ભીંડાએ ભીંડો કાઢ્યો..!
અષાઢે મેઘો ભલો ને શ્રાવણે ભલો શીરો
ભાદરવે ભીંડો ભલો ને આસોમાં ઘૂઘરો
ભીંડો ખાવાની જેને સુગ નથી તેઓ મને માફ કરે. બાકી ભીંડો જોઇને જે ભાદરવા પર ડોળા કાઢે એની આ વાત છે. ભીંડામાં ભગવાનને બદલે શેતાન વસતો હોય એમ અમુક તો ભીંડો જોઇને ભડકે. જો કે, ટોપો ચઢાવીને બેઠેલો ભીંડો જોઈએ તો આપણને એમ થાય કે, આ ભીંડો શાક બનીને શું શુક્રવાર લાવતો હશે..? એનો દેખાવ જ એવો કે, એનું શાક ચાવવા જઈએ તો બાવળનું દાતણ પણ સ્વીટ લાગે..!
અસ્સલ તો ભીંડા ભાદરવામાં જ પ્રગટ થતાં. જાણે ટેસ્ટ ટ્યુબવાળી ફોર્મ્યુલા ફાવટ આવી ગઈ હોય એમ હવે તો ભીંડા વગરનો કોઈ મહિનો ના હોય. શ્રીશ્રી ભગાને તો નાનપણથી જ ભીંડાથી નફરત. નિશાળમાં હાજરી લેતી વખતે પણ “ભગા_ભીંડા” તરીકે જ નામ બોલાતું. આજે પણ ભીંડો જોઇને એટલો ભડકે કે, એકટાણું ખેંચે પણ પણ ભીંડો નહિ અડકે..! કોઈ સગર્ભા સ્ત્રી મહિનો જોવા કેલેન્ડરમાં ડોકિયાં કરે એમ, શ્રીશ્રી ભગો ભાદરવો જોવા કેલેન્ડરમાં ડાફોળિયાં મારે કે, ભીંડાનું સિઝનેબલ પ્રાગટ્ય ક્યારે થવાનું છે..? જો કે, સખણીના તો અમે પણ નહિ. ટાણ પડે ત્યારે પગારની તારીખ જોવા કેલેન્ડરના પાનિયા તો અમે પણ ઉથલાવતાં. એ જમાનામાં ૧૪૬ રૂપરડી પગારમાં બીજું ઉથલાવી પણ શું શકીએ..? ચોઘડિયાં જોવાનો સવાલ તો આવે જ નહિ. અશુભ ચોઘડિયાં જ લમણે એવાં હોલસેલ લખાયેલા કે, શુભ થવા ચોઘડિયા જ અમારી ફરતે મંગલફેરા ફરતા. નિવૃતિના ૧૫ વર્ષ ખેંચી નાખ્યા પછી હવે તો રેશમી ચાદર પણ ફાટેલી મૌસમ જેવી લાગવા માંડે. કેલેન્ડરને બદલે દેવદેવીઓના ફોટા ઉથલાવું છું. જુવાનીમાં ભલે દેવાનંદની ચાલે ચાલ્યા હોય, હવે દેવદેવીઓની ચાલે જ ચાલવું પડે. આ બધાં સમય-સમયના સરવાળા છે. ફેફસું ઝગારા મારતું હોય, પણ હ્રદય હોય તો, જોર અને જુલમ પણ કેટલુંક થાય..? ચામડી ઉપર ગુલાબનું ફૂલ ફેરવીએ તો તેના પણ નખોરા વાગે..! એમાં ખાવામાં જો ભીંડા આવ્યા તો, એ ભીંડા પેટમાં જઈને મેદાનમાં ફૂટબોલ જ રમવા માંડે.
મૂર્ધન્ય કવિ ભગવતીકુમાર શર્માજીની પેલી શાનદાર પંક્તિ યાદ કરાવી દે દાદૂ..!
વરસું તો ભાદરવો ને સળગું તો વૈશાખ,
મારી પાસે બે જ વિકલ્પો, ક્યાં આંસુ ક્યાં રાખ..!
પેટ છૂટી વાત કરું તો, પેટે પાટા બાંધીને શ્રાવણ સાથે ભાદરવાના પણ નકોરડા ઉપવાસ કરવાનું ફાવે, પણ ભીંડો નહિ ફાવે..! ભર યુવાનીમાં વિધુર થઇ ગયા હોય, એટલો ભીંડો આકરો લાગે. દિવાળીને પામવી હોય તો, અગનખેલ પણ કરવા પડે એટલે ભીંડામાં ભીંડો કાઢીને ભૂંડા થતાં નથી. કોઈને શનિ નડે. રાહુ નડે. કેતુ નડે કે મંગળ નડતો હશે, પણ અમારા શ્રીશ્રી ભગાને માત્ર ભીંડો નડે..! આ ભીંડાની બબાલમાં શ્રીશ્રી ભગાએ ત્રણ-ત્રણ વાઈફ બદલેલી, ને ચોથી આવી એ ત્રણેયની ‘નાની’ નીકળી. શ્રીશ્રી ભગાને પિયર લઇ ગયેલી. જમાઈની ખાતેદારી એવી કરી કે, શ્રીશ્રી ભગાની સાસુએ સાત દિવસ સુધી ભીંડાનું શાક ખવડાવ્યું. એટલું જ નહિ, ઘરે જતી વખતે સાત દિવસ ચાલે એટલા ભીંડા પણ બાંધી આપ્યા..! છેલ્લે શ્રીશ્રી ભગાએ સાસુજીને કહેવું પડ્યું, ‘માતેશ્રી..! હવે ભીંડાનું શાક બનાવવાની તસ્દી નહિ લેતાં. મને ખેતર બતાવી દેજો હું જાતે જ જઈને ચરી આવીશ..! આ ઘટના પછી શ્રીશ્રી ભગાએ સાસરે જવાનું નામ નથી લીધું, ને ભીંડા માંથી ક્યારેય ભીંડો કાઢ્યો નથી..! છેલ્લે એક વાત કહી દઉં, ક્યારેક કોઈને છત્તીસગઢ જવાનું થાય અને ભીંડા ખાવાની ની જો સુગ જ હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું. એને કોઈ એમ કહે કે, અમે આજે ‘રામકલી’ નું શાક બનાવ્યું છે, તો રામ શબ્દ સાંભળીને બહુ હરખાય નહિ જતા. કારણ કે, છત્તીસગઢમાં ભીંડાને ‘જ ‘રામકલી’ કહેવામાં આવે છે…!