પ્રાયશ્ચિત પ્રકરણ - 59
કેતન સુધીર મર્ચન્ટને મળવા એના ઘરે પારલા ગયો હતો અને વિચાર્યું હતું કે બંને જૂના મિત્રો એકાદ કલાક ટાઈમપાસ કરીશું પરંતુ ત્યાં જે દ્રશ્ય જોયું અને ખાસ કરીને નિધીને સુધીરના ઘરે જોઈ એ પછી એનું મન ખાટું થઈ ગયું. એ પંદર-વીસ મિનિટમાં તો ત્યાંથી બહાર પણ નીકળી ગયો.
મુંબઈના સમૃદ્ધ યુવાવર્ગમાં આ બધું શું ચાલી રહ્યું છે !! મોડેલ બનવાની ઝંખનાએ નિધીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી ! એને નિધીની દયા આવી. સુનિલભાઈએ એના ઉપર ધ્યાન ના આપ્યું અને એ જેમ કહે તેમ કરવા દીધું એ એમની સૌથી મોટી ભૂલ હતી. અત્યારે નિધીના દિલમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું.
કેતન અગ્રવાલ માર્કેટમાંથી ચાલતો ચાલતો શિવસાગર રેસ્ટોરન્ટમાં આવી ગયો. આ બધો એનો પરિચિત એરિયા હતો. હજુ તો સાંજના ચાર વાગ્યા હતા અને બોરીવલી છ વાગ્યા સુધીમાં પહોંચવાનું હતું. ટાઈમપાસ કરવા માટે એણે ઢોસાનો ઓર્ડર આપ્યો. સાઉથ ઇન્ડિયન વાનગીઓ એને ભાવતી હતી. એમાં પણ ઢોસા અને મેંદુવડા એની ખૂબ જ પ્રિય વાનગીઓ હતી.
પાંચ વાગ્યા સુધી કેતન શિવસાગરમાં જ બેસી રહ્યો. એ પછી બીલ ચૂકવીને સ્ટેશન ઉપર આવ્યો અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ટ્રેન પકડી લીધી.
સવા છ વાગ્યાનો કચ્છ એક્સપ્રેસ પણ એને મળી ગયો અને રાત્રે સાડા નવ વાગ્યે તો એ સુરત સ્ટેશને પણ પહોંચી ગયો. ટ્રેનમાંથી જ એણે સુરત ઘરે વાત કરી લીધી હતી એટલે સિદ્ધાર્થ સ્ટેશન ઉપર હાજર જ હતો.
" વેલકમ વરરાજા !!" ઘરમાં પ્રવેશ કરતાં જ બોલકી શિવાની બોલી ઉઠી. કેતનના આવ્યા પછી ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું.
લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. કેતન માટેના તૈયાર સ્યૂટ, શેરવાની અને એની પસંદગીની ડાયમંડની વીંટી અને સોનાની ચેન લેવાની બાકી હતી.
બે દિવસ આવી બધી ખરીદીમાં જ પસાર થઈ ગયા. ૩૦ તારીખથી બધા મહેમાનો આવવાના પણ ચાલુ થઈ ગયા. અમુક વીઆઈપી મહેમાનો માટે સુરતની સારામાં સારી હોટેલો બુક કરી હતી.
ગણેશ સ્થાપનનું મુહુર્ત પહેલી ડિસેમ્બરે હતું. ઘર મહેમાનોથી ભરાઈ ગયું હતું. ઢોલ નગારાં વાગવાનાં પણ શરૂ થઈ ગયાં હતાં. અંગત કુટુંબીજનોનો ઉતારો પોતાના બંગલામાં જ રાખેલો હતો જ્યારે બાકીના મહેમાનો હોટેલમાં રોકાયા હતા.
બીજી ડિસેમ્બરે સવારે ૫:૪૦ની ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં ટોટલ ૧૮ ટિકિટો એડવાન્સમાં જ બુક કરાવેલી હતી. બાકીના મહેમાનોને ડાયરેક્ટ મુંબઈ દાદરની હોટેલમાં ઉતારો આપેલો હતો.
જેમણે સ્વામીજીની મુલાકાત કેતનને શિકાગોમાં કરાવેલી એ રમણભાઈ પટેલને કેતને ખાસ આગ્રહ કરી કરીને આમંત્રણ આપ્યું હતું. અને શિકાગોની આવવા-જવાની ફ્લાઈટની ટિકિટ પણ કરાવી આપી હતી. એમનો ઉતારો પણ મુંબઈની હોટેલમાં જ હતો. લગ્ન પતી જાય પછી કેતન એમને પણ ખાસ મળવા માગતો હતો.
વરરાજા કેતનની સાથે સિદ્ધાર્થ રેવતી અને શિવાની સિદ્ધાર્થની એસયુવી ગાડીમાં બીજી તારીખની વહેલી સવારે ૪ વાગે જ મુંબઈ જવા નીકળી ગયાં હતાં.
માટુંગા વેસ્ટમાં રૂપારેલ કૉલેજ પાસે 'દાદર માટુંગા કલ્ચરલ સેન્ટર ' હોલમાં બધા સવારે ૧૦ વાગે પહોંચી ગયા. જાનકી શિરીષભાઈ દેસાઈની એકની એક દીકરી હતી. જગદીશભાઈએ ના પાડેલી છતાં દેસાઈ સાહેબે ખૂબ જ ખર્ચો કર્યો હતો.
વેવાઈ અબજોપતિ હતા અને એમના જાનૈયા મહેમાનો પણ બધા શ્રીમંત હતા એટલે એમના મોભાને છાજે એવા લગ્ન પ્રસંગનું એમણે આયોજન કરેલું. દેસાઈ સાહેબના પક્ષે સુરત વલસાડ અને નવસારી થી ઘણાં સગાં વહાલાં આવ્યાં હતાં.
શરણાઈના સૂરની વચ્ચે કેતન અને જાનકી લગ્નબંધનથી બપોરે ૧:૩૦ વાગે એકબીજા સાથે બંધાઈ ગયાં. બંને પરિવારોએ અને મહેમાનોએ દિલથી વર વધૂને આશીર્વાદ આપ્યા. લગ્ન પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો અને લગ્નમાં ગિફ્ટ પણ ધાર્યા કરતાં ઘણી બધી આવી. જાનકીને પરિવાર અને મહેમાનોએ સોનાથી મઢી લીધી એમ કહો તો પણ ચાલે !!
કેતન તરફથી જાનકીને ડાયમંડનો લેટેસ્ટ ડીઝાઈનનો હાર, પાટલા, બંગડી, ટિકો, ઇયરિંગ્સ અને ડાયમંડની વીંટી સાથેનો આખો સેટ ચડાવવામાં આવ્યો.
બપોરનો જમણવાર પણ દેસાઈસાહેબે ખાસ કેટરિંગ કોન્ટ્રાક્ટ આપીને ગોઠવ્યો હતો.. સીતાફળની બાસુંદી, અંજીરના ઘુઘરા, સુરતી ઊંધિયું, બટેટાની સુકી ભાજી અને સાથે પંજાબી ટેસ્ટ માટે પનીર લબાબદાર . જીરા રાઈસની સાથે દાલ ફ્રાય અને ગુજરાતી મીઠી દાળ પણ હતી. કુલચાની સાથે પૂરીની વ્યવસ્થા પણ રાખેલી. જાન સુરતથી આવી હતી એટલા માટે સુરતી લોચો પણ ઉમેરવામાં આવ્યો હતો !!
દરેક ઘરની દીકરી માટે કન્યા વિદાયનો પ્રસંગ લાગણીઓને હચમચાવી દેતો હોય છે. વિદાયની વેળાએ એને મા-બાપનાં લાડ-પ્યાર યાદ આવે છે. દીકરી નાનપણથી જ માતા-પિતાને ખુબજ પ્રેમ કરતી હોય છે એટલે હવે મારા ગયા પછી મમ્મી પપ્પાનું કોણ ધ્યાન રાખશે જેવી ચિંતાઓ એ કરતી જ હોય છે.
માતા-પિતાનું ઘર હંમેશ માટે છોડીને લાડકી દીકરી એક નવા જ માર્ગે ચાલી નીકળતી હોય છે. અને વિદાયની એ ક્ષણ કન્યાની સાથે સાથે એનાં મા-બાપ માટે પણ ખૂબ જ વસમી હોય છે. લગ્ન થતાંની સાથે જ દીકરીના મા બાપ સાથેના ઋણાનુબંધ પૂરા થઈ જતા હોય છે !
એકની એક દીકરીની વિદાય વખતે દેસાઈ સાહેબ મનથી ભાંગી પડ્યા. સાંજના સાડા ચાર વાગ્યે કન્યા વિદાયનો પ્રસંગ પતી ગયો.
મુંબઈથી સુરતનો રસ્તો સાંજના ટ્રાફિકના ટાઈમે પાંચથી છ કલાકનો હતો. લગ્ન સમારંભ સાંજે પાંચ વાગ્યે પત્યો હતો. એટલે પહેલેથી જ રાત્રી રોકાણ મુંબઈમાં જ નક્કી કરેલું હતું. જાનકીની સાથે સાથે કેતનનો પરિવાર આજની રાત દાદરની હોટલમાં રોકાવાનો હતો અને એડવાન્સ પ્લાનિંગ મુજબ હોટલના રૂમ બુક કરાવેલા જ હતા.
હજુ સુરતમાં જઈને વર-કન્યા એ કુળદેવી અંબાજીનાં દર્શન કરવાનાં બાકી હતાં. ગૃહપ્રવેશની અને વર-કન્યાને પોંખવાની વિધિ પણ બાકી હતી. એટલે કેતન અને જાનકીના રુમ આજે અલગ રાખ્યા હતા. કેતન સિદ્ધાર્થની સાથે હતો. શિવાની જાનકીની સાથે તો રેવતી મમ્મી-પપ્પાની સાથે હતી.
વહેલી સવારે ૬ વાગ્યે કેતન જાનકી સિદ્ધાર્થ રેવતી અને શિવાની સુરત જવા માટે પોતાની એસયુવી ગાડીમાં નીકળી ગયાં. કેતન જાનકી અને રેવતી પાછળ બેઠાં હતાં અને શિવાની આગળ બેઠી હતી. સિદ્ધાર્થ ગાડી ચલાવતો હતો.
બાકીના તમામ લોકો માટે મુંબઈથી સવારે ૬:૩૦ વાગે ઉપડતી શતાબ્દિ એક્સપ્રેસ નું બુકિંગ કરેલું હતું. અમુક મહેમાનોએ રાત્રે જ વિદાય લઈ લીધી હતી જ્યારે કેતનના આગ્રહથી શિકાગો રહેતા રમણભાઇ પટેલ કેતન ના ફેમિલી સાથે સુરત આવી રહ્યા હતા.
કેતનનો પરિવાર અને મહેમાનો ટ્રેનમાં સવારે નવ વાગે સુરત પહોંચી ગયા અને એમણે વર-કન્યા ને પોંખવા માટેની બધી તૈયારીઓ શરૂ કરી દીધી. જગદીશભાઈ એ એમના મહારાજને પણ પૂજા માટે બોલાવી લીધો હતો.
કેતન લોકોની ગાડી ૧૧:૧૫ વાગ્યે ઘરે પહોંચી. ઢોલ નગારા અને ફટાકડા સાથે વર-કન્યાનું સ્વાગત કર્યું. મહારાજે મંત્રોચ્ચાર સાથે વર-કન્યાને ગૃહપ્રવેશ કરાવ્યો અને ગણેશ સ્થાપન પાસે લઈ જઈને બંનેની પૂજા કરાવી.
એ પછી થોડીક લૌકિક રીતરિવાજ મુજબ રસમો ચાલી. એ પત્યા પછી વર કન્યાની સાથે બધા મહેમાનો કુળદેવી અંબાજીનાં દર્શન કરી આવ્યા.
અત્યારે બપોરનું લંચ તમામ લોકો માટે કંસાર ડાઇનિંગ હોલમાં રાખ્યું હતું. બધી વિધી પતાવીને તમામ મહેમાનો કંસાર માં જમવા માટે પહોંચી ગયા. પહેલેથી જ બધાં ટેબલ બુક કરાવી દીધાં હતાં.
સાંજનું રિસેપ્શન કતારગામના ગ્રીન વિલા પાર્ટી પ્લોટમાં રાખ્યું હતું. પાર્ટી પ્લોટમાં સવારથી જ ડેકોરેશન વાળા આવી ગયા હતા અને ખૂબ જ મોટા પાયા ઉપર પાર્ટી પ્લોટને શણગાર્યો હતો. લાઇટિંગની જબરદસ્ત રોશની પણ કરવામાં આવી હતી.
ગાડીઓના પાર્કિંગ માટે સ્પેશિયલ સિક્યુરીટી સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. જગદીશભાઈના મહેમાનો પણ વીવીઆઈપી હતા. વિડીયો શુટીંગ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેતન અને જાનકી માટે રોશનીથી ઝગમગતું અને વિવિધ ફૂલોથી શોભતું સુંદર સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. .
જાનકી કંસાર ડાઇનિંગ હોલમાં જમીને રેવતીની સાથે સુરતના મોંઘા બ્યુટી પાર્લરમાં સત્કાર સમારંભ માટે તૈયાર થઈ હતી. એનું વસ્ત્ર પરિધાન પણ અદ્ભુત હતું !!
બરાબર સાંજે ૭:૩૦ વાગ્યે કેતન અને જાનકીએ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યો અને સ્ટેજ ઉપર જઈને ઊભા રહ્યા.
સિદ્ધાર્થ રેવતી શિવાની અને જયાબેન પણ એ લોકોની પાછળ પાછળ સ્ટેજ ઉપર પહોંચી ગયાં. જગદીશભાઈ નીચે મહેમાનોની આગતા સ્વાગતામાં ઉભા રહ્યા. શરણાઈના મીઠા સૂર મંદ મંદ અવાજે ચાલુ થઈ ગયા !!
કેતન અને જાનકીને આશીર્વાદ આપવા માટે મહેમાનોની લાંબી લાઈન બનતી ગઈ અને ફોટોગ્રાફરો તેમજ વિડીયો શુટીંગ કરનારાએ પોતાની જગ્યા સંભાળી લીધી.
જમવામાં પણ કાઠીયાવાડી, ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ વિભાગો અલગ અલગ રાખવામાં આવ્યા હતા.
આઠ વાગ્યે જમણવાર પણ ચાલુ થઈ ગયો. જમણવારમાં જગદીશભાઈએ કોઈ કસર છોડી ન હતી. દરેક વિભાગો ઉપર મહેમાનોની લાઈન લાગવા લાગી.
રાત્રિના ૧૧ વાગ્યા સુધી ચાલેલા આ શ્રીમંત રિસેપ્શનમાં અંદાજે ૨૫૦૦ મહેમાનોએ હાજરી આપી.
રિસેપ્શનમાં જામનગરથી પ્રતાપભાઈ અને એમના ધર્મપત્ની તથા રાજકોટથી અસલમ શેખે ખાસ હાજરી આપી હતી. સત્કાર સમારંભ ઘણોજ દિવ્ય રહ્યો.
આજે કેતન અને જાનકીની સુહાગરાત હતી. બપોરથી જ ઇવેન્ટ મેનેજમેન્ટની બે છોકરીઓ કેતનનો બેડરૂમ ફૂલોથી સજાવી રહી હતી. લાકોસ્ટે ના મોંઘા પર્ફ્યુમથી રૂમ મઘમઘતો હતો.
રિસેપ્શનમાંથી આખો પરિવાર ઘરે આવ્યો ત્યારે રાતના સવા બાર વાગી ગયા હતા. ઉભા ઉભા બધા જ થાકી ગયા હતા.
" કેતન તમે લોકો હવે સીધા તમારા બેડરૂમમાં જાઓ. બહુ મોડું થઈ ગયું છે. આજનો દિવસ તો તમારા બંને માટે ખૂબ જ મહત્વનો છે. " ઘરમાં પ્રવેશતાં જ સિદ્ધાર્થ બોલ્યો.
કેતન અને જાનકી ફરી માતાપિતાને પગે લાગ્યાં અને ઉપરના માળે પોતાના નવા સજાવેલા બેડરૂમમાં ગયા. આજે એમની જિંદગીની પહેલી સુહાગરાત હતી. બંને આજ સુધી પવિત્ર હતાં એટલે એમના માટે સુહાગરાતનું મહત્વ જરા પણ ઓછું ન હતું.
શબ્દોમાં વર્ણવી ના શકાય એવો એક રોમાંચક અનુભવ બન્ને કરી રહ્યાં હતાં. જાનકીના ચહેરા ઉપર તો સંકોચ અને શરમ ના ભાવો પણ લીંપાઈ ગયા હતા.
બેડરૂમમાં પ્રવેશ કરતાં જ રૂમનું મઘમઘતું વાતાવરણ જોઈને બંને એકદમ ખુશ થઈ ગયાં. ફિલ્મોમાં પણ ન જોયો હોય એટલો સુંદર બેડરૂમ શણગારેલો હતો. ગુલાબની પાંખડીઓ થી સુંદર ડિઝાઇન બેડ ઉપર બનાવી હતી. પર્ફ્યુમની સુગંધની સાથે ભળી ગયેલી ગુલાબના ફૂલોની પણ એક આગવી સુગંધ મનને માદક બનાવી રહી હતી !!
" હું આ ભારે કપડાં વોશરૂમમાં જરા ચેન્જ કરીને આવું છું. ' કહીને કેતન વોશરૂમમાં ગયો અને પાંચેક મિનિટમાં રેશમી સફેદ પાયજામો અને આછો ગુલાબી કુર્તો પહેરીને બહાર આવ્યો.
" હવે તારો વારો. તારા આ બધા ભારે દાગીના ઉતારી દે અને રિલેક્સ થઇ જા. અંદર જઈને ચેન્જ કરી આવ. વોશરૂમમાં તારા માટે સિલ્કી નાઇટી મૂકેલી જ છે. નાનામાં નાની બાબતોની આપણી કાળજી રાખવામાં આવી છે. " કેતન બોલ્યો.
જાનકીએ શરીર ઉપરના ભારે દાગીના એક પછી એક ઉતારી દીધા. લાંબા ઇયરિંગ્સ ઉતારીને સોનાની મોટી કડીઓ પહેરી લીધી. હાથના પાટલા ઉતારીને ૨ સોનાની બંગડી અને ૨ કાચની બંગડી પહેરી લીધી. ડાયમંડનો હાર કાઢીને માત્ર સોનાની ચેન રહેવા દીધી. બંને હાથ પણ ખુલ્લા કરી માત્ર વીંટી રહેવા દીધી.
એ પછી જાનકી ધીમે રહીને વોશરૂમમાં ગઈ. ૧૫ મિનિટ પછી એ પણ કુર્તાના મેચિંગની આછા ગુલાબી રંગની નાઇટી પહેરીને બહાર આવી. વાળ પણ એણે ખુલ્લા કરી દીધા.
કેતન જાનકીના આ નશીલા સ્વરૂપને જોઈને મુગ્ધ થઈ ગયો !! શું આ એ જ જાનકી હતી !! અનબિલિવેબલ !! રતિ અને કામદેવનો ધીમે પગલે બેડરૂમમાં પ્રવેશ થઈ રહ્યો હતો.
જાનકી ધીમે રહીને બેડ ઉપર સરકતી ગઈ અને તકિયાને અઢેલીને બેસી ગઈ. બાજુના તકિયાનો ટેકો લઈને કેતન તો પહેલેથી જ બેઠેલો હતો.
" તને આટલી બધી સુંદર મેં આજ પહેલાં ક્યારે પણ જોઈ નથી. " કેતન જાનકીની સામે જોઇને બોલ્યો.
" અરે મારા સાહેબ....જામનગરમાં એક જ મકાનમાં સાથે રહ્યાં.. દ્વારકામાં એક જ બેડરૂમમાં સુઈ ગયાં... તમે આજ સુધી મારી સામે એવી નજરે ક્યારે પણ જોયું છે ખરું ? હંમેશા દૂર ને દૂર !! જાણે કે હું પરાણે વળગી પડવાની હોઉં !! " જાનકી બોલી.
" એવી નજરે એટલે કેવી ? " કેતન શરારતી બનતો ગયો.
"બસ એવી એટલે એવી " જાનકી બોલી.
" પણ મને સમજાવ ને !! એવી નજરે એટલે કેવી નજરે ? " કેતન જાનકીની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.
" બધું જાણો છો પણ કાલા થઈને પૂછો છો. લાઈટ બંધ કરી દો હવે. મને શરમ આવે છે. " જાનકી બોલી.
" કેમ બહુ ઉતાવળ આવી છે ? "
" જાઓ ને હવે. ઉતાવળ તમને આવી છે અને પાછા મને કહો છો ! " કહીને જાનકીએ માથું કેતનની છાતી ઉપર ઢાળી દીધું. કેતન જાનકીના માથે વાળમાં આંગળીઓ ફેરવતો રહ્યો. અને ધીમે ધીમે કામદેવે કેતનની આંગળીઓ ઉપર કબજો લઈ લીધો અને એ નીચે સરકવા લાગી.
કામદેવે રતિને પણ બોલાવી લીધી અને બંનેએ ભેગાં થઈને કેતન અને જાનકીને અનંગ લીલામાં ધીમે ધીમે મદહોશ બનાવી દીધાં !! લાઈટ બંધ કરવાનું પણ ભાન ના રહ્યું અને પરોઢીયાના પાંચ વાગ્યા સુધી બંને શારીરિક આવેગોનાં તોફાનોમાં ખેંચાઈ ગયાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)