનેનું કામ થઈ જશે."
મૌસમ માટે જાણે આ કોઈ ચલચિત્ર હતું. અને પોતે એક પાત્ર તરીકે જાણે તેમાં ભાગ લેવાની હતી. થોડીકવાર પછી શૈલને કહ્યું, " હું તને કાલે સવારે જવાબ આપીશ."
શૈલ કહે છે, "મેં જે વાત કરી તેમાં બંનેને ફાયદો છે. એ રીતે એક વાર વિચાર કરી જોજે. બાકી મને તારી ગોરી ચામડી માં જરા પણ રસ નથી એટલે એ બાબતમાં તું નિશ્ચિંત રહેજે, કારણકે થોડાક આનંદ માટે હું જિંદગીભર માટે બંધાવા માંગતો નથી."
મૌસમ ત્યાંથી નીકળી જાય છે, રસ્તામાં આલયનો ફોન આવે છે, "હેલ્લો જાન..... કેમ આટલી તું યાદ આવે છે? ચોક્કસ અત્યારે તને એકલુ લાગે છે ને? અને આ એકલતા મને પણ કોરી ખાય છે એટલે જ જલ્દી કામ પતાવી હું અત્યારે નીકળી ગયો છું એક કલાકમાં તારી પાસે આવી જઈશ."
મૌસમને લાગ્યું તેનાથી રડી પડાશે, "હા આલય એકલી છું ખૂબ જ એકલી..... રાહ જોઉં છું તારી..... મોસમ આલયને કેવી રીતે વાત કરવી ,તે વિચારવા લાગી અને એકલી ઉદાસ ઘરમાં પ્રવેશી....
આખરે શું લેશે નિર્ણય મૌસમ....?
જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ.....
(ક્રમશ)