Library in Bhandakiya in Gujarati Short Stories by Pallavi Oza books and stories PDF | ભંડકિયામાં લાયબ્રેરી

Featured Books
Categories
Share

ભંડકિયામાં લાયબ્રેરી

પાર્થ ઘરમાં એકલો હતો, આજે ઘરમાં આવેલું 'ભંડકિયુ ' ખુલ્લું રહી ગયું હતું, પાર્થ ના મમ્મી હિનાબેન હંમેશા ભંડકિયુ બંધ રાખતા કારણ, ભંડકિયુ ભોંય તળિયે હતું તેમાં આશરે પંદર જેટલા પગથિયાં હતા પાર્થ ચાલતા શીખ્યો એટલે પડી જવાની બીકે ભંડકિયાને તાળું લાગી ગયું જે આજ દિન સુધી ( સાત વર્ષ ) બંધ રહ્યું.

પાર્થે હજીસુધી ભંડકિયુ જોયું નહોતું, આજે તે ભંડકિયા
પાસેથી પસાર થયો તેણે ભંડકિયુ અર્ધખુલ્લું જોયું, તેની અંદર શું છે તે તાલાવેલી સાથે પાર્થે ભંડકિયુ આખું ખોલી અંદર નજર કરી, કંઈ પણ દેખાતું ન્હોતું ચારેબાજુ અંધારૂ જ અંધારૂ ભળાતુ હતું તેણે પોતાની આંખો ચોળી તો પગથિયાં દેખાણા.

પાર્થ ધીરે-ધીરે ભીંત પકડીને પગથિયાં ઉતરવા લાગ્યો, આઠ - દશ પગથિયાં ઉતર્યો ત્યાં તેનાં હાથમાં કશું ભટકાયું, પાર્થે તેને અડકીને અનુમાન લગાવ્યું કે આ તો સ્વીચ બોર્ડ છે તેણે એકપછી એક સ્વીચ પાડવાં માંડી જેવી પાંચમી સ્વીચ પડી ત્યાં લાઇટ થઈ ઓચિંતો પ્રકાશ આવતા પાર્થની આંખો બિડાઈ ગઈ બે - ચાર પળ તે એમનેમ ઉભો રહ્યો, ધીરે-ધીરે તેણે આંખો ખોલી જોયું તો ચારેબાજુ ઘોડા નજરે પડ્યા હવે તે છેલ્લું પગથિયું ‌ઉતરી રહ્યો હતો.

ઘોડામાં તેણે પુસ્તકો જ પુસ્તકો જોયાં પાર્થે પોતાની જીંદગીમાં આટલાં બધાં પુસ્તકો જોયાં જ ન્હોતા, તેણે પહેલા ઘોડામાંથી પુસ્તક ઉપાડ્યું પાક્કા કથ્થઈ પૂઠાનુ દળદાર પુસ્તક તેની ઉપર સોનેરી કલરથી enesyclopia લખેલું હતું પાર્થે પુસ્તક ઉપર પોતાનો હાથ હળવેથી ફેરવ્યો ધીરે રહીને પુસ્તક ના પાના ખોલ્યાં, દિલમાં ઝણઝણાટી ફેલાઈ તેણે તે દળદાર પુસ્તક ઘોડામાં પાછું મૂક્યું, તે ઘોડો આખો enesyclopia નો હતો, બીજા ઘોડા પાસે જતા પાર્થે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો ભરેલો ઘોડો જોયો, ત્રીજો ઘોડામાં મોટા મોટા નકશા જોયા, ચોથા ઘોડામાં વિજ્ઞાન ને લગતા, એ પછી ઐતિહાસિક ને વળી વાર્તાના પુસ્તકો, કવિતાઓ ની નાની - નાની પુસ્તિકાઓ, કુમાર, અખંડ આનંદ,નતનવા સામયિકો બાળ પુસ્તકો,બકોર પટેલની તમામ ચોપડીઓ, મિયાં ફુસકી તભા ભટ્ટના પુસ્તકો, Reader's Digest , પાર્થ તો આભો જ બની ગયો.

સાવ છેલ્લે એક ટેબલ ખુરશી પડેલા હતા, પાર્થ ત્યાં ગયો, ટેબલ નું ખાનું ખોલતા તેમાં અનેક પ્રકારના પૂંઠા ના કટકા જોયા. પાર્થ નું મગજ કામ કરતું બંધ થઈ ગયું.

"પાર્થ એ.. પાર્થ ક્યાં છે તું ?" મમ્મી ની બુમ સંભળાઈ, પાર્થ ભંડકિયા માંથી બહાર આવ્યો બહાર આવતાની સાથે જ તેની મમ્મીને કહ્યું "મમ્મી, આપણી પાસે કેટલી બધી ચોપડીઓ છે અમુક તો ઉંચકી પણ શકાતી નથી તે આ વિશે મને ક્યારેય કીધું નથી હેં મમ્મી.. આ બધી ચોપડીઓ કોની છે? તું મને કેમ જોવા નથી આપતી ?"

હિનાબેન હસવા લાગ્યા પાર્થ ને કશી સમજણ ના પડી પાર્થ તેની સામે જોઈ બોલ્યો, "હસે છે કેમ મમ્મી? મારી સાથે વાત કર તો મને ખબર પડે કે આ બધું શું છે?"

"ચાલ મારી સાથે રૂમમાં હું તને બધી વાત કરૂં "હિનાબેને કહ્યું.

રૂમમાં જઈ હિનાબેને વાતની શરૂઆત કરતા કહ્યું, " આ બધા પુસ્તકો તારા દાદાજી નાં છે તે ઘરમાં જ એક મોટી લાયબ્રેરી ચલાવતા તારી અને મારી ઉંમરના ને પુસ્તકો ફ્રી માં વાંચવા માટે આપતા તું નાનો હતો તેથી તને આ વિશે કશી ખબર નથી આવતા અઠવાડિયે તારા સાતમા જન્મ દિવસ ઉપર તને 'દાદાજીની લાયબ્રેરી' વિશે સરપ્રાઈઝ આપવાની
હતી તને આ બાબતની આઠ દિવસ પહેલા જ ખબર પડી ગઈ અમે તને સરપ્રાઈઝ ન આપી શક્યા."

"મમ્મી કંઈ વાંધો નહીં મારા જન્મ દિવસે તું અને પપ્પા મને લાયબ્રેરી વિશે સમજાવજો ત્યાં સુધી હું આ ભંડકિયુ નહીં ખોલું, અને હાં મમ્મી હું મોટો થઈને આ લાઈબ્રેરી માંથી દાદાજીની જેમ બધાને ફ્રી માં પુસ્તકો વાંચવા માટે આપીશ ને હું પણ વાંચીશ."

પલ્લવી ઓઝા
"નવપલ્લવ"