જયરાજ તાંબે એની આસિસ્ટન્ટ મીતાલી ઠાકુર સાથે બેંક કૌભાંડના કેસના મુદ્દા લખાવી રહ્યો હતો. એ વખતે એની ઓફિસનો ક્લાર્ક અતુલ કુલકર્ણી એમની કેબીનમાં નોક કર્યા વગર દાખલ થઇ ગયો હતો.
"અતુલ, હું એક મહત્વના કેસ બાબતે વાત કરી રહ્યો છું અને એવી તો શું ઉતાવળ આવી ગઇ કે તું અંદર નોક કર્યા વગર દાખલ થઇ ગયો." જયરાજે અકળાઇને પૂછ્યું હતું.
"સર, બેંકના પટાવાળા ધનસુખ સબનીશનો કેસ રાજાબાબુ લડી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાંથી હવાલદારનો ફોન મને આવ્યો હતો. એ કહેવાની ઉતાવળમાં દરવાજો નોક કરવાનો રહી ગયો." અતુલે માથાનો પરસેવો લૂછતાં કહ્યું હતું.
અતુલની વાત સાંભળી જયરાજના હાથમાં રહેલી સીગરેટ જયરાજે બુઝાવી નાંખી હતી અને અતુલ સામે જોયું હતું.
"પંદર વર્ષ પછી રાજાબાબુ કોર્ટમાં આવી રહ્યા છે. હવે પહેલા જેવી હોંશિયારી અને વકીલાત રાજાબાબુમાં રહી નહિ હોય. માટે ચિંતા કરવાની જરૂર નથી." જયરાજ આ આશ્વાસન અતુલને આપી રહ્યો હતો કે પોતાને એ જયરાજ પોતે જ નક્કી કરી શક્યો ન હતો.
કોર્ટમાં મુદતના દિવસે રાજાબાબુ પંદર વર્ષ પછી કોર્ટમાં દાખલ થયા હતાં. થોડીક મિનિટો માટે તો એ કોર્ટની એ ઇમારત જેમાં એમણે પોતે ઘણાં કેસો લડ્યા હતાં એ ઇમારતને જોઇ રહ્યા હતાં. એક સમયે આ જ કોર્ટમાં ત્રણ મર્સીડીઝ ગાડીઓ સાથે દાખલ થતાં રાજાબાબુનો ઠાઠ રાજા રજવાડાથી કંઇ ઓછો ન હતો. કોર્ટમાં રાજાબાબુ એમના આસીસ્ટન્ટ વકીલો સાથે દાખલ થતાં હોય એ સમયે જજને પણ પરસેવો થઇ જાય એવી એમની મજબૂત છાપ હતી. રાજાબાબુને એ વાત આજે યાદ આવતા એ હસી પડ્યા હતાં.
કોર્ટના પગથિયાં ચડતા પહેલા રાજાબાબુએ હાથેથી કોર્ટના પગથિયાંને વંદન કર્યા હતાં. વર્ષો પહેલા પણ કોર્ટમાં દાખલ થતાં પહેલા એ આ જ રીતે વંદન કરીને દાખલ થતા હતાં. રાજાબાબુની નાસ્તિકતા કોર્ટની બાબતમાં આસ્તિકતામાં પરિણમતી હતી. એ કોર્ટને ન્યાયનું મંદિર ત્યારે પણ માનતા હતાં અને આજે પણ માને છે. પગથિયાં ચડીને લોબીમાં જેવા દાખલ થયા ત્યાં જયરાજ તાંબે રાજાબાબુને મળ્યો હતો. રાજાબાબુને જોઇ જયરાજ એમની પાસે આવ્યો હતો અને એમને હાથ મીલાવવા માટે હાથ લંબાવ્યો હતો. રાજાબાબુએ પણ પોતાના ભૂતકાળના આસીસ્ટન્ટ જયરાજ જોડે હાથ મીલાવ્યો હતો.
"રાજાબાબુ, આ એકદમ ખુલ્લો અને આંટીઘૂંટી વગરનો કેસ છે. આ કેસ લડીને આપ જીતી શકો એવી શક્યતા નથી. માટે આ કેસ ના લડો એવી હું તમને સલાહ આપું છું." જયરાજે રાજાબાબુને સમજાવતા કહ્યું હતું.
"જયરાજ, જે ભાષા તું બોલી રહ્યો છે એ ભાષા તને બોલતા આ રાજાબાબુએ શીખવાડી છે. મારા આસીસ્ટન્ટ તરીકે તે દસ વર્ષ કામ કર્યું છે પણ છતાંય કેસની આંટીઘૂંટી તને દેખાતી નથી જે મને દેખાય છે. ચાલો કંઇ વાંધો નહિ, કોર્ટમાં જોયું જશે." રાજાબાબુએ જયરાજના ખભે હાથ મુકી જયરાજને કહ્યું હતું.
"સાલો પંદર વર્ષ પછી પણ વકીલાતની ભાષા ભૂલ્યો નથી. હજી જુસ્સો અને ઠસ્સો એવો ને એવો જ છે." જયરાજ મનોમન બબડી રહ્યો હતો.
કોર્ટ રૂમમાં બધાં આવી ગયા હતાં અને પોત પોતાની ખુરશી પર બેસી ગયા હતાં. જજ રઘુનાથ સીંદે કોર્ટમાં દાખલ થયા એટલે બધાંએ પોતાની ખુરશીમાંથી ઊભા થઇ એમને માન આપ્યું હતું. રઘુનાથ સીંદે જજની ખુરશી પર બેસવા જઇ રહ્યા હતાં બરાબર એ વખતે એમની નજર રાજાબાબુ પર પડી હતી. ખુરશીમાં બેસતા બેસતા એ રાજાબાબુ સામે જોઇ હસ્યા હતાં. રાજાબાબુ પણ જજની સામે હસ્યા હતાં. રાજાબાબુના હાથ નીચે જયરાજની જોડે પોતે પણ પાંચ વર્ષ આસીસ્ટન્ટ રહી ચૂક્યા હતાં. પછી વકીલાત છોડી જજની પરીક્ષા આપી જજ બન્યા હતાં. રાજાબાબુ માટે તેઓ ખૂબ માન ધરાવતા હતાં કારણકે એમણે જ તો એને જજ બનવાની સલાહ આપી હતી.
રઘુનાથ સીંદેએ ખુરશીમાં બેસી જયરાજ તાંબેને કાર્યવાહી શરૂ કરવા માટે કહ્યું હતું.
"જજ સાહેબ, આ મુજરીમના કઠેડામાં ઊભેલો માણસ ધનસુખ સબનીશ ધી સીતારા કો-ઓપરેટીવ બેંકમાં વર્ષોથી નોકરી રહ્યો છે. એણે ધનરાજ કેમીકલની કરોડો રૂપિયાની લીધેલી લોનની માહિતી જે માસ્ટર ફાઇલમાં હતી એ ફાઇલ એણે ચોરીને ગુમ કરી દીધી છે. બેંકના આવા મહત્વના ડોક્યુમેન્ટની ચોરી કરવા બાબતે આ ચોરી કોના કહેવાથી અને કેમ કરી છે એ માટે હું ચૌદ દિવસની એની પોલીસ રીમાન્ડની માંગણી કરું છું." જયરાજ તાંબે પોતાની વાત પૂરી કરી પોતાની જગ્યા પર બેસી ગયો હતો.
રાજાબાબુ પોતાની જગ્યા ઉપરથી ઊભા થઇ જજની સામે કોર્ટની બરાબર મધ્યમાં આવ્યા હતાં.
"જજ સાહેબ, જયરાજજી મારા અસીલના ચૌદ દિવસના રીમાન્ડ માંગી રહ્યા છે પરંતુ એ દિવસે જ્યારે આ ફાઇલ ચોરી થઇ એ સમયગાળા દરમ્યાન બેંકના બીજા બે કર્મચારી મનસુખ સાંઠે અને દિવાકર વિચારે પણ કેબીનમાં દાખલ થયા હતાં. માટે એ લોકો ઉપર પણ કેસ દાખલ કરવો જોઇએ અને પોલીસે એમની પણ તપાસ કરવી જોઇએ. ધનસુખનું ઘર બેંકથી દસ મિનિટના અંતરે છે. ધનસુખને બ્રાન્ચ મેનેજરની કેબીનમાંથી બહાર નીકળતા બેંકના કોઇપણ કર્મચારીએ એના હાથમાં ફાઇલ જોઇ હતી નહિ. તેમજ બેંકના અધિકારીઓના કહેવા પ્રમાણે એ ફાઇલ સુજલ ચિકોદરા નામના ઉદ્યોગપતિની કેમીકલ કંપનીએ બેંક પાસેથી લીધેલી લોનની છે. પરંતુ આ વાત પણ હજી સુધી સાબિત થઇ શકી નથી. બેંક પાસે એવો કોઇપણ પુરાવો નથી માટે મારા અસીલને જામીન આપવામાં આવે અને આ કેસની ખૂટતી કડીઓ અને અપ્રાપ્ય માહિતી પોલીસ એકત્રિત કરે. સુજલ ચિકોદરાને પણ કોર્ટ સમન્સ આપી આ કેસ બાબતે પૂછપરછ માટે કોર્ટમાં બોલાવે તેમજ જ્યાં સુધી મારા અસીલ ધનસુખ સબનીશના વિરૂદ્ધ કોઇ ઠોસ પુરાવા પોલીસ ના મેળવી લે ત્યાં સુધી એને જામીન આપવા વિનંતી છે. માત્ર બ્રાન્ચ મેનેજરના મૌખિક આરોપથી મારા અસીલને ચૌદ દિવસનો પોલીસ રીમાન્ડ પુરાવાના આધાર વગર આપી ના શકાય." આટલું બોલી રાજાબાબુ પોતાની જગ્યાએ બેસી ગયા હતાં.
"કોર્ટ આવતી તારીખ સુધીમાં પોલીસને હિદાયત કરે છે કે આ કેસની ખૂટતી કડીઓ એકત્રિત કરે અને મનસુખ સાઠે અને દિવાકર વિચારે જોડે પણ આ બાબતે પૂછતાછ કરવામાં આવે. સુજલ ચિકોદરાને પણ કોર્ટ આ કેસની જે તારીખ આપે એ તારીખે હાજર થવાનો સમન્સ આપી રહી છે અને ધનસુખ સબનીશને શહેર ન છોડવાની શરતે જામીન આપી રહી છે." રઘુનાથ સીંદેએ હુકમ આપતા કહ્યું હતું.
ધનસુખ ખુશ થઇને રાજાબાબુના પગે પડી ગયો હતો.
"ભાઇ ધનસુખ, હજી ખુશ થવાની જરૂર નથી. તું આ કેસમાંથી હજી નિર્દોષ છુટ્યો નથી. હજી ઘણીબધી મંજીલ કાપવાની છે. તું ઘરે જઇ આરામ કર અને સાંજના છ વાગે મને મારા રૂમ પર આવીને મળજે." આટલું બોલી રાજાબાબુ કોર્ટમાંથી બહાર નીકળી રહ્યા હતાં ત્યારે સામે ઇન્સ્પેક્ટર પાટીલ ઊભા હતાં.
"વાહ રાજાબાબુ, તમે તો બધી નબળી કડીઓ એકસાથે જ કોર્ટમાં રજૂ કરી દીધી. ચૌદ દિવસના રીમાન્ડ તો કેન્સલ કરાવ્યા પણ તમારા અસીલને જામીન પણ અપાવી દીધી. કાલ સુધી તો મને કેસ સીધો લાગતો હતો પણ હવે મને પણ આ કેસ અટપટો લાગી રહ્યો છે. ધનસુખને જજ સાહેબે જામીન આપી એ વખતે જયરાજનું મોઢું જોવા જેવું હતું. એનું મોઢું લાલચોળ થઇ ગયું હતું અને કાપો તો લોહી ના નીકળે એવું થઇ ગયું હતું." ઇન્સ્પેક્ટર પાટીલે હસતાં હસતાં રાજાબાબુને કહ્યું હતું.
રાજાબાબુ કોર્ટમાંથી નીકળી પોતાના રૂમ ઉપર આવ્યા હતાં. વર્ષો પછી હજી વકીલાત કરવા માટે તેમની બુદ્ધિ અને કાયદાનું જ્ઞાન સતેજ છે એ જાણી ખુશ થઇ રહ્યા હતાં. 'વાઘ ઘરડો થાય પરંતુ ત્રાડ પાડવાનું ના ભૂલે' એ કહેવત તો એમને અત્યારે પોતાના માટે તો સાચી લાગી રહી હતી. રાજાબાબુએ રૂમમાંથી બહાર નીકળી અને એની બાજુમાં આવેલા રૂમ નંબર નવનો દરવાજો ખખડાવ્યો હતો. રૂમ નંબર નવ સચીનનો હતો. સચીન મુંબઇમાં ટેક્ષી ચલાવતો હતો અને રાજાબાબુને હમણાં જ કોર્ટમાંથી લઇને એ ઘરે આવ્યો હતો. સચીને દરવાજો ખોલ્યો હતો.
"સચીન, તારો દીકરો કહાન ઘરે છે? મારે એનું કામ હતું." રાજાબાબુએ સચીનને પૂછ્યું હતું.
"હા, ઘરમાં જ છે. તમે અંદર આવોને." સચીને રાજાબાબુને કહ્યું હતું.
"ના, એક કામ કર, તું એને લઇ મારા રૂમમાં આવી જા. મારે એની સાથે થોડી અગત્યની વાતો કરવી છે." રાજાબાબુએ સચીનને સૂચના આપતા કહ્યું હતું અને પોતાના રૂમમાં પાછા જતા રહ્યા હતાં.
થોડીવારમાં સચીન એના દીકરા કહાનને લઇ રાજાબાબુના રૂમમાં આવ્યો હતો.
રાજાબાબુ, પોતાની પાટ ઉપર બેઠાં હતાં. કહાન અને સચીન પ્લાસ્ટિકની ખુરશીમાં બેસી ગયા હતાં.
"કહાન, મને ખબર છે કે તને કોમ્પ્યુટરની મદદથી હેકીંગ કરતા આવડે છે. મારે ધી સીતારા કો-ઓપરેટીવ બેંકની CCTV ફુટેજ રોડ ઉપરની અને અંદરની બંન્ને ધનસુખને એરેસ્ટ કર્યો અને ધનસુખ જે સમયે બેંકમાંથી ભાગ્યો એ સમયની જોવી છે. તું આ કામ કરી શકીશ?" રાજાબાબુએ કહાનને પૂછ્યું હતું.
કહાને ડરતા ડરતા સચીન સામે જોયું હતું.
"કહાન, રાજાબાબુ કહે છે માટે તારે કરવાનું છે. આપણે બધાં જાણીએ છીએ કે ધનસુખ ક્યારેય પણ ચોરી કરી ના શકે. એટલે એને બચાવવા માટે રાજાબાબુ તને જે કહે એ તું કર. મેં તને હેકીંગ કરવાનું એટલે બંધ કરાવ્યું છે કે તું ખોટા માર્ગ પર ના જતો રહે. પણ અત્યારે આપણા એક ગરીબ ભાઇની જિંદગીનો સવાલ છે અને કોઇની જિંદગી બચાવવા માટે થોડુંક ખોટું કરવું પણ પડે તો એ કરવું જોઇએ." સચીને દીકરાને ખભા પર હાથ મુકી હેકીંગ કરવાની હા પાડી હતી.
"રાજાકાકા, હું મારા બધાં જ ગેઝેટ લઇ અહીં આવી જઉં છું. તમે મને જે તારીખ અને સમય કહેશો એ પ્રમાણે હું એ CCTV ફુટેજની માહિતી અહીંયા મારા લેપટોપમાં બતાવી શકીશ." કહાને કહ્યું હતું.
કહાન દોડીને પોતાના રૂમમાં જઇ એના ગેઝેટ લઇ આવ્યો હતો.
ક્રમશઃ........
(વાચકમિત્રો, 'બેંક કૌભાંડ' આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું...)
- ૐ ગુરુ