મીના અને પલ્લું ખભે દફતર ટીંગાડીને રોજ સાથે સ્કૂલે જતાં, ભણતા તો બીજું ધોરણ હતાં પણ બન્નેને વાંચવાનો બહુ શોખ. તેમના ઘરે ફુલવાડી, ઝગમગ અને ચંપક નિયમિત આવતા. એક દિવસમાં તો બન્ને બહેનપણીઓ તે વાંચીને પૂરાં કરી નાંખતી પછી શું વાંચવું એ પ્રશ્ન બન્નેનાં મનમાં આવતો તેથી સ્કૂલની લાયબ્રેરીમાં બંને વાંચવા પહોંચી જતી,
આજે પણ તેમજ થયું. મીના સ્કૂલની લાયબ્રેરીમાં પહોંચી ગઈ, મીનાને પલ્લું ગોતવા નીકળી તે કોઈ જગ્યાએ ન મળતા નક્કી મીના લાયબ્રેરીમાં પહોંચી ગઈ હશે તેમ કહી પલ્લું તેને શોધવા લાયબ્રેરીમાં ગઈ તો મીના એકબાજુ ખૂણામાં બેઠી બેઠી મિયાં ફુસકી ને વાંચી રહી હતી.
"મીના હાલ બેલ પડી ગયો, હમણાં સાહેબ આવી જશે તને કે મને નહીં જોતાં ફરિયાદ કરશે આપણાં મમ્મી-પપ્પા ને."
"ને પપ્પા આપણને ખોટું ખોટું વધશે ને કહેશે ઘરમાં બાળ સાહિત્ય આવે છે તો સ્કૂલમાં ભણવાને બદલે ચોપડીના પાના ફેરવવા લાયબ્રેરીમાં કેમ ચાલ્યા જાઓ છો!" મીના બોલી ને સાથે બંને બહેનપણીઓ ખડખડાટ હસવા લાગી.
"અવાજ ન જોઇએ મારે લાયબ્રેરીમાં શાંતિ રાખો અને તમે બેય ભણતી નથી ને ખાલી ટાઈમ પાસ કરવા અહીં આવી જાવ છો." ગ્રંથપાલ બહેનનો અવાજ સાંભળી મીના ડરી ગઈ, નીચે જમીન પર બેઠી હતી તેથી તેનો એક હાથ જોરથી લાદી પર પડછાયો. ત્યારે જ ચીઈઈ કરતો અવાજ આવ્યો ને સાથે ત્યાં રહેલો નાનો દરવાજો ખુલ્લી ગયો. ધડામ.. કરતી મીના નીચે પડી પલ્લું એ તેનો હાથ પકડેલો હતો તેથી તે પણ સાથે ખેંચાણી ને તે પડી મીના પર.
બંને ડઘાઈ ગઈ જોયું તો ઉપર અંધારું હતું ને નીચે પોચું પોચું લાગતું હતું. "મીના આપણે ક્યાં આવ્યાં?" પલ્લું એ કહ્યું. "ખબર નથી પણ બીક બહુ લાગે છે." મીનાએ પલ્લું નો હાથ પકડી લીધો ને બંને ત્યાંથી આગળ જવા માટે ચાલવા લાગી.
આગળ જતાં એક મોટું વાહન દેખાણું તે શું હતું તે બંને માંથી કોઈ ને ખબર નહોતી. પલ્લું તે વાહન આગળ ગઈ, વાહનની ઉપર પંખો લટકતો હતો, પલ્લુંએ નાનાં નાનાં હાથે વાહનના આગળનાં ભાગે સ્પર્શ કર્યો સાથે તેનો દરવાજો ખુલ્લી ગયો. હવે બંને બહેનપણીઓ માં હિમંત આવી ગઈ હતી. ધીરે રહીને પલ્લું તે વાહનમાં ગઈ, મીના પણ તેની પાછળ પાછળ ગઈ. ત્યાં એક લાંબી સીટ હતી તેની ઉપર બંને બેસી ગઈ. સીટની સામેનાં ભાગમાં એક મોટું સ્વીચ બોર્ડ હતું મીનાએ તે બોર્ડમાં રહેલી પહેલી સ્વીચ દબાવી તો વાહન ફરવા લાગ્યું બંને ને તો ખૂબ જ મજા આવી ગઈ. તાળીઓ પાડવા લાગી, ત્યાંતો વાહન ઉડવા લાગ્યું. "અરે.. પલ્લું આતો ઉડવા લાગ્યું" મીના બોલી.
"ભલે ને ઉડે આપણે આકાશમાં પહોંચી જશું" પલ્લું એ દાંત કાઢતા કહ્યું.
"એય.. ઘોઘા અહીં આવ, જલ્દીથી જો તો આપણે બનાવેલી ઓટો કાર કોઈ લઈને ભાગ્યું." ટીણુ ઉતાવળમાં બોલ્યો.
મેં તો એને બંધ રાખી હતી કોણે તે ખોલી? ઘોઘા નાં અવાજમાં ગુસ્સો હતો. તે પોતે બનાવેલા કંટ્રોલ બોર્ડ પાસે બેસી ગયો, જે વાહનમાં મીના અને પલ્લું બેઠાં હતાં તે વાહન ટીણુ અને ઘોઘા એ સાથે મળી બનાવ્યું હતું. તે કેટલી ઉંચાઈએ પહોચી શકશે તેની બંનેમાંથી કોઈને ખબર નહોતી. ઘોઘા એ એક પછી એક સ્વીચ ચાલુ બંધ કરવા લાગી, હાલો હાલો બોલવા લાગ્યો.
"મીના એ મીના જોતો કરી અહીં લાલ લાઈટ ઝબકે છે," પલ્લું એ મીનાને કહ્યું, પણ મીના તો હવામાં ઉડતી હતી તેથી તેણે કંઈ સાંભળ્યુ નહીં. પલ્લું એ ખિજાય ને જ્યાં લાલ લાઈટ ઝબકતી હતી ત્યાં જોરથી હાથ મૂક્યો તો સામે ઘોઘા અને ટીણુ દેખાણા, "અલી એય મીનકી સાંભળતી કેમ નથી, જોતો કરી ઘોઘો અને ટીણુ આ ફોટામાં દેખાય છે."
મીનાએ આગળ આવી જોયું તો ટીણુ નો અવાજ આવતો હતો, "અમારી ઓટો કારમાં કોણ છે?"
"એતો હું અને પલ્લું છીએ ટીણુ." ઘોઘો અને ટીણુ એ પલ્લું અને મીના નાં ભાઈઓ જ હતાં.
"તમે બેય આ કારમાં ક્યાંથી બેઠી," ઘોઘા એ કહ્યું.
"અમારી સ્કૂલ ની લાયબ્રેરીમાંથી" કહી મીનાએ જે બન્યું તે વાત ઘોઘા અને ટીણુ ને કહી.
કોઈ વાંધો નહીં જલ્સા કરો તમે અત્યારે વાદળાની ઉપર છો, હજુ તમે ઉપર જઈ રહ્યા છો, કોઈ બીક નહીં રાખતા તમારી કારની તમામ માહિતી અમને મળતી રહે છે. ઘોઘો બોલતો હતો ત્યાં ઈલા, રશ્મિ ને ટીણો આવ્યાં.બધા મામા-ફૈબા નાં ભાઈ-બહેન હતા.
"મીના અને પલ્લું બંને આકાશમાં પહોંચી ગયા કહેતા ટીણુ હસવા લાગ્યો. ધત્ત્ તેરી મારે જવાનું હતું ને આ બેય પહોંચી ગઈ," ટીણો હસતાં હસતાં બોલ્યો. બધાં જોઈ રહ્યા, ઓટો કાર ક્યાં સુધી આ બંને ને પહોંચાડે છે તે!
મીના અને પલ્લું ઉપરને ઉપર જતાં હતાં અચાનક પલ્લું નો શ્વાસ રૂંધાવા લાગ્યો, નીચે થી ટીણુ એ જોયું, મીના, પલ્લું ને ઓક્સિજન આપ જો ત્યાં તારી ડાબી બાજુ બાટલો છે તેની નળી તેનાં નાકમાં નાખ. મીનાએ તે વાત સાંભળીને પહેલા બાટલો શોધી પલ્લુંનાં નાકમાં તેની નળી નાખી, આ બધું તે માંડ માંડ કરી શકી.
ઓટો કારમાં પેટ્રોલ ખૂટી રહ્યું છે એવી સૂચના બાજુમાં ઉભેલા ટીણા એ સાંભળી,
"પેટ્રોલ ખુટવાની તૈયારી માં છે આ બેય છોકરીઓ કાંઈ જાણ્યા વગર એમને એમ ભાગી ગઈ , હવે તે ત્યાં તેમનું શું થાશે," ટીણાંનું મગજ ફાટ ફાટ હતું, "હું જાવ છું ઉપર મેં મારૂં એક વિમાન તૈયાર કર્યું છે તે લઈને, સાથે પેટ્રોલ નો ટાંકો લેતો જાવ છું". કહેતાં ટીનો મારફાડ કરતો ત્યાંથી ભાગ્યો.
"ટીના ઉભો રહે મારે આવવું છે "ઈલા બોલી,
"મારે પણ" રશ્મિ એ કહ્યું.
"લઈજા હવે આ બેયને તારી સાથે, ભલે ચારેય બેનો ભેગી થઈ નવી દુનિયા જોતી." ઘોઘા એ ટીના ને કહ્યું.
"હા હાલો.. તમે બે બાકી રહી જાવ એ કેમ હાલે," કહી ટીનો રશ્મિ અને ઈલાને લઈને ઉપડ્યો.
ટીનો પોતાને જોઈતી તમામ સામગ્રી વિમાનમાં લઈને ઉપડ્યો, તેણે પોતાની સાથે કંટ્રોલ બોર્ડે ને જોઈન્ટ કરી દીધું હતું તેથી ઓટો કારની તમામ પ્રકારની માહિતી મળી શકે.
ઓટો કારનું પેટ્રોલ સાવ ખૂટી ગયું, કાર ગોળ ગોળ ફરવા લાગી, મીના અને પલ્લું એકસાથે બોલી, શું થયું.અચાનક ઓટો કાર ઉભી રહી ગઈ, અને નીચે કંટ્રોલ બોર્ડે સાથેનું જોડાણ છૂટી ગયું.બંને ભયભીત થઈ ગઈ. બારીની બહાર બન્ને એ જોયું તો મેદાન હતું ચારેબાજુ પત્થરા સિવાય કાંઈ જ નહોતું, બંને ધીરે રહીને કારમાંથી બહાર આવી.
"હવે આપણે શું કરીશું". મીનાએ કહ્યુ.
ભૂખ બહુ લાગી છે, ને તરસ પણ પલ્લું બોલી.
"ચાલ જોઈએ કાંઈ મળે તો!"
"અહીં શું મળવાનું હતું ધૂળ ઢેફાં સિવાય."
બંને થાકેલી હતી ને સાથે ભૂખી પણ. મીનાએ દૂર નજર કરી તો ગોળ આકારનું રકાબી જેવું નીચે ઉતર્યું.
"આ તો ઉડતી રકાબી, તેમાં માણસો હશે, મેં આવું કંઈક ચોપડીમાં વાંચ્યું હતું, ચાલ આપણે તેની પાસે જઈએ." મીનાએ કહ્યુ.
બંને ત્યાં ગઈ તો વિચિત્ર લાગતાં ચાર જણ ત્યાં ઉભા હતાં, પરસ્પર એકબીજાને બધાં જોઈ રહ્યા.
મીના તેની પાસે હિમંત કરીને ગઈ મારે પાણી પીવું છે તેમ કહ્યું તો સામે વાળા એ હાથનાં આંગળાં ગોળ ગોળ ફેરવ્યા, એકબીજાની વાત કોઈ સમજી ન શક્યું. પલ્લું ચક્કર આવતાં પડી ગઈ, આમેય તેમને ઓક્સિજન ઓછો પડતો હતો, એક માણસ રકાબીમાં જઈ નાની બોટલ લઈ આવ્યો ને પલ્લું ઉપર તેમાંનું પ્રવાહી છાંટ્યું, બીજા માણસે મીનાનુ મોઢું દબાવી દીધું ને રકાબી તરફ ઘસડી ને લઈ ગયો, પલ્લું અને મીનાને લઈને રકાબી ઉડી ગઈ.
ટીનાનુ વિમાન ઓટો કારનો પીછો કરી રહ્યું હતું. ઓટો કાર કંઈ બાજું જઈ રહી છે તે કંટ્રોલ બોર્ડ દેખાડતુ હતું પણ કાર દેખાતી નહોતી. હાલો ટીના , કાર ઉભી રહી ગઈ છે કોઈ પત્થરાળ જમીન ઉપર પછી તેની સાથેની અમારી વાતચીત બંધ થઈ ગઈ, ઘોઘા નો અવાજ વિમાનમાં સંભળાતા ટીનાએ બહાર જોયું, કશું ન દેખાણું. રશ્મિ અને ઈલા એક સાથે બોલી ઉઠ્યા "જો ઉડતી રકાબી જાય," ટીનાએ એ દીશામાં જોયું તો રકાબી ઉપર જઈ રહી હતી, ત્યાંતો ઈલા બોલી, "ટીના.. અહીં નીચે એક કાર છે ને તેનું બારણું ખુલ્લું છે."
ટીના એ ચારેબાજુ નજર દોડાવી, પરિસ્થિતિ પામી ગયો તેણે ઈલા અને રશ્મિને કહ્યું "ધ્યાન રાખજો, વિમાનમાં ચારેબાજુ નજર ફેરવતાં રહેજો." કહી તેણે વિમાનને વધુ ઊંચું ચડાવ્યું.
રકાબી એક હાથ જ દૂર હતી, "ઈલા પેરાશૂટ કાઢીને મને આપ, તું આ વિમાન આટલામાં ફેરવજે, રશ્મિ તું એની મદદ કરજે" કહેતા ટીના એ પેરાશૂટ લીધું.
"ટીના પેટ્રોલ ની વાસ આવે છે ને ઢોળાય રહ્યું હોય તેમ લાગે છે." રશ્મિ એ કહ્યું.
"ચેક કરી ને જો ટાંકી પાસે ફેવિકોલ છે,, ને તેની બાજુમાં પ્લાસ્ટિક છે, જલ્દી કર સીલ મારી ને મને કહે," ટીનો ઉતાવળે બોલ્યો.
"મરાઈ ગયુ સીલ, ઈલા તારી બાજુમાં કાપડ ના ટુકડા છે તે મોટા મોટા અહીં ફેક હું પેટ્રોલ સાફ કરી નાખું." રશ્મિ એ કહ્યું.
આ બધું જલ્દીથી પૂરૂં થઈ ગયું , ટીનો કૂદીને ઉડતી રકાબી માં ટીંગાય એની અંદર ઘુસી ગયો. ટીનાને જોતાં મીના અને પલ્લું નાં જીવમાં જીવ આવ્યો. રકાબી માં રહેલાં ચારેય માણસો બીક ના માર્યા પોતાને જોઈતી વસ્તુઓ લઈને કૂદી પડ્યા.ટીનાએ રકાબી ને નીચે પથ્થરાળ જમીન ઉપર ઉતારી, સાથે ઈલાએ વિમાન ને નીચે ઉતાર્યું. રશ્મિ વિમાન માંથી બહાર આવી રકાબી પાસે પહોંચી ગઈ, મીના અને પલ્લું ને બહાર કાઢ્યાં એ બંને તો બીકના માર્યા થરથર કાંપતા હતા.
ટીના એ ઓટો કારમાં પેટ્રોલ નાખ્યું , મીના અને પલ્લું ને કહ્યું, "તમે બન્ને મારી સાથે ચાલો, ઈલા તું અને રશ્મિ આ વિમાન લઈને નીચે ઉતરો. હું કંટ્રોલ બોર્ડ સાથે સંપર્ક કરૂં છું. જલ્દીથી અહીં થી ભાગો નહીં તો બીજું કોઈ આવીને આપણને બધાને ઉપાડી જશે. પેલાં ચારેય અહીંથી ચાલ્યા ગયા છે તે પાછા આવશે જ."
"જો ટીના ઉપર બીજી ઉડતી રકાબી દેખાય છે", રશ્મિ ની વાત સાંભળી ટીનાએ ઓટો કાર શરૂ કરી દીધી અને ઈલા, રશ્મિ પણ વિમાન લઈને ભાગ્યાં. થોડે દૂર ગયા ત્યાં એકબીજાને હાલો હાલો અવાજ આવવા લાગ્યો. બધા એકસાથે બોલ્યા, "સંપર્ક જોડાય ગયો." કંટ્રોલ બોર્ડ પાસે ઘણીવાર થી બેઠેલા ટીણુ અને ઘોઘા નાં જીવમાં જીવ આવ્યો.
પલ્લવી ઓઝા
"નવપલ્લવ"