પ્રાયશ્ચિત પ્રકરણ 58
દિવસો ઉપર દિવસો વિતતા ગયા સમયને પસાર થતાં વાર નથી લાગતી. હોસ્પિટલ ચાલુ થયાને બીજા પંદર દિવસ નીકળી ગયા. કેતનની હોસ્પિટલમાં થતી સારવાર જોઈને હોસ્પિટલમાં ધસારો વધતો ગયો. અને હવે હોસ્પિટલના તમામ વોર્ડ ફુલ રહેવા લાગ્યા. એડમિટ થવા માટે પણ વેઇટિંગ ચાલતું હતું.
કેતન અને શાહસાહેબે ભેગા થઈને સારામાં સારા ડોક્ટરો અને સર્જનોની ટીમ ઊભી કરી હતી એટલે મોટાભાગના પેશન્ટો જમનાદાસ હોસ્પિટલ તરફ વળી ગયા. ઓપીડીમાં પણ ઘણી ભીડ થતી હતી. કેતને એચડીએફસી બેન્કમાં જમનાદાસ ચેરીટેબલ હોસ્પિટલનો એક અલગ એકાઉન્ટ પણ ખોલાવી દીધો હતો.
કેતનની પેટ્રોલ પંપ પાસેની નવી ઓફિસ પણ ફુલ ટાઈમ ચાલુ થઈ ગઈ હતી. બે નવા ક્લાર્કની ભરતી પણ કરી દીધી હતી. જયેશ ઝવેરીએ કેતનની સુચના મુજબ નવી વેગનઆર છોડાવી દીધી હતી અને એ પોતે જ ચલાવતો હતો.
મનસુખ માલવિયા ફુલ ટાઈમ હવે કેતનનો ડ્રાઇવર બની ગયો હતો. કેતન જ્યારે ઘરે હોય ત્યારે દિવસે મનસુખ પણ કેતનના ઘરે જ રહેતો. જયેશની જૂની વાન નો ટિફિન વાન તરીકે ઉપયોગ થતો હતો અને તે પ્રશાંત પોતે જ ચલાવતો હતો.
બીજી ડિસેમ્બરે કેતનનાં લગ્ન હતાં એટલે ૨૮ નવેમ્બરની કેતનની મુંબઈની ફ્લાઈટ હતી. કેતને એ દિવસે સવારે ૧૦ વાગે જયેશ ઝવેરી અને ડૉ. મહેન્દ્ર શાહને પોતાના ઘરે બોલાવ્યા હતા.
" તમે તો જાણો જ છો કે બીજી ડિસેમ્બરે મારાં લગ્ન છે અને આજે બપોરનું મારુ મુંબઈનું ફ્લાઈટ છે. મારુ ત્યાં દસ-બાર દિવસનું રોકાણ તો પાક્કું છે. દુબઈ જાઉં તો કદાચ એક-બે દિવસ વધી પણ જાય. તમને એટલા માટે જ મેં બોલાવ્યા છે કે હવે હું ન આવું ત્યાં સુધી હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી શાહ સાહેબ તમારી રહેશે."
" અને જયેશભાઈ તમે પણ હોસ્પિટલ નું ધ્યાન રાખજો. પહેલી તારીખે તમામ સ્ટાફની સેલેરી તમે અને કાજલ હોસ્પિટલમાં જઈને કરજો. હોસ્પિટલ માટે જે અલગ કરન્ટ એકાઉન્ટ મેં ખોલાવ્યો છે એના ચેકથી જ તમે પેમેન્ટ કરજો. ૧૦૦ ચેકમાં મેં મારી સહી કરેલી જ છે. તમારે માત્ર તારીખ નામ અને રકમ લખવાની રહેશે" કેતન બોલ્યો.
" તમે હોસ્પિટલની અને પેમેન્ટની કોઈપણ જાતની ચિંતા કરો મા. તમે તમારાં લગ્ન એન્જોય કરો શેઠ . હું બધું સંભાળી લઈશ. અને શાહ સાહેબ છે એટલે હોસ્પિટલની પણ કોઈ ચિંતા નથી " જયેશ ઝવેરી બોલ્યો.
" ટિફિન વ્યવસ્થા પણ સરસ રીતે ચાલી જ રહી છે. પ્રશાંતના કામમાં કંઈ પણ કહેવા જેવું નથી. મહેનતુ છોકરો છે. વાન પણ એને આપી દીધી છે. ૧૫ ૨૦ દિવસ થાય તો પણ તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. " જયેશ બોલ્યો.
" ઓકે. કન્યાઓના સમૂહ લગ્ન માટેની બીજી એક જાહેરાત પણ ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં તમે આપી દેજો જયેશભાઈ. શાસ્ત્રીજીએ જાન્યુઆરી એન્ડ ની બે ચાર તારીખો આપણને આપી જ છે. એકવાર સંખ્યાની આપણને ખબર પડે પછી લગ્નનું આયોજન ક્યાં કરવું એની ખબર પડે. " કેતને જયેશને કહ્યું.
" એમાં પણ તમારે કંઈ કહેવું નહીં પડે શેઠ. મારા ધ્યાનમાં જ છે બધું. જો કન્યાઓની સંખ્યા વધારે થશે તો લગ્નમાં મહેમાનોની હાજરી આપણે ઘટાડવી પડશે. એટલે અત્યારે જાહેરાતમાં આપણે મહેમાનોની સંખ્યાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી." જયેશ બોલ્યો.
" હા એ તો તમે જે નક્કી કરો તે. થોડા પ્રેકટિકલ પણ થવું જ પડે. " કેતન બોલ્યો.
વાતચીત ચાલતી હતી એ દરમિયાન દક્ષાબેને એ બંને માટે ચા બનાવી હતી. ચા પીધા પછી કેતનને લગ્નની શુભેચ્છા આપીને બંને જણા નીકળી ગયા.
" દક્ષામાસી હમણાં આઠ-દસ દિવસ તમને રજા રહેશે. તમે હવે ઘરે આરામ જ કરજો. તમારા પૈસા હું નહીં કાપું. હું આવવાનો હોઈશ ત્યારે મનસુખભાઈને જાણ કરીશ એટલે એ તમને કહી દેશે." કેતને જમીને ઘરેથી નીકળતી વખતે દક્ષાબેનને કહ્યું.
" ભલે સાહેબ. બસ વહેલા વહેલા વહુને લઈને આવી જાઓ. " દક્ષાબેન બોલ્યાં.
મનસુખે ગાડી સ્ટાર્ટ કરી દીધી હતી. કેતન પાછલી સીટમાં બેગ સાથે ગોઠવાઈ ગયો. મનસુખે ગાડી એરપોર્ટ તરફ લીધી.
ત્રણ વાગ્યા પહેલાં તો કેતન મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરી પણ ગયો. કચ્છ એક્સપ્રેસ સાંજે સવા છ વાગે બોરીવલી આવતો હતો. ત્રણ કલાક સુધી શું કરવું ? પહેલાં તો એણે જાનકીને ફોન કરવાનો વિચાર કર્યો પરંતુ ચાર દિવસ પછી લગ્ન છે તો એ પણ હમણાં બિઝી હશે.
અચાનક એને એનો જૂનો બિઝનેસ ફ્રેન્ડ સુધીર મર્ચન્ટ યાદ આવી ગયો. સુધીર વિલેપાર્લે માં જ રહેવા આવ્યો હતો અને મલાડમાં ડાયમંડ માર્કેટમાં એના પપ્પાની મોટી ઓફિસ હતી. ત્રણેક વર્ષથી કેતન એને મળ્યો ન હતો. અમેરિકા ગયો તે પહેલાં ડાયમંડના કામે જ્યારે તે મુંબઈ આવતો ત્યારે સુધીર મર્ચન્ટને મળવાનું થતું. પેઢી ઉપર સુધીર અને એના પપ્પા બેસતા.
બંને સરખે સરખી ઉંમરના હતા એટલે એની કંપનીમાં કેતનને મજા આવતી. જો કે બંનેના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક હતો. સુધીર મર્ચન્ટ રંગીલા મિજાજનો હતો. પીવાનો પણ શોખીન હતો. એ પોતે એક સારો ફોટોગ્રાફર પણ હતો. પરંતુ સુધીર સાથે કેતનના માત્ર ધંધાદારી સંબંધો જ હતા.
અમેરિકાથી આવ્યા પછી કેતને એક વાર સુધીર સાથે વાત કરી હતી. સુધીરે જ ત્યારે એને કહ્યું હતું કે હવે એ પાર્લા ઈસ્ટમાં નવો ફ્લેટ લઈને માતા-પિતાથી અલગ રહે છે. એણે પારલાનું એડ્રેસ પણ લખાવ્યું હતું. એનાં લગ્ન થઈ ગયાં હતાં અને એક વર્ષમાં ડિવોર્સ પણ થઇ ગયા હતા.
મુંબઈમાં આમ પણ ત્રણ કલાક કાઢવા છે તો એકાદ કલાક સુધીરને મળી લઉં. ટાઇમ પણ પાસ થશે અને ત્યાંથી ટ્રેનમાં સીધા બોરીવલી પહોંચી જવાશે. પહેલાં ફોન કરીને જવાનું વિચાર્યું પણ પછી સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.
પારલા ઈસ્ટ સ્ટેશનની બરાબર સામે અગ્રવાલ માર્કેટમાં જ સુધીરનો ફ્લેટ હતો. કેતન ટેક્સી કરીને ૧૫ મિનિટમાં અગ્રવાલ માર્કેટ પહોંચી ગયો.
ત્રીજા માળે જઈને એણે ૩૦૩ નંબરના ફ્લેટનું બટન દબાવ્યું. બે-ત્રણ મિનિટ સુધી કોઈએ દરવાજો ખોલ્યો નહીં. ફરી પાછું એણે બટન દબાવ્યું. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. સામે સુધીર મર્ચન્ટ ઉભો હતો. હસીને આવકારવાને બદલે કેતનને જોઈને એના ચહેરા ઉપર થોડું ટેન્શન આવી ગયું હતું.
" અરે કેતન તું !! આવતાં પહેલાં ફોન ના કરાય ? " સુધીર મર્ચન્ટ બોલ્યો.
" તને સરપ્રાઈઝ આપવા માટે જ ફોન નહોતો કર્યો. મને એમ કે આટલાં વર્ષો પછી મને જોઈને તું ઉછળી પડીશ !! હું અમેરિકાથી આવ્યો ત્યારે તું કેટલો બધો આગ્રહ કરતો હતો !! એટલા માટે તો ખાસ મળવા આવ્યો. " કેતન બોલ્યો.
" યુ આર ઓલવેઝ વેલકમ. આવ અંદર આવ. " કહીને સુધીરે ડ્રોઈંગ રૂમમાં જ કેતનને બેસવાનું કહ્યું.
" મને એમ લાગે છે કે તું ઉંઘમાંથી ઉઠ્યો છે. માથાના વાળ પણ અસ્તવ્યસ્ત છે. " કેતને હસીને કહ્યું.
" હા એવું જ છે. " હસીને સુધીર બોલ્યો અને કિચનમાં પાણી લેવા માટે ગયો.
" ક્યારે આવ્યો મુંબઈ ? " પાણીનો ગ્લાસ આપીને સુધીરે પૂછ્યું.
" અરે ભાઈ એરપોર્ટ ઉપરથી સીધો તારા ઘરે આવું છું. હવે તો હું જામનગરમાં સેટ થઈ ગયો છું. મુંબઈ આવ્યો હતો તો એમ વિચાર્યું કે આજની રાત તારા ઘરે જ રોકાઈ જાઉં. " કેતને મજાકમાં કહ્યું.
" મારા ઘરે ? " સુધીર આશ્ચર્યથી બોલ્યો અને ફરી પાછો એ ટેન્શનમાં આવી ગયો હોય એવું લાગ્યું.
" કેમ કોઈ તકલીફ છે ? "
" ના રે ના... પણ ઘરમાં કોઈ લેડીઝ નથી ને !! તારી આગતા સ્વાગતા કેવી રીતે કરી શકું ? ચા બનાવતાં પણ મને આવડતી નથી. " સુધીર ટેન્શનમાં દેખાતો હતો.
" અરે દોસ્ત... આપણે ક્યાં જંગલમાં છીએ ? જમવાનું પણ તૈયાર મળે છે અને ચાની મને કોઈ ટેવ નથી. કાલે સવારે એક કામ પતાવીને બપોરની ટ્રેનમાં નીકળી જઈશ " હવે કેતનને સુધીરનો ચહેરો જોઈને મજા આવતી હતી.
સુધીર કેતનની સામે સોફા ઉપર બેઠો. એનું ધ્યાન વાતોમાં ન હતું. કેતનને અહીં આવવા બદલ પસ્તાવો થયો. એનું આગમન સુધીરને જરા પણ ગમ્યું ન હતું.
એટલામાં જ સુધીરના બેડરૂમમાંથી કોઈએ ઉપરાઉપરી બે છીંકો ખાધી. હવે કેતન બધું સમજી ગયો. એને પોતાને પણ અહીં આવવા બદલ સંકોચ થયો.
" મારી ગર્લફ્રેન્ડ છે. તારાથી શું છુપાવવાનું હવે !! આ મુંબઇની લાઇફ છે યાર " હવે સુધીર નોર્મલ થતો જતો હતો.
" તું તો જાણે જ છે કે હું સારો ફોટોગ્રાફર છું. એ મોડેલિંગનું કરે છે. મોડેલિંગ માટે એનું એક ફોટોશૂટ મેં પણ કરેલું છે. મારા ઘણા ઉંચા કોન્ટેક્ટ છે અહીંયા. એટલે એક નાનો મોડેલિંગનો કોન્ટ્રાક્ટ પણ એને અપાવેલો. બસ ત્યાર પછી અમારી ફ્રેન્ડશિપ થયેલી છે. " સુધીરે વિસ્તારપૂર્વક અંદર બેઠેલી છોકરીનો પરિચય આપ્યો.
" બહુ સરસ. તારી ફોટોગ્રાફી વિશે તો હું જાણું જ છું. " કેતને એની પ્રશંસા કરી.
" તને ઓળખાણ કરાવું. બહુ ઓપન માઈન્ડેડ છે !! " સુધીર હવે ધીમે ધીમે રંગમાં આવતો જતો હતો.
" અરે તું બહાર આવ. આ તો મારો બિઝનેસ ફ્રેન્ડ છે. હું તને પરિચય કરાવું. મળવા જેવો માણસ છે. એના પણ સારા કોન્ટેક્ટ છે. " સુધીરે બેડરૂમ પાસે જઈ અંદર ડોકિયું કરીને કહ્યું અને ફરી પાછો કેતનની સામે આવીને બેસી ગયો.
અને પાંચેક મિનિટ પછી વ્યવસ્થિત થઈને એક ખૂબસૂરત યુવતી બેડરૂમમાંથી બહાર આવી અને સોફા તરફ આગળ વધી. બેડરૂમ તરફ કેતનની પીઠ હતી. યુવતી આગળ જઈને કેતનની સામેના સોફા ઉપર ગોઠવાઈ.
બંનેની નજરો મળી. એ સુનિલભાઈ શાહની દીકરી નિધી હતી જેને જોવા માટે કેતન કાંદીવલી એના ઘરે ગયેલો.
કેતન નિધીને અહીં જોઈને સડક થઈ ગયો !! પરંતુ નિધી તો કેતનને જોઈને ખરેખર ડરી જ ગઈ. એના પગ નીચેથી ધરતી સરી ગઈ. કેતન એના પપ્પાને ખૂબ સારી રીતે ઓળખતો હતો. કેતન એ પણ જાણી ગયો હતો કે પોતે અહીંયાં સુધીર સાથે રંગરાગ માણતી હતી !!
" આ મારો મિત્ર કેતન સાવલિયા છે. સુરતનો છે પણ અત્યારે જામનગરમાં સેટ થઈ ગયો છે. ૨૦૦ ૩૦૦ કરોડની પાર્ટી છે નિધી. બહુ દિલદાર છે. તારુ કોઈ આલબમ બનાવવું હોય તો એના માટે તો ચણા મમરા ખરીદવા જેવું કામ છે. " સુધીર મર્ચન્ટે કેતનનો પરિચય નિધીને આપ્યો પરંતુ નિધી અત્યારે સાવ બહેરી થઈ ગઈ હતી. એનું મન ચકરાવે ચડી ગયું હતું !!
" અને મજાની વાત એ છે કે કેતન આજે રાત્રે અહીં રોકાવાનો છે. આપણે બધા રાત્રે સાથે જ ડીનર લઈએ. કોઈ હોટલમાં જઈએ અથવા તો ઘરે જ મંગાવીએ. " સુધીર બોલ્યો.
પરંતુ એ જ વખતે કેતન ઉભો થઇ ગયો.
" ચાલ સુધીર હું રજા લઉં. સવા છ વાગ્યાની મારી સુરતની ટ્રેન છે. હું તો તારી મજાક કરતો હતો. "
" અરે પણ આમ ભાગે છે કેમ ? પાંચ દસ મીનીટ તો બેસ. નિધીને આગળ આવવા માટે તારા જેવા કોઇ ફાઇનાન્સર ની જરૂર છે. એનું આપણે એક સરસ આલ્બમ બનાવીએ. એની લાઈફ બની જશે. એની જોડે વાત તો કર !! મારાથી સંકોચ થતો હોય તો બેડરૂમમાં જઈને બેસો. " સુધીર હવે કેતનનો લાભ લેવા માગતો હતો.
" એની લાઈફ બની જ ગઈ છે. એને મારા જેવા માણસની જરૂર નથી દોસ્ત. " કહીને કેતન બેગ ખભે ભરાવીને ચાલવા લાગ્યો.
" એક મિનિટ. " નિધી મોટેથી બોલી. કેતન ઊભો રહ્યો.
" જરા અંદર આવશો ? મારે બે મિનિટ તમારી સાથે વાત કરવી છે. પ્લીઝ ...."
કેતન ના ન પાડી શક્યો. એ નિધીની સાથે બેડરૂમ માં ગયો અને પલંગમાં બેસવાના બદલે સામે ખુરશી પર બેઠો.
" તમે મને નફરત કરો છો એ હું જાણું છું. તે દિવસે તમે મારા ઘરે આવ્યા ત્યારે મેં તમારી સાથે જે વર્તન કરેલું એના માટે તમારી દિલથી માફી માગું છું. આ છ મહિનામાં મેં ઘણું સહન કર્યું છે. "
" પપ્પાએ મારા માટે તમારા જેવું પાત્ર શોધી આપ્યું પણ હું તમને ઓળખી ન શકી. એ વખતે હું કોઈના પ્રેમમાં પાગલ હતી પણ એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. હું પ્રેગ્નન્ટ થઈ ગઈ અને મારે એબોર્શન કરાવવું પડ્યું."
" પપ્પા મારી સાથે બોલતા પણ નથી. મારા બધા ફ્રેન્ડ સર્કલે માત્ર મારો લાભ લીધો કારણ કે બધા માટે પૈસા હું જ વાપરતી હતી. હવે પપ્પાએ મારા ખર્ચા ઉપર કંટ્રોલ મૂક્યો છે. મોડેલિંગનું કામ પણ મળતું નથી. મળે છે તો બધા મારો લાભ લે છે. આ મુંબઈ છે. " નિધી એકધારુ બોલે જતી હતી.
"તમારો આ મિત્ર સુધીર પણ બીજો કોન્ટ્રાક્ટ આપવાના બહાને મારો લાભ લઇ રહ્યો છે. લગ્ન તો એક સપનું બનીને રહી ગયું છે. મારા કર્મોની સજા હું ભોગવી રહી છું. બની શકે તો મને માફ કરી દેજો. "
" અને આજે તમે જે જોયું તે ભૂલી જજો. હું તમને પગે લાગું છું. મારા પપ્પાના કાન સુધી આ વાત જાય નહીં. પપ્પા મારી આ મજબૂરીથી સાવ અજાણ છે. એમને ખબર પડશે તો એ ભાગી પડશે. પ્લીઝ મારા પપ્પાને ખાતર આ વાત કોઈને પણ કહેતા નહી. " બોલતાં બોલતાં નિધીની આંખમાં પાણી આવી ગયાં.
" જો નિધી... કોઈની પણ જિંદગી બરબાદ કરવાનું હું વિચારી શકતો પણ નથી. તને તો હું ભૂલી જ ગયો હતો. આજે તને ફરી જોઈ એ પણ હું આ જ ક્ષણે ભૂલી જાઉં છું. તારે એ બાબતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારા પપ્પાની આબરૂને ખાતર મોડેલિંગના આ ચક્કરમાંથી બહાર આવી જાય તો સારું. બાકી તારી ઈચ્છા !! " કહીને કેતન સડસડાટ બહાર નીકળી ગયો.
રાત્રે નિધિ પોતાના ઘરે પહોંચી ત્યારે કેતનના લગ્નનું આમંત્રણ કાર્ડ ટેબલ ઉપર પડ્યું હતું. બીજી ડિસેમ્બરે કેતનનાં લગ્ન કોઈ જાનકી દેસાઈ સાથે થવાનાં હતાં.
મેં તે દિવસે મૂર્ખામી ના કરી હોત અને કેતન સાથે સારું વર્તન કર્યું હોત તો કદાચ... આ કંકોત્રીમાં કરોડોપતિ કેતન સાથે મારું નામ હોત !!
અને પસ્તાવાની લાગણીઓમાં ખોવાઈ ગયેલી નિધીની આંખોમાંથી આંસુનાં બે ટીંપાં લગ્નની એ કંકોત્રી ઉપર પડ્યાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)