ફિલ્મ '૮૩'
-રાકેશ ઠક્કર
ફિલ્મ '૮૩' ને જેમણે પણ જોઇ છે એ માનશે કે થિયેટરમાં જ એનો સાચો આનંદ માણી શકાય એમ છે. કબીર ખાનનું નિર્દેશન ત્રણ કલાક માટે થિયેટરને ક્રિકેટ સ્ટેડિયમ બનાવી દે છે. ક્રિકેટ મેચના દ્રશ્યો એટલા વાસ્તવિક બન્યા છે કે દર્શકને એવી અનુભૂતિ થાય છે કે તે પણ ભારતીય ટીમ સાથે ઇન્ગ્લેન્ડ પહોંચી ગયો છે! મામૂલી ગણાતી ભારતીય ક્રિકેટ ટીમ કેવી રીતે મોટી જીત મેળવે છે એની વાત તેમણે નાની નાની મજેદાર વાતો સાથે રજૂ કરી છે. કેમકે ફિલ્મની શરૂઆતની અને અંતની વાત તો બધાને જ ખબર છે. ક્રિકેટ વર્લ્ડ કપને એક મજેદાર વાર્તાની જેમ રજૂ કર્યો છે. થિયેટરમાંથી બહાર નીકળતી વખતે દર્શકની આંખમાં આંસુ અને ચહેરા પર હાસ્ય હોય છે.
કબીરે કેપ્ટન 'કપિલ દેવ' નું પાત્ર ભજવતા રણવીર સિંહને જ માત્ર કેન્દ્રમાં રાખવાને બદલે દરેક પાત્રને જરૂર જેટલું મહત્વ આપ્યું છે. ક્રિકેટની રમતમાં 'ટીમ' નું જે મહત્વ હોય છે એ વાતનું પડદા ઉપર પણ ધ્યાન રાખ્યું છે. છતાં રણવીર સિંહ 'કપિલ દેવ' ની ભૂમિકાને સાકાર કરવા બદલ સૌથી વધુ પ્રશંસા મેળવી જાય છે. કોઇ એવું દ્રશ્ય નથી જેમાં રણવીર 'કપિલ દેવ' ના પાત્રની બહાર આવ્યો હોય. ફિલ્મમાં રણવીર ક્યાંય દેખાતો નથી. દેખાવ કે બોલવા-ચાલવાની વાત તો ઠીક છે પણ કપિલનો ક્રિકેટ રમવાનો અંદાજ પકડીને રણવીરે દર્શકોનું દિલ વધારે જીતી લીધું છે. તેણે કપિલ દેવની માત્ર નકલ કરવાને બદલે એને પડદા પર જીવંત કર્યો છે. સમીક્ષકોએ તેને સોમાંથી બસો અંક આપ્યા છે. '૮૩' એ બે વાત સાબિત કરી છે કે રણવીર સિંહ જબરદસ્ત ફિલ્મી હીરો છે અને કપિલ દેવ ક્રિકેટના મેદાનના હીરો હતા. રણવીરે કપિલની ભૂમિકાને કેટલો ન્યાય આપ્યો છે એ જાણવાનું સરળ છે. કપિલના યુટ્યુબ પરના કોઇપણ ઇન્ટરવ્યુ જોવાથી એનો ખ્યાલ આવી જશે.
ફિલ્મના ક્લાઇમેક્સમાં આંસુ પાડવાની ક્ષમતા રાખે એવો અભિનય રણવીરનો જ નહીં આખી કલાકાર ટીમનો છે. દરેક કલાકારની પસંદગી એટલી જબરદસ્ત કરી છે કે થિયેટરમાંથી બહાર આવ્યા પછી પણ એ યાદ રહે છે. પીઆર માનસિંહ તરીકે પંકજ ત્રિપાઠી લાજવાબ છે. ક્રિકેટ વર્લ્ડ કપમાં તેમનું મહત્વ કેટલું હતું એનો ખ્યાલ એ વાત પરથી આવશે કે ફિલ્મની શરૂઆત અને અંત તેમનાથી જ થાય છે. મોહિન્દર અમરનાથ તરીકે સાકિબ સલીમ અને યશપાલ શર્માના રૂપમાં જતિન સરના વધારે ઉલ્લેખનીય છે. કપિલની પત્ની રોમાની ભૂમિકામાં રણવીરની અસલ પત્ની દીપિકાની ભૂમિકા નાની છે. પણ તેની હાજરી ફિલ્મની કિંમત વધારી શકી છે. કલાકારોની પસંદગી કરનાર મુકેશ છાબડાની પણ એમાં મહેનત છે.
ફિલ્મનું મોટાભાગનું શુટિંગ ભારતમાં જ થયું છે છતાં નિર્દેશકનો એ કમાલ છે કે ક્યાંય એવું લાગ્યું નહીં કે ૧૯૮૩ માં જ્યાં થયું હતું ત્યાંનું નથી. અંતમાં આ ફિલ્મ માટે કામ કરનારાના નામોની યાદી જોયા પછી ખ્યાલ આવશે કે કેટલા લોકોએ ફિલ્મ પાછળ મહેનત કરી છે. દાયકાઓ પહેલાંની ઐતિહાસિક જીતને પડદા પર દર્શાવવાનું સરળ ન હતું. કેમકે એ માટે સંશોધન કરવા સાથે એ યુગને જીવંત કરવાનો હતો. કબીરે જીતના એ ઇમોશનને અનુભવી શકાય એવું નિર્દેશન કર્યું છે. ક્રિકેટ સાથે ઘણા નાટકીય દ્રશ્યો પણ છે. એક દ્રશ્યમાં વેસ્ટ ઇન્ડિઝે સારું રમનાર ભારતને હરાવ્યું હોય છે ત્યારે વેસ્ટ ઇન્ડિઝવાળા પોતાનો ધ્વજ લહેરાવીને ડાન્સ સાથે ચીસો પાડે છે એ વખતે એક બાળક શું કરે છે એ જોઇને કોઇપણ ભારતીયની આંખ ભીની થાય એમ છે. બીજા એક દ્રશ્યમાં નવાબપુર ગામમાં બધા સાથે બેસીને ટીવી પર મેચ જુએ છે ત્યારનો માહોલ પણ આંખમાંથી આંસુ લાવી દે એવો છે. સંવાદો મજેદાર છે. એક જગ્યાએ ટીમના કોચને મજાક કરતાં પૂછવામાં આવે છે કે આ વખતે તો ઇસ્ટ આફ્રિકા પણ નથી તો હરાવશો કોને?!
ફિલ્મમાં કેટલીક નબળાઇઓ પણ રહી ગઇ છે એટલે ફિલ્મને પૂરા પાંચ સ્ટાર આપવામાં આવ્યા નથી. અડધો કે એક સ્ટાર કાપવામાં આવ્યો છે. કેમકે મૂળ વાર્તામાં જરૂર વગરના કેટલાક કિસ્સા ફિલ્મની લંબાઇ વધારે છે. સંવાદોમાં અંગ્રેજીનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇમરાન ખાનને એક દ્રશ્યમાં કેમ બતાવવામાં આવ્યા એ સમજાતું નથી. ગીત- સંગીતમાં ખાસ દમ નથી. એક ફિલ્મ તરીકે '૮૩' સારી છે કે ખરાબ એ પછીની વાત છે પણ એ જરૂરી હતી એ બધાં જ માનશે. આપણે સાંભળ્યું કે વાંચ્યું હતું કે એ સમય પર ભારતીય ક્રિકેટ ટીમ 'અન્ડર ડોગ' હતી. તેની જીત માટે કોઇને વિશ્વાસ ન હતો. પરંતુ એમણે કેવી તીવ્રતાથી સંઘર્ષ કર્યો હતો એ જાણતા ન હતા. ૧૯૮૩ ના એ ક્રિકેટ વર્લ્ડ કપની જીતને જોવા માટે '૮૩' ને એક વખત જરૂર જોવી જોઇએ. ફિલ્મ માટે 'મેન ઓફ ધ મેચ' નો રણવીર સિંહને અને 'મેન ઓફ ધ સિરીઝ' નો એવોર્ડ કબીર ખાનને આપી શકાય એમ છે!
('ચિત્રલેખા' મેગેઝીનની વેબસાઇટ (chitralekha.com) પર બૉલિવૂડના કલાકારોના જીવનની ઓછી જાણીતી અને રસપ્રદ વાતો વાંચવા માટે લેખક રાકેશ ઠક્કરની કોલમ 'બૉલિવૂડ કી બાતેં' આપ વાંચી શકો છો.)