નમ્રતાની માતા સરયુબેન અને પિતા સદાનંદભાઈ ખૂબ પ્રેમાળ. તે બંનેનું હૃદય અને મન ખૂબ વિશાળ. એમના સુખમય લગ્નજીવનની શીતળ છાંવમાં ઉછરેલી નમ્રતા હવે યૌવનમાં પ્રવેશી ચુકી હતી. ટૂંકી આવક, ને નાનું અમથું ઘર; છતાંય ઘરમાં સુખનો સાગર હિલોળા લ્યે એવું એ લોકોનું જીવન. કુંટુંબની છબી તો આખાય વિસ્તારમાં ખૂબ ચોખ્ખી ચણક. પૈસેટકે ગરીબીનો અહેસાસ ક્યારેય ન થાય એવું સદાનંદભાઈ નું આર્થિક આયોજન. નમ્રતા નાની હતી ત્યારથી જ પિતાએ ઘણી મહેનત કરતા રહી, દીકરી માટે ખાસ બચત પણ કરી જ રાખેલી. દીકરીને ભણાવવામાં ક્યાંય કચાસ ન પડે એવું સુલભ આયોજન. દીકરીનું ઠેકાણું પાડવું જોઈએ એવા સરયુબેનના ભારે હૃદયે બોલાયેલા શબ્દો પિતાના કાળજાને વીંધી ગયા, છતાંય; મને-કમને, સારો મુરતિયો શોધવાનું ચાલુ કરી દીધું. મધ્યમ કુટુંબની દીકરી માટે મુરતિયો ભલે બહુ ધનવાન પરિવારનો ન મળે, પણ ભણેલી-ગણેલી યુવતીને છાજે તેવો હોય એ તો જોવું જ પડે.. ! આમેય, નમ્રતા એટલે અનુસ્નાતક સુધી સારા ગુણોથી પાસ થનારી, ગુણવાન, વિવેકી, સુશીલ ને સાથોસાથ હિમ્મતવાળી દીકરી. પારકા ઘરને પોતાનું કરી અને સૌ સાથે હળી-મળી જતા એને વાર ન લાગે.
નમ્રતાને પણ લગ્ન કરવા બાબતે કાંઈ વિરોધ નહીં. તેથી એને માતા-પિતાની ઈચ્છાને સહર્ષ વધાવી લીધી. જગતમાં આમ જ ચાલતું હોય છે. ઉંમરલાયક થાય એટલે કન્યાએ લગ્ન કરીને સાસરે જવાનું જ હોય છે.. એમાં ખોટું શું છે..! દિકરીતો પારકી થાપણ જ કહેવાય... એવું એના પિતાજી હંમેશા કહેતા. નમ્રતા પોતાનાં નવા જીવનનાં સપના જોતી થઈ ગઈ હતી. પોતાનાં માતા-પિતા ને કાયમ આનંદમાં જોનારી નમ્રતા લગ્ન માટે તો તૈયાર હતી, પણ એની બહેનપણી સુલેખાની જીવન કહાણી સાંભળ્યા પછી તેનું મન થોડું વિચલિત થઈ ગયું. સુલેખાનું લગ્ન હજુ એક વર્ષ પહેલાં તો થયું હતું..પણ, સુલેખા ખુશ નહોતી...
* * * * *
સુલેખા કેવા લેખ લખાવીને આવી હશે કે લગ્નના ચારેક મહીના થયા હશે, અને એને ધોળે દિવસે ચાંદ તારા દેખાવા મંડ્યા..! સુલેખા જ્યારે છેલ્લે મળી ત્યારે રોઈ રોઈને લગભગ અડધી થઈ ગઈ હતી. નમ્રતાના સમજાવવાના પ્રયત્નોમાં એનો એક જ જવાબ કે 'જેના પર વીતે એ જ જાણે..' નાનામોટા કોઈ પણ કામમાં સાસુ એક શબ્દેય ઉંમેરે નહીં તો દિવસ જ કેમ નીકળે? રસોઈની વાત હોય, ઘરની સાફ-સફાઈ હોય કે બીજી કોઈ સામાજિક વાતો હોય...સાસુની કપ્તાની સામે સસરાનું કે દીકરાનું એક નયા ભાર ન ચાલે..! " માવતર આજકાલ દીકરીઓને કોઈ કામ શીખવાડે નહીં...લોહી ઉકાળા અહીં આપણે થાય..!" સુલેખાના સાસુએ છ મહિનામાં જ કેટકેલાય લોકોનાં દોષ ગણી દીધેલા... !
. * * * * *
સુલેખાની વેદના, વ્યથા અને લગ્નજીવનનો અનુભવ નમ્રતાને હચમચાવી ગયો. છતાંયે, નમ્રતાએ પોતાના મનને મનાવી લીધું. એ પોતાના માટે શક્ય હતું. મમ્મી-પપ્પાનું જીવન એની સામે સફળતાનું એક મજબૂત દ્રષ્ટાંત હતું. બીજું પોતે પણ અમુક ચોક્કસ વિચારોથી ટેવાયેલી હતી. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત હતી એનામાં. લગ્ન કરીને સાસરે જવું, નવું જીવન શરૂ કરવું, નવો સંસાર-પોતાનો સંસાર; બસ, બધું એવું જ તોહોય; "જોયું જશે, પરિસ્થિતિ અને ચઢાવ-ઉતાર આવતા હોય છે..જીવી લેવાશે..!" આવા ભાવ નમ્રતાનું મનોબળ વધારતા રહ્યા.
જોતજોતામાં લગ્નની વાતો આવતી થઈ ગઈ. બે-ચાર મહિના આવું ચાલ્યું અને એક કુટુંબ તરફથી સરસ માગું આવી પણ ગઈ જેની ખુશી મમ્મી-પપ્પાના ચહેરા પર ઝલકતી હતી. છોકરાનું નામ સુહાસ. એ જ શહેરમાં રહેતો સુખી પરિવાર. ઘરમાં કુલ પાંચ સભ્યો. સમાજમાં પણ કુટુંબની છાપ ખૂબ સારી. પૈસેટકે સુખી પરિવાર. સુહાસની નોકરી એક કંપનીમાં મેનેજર તરીકે - ખૂબ જ વ્યવસ્થિત.
નમ્રતાને પણ માં-બાપ ની પસંદગીમાં કાંઈ અયોગ્ય ન લાગ્યું. છોકરા વાળા ઘરે આવીને ગયા...અને, નમ્રતાના ઘરેથી બધા સુહાસનું ઘર-કુટુંબ જોઈ આવ્યા. બસ, બીજું શું જોઈએ? લગભગ બધું જ સારું હતું. યુવક તરફથી 'હા' નો જવાબ આવી ગયો હતો. નમ્રતા શુ વિચારે છે એ બાબતે જાણવા નમ્રતાના પપ્પાએ સાંજે વાળુંના સમયે વાતચીત ઉખેડી. "કુટુંબ તો ઘણું સારું છે. મિત્રવર્તુળમાંથી જાણ્યું એ રીતે બધું સારું જ સાંભળવા મળે છે. છોકરો એમબીએ સુધી ભણ્યો છે.. સારી નોકરી છે..ઘરનાં બધા લોકો પણ માયાળુ જણાય છે.. , બાકી આગળ નમ્રતા ની ઈચ્છા..!'
નમ્રતાને વિરોધ કરવા જેવું લાગ્યું નહીં. ઘર સારું છે. પોતાની નોકરી કરવાની ઇચ્છાનો વીરોધ કે વિવાદ દેખાતો નથી. પૈસાનું કોઈ એવું અભિમાન નથી. સાદું અને સરળ જીવન હોય એવું લાગ્યું...
આખરે લગ્નની વ્યવહારિક વાતચીત પુરી થઈ. નમ્રતાના વેવિશાળ અને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. સુહાસ અને નમ્રતા ક્યારેક ફોન પર થોડી વાતો કરી લેતા. સુહાસની લાગણીસભર વાતોથી નમ્રતાના હૃદયમાં પોતાનાં લગ્નજીવન અને જીવનસાથી સાથે જીવન જીવવાના અરમાનોની સરવાણી છૂટતી રહી...!
"બસ, આવી જા. તને મળ્યા પછી હવે કોઈ કામમાં મન લાગતું નથી. તને પેલી વાર જોઈ ત્યારથી જ મેં નક્કી કરી લીધેલું - લગ્ન કરવા તો તારી સાથે જ..! સુહાસના શબ્દો નમ્રતાના ચિત્ત પર સતત તરવરતા હતા. અમુક વિચારો અને પ્રેમભર્યા સંસ્મરણો હૃદયને એવું ભીંજવી જતા હતા કે એમ થાય કે સમય થંભી જાય, વિચારોની ઘટમાળ અવિરત વહ્યા જ કરે..., ને કોરા થવાનું મન જ ન થાય..! "કદાચ, પ્રેમની શરૂઆત આવી જ થતી હશે?" નમ્રતાનું મન થનગની ઉઠ્યું.
"હજુ સગાઈ બાકી છે..! એક પખવાડિયું તો જવા દો, પછી મન મૂકીને વાતો કરીશું. આતો આપણા વડીલો આટલી છૂટછાટ આપે છે; નહીતો સગાઈ પહેલા આમ ફોન પર વાત પણ ન થાય." નમ્રતાનેય વાત કરવાની ઈચ્છા હતી તોય ટીખળ કરી જ લીધી હતી. "સાચી વાત છે. આમ વાત ના જ થાય..પણ, આપણે આખી જિંદગી સાથે જીવવાના છીએ તો એમાં ખોટુય શું છે? એટલે તો અત્યારે મોડી રાતે તારી સાથે વાત કરું છું. આમેય ઊંઘ તો સાવ ઉડી જ ગઈ છે - થોડા દિવસથી!"
નમ્રતાને પણ ક્યાં ઊંઘ આવતી હતી ! છતાંય, "સારું, તમારે હવે સુઈ જવા પ્રયત્ન કરવો જોઈએ. મારે પણ વહેલું ઉઠવાનું હોય છે" એમ કહી વાતો તો અટકાવી દીધી પણ, રોમાંચ અનુભવતા નેત્રોમાં અને માનસપટલમાં ઉઠેલા 'અરમાનોના અજવાળા' ને લીધે, નમ્રતાને મન - દિવસ શું કે રાત શું કે પછી મધ્યરાત્રી - કાંઈ ફર્ક જ ના હોય કે પછી ઊંઘવામાં મધરાતનું અંધારું ઓછું પડતું હોય, એમ પથારીમાં પડેલા અડધેથી વાળેલા ઓશિકામાં માથું સંતાડી દીધું. મીઠી મુસ્કાનથી હિલોળા લેતો ચહેરો, પાંપણમાં ઢંકાયેલી આંખો ને લગ્નનાં શમણાંની સવારીએ નીકળેલું મન લાંબા કાળા રેશમી કેશ અને ઓશિકામાં સુયોજિત ગોઠવાયેલા રૂ ની હુંફમાં જાણે પ્રભાતની ખોજમાં નીકળી પડયા હતા..!
વધુ આવતાં અંકે...
નોંધ : આશા છે કે વાંચકમિત્રો ને આ સામાજીક નવલકથા ગમશે. આપનો પ્રતિભાવ અવશ્ય આપશો.