ઓફિસર શેલ્ડન જેકોબ મિલનેર્ટનની સડક ઉપર પોલીસ વેન હંકારી રહ્યા હતા.આજે વાતાવરણ ખૂબ મજાનું હતું હમણાં જ સાધારણ વરસાદના છાંટા પણ આવ્યા હતા. વાતાવરણમાં ઠંડક હતી સાથે જ સાધારણ ધુમ્મસ પણ જણાઈ રહ્યું હતું.ઓફિસર શેલ્ડન વાયરલેસ પર કોઈ સંદેશો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આ તેમની રોજિંદી પ્રક્રિયા હતી જેમાં તેઓ રોજ એકાદ વખત શહેરનું રાઉન્ડ લઈ આવતા. મિલનેર્ટન શહેર એ કેપ ટાઉનની ઉત્તરમાં લગભગ મુખ્ય સીટીથી 11 કિલોમીટરના અંતર પર આવેલું હતું. ખુબ જ સુંદર આ સબ-અર્બ એ કેપ ટાઉનના વિવિધ સબ અર્બમાનું એક હતું. ઓફિસર શેલ્ડન મિલનેર્ટન શહેરના મુખ્ય પોલીસ મથકમાં સિનિયર ઇન્સ્પેક્ટર હતા. ઓફિસર શેલ્ડન લગભગ છેલ્લા 15 વર્ષથી કેપટાઉનમાં કાર્યરત હતા.એક બાહોશ અને ચપળ પોલીસ ઓફિસર તરીકેની તેમની છાપ હતી.
છેલ્લા કેટલાક વખતથી જોકે શહેરમાં શાંતિનો મહોલ હતો.એવી કોઈ મોટી ઘટના કે ગુનો નોંધાયો ન હતો અને એકંદરે વાતાવરણ શાંત હતુ. ઓફિસર શેલ્ડનની સાથે તેમની નીચે બે જુનિયર ઓફિસર હતા. માર્ટીન અને હેનરી.માર્ટીને જ્યારે ઓફિસર શેલ્ડન ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચતર અધિકારી હતા ત્યારે પણ તેને તેમની નીચે કામ કર્યું હતું. બાદમાં બંનેની બદલી થઈ અને સંજોગો એવા બન્યા કે બંને ફરી મિલનેર્ટન પોલીસ સ્ટેશનમાં સાથે આવ્યા.
ઘણા દિવસથી શેલ્ડન અજંપા ભરી શાંતિના કારણે કંટાળી ગયા હતા. ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં તો સતત કોઈને કોઈ કેસ આવ્યા કરતા અને તેનો ઉકેલ લાવવામાં એમણ અદભુત આનંદ મળતો. એવા જ કોઈ નવા કેસની એમને તલાશ કેટલાય સમયથી હતી. સતત કંઈકને કંઈક વિચાર્યા કરતાં એટલામાં જ વાયરલેસ પર ઓફિસર શેલ્ડનને માહિતી મળે છે કે તેમને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન આવવા જણાવવામાં આવ્યું છે. ડ્રાઈવરને કહી એ પોતાની પોલીસ વેન સ્ટેશન તરફ હંકારી જાય છે.
શેલ્ડન : માર્ટીન કેમ ભાઈ મને અચાનક બોલાવ્યો ?
માર્ટીન : સર ચોરીનો એક કેસ આવ્યો છે હું અને હેનરી સતત એની તપાસ કરી રહ્યા છે. આ પેટર્નથી શહેરમાં છેલ્લા કેટલાક વખતથી ચોરીઓ થઈ રહી છે. આ ટોળકી વિવિધ દુકાનોમાં લૂંટ કરે છે અને ફરાર થઇ જાય છે. દરેક પોલીસ સ્ટેશનમાં એમના નામની ફરિયાદો છે પરંતુ કોઈ એમણે પકડી શકયુ નથી. આજે પોલીસ કમિશનર સાહેબે આપની સલાહ લેવા જણાવ્યું તેથી તમને જલ્દીથી અહીં બોલાવ્યા છે.
શેલ્ડન: ભાઈ મને આ ચોરીના ગુનામાં કોઈ રસ નથી તુ જાણે છે એ વાત. હું તો હરખાયો કે કંઈ જટીલ કેસ આવ્યો લાગે છે..
માર્ટીન : જાણું છુ સર પણ તમે થોડી મદદ કરી શકો તો ઘણું સારુ રહેશે.
ઓફિસર શેલ્ડન એમની સિગારેટ સળગાવે છે અને એના કસ લેતા લેતા બધા કેસની ફાઈલ જોવા લાગે છે. માર્ટીન અને હેનરી એમની સામે ગોઠવાઈ જાય છે. ઓફિસર બહુ ધ્યાનથી બધી જ ફાઈલોનુ અવલોકન કરી રહ્યા હતા. લગભગ વધુ એક કલાક પછી ઓફિસર શેલ્ડન મંદ મંદ હસે છે સામે પડેલું પેપરવેઇટ ફેરવે છે. હેનરીને આ જોઈને આશ્ચર્ય થાય છે અને તે માર્ટીનને એનુ કારણ પૂછે છે.
માર્ટીન : સરને જ્યારે કંઈક કેસને ઉકેલી શકાય એવુ મળે એટલે એ ખુશીમાં આમ કરતા હોય છે ચોક્કસ એમની નજરમાં કંઈક આવ્યું હોવુ જોઈએ.
શેલ્ડન: બોયઝ દરેક ચોરીમાં એક વાત સરખી છે. ભલે દુકાનના તાળાની આસપાસ ખરોચના નિશાન હોય પણ એ તાળુ સામાન્ય રહ્યુ છે એને કંઈ પણ નુકસાન થયુ નથી એનો અર્થ એ થયો કે જબરદસ્તીથી પ્રવેશ એટલે કે ફોર્સ્ડ એન્ટ્રી બતાવવાનો પ્રયત્ન થયો છે પણ સત્ય કદાચ એ નથી ..સાથે જ તમે કદાચ એ વાત જોવાનુ ચૂકી ગયા પણ આ દરેક દુકાનની બહાર જે પણ સુરક્ષાકર્મી છે એ બધા એક જ એજન્સીમાંથી આવેલા છે.. સમજ્યા કંઈ હવે ?
હેનરી : સર આ વાત પર તો બિલકુલ ધ્યાન ગયુ જ નથી , આ ચોરી છે એ બતાવવાનો પ્રયાસ થયો છે પણ અંદરનું જ કોઈ કદાચ બાતમી આપી રહ્યુ છે. ચોરી કરનાર પાસે કદાચ પેહલાથી જ પ્રવેશવાનો રસ્તો છે.આ વાત પર કેમ કોઇનું ધ્યાન ન ગયુ ??
શેલ્ડન: સત્ય હંમેશા એ ધુમ્મસને પેલે પાર રહેલા પ્રતિબિંબ જેવુ છે હેનરી , જેટલુ જલ્દી ધુમ્મસ વિખેરાશે એટલુ જ સ્પષ્ટ એને જોઈ શકાશે.
અને બધા હસી પડે છે . વાતવરણમાં પણ હળવાશ ફેલાઈ જાય છે.
ત્યાં જ પોલીસ સ્ટેશનનો ફોન રણકે છે . માર્ટીન ફોન ઉઠાવે છે. સામેના છેડાથી કાંપતા અવાજે કોઈક કંઈક કહી રહ્યુ છે અને માર્ટીનના ભવા ખેંચાય છે અને ચેહરા પર એક ઉચાટ વ્યાપી જાય છે.......
( એવુ તે શેના સમાચાર મળ્યા હશે માર્ટિનને ? શું આવનારા કોઈ નવા કેસના એંધાણ છે આ !!! વધુ આવતા અંકે.. )