Divorce with emotion ... in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | લાગણી સાથે છૂટાછેડા...

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

લાગણી સાથે છૂટાછેડા...

સાંજ ધીરે ધીરે અંધકારમાં વિલીન થઈ રહી હતી અને ચંદ્રની ચાંદની ધીરે ધીરે વધુ તેજ થઈ રહી હતી. ચંદ્રની ચાંદનીમાં તે સરોવરનું પાણી ખુબજ સરસ રીતે ચમકી રહ્યું હતું.

એમ તો હતું એ હોટેલનું ગાર્ડન, પણ જાણે કુદરતી સરોવરના કિનારે ના બેઠા હોય, એવું લાગતું હતું! વિશાળ કુત્રિમ સરોવર બનાવ્યું હતું. એમાં બટકોનું ટોળું આજુબાજુની દુનિયા ભૂલીને પોતાની મોજ માણી રહ્યું હતું. સરોવરની આજુબાજુ સુંદર વૃક્ષો અને ફૂલ છોડ વાવીને એક ગાર્ડનનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સાંજનો સમય હતો એટલે રાતરાણીની સુગંધ વાતાવરણમાં વધુ સુંદરતા ઉમેરી રહી હતી.

આવા મોહક અને શાંત વાતાવરણમાં કોઈનું પણ મન ખુશ અને શાંત થઈ જાય એવું હતું. છતાં પણ ત્યાં બેઠેલ એક છોકરાનું મન ખૂબજ અશાંત હતું.

"બધા ત્યાં લગ્નના માહોલનો આનંદ માણે છે અને તું અહીંયા એકલો બેઠો છે. તું પણ ચાલ, મજા આવશે ત્યાં."

હોટેલના ગાર્ડનમાં બેઠેલ તે છોકરાની પાછળથી એક ખુબજ મીઠો અને મધુર અવાજ આવ્યો.

અવાજની મધુરતા પરથી જ ખબર પડી જતી હતી કે તે અવાજ કોઈ છોકરીનો હતો. છોકરો પણ એક સેકંડ માટે તેના અવાજમાં ખોવાઈ ગયો.

"અરે ઓ, ક્યાં ધ્યાન છે તારું? વારે વારે ક્યાં ખોવાઈ જાય છે." તેણીએ ફરી બૂમ પાડી એટલે તેનું ધ્યાનભંગ થયું.

"હા? શું થયું?" તે છોકરો પૂછે છે.

"અરે બાબા. કશું થયું નથી. પણ તને શું થયું છે એ બોલ. આમ ખોવાયેલો કેમ લાગે છે?" તે છોકરી પૂછે છે.

"કંઈ નહિ બસ એમ જ. આ એકાંત વાતાવરણ મને ખુબજ ગમી ગયું હતું એટલે હું અહીંયા બેઠો હતો." તે સીધો અને સરળ જવાબ આપે છે પણ તેનો અવાજ કંઈક બીજું જ બોલી રહ્યો હતો.

તે છોકરી પણ તેના અવાજમાં રહેલ કોઈક અજાણી લાગણી પારખી જાય છે પણ શું છે તે સમજી શકતી નથી. પણ જ્યાં સુધી તે છોકરો કહે નહિ ત્યાં સુધી તે કશું બોલી પણ શકે નહિ એમ હતું. એટલે એ બીજી વાત કરવા લાગે છે.

"શું એકાંશ તું પણ? આપણે બધા શિવાલીના લગ્નમાં આવ્યા છે અને તું એમાં એન્જોય કરવાની જગ્યાએ અહીંયા એકલો બેઠો છે."

"પણ ગૌરી, હું એન્જોય જ કરી રહ્યો છું. હું આ બાજુ જોવા આવ્યો તો મને આ જગ્યા ગમી ગઈ એટલે હું અહીંયા બેસી ગયો." એકાંશ જવાબ આપે છે.

ગૌરીને ફરીથી તેના અવાજમાં છલકતું જૂઠ અને દુઃખ બંને દેખાય જાય છે. હવે વધુ એ પોતાનું કુતૂહલ રોકી શકતી નથી. એટલે તે એકધારું એકાંશની આંખોમાં જોવા લાગે છે. એકાંશને તેની આંખોમાં ચાલતા સવાલો સમજાય જાય છે પણ આંખો પાસે એ સવાલોના જવાબ ન હોવાને કારણે આંખો આપો આપ નીચી થઈ જાય છે.

"કશું બોલશે પણ કે આમ જ નીચું જોયા કરશે?" ગૌરીનો કડક અવાજ એ વાતની નિશાની આપતો હતો કે તેણી હવે સાચી વાત જાણ્યા વિના રહેશે નહીઁ.

એકાંશ કંઇક બોલવા જ જતો હતો કે ત્યાં બીજી એક છોકરીનો અવાજ આવ્યો. તે અવાજ આવતા જ એકાંશના મુખ પર જાણે જીવ બચી ગયો હોવ એવા ભાવ ઉપસી આવ્યા જે ગૌરીની આંખોથી છુપા ન હતા. ગૌરીની કેમેરા જેવી આંખો એકાંશના મુખના તમામ હાવભાવનું નિરીક્ષણ કરતી હતી.

"અરે ત્યાં આપણું ગ્રુપ તમને શોધી રહ્યું છે અને તમે અહીંયા છો. શું કરી રહ્યા છો અહિયાં?" એક છોકરી આવીને કહે છે. તે છોકરી બીજું કોઈ નહિ પણ શિવાલી હોય છે.

દુલ્હનના વેશમાં શિવાલી આજે કંઇક અલગ જ લાગી રહી હતી. શિવાલીને આ રૂપમાં જોઈને એકાંશની આંખોમાં થોડીવાર માટે એક અલગ જ ચમક આવી ગઈ પણ પછી અચાનક દુઃખ છલકવા લાગ્યું. એકાંશની આંખોમાં આ બદલાયેલા ભાવ ગૌરીની નજરથી છુપા રહ્યા હતા નહીઁ.

"કશું નહિ શિવાલી. આ તો એકાંશ અહીંયા એકલો બેઠો હતો તો હું એને અંદર હોલમાં લઈ જવા આવી હતી." એકાંશ શિવાલી ને જોવા સિવાય કશું કરતો નથી એટલે ગૌરી જ જવાબ આપે છે.

"અરે, વાંધો નહિ. ચાલો હવે તમે બંને. ત્યાં આપણાં બધા મિત્રો સાથે બેસો અને મજા કરો. એમપણ થોડીવારમાં મારા ફેરાનો સમય થઈ જ જશે." શિવાલી જવાબ આપે છે.

"હા એ જ તો. હું ક્યારની એકાંશ ને એ જ વાત સમજાવી રહી હતી. ચાલો હવે આપણે ત્યાં જ બેસીએ." ગૌરી પણ શિવાલીની વાતને સમર્થન આપે છે.

"ગૌરી તું ત્યાં પહોંચ. મારે એકાંશનું એક કામ છે તો અમે થોડીવાર રહીને આવીએ છીએ. કોઈ મારા વિશે પૂછે તો કહી દેજે કે તે હજુ તૈયાર થાય છે." શિવાલી કહે છે.

ગૌરી ઠીક છે કહીને ત્યાંથી જતી રહે છે.

"બોલ હવે હું કેવી લાગી રહી છું?" શિવાલી પૂછે છે.

"મસ્ત."

"આમ ટુંકો જવાબ શું આપે છે? શું હું ખરાબ લાગી રહી છું?" શિવાલી પોતાના જ કપડાં પર નજર નાંખતા પૂછે છે.

"ના એવું કશું નથી. તું તો ખૂબજ સુંદર લાગી રહી છે. જાણે સામે કોઈ પરી ઊભી હોય એવું જ લાગે છે." એકાંશ દિલથી એના વખાણ કરે છે અને એના સુંદર ચહેરામાં ખોવાય જાય છે.

શિવાલી એકાંશના વખાણ સાંભળીને ખુશ થઈ ગઈ. પછી અચાનક ગંભીર બનીને બોલવા લાગે છે.

"સાંભળ. મારે તને કશું કહેવું છે." શિવાલી કહે છે.

"હા બોલને. એમાં આમ ગંભીર ચહેરો કેમ બનાવે છે?" એકાંશ કહે છે.

"આઈ લવ યુ.” શિવાલી અચાનક બોલી પડે છે.
એકાંશ તો આ સાંભળી સ્તબ્ધ થઈ જાય છે. તે થોડીવાર સુધી કશું બોલતો નથી. કારણકે તે પણ શિવાલીને પ્રેમ કરતો હોય છે. પણ શિવાલીના આ વાક્યનો જવાબ શું આપવો તે એકાંશને સમજ પડતી નથી. તેના મનમાં એક યુધ્ધ શરૂ થાય છે.

“આ શું બોલી રહી છે? આ વાતની ગંભીરતા વિશે તને થોડું પણ ભાન છે.” એકાંશ ગુસ્સામાં કહે છે.

"અરે શાંતિ રાખ યાર. મને ખબર જ હતી કે તું આમ ગુસ્સો કરશે. પણ પહેલા મારી પૂરી વાત સાંભળી લે.”

“વાત જ ગુસ્સો કરવા જેવી કરે તો ગુસ્સો આવે જ ને. હા ચલ બોલ. આટલી મોટી વાત બોલ્યા પછી હજુ શું બોલવાનું બાકી રહી ગયું છે તારું?

“હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળજે. વચ્ચે જરા પણ બોલતો નહીં. હું તને ખુબજ પહેલાથી પ્રેમ કરતી આવી છું. આપણે બારમાં ધોરણમાં હતા તે સમયથી મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. પણ હું તને કહેતા ડરતી હતી. પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ મને ખબર પડી કે તારા મનમાં મારા વિશે કશું નથી. તું મને મિત્રથી વધારે કશું માનતો નથી. એટલે પછી મેં મારો પ્રેમ મારી અંદર જ દબાવી દીધો. મેં કદી કોઈને કહ્યું જ નહીં. તે પછી સીધું હમણાં ૩ મહિના પહેલા મારા પપ્પા મારા માટે લગ્ન માટેનું એક માંગુ લઈને આવ્યા. મારો પહેલો અને છેલ્લો પ્રેમ તો તું જ હતો. તે સમયે મારા મનમાં કોઈ હતું જ નહીં. તું મને પ્રેમ કરતો હતો નહીં. એટલે તારી સાથે તો લગ્ન શક્ય હતા જ નહીં. એટલે મેં પણ આગળ વધવાનું નક્કી કર્યું અને પપ્પાને એ સંબંધ માટે હા પાડી દીધી. પણ જ્યારથી મારી લાઈફમાં એ આવ્યા છે ત્યારથી મારી લાઈફ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. તેઓ મને ખુબજ પ્રેમ કરે છે. દરેક નાની બાબતોમાં તેઓ મારી ખુબજ કાળજી રાખે છે. આ ત્રણ મહિનામાં મને પણ એમની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એ ખબર જ ના પડી. મને એમ હતું કે બીજી વાર પ્રેમ કદી ના થઈ શકે. પણ હું ખોટી હતી. મને એમની સાથે પ્રેમ થઈ ગયો.”

“જો એમને તું પ્રેમ કરે છે તો મને હમણાં શા માટે આવું કહ્યું?” એકાંશ વચમાં જ એની વાત અટકાવતાં પૂછે છે.

“અરે તને પહેલા જ કહ્યું કે મારી પૂરી વાત સાંભળ. મારી વાત હજી પૂરી નથી થઈ.” શિવાલી કહે છે.

“હે ભગવાન! હજું શું બાકી રહી ગયું છે? બોલ જલ્દી.” એકાંશ ચીડવાઈને બોલે છે.

“મેં આજે તને એટલા માટે આઇ લવ યુ કહ્યું કારણકે હું મારા પહેલા પ્રેમને એકવાર મારા દિલની વાત કહેવા માંગતી હતી. આજે નવી શરૂઆત કરતા પહેલા મારે બધી જૂની વાત આજે પૂરી કરવી હતી. એટલે આજે તને આ વાત કહીને મન હળવું કરી દીધું. હવે હું શાંતિથી મારુ નવું જીવન શરૂ કરી શકીશ. હવે હું એમને ખુબજ પ્રેમ કરું છું.” શિવાલી પોતાની વાત પૂરી કરતા કહે છે.

એકાંશને શું કહેવું કશું સમજ પડતી નથી. એ મનમાં વિચારે છે શું હું પણ કહીં દવ શિવાલીને કે હું પણ તને પ્રેમ કરું છું. આવા બધા વિચારોની સાથે એના મનમાં બીજા ઘણા વિચારો આવી રહ્યા છે.

“એકાંશ! ક્યાં ખોવાઈ ગયો? કશું બોલતો કેમ નથી?”

એકાંશ વિચારોમાં ગુમ હોવાને કારણે થોડીવાર સુધી કશું બોલતો નથી એટલે શિવાલી એને હલાવતા પૂછે છે. એકાંશ અચાનક વિચારમાંથી બહાર આવે છે અને કશુંક નક્કી કરે છે.

“ખુબજ સારું કર્યું તેં. આગળ વધવાનો નિર્ણય સાચો જ લીધો હતો. હું અને તારા જેવી ચિબાવલીને પ્રેમ કરું? ઇમ્પોસિબલ! મારી પસંદ તો ખૂબ ઊંચી છે.” એકાંશ આમ મજાક કરતા કહે છે.
“હા તો મારુ મગજ પણ ત્યારે ઘાસ ચરવા ગયું હતું કે જે તારા જેવા ગધેડાને પ્રેમ કરી બેઠી. એતો સારું થયું કે ભગવાને મને સદબુદ્ધિ આપી કે જેના વડે મને આટલો સારો લાઈફ પાર્ટનર મળ્યો.”

આમ તેઓ બંને હસી મજાક કરવા લાગે છે. તેઓ હસી મજાક કરતા હોય છે ત્યાં જ ફટાકડા અને બેન્ડ વાજાનો અવાજ આવે છે.
"લાગે છે જાન આવી ગઈ છે. મારે જવુ પડશે હવે. અને તું પણ ચાલ હવે." શિવાલી આટલું કહીને ત્યાંથી જવા લાગે છે.

"તું જા હું આવ્યો."

"હા જલ્દી આવજે. હું જાઉં છું મારા રાજકુમારને જોવા." આટલું કહીને હસતી હસતી શિવાલી ત્યાંથી જતી રહે છે.

શિવાલી ના જતા જ એકાંશ ઘૂંટણીયે બેસી જાય છે. એના મુખ પરના ભાવ પણ બદલાઈને દુઃખી થઈ ગયા હોય છે. ત્યાં જ પાછળથી ગૌરી એના ખભે હાથ મૂકીને કહે છે.

"આજે મોકો સારો હતો તો તારે પણ કહી દેવું જોઈએ ને કે તું પણ એને પ્રેમ કરે છે."
ગૌરીનું આટલું કહેતા જ એકાંશ પાછળ ફરે છે. ગૌરીને જોતા જ તે તેના ગળે વિટાઈને રડવા લાગે છે. ગૌરી એને રડી લેવા દે છે. થોડીવાર પછી એકાંશનો રડવાનો અવાજ ધીમો થાય છે એ જોઈને ગૌરી ફરીથી એ જ વાત કરે છે.

"આજે મોકો સારો હતો તો કહી દેવુ જોઈએ ને. કદાચ એ તને મળી ગઈ હોત."

"તું વાતને બરાબર સમજી નથી." એમ કહીને એકાંશ દર્દભર્યું સ્મિત આપે છે.

"આમ કેમ હસે છે? હું કઈ વાતને નથી સમજી?" ગૌરી આશ્ચર્યથી પૂછે છે.

"તેં સાંભળ્યું નહી? એ આગળ વધી ચૂકી છે. હવે એ એના થનાર પતિ ને ખુબજ પ્રેમ કરે છે. આજે તો એણે જસ્ટ વાત કહેવી હતી એટલે કહ્યું હતું."

"તો પણ યાર. તું સમજતો કેમ નથી? તું એને કહી દેત કે તું પણ પ્રેમ કરે છે તો એ ચોક્ક્સ આજે તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાત." ગૌરી થોડા ગુસ્સાથી કહે છે.

"તને સમજ નથી પડતી દોસ્ત! એને હવે હું ના મળું તો પણ એ દુઃખી ન થશે. કારણકે એ આગળ વધી ચૂકી છે અને કોઈક બીજાને પ્રેમ કરે છે. પણ જો હું હમણાં કહીશ કે હું પણ એને પ્રેમ કરું છું તો એ ચોક્કસ દુઃખી થશે. કારણકે એ એના હાલના પ્રેમ અને જુના પ્રેમ વચ્ચે અટવાઈ જશે. કોને પસંદ કરું એ મુઝવણ એના મનમાં ઊભી થશે. પછી એ મારી સાથે પણ ખુશ ન રહેશે અને ના હાલમાં જેને પ્રેમ કરે છે એની સાથે. કારણકે જો એ મારી સાથે લગ્ન કરે તો એના મનમાં અપરાધ રહેશે કે એણે પેલા વ્યક્તિને દગો આપ્યો અને એ વ્યક્તિ સાથે લગ્ન કરશે તો મને ગુમાવવાનું દુઃખ રહેશે. અને કદાચ મારી સાથે લગ્ન કરીને એ અપરાધ ન અનુભવે તો પણ પેલા વ્યક્તિનું શું કે જે શિવાલીને ખુબજ પ્રેમ કરે છે? આ બધામાં એનો શું વાંક? એણે કારણ વિના દુઃખી થવું પડશે. અને કદાચ એ દુઃખી ન થાય તો પણ એ બંનેના મમ્મી પપ્પા નું શું? એ લોકો કયું મોઢું લઈને સમાજમાં જશે? એમની ઇજ્જતનું શું?" એકાંશ આટલું કહીને જાણે થાકી ગયો હોય એમ હાંફતો હતો.

"તું આટલા બધાનું વિચારે છે પણ તારું વિચારે છે? તને જે દુઃખ થઈ રહ્યું છે તેનું શું? તું આવ્યો ત્યારથી હું જોઉં છું કે તું કેટલો દુઃખી થઈ રહ્યો છે." ગૌરી પણ લાગણીવશ થઈને આ વાત કહે છે. એકાંશનો આ હદ સુધીનો પ્રેમ અને બીજાનું પણ વિચારે છે એ જોઈને તેની આંખમાં પણ આંશુ આવી જાય છે.

"બિઝનેસ કરનાર વ્યક્તિ છું. તો ગણતરી તો કરું જ ને?" આટલું કહીને એકાંશ ફરી દર્દભર્યુ સ્મિત આપે છે.

"મતલબ સમજી નહિ હું. કેવી ગણતરી? આમાં બિઝનેસ ક્યાંથી આવ્યો?" ગૌરી અસમંજસ ભાવે પૂછે છે.

"એક સાથે ઘણા બધા વ્યક્તિ દુઃખી થાય એના કરતા એક જ વ્યક્તિ દુઃખી થાય એ ગણતરી સારી ને? ધંધામાં હંમેશા ઓછું નુકસાન થાય એવો જ સોદો કરવામાં આવે છે ને?" એકાંશ આટલું કહેતા રડી પડે છે.

એકાંશની વાત સાંભળીને ગૌરી પણ રડી પડે છે.

"તને ખબર છે? હું આજે એને છેલ્લી વાર જોવા આવ્યો હતો. તે સમયે મેં વિચાર્યું ન હતું કે મને આજે આ વાત જાણવા મળશે કે એ પણ મને પ્રેમ કરે છે. કાશ આજે આવ્યો જ ન હોત તો થોડું દુઃખ ઓછું થાત. હવે કાયમ અફસોસ રહેશે કે કાશ મેં સાચા સમયની રાહ જોયા વિના જ શિવાલીને કહી દીધું હોત તો એ આજે મારી સાથે હોત. અને પ્લીઝ આ વાત કોઈને ખબર પડવી ના જોઈએ. આજથી હું આ પ્રકારની લાગણીને છૂટાછેડા આપુ છું. હવે મારાથી આવી ખોટ સહન ન થઈ શકે..."

આટલું કહીને એકાંશ ત્યાંથી જતો રહે છે. એ જ એની પુરાણી સ્માઇલ લઈને. જેની પાછળનું દુઃખ કોઈ જોઈ શકે નહિ.

ગૌરી હજી ત્યાં જ ઊભી રહે છે. એકાંશની આકૃતિ અંધકારમાં વિલીન થતી જોઈને આંખમાં આંસુ સાથે તે બોલે છે.

"હે ભગવાન, તારી લીલા પણ ખરી છે.
બધાને હસાવવા વાળો આજે ખુદ રોવે છે,
ધંધામાં કદી ખોટ ન ખાનાર વ્યક્તિને આજે એક સાચા સંબંધની ખોટ વર્તાય છે,
બધાનું દુઃખ સમજનારનું દુઃખ કોઈ સમજી શકતું નથી,
બધાના આંસુ સાફ કરનારના આંસુ સાફ કરનાર કોઈ નથી,
બધાને સાથે લઈને ચાલવા વાળો વ્યક્તિ આજે એ પોતે ભીડમાં પણ એકલો છે,
પોતે દુઃખી છે અને બીજાના દુઃખ દૂર કરવા નીકળી પડ્યો છે એ,
ખૂબ ઓછા વ્યક્તિ હોય છે આવા.
ભગવાન પ્લીઝ મારો દોસ્ત આટલા બધા દુઃખને લાયક નથી. એને પણ ખુશી આપ. એની લાઇફમાં પણ કોઈ એવું હોવું જોઈએ કે એને ખુશ રાખે, એને સમજી શકે, એની સ્માઇલ પાછળ દુઃખને પણ જાણી શકે...."


(સમાપ્ત)

© એલિશ

(આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઇના વ્યક્તિગત જીવન સાથે કોઈ સંબંધ નથી.)