રાજીને આ નેહડે આવ્યાને પંદર વર્ષ થવાં આવ્યાં. રાજીનું પિયર પણ ગીરમાં આવેલ એક નેસમાં જ છે. તેથી તેને સાસરે આવી, અહીં હિરણીયા નેસમાં ગોઠતાં વાર ન લાગી. રાજીને પશુધનનું કામ કરવાની નાનપણથી જ ટેવ હતી. નાનપણમાં રાજીએ જંગલમાં ગાય ભેંસ પણ ચરાવેલા હતાં. માલ દોહવાની ફાવટ પણ તેને નાનપણથી જ હતી. તેથી રાજીએ સાસરિયે આવતાની સાથે જ માલઢોરનું કામ, માલઢોર દોહવા,વાસીદું કરવું,નીરણ કરવી,ખાણ પલાળવા,પાણી ભરવું, ભેહૂ ધમારવી, છાણા થાપવા, છાશું કરવી,ઘી તાવવું,માવો કાઢવો આ બધાં જ કામ ઉપાડી લીધા હતાં. ધીમે ધીમે ગેલાને સમજાવીને નબળી ભેંસો વેચી સારી સારી ભેસો પણ વસાવી લીધી હતી. દૂધ ઉત્પાદન કેમ વધારવું, ભેંસોને કેમ સાચવવી, એ બધી રાજીને આવડત હતી.ડેરીએ દૂધ ભરીને આર્થિક રીતે પણ સારી રડતી ગાડી હતી.
રાજીને કોઇ વાતનું દુઃખ નહોતું. સાસુ-સસરા પણ માયાળુ હતાં. બંનેથી જે થાય તે કામ કરી રાજીને મદદરૂપ થતા. ગેલો પણ રાજીને ખૂબ સાચવતો.પણ રાજીને લગ્ન થયાં પંદર વર્ષ થયાં હજી તેની ગોદ સૂની હતી.કેટલીયે બાધા આખડી રાખી પણ હજી ભગવાન તેનાં પર મહેરબાન થયાં નહોતાં. રાજી કળવતી નહોતી પરંતુ તેનાં દિલમાં ઊંડે ઊંડે આ દુઃખ તેને કોરી ખાતું હતું.તે ઘણી વાર ગેલાને કહેતી, " તમે બીજા લગન કરી લ્યો.મને વાંધો નહિ."
ગેલો કહેતો, " અરે ગાંડી ભાગમાં નો હોય તો હાત લગન કરું તોય નો મળે. દુવારિકાવાળાને દેવું હહે તો દેહે. નકર આ દીધું ઇય ઘણું સે. ગરયનાં ઝાડવા, પહુડા, પખીડા બધાં આપડા જ છોરા,છોરિયું સે ને?" આ સાંભળી રાજીને ગેલા પર ખૂબ માન થતું
એ દિવસ યાદ કરતા રાજી ખૂબ ખુશ થઈ જાય. ગેલો તેના ભાઈબંધો સાથે જુનાગઢ શિવરાત્રિના મેળામાં ગયો હતો. નેહડે જુનાગઢ જાવાનું અને ગિરનાર ચડવાનું ખૂબ મહત્વ હતું. ગિરનારને નેહડાનાં લોકો જોગી જટાળા તરીકે ઓળખે. માલ ઢોર ચારતા ચારતા ગોવાળિયા ટેકરીયું પર બેઠાં બેઠાં દુહા પણ લલકારે.દુહામાં પણ ગીરનારને જુનાગઢ આવે.
"હે.. સોરઠ ધરા ન સંચર્યો,
ન ચડયો ગઢ ગિરનાર,
ન નાહ્યો દામો-રેવતી,
એનો એળે ગયો અવતાર."
ગેલો જુનાગઢથી રાજી માટે ચુંદડી અને બંગડી લાવ્યો હતો. રાજી તે દિવસે ખૂબ ખુશ થઈ હતી.ગેલો ક્યારેય તેને ઊંચા સાદે બોલાવતો પણ નહોતો.તેમાં ઝગડો કરવાની તો વાત જ ક્યાં રહી?
માલ ઢોરને પાણીની ખૂબ જરૂરિયાત રહેતી. આમ તો આખું ચોમાસું અને શિયાળો તો નેહડાની બાજુમાં વહેતા ઓકળામાં પાણી ખૂટતું નહોતું. પરંતુ ઉનાળાના ચાર ચાર મહિના તેમાં પાણી સુકાઈ જતું. એ સમયે નેહડાની આગળ આવેલ હેન્ડ પંપથી પાણી સારવું પડતું. નદીમાં પાણી હોય ત્યારે રાજી હેલ લઈને અને ગેલો એક મજબૂત લાકડીના બંને છેડે તેલનાં ખાલી ડબ્બા બાંધી કાવડ બનાવી તેમાં પાણી ભરતા હતા. માલ ચારવા જવાનો થાય એ પહેલા પાણીનું કામ પતાવી લેવું પડતું. ફળીયામાં પડેલી મોટી મોટી સિમેન્ટ ની ટાંકીઓ ભરી લેવાની. નેહડાથી થોડે દુર એક પવનચક્કી પણ હતી. તેની બાજુમાં રકાબીનાં આકારની એક કુંડી બનાવેલી હતી. પવનચક્કી ફરે એટલે તેની બાજુમાં આવેલા બોરમાંથી પાણી બહાર આવે, જે આ રકાબી જેવી કુંડીમાં ભરાતું. આ પાણી જંગલનાં જનાવર હરણાં, શિયાળવા, રોઝ, દિપડા, સાવજ અને જાત જાતનાં પંખીઓ પીવા આવતા. તેથી આ રકાબીમાં પાલતુ માલઢોરને પાણી પાવાની મનાઈ હતી. અમુક દિવસે ફોરેસ્ટર સાહેબો અહીં ચેકિંગમાં આવતા અને રકાબીની આજુબાજુ માલઢોરનાં સગડ દેખાય તો માલધારીને ઠપકો આપતા. એટલે માલધારી અહીં પોતાના પશુઓને પાણી નહોતા પાતા.
રાજીને ગેલો ભરકડામાં(વહેલી સવારે) જાગીને નદીએ જઈ પાણી સારતા. ક્યારેક તો એવું પણ બનતું કે નદીએ પાણી ભરવા જાય ત્યારે ત્યાં સાવજ પરિવાર પણ પાણી પીવા આવ્યો હોય. એવા વખતે રાજી ને ગેલો ઘડીક તેના જવાની રાહે બેસી જતાં. એક વાર એવું બન્યું સાવજ ને સિંહણ પાણી પીતા પીતા નદી કાંઠે બેસી ગયા. સાવજ સિહણ ને ગળે ચાટવા લાગ્યો. થોડે દૂર સિંહ પરિવારના જવાની વાટે મોટા પથ્થર પર બેઠેલી રાજીએ ગેલાને ઠોહો મારી ટોણો માર્યો,
" ન્યા જોવો આ હાવજ કનેથી કાંક સિખો. ઘરવાળીને કેમ હસવાય."એમ કહી રાજી મર્મમાં હસી.
ગેલા એ હાંક્લો કરી હાવજ પરિવારને આઘો ખસેડ્યો." હવે એટલું હાવ કરી જા,નીકળો આયાથી, તમી તો કો 'કનાં ઘરમાં ડખ્ખા કરાવિશો.".
હાકલો સાંભળી હાવજને સિંહણ નદીનો કાંઠો ચડી જંગલ ની કેડીએ ધીમી ચાલે ચાલવા લાગ્યા. રાજીને ગેલો પોતાના વાસણ લઈને નદીનાં ઓવારે પાણી ભરવા લાગ્યા.વાકા વાકા પાણી ભરતી રાજીની ધનુષ્ય જેવી કમર જોઈ ગેલાને મસ્તી સૂઝી. તેણે રાજી ઉપર નદીનું ઠંડું પાણી ઉડાડ્યું. આખી રાત ઠરેલા નદીનાં પાણી વહેલી સવારે અંગે અડતા રાજીથી સીસકારો નીકળી ગયો. તેણે અડધો ભરેલો ઘડો ઊંચકી ગેલો કંઇ સમજે તે પહેલા તેની માથે રેડી દીધો. ઘડીક તો ગેલાનાં શ્વાસ અધ્ધર થઈ ગયા. ગેલો માથાથી લઈને પગ સુધી રહકાબોળ થઈ ગયો. રાજી ઘડો મૂકી ભાગી. હવે ગેલો થોડો છોડે! પાછળ દોડી ગેલાએ રાજીને તેનાં મજબૂત હાથેથી પકડી પાડી તેને નદી બાજુ ખેંચવા લાગ્યો. પણ જોરુકી રાજી પણ એમ ઓછી ઉતરે તેવી ન હતી. તેણે ગેલાને ટક્કર આપી. હવે ગેલાએ તેનો દાવો બદલ્યો. જેમ કુસ્તીનો પહેલવાન પ્રતિસ્પર્ધી પહેલવાનને કમરથી પકડે તેમ તેણે રાજીને કમર થી જકડી લીધી. પોતાના કસાયેલા હાથમાં રાજીને ઊંચકી નદીનાં ઊંડા પાણીમાં ધબાંગ કરતી ફેંકી દીધી.
રાજી પણ આખી પાણીથી તરબોળ થઈ ગઈ. તેણે ગેલાનાં બંને ખભા પકડી લીધા. રાજીનાં શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યાં. રાજીની ચુંદડી ભીંજાઈને તેના શરીરે ચોટી ગઈ. પાણીથી તરબોળ ભીંજાઈને બંને એકબીજા સામે જોઈ હસી રહ્યાં હતાં. બંને એટલા નજીક આવી ગયા કે રાજીનાં ગરમ શ્વાસ ગેલો મહેસૂસ કરવાં લાગ્યો. આકાશમાં રહેલાં તારોડીયાનાં ઝાંખા અંજવાળે ભજવાતું આ અનુપમ પ્રેમ દૃશ્ય જોઈ ભગવાન પણ રાજી થતો હશે.આજુબાજુ નદીનાં દેડકાનો ડ્રાઉ.. ડ્રાઉ..અવાજ આવી રહ્યો હતો.તેમાં તમરાનો તમ... તમ...તમ..અવાજ સુર પુરાવી રહ્યો હતો.દૂરથી શિયાળવાની લાળી સંભળાઈ રહી હતી. નદીને કાંઠે દૂર બેસીને સિંહ યુગલ પણ આ પ્રેમ ભરી મસ્તી જોઈ રહ્યું હતું.
એવામાં રાજીને કોઈકે પગનાં કાંડેથી જાલીને ખેંચી. દર્દ અને ડરનાં કારણે રાજી રાડ પાડી ગઈ. ગેલો કંઈ સમજે તે પહેલાં રાજીએ પકડેલા ગેલાનાં ખંભા મુકાઈ ગયા. તે પાણીમાં ફસડાઈ પડી.રાજી દૂર દૂર ખેંચાવા લાગી. ને પાણીમાં ડૂબકા ખાવા લાગી. તેણે પોતાનો હાથ ઊંચો કર્યો.ગેલો પાણીમાં દોડ્યો,અને મજબૂતાઈથી રાજીનો હાથ પકડી લીધો...
ક્રમશઃ....
(રાજી ને કોણે ખેંચી હશે? કોઈ જંગલી જનાવર હશે કે અસુરી તાકાત હશે? ગેલો તેને કેવી રીતે બચાવશે? આ બધું જાણવા વાંચો હવે પછીનો એપિસોડ.)
લેખક અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621