આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૩
દિયાન અને હેવાલીને થયું કે તેમની પોલ ખૂલી જશે. તેમને સપનામાં મેવાન અને શિનામી આવે છે એ વાત ત્રિલોક જાણે છે. એમને ખબર પડી ગઇ છે કે અમે સપનાની ખાતરી કરવા આવ્યા છે. બંનેએ જવાબ આપવાનું ટાળ્યું. ત્રિલોકનું હાસ્ય ડરામણું હતું.
'જુઓ, તમે ભલે એમ કહેતા હશો કે મિત્રો છીએ અને એને મળવા આવ્યા છે પણ સાચું કારણ તમે કહેવા માગતા નથી. મેવાન ગુજરી ગયો છે એટલે તમે વધારે કંઇ કહેવા માગતા નથી. મારી સ્થિતિ જોઇને પણ તમારી એ વાત કહેવાની હિંમત થતી નથી. તમે જે વાત કહેવા આવ્યા છો એ કહી શકો છો. કોઇ સંકોચ રાખશો નહીં. મિત્રતા એના સ્થાને છે અને ધંધો એની જગ્યાએ...' બોલીને ત્રિલોક ચૂપ થઇ ગયો.
'જી... ધંધો?' દિયાન નવાઇથી પૂછવા લાગ્યો.
'હા, મને ખબર છે કે તમે એની પાસે ધંધાના પૈસા માગતા હતા અને એ લેવા જ આવ્યા છો પણ કહી શકતા નથી. હું એમ કહી શકતો નથી હવે બીજા જન્મમાં એની પાસેથી વસૂલ કરજો. એક પિતા તરીકે મારી ફરજ બને છે કે તમને એના પૈસા ચૂકવું. અત્યારે મારા માટે ખાવાના પૈસા નથી...એવું પણ નથી કે હું સાવ કંગાળ છું. આ ઘર જે જમીન પર ઊભું છે એ મારી જ જમીન છે. એના સારા પૈસા આવી શકે એમ છે. અત્યારે આ વિસ્તારમાં કોઇ વિકાસ ન હોવાથી જમીન ખરીદવા કોઇ રસ બતાવી રહ્યું નથી...તમે ફરી થોડા વર્ષ પછી અહીં આવજો અને બાકી પૈસા લઇ જજો. હું તમને મારા પુત્ર વતી ખાતરી આપું છું.' ત્રિલોકના અવાજમાં મેવાનના મોતનું દુ:ખ ભળી ગયું હતું.
'તમને કોઇ ગેરસમજ થઇ લાગે છે. હું મેવાન પાસે પૈસા માંગવા આવ્યો નથી...' દિયાન ખુલાસો કરવા જતો હતો ત્યાં તેને અટકાવતાં ત્રિલોક કહે:'તમે ચિંતા ના કરશો. હું તમને તમારા પૈસા આપી દઇશ. તમે હવે એને ગયા ખાતે ના સમજતાં. તમે મોટા દિલના લાગો છો. મિત્રનું દેવું ભૂલી જવા માગો છો. મારી ફરજ છે કે હું તમને એ ચૂકવી દઉં....' બોલીને સહેજ વિચારીને એ ખુશ થઇ બોલ્યો:'હું તો એમ કહું છું કે તમે જ આ જમીન ખરીદી લો ને! તમારો હિસાબ ચૂકતે થઇ જશે અને મને પૈસા મળશે તો બાકીનું જીવન સુખ-શાંતિથી વીતશે...'
'અંકલ! તમે શું વિચારો છો અને કહો છો એની મને સમજ પડતી નથી. તમે ધંધાની વાત કરી એનો પણ ખ્યાલ આવ્યો નથી...' દિયાનને ત્રિલોકની બધી વાત રહસ્યમય લાગી રહી હતી.
'તું વાત છુપાવવા માગતો હોય તો મને કોઇ વાંધો નથી. શેરબજારમાં તમે બંનેએ રોકાણ કર્યું હતું એમાં ખોટ ગઇ હતી. તેં મેવાન વતીથી રોકાણ કર્યું હતું એની મને ખબર છે. શેરબજાર ગબડી પડ્યું એમાં તારો દોષ નથી. અમારા નસીબ જ એવા રહ્યા કે બધું ઊંધું જ થતું રહ્યું છે...' ત્રિલોક કપાળ પર હાથ મારી બોલ્યો.
હેવાલીને થયું કે ત્રિલોકનું મગજ ફટકી ગયું છે. તે અસંબધ્ધ વાતો કરી રહ્યો છે. હવે એની સાથે વધારે વાત કરવામાં મજા નથી. અહીંથી ઝટપટ નીકળી જવું જોઇએ. હેવાલીએ ધીમેથી દિયાનના પગને હાથ લગાવી નીકળવાનો ઇશારો કર્યો. દિયાને તેના હાથ પર હાથ મૂકી શાંતિ રાખવાનો ઇશારો કર્યો. હેવાલીને થયું કે દિયાન મેવાન વિશે બધું જાણ્યા વગર નીકળવા માગતો નથી. હેવાલી વારંવાર રૂમમાં નજર નાખી લેતી હતી. સળગી ગયા પછી વર્ષોથી એ જ હાલતમાં ઘર રહ્યું છે. પાછળથી બકરીનો અવાજ વધી રહ્યો હતો. ત્રિલોક માથા પરથી હાથ ખસેડી બકરીના વધતા જતા અવાજ તરફ ધ્યાન કરીને બોલ્યો:'તમે બેસો, હું બકરીની ખબર લઇ આવું...'
ત્રિલોક દિયાનના જવાબની રાહ જોયા વગર પાછળના વાડામાં જતો રહ્યો. હેવાલીએ મોકો જોઇ કહ્યું:'દિયાન તું સમજતો કેમ નથી? અહીં બેસી રહેવામાં જોખમ છે. એ કેવી વિચિત્ર લાગે એવી વાત કરી રહ્યો છે. આપણે સપનામાં મેવાનને મળ્યા એ જ ને? બાકી ક્યાં ઓળખીએ છીએ. એ કેમ એવી વાત કરી રહ્યા છે કે તેં મેવાન સાથે શેરબજારનો ધંધો કર્યો હતો. તું ક્યારેય એને મળ્યો નથી. આપણે એમની સાથે વધારે કોઇ વાત કરવી નથી. એમના મગજનું ઠેકાણું લાગતું નથી...'
'મારું મગજ ઠેકાણે જ છે...' બોલીને નજીક આવતા ત્રિલોકને જોઇ હેવાલી ગભરાઇ ગઇ.
ક્રમશ: