A woman's misery in Gujarati Fiction Stories by Amir Ali Daredia books and stories PDF | એક નારી દુખીયારી

Featured Books
Categories
Share

એક નારી દુખીયારી

સ્ત્રી

ગર્ભાવ્સથામાં જેટલી સુંદર લાગે છે એટલી સુંદર એ ક્યારેય નથી લાગતી. એનું કારણ કદાચ એ હશે કે એના ચેહરા ઉપર માં બનવાનો જે રોમાંચ. જે આનંદ ઝળકતો હોય છે એ અકલ્પનીય હોય છે. માતૃત્વ નું તેજ એના મુખ મંડળ ઉપર ઝગારા મારતું હોય છે, ગર્ભમાં બાળક જેમ જેમ આકાર લેતું જાય છે. પેટ નો આકાર જેમ જેમ ગોળાકાર માં ઉપસતો જાય છે. તેમ તેમ તેના ચેહરા ની આભા દિવસે ને દિવસે નિખરતી જ જાય છે. જાણે સાક્ષાત જગદંબા જ જોઈ લો, ઈશ્વરે બક્ષેલી માં બનવાની એ શક્તિ જ સ્ત્રી ને પુરુષ કરતા ઊંચો દરજ્જો અપાવે છે,

તેજસ્વિની પણ માં બનવા જઈ રહી હતી, છઠ્ઠો મહિનો બેસી ગયો હતો, અરીસા મા એણે પોતાનું પ્રતિબિંબ જોયું અને એ હેબત ખાય ગઈ, અરીસા મા એને કોઈ અજાણી સ્ત્રી ઉભેલી દેખાય. એને એ સ્ત્રી પ્રત્યે ઘૃણા થઈ, એના હોઠ માંથી કઠોર શબ્દો નીકળ્યા.

' તું પાપીણી છો, કલંકીની છો, લગ્ન વગર માં બનવા જઈ રહી છો, અભાગણી તારે તો ડુબી મરવું જોઈએ, ક્યાં મોઢે તું સંતાન ને જન્મ આપીશ? આ સમાજ તારા સંતાન ને ચેન થી જીવવા દેશે? અને તને તો ઠોકરો મારશે. આ સમાજ,હડધુત કરશે. આનાથી તો બેહતર છે કે જા ક્યાંક જઈ ને ડુબી મર. તારા દેખતા કોઈ તારા સંતાન ને હરામી કહી ને બોલાવશે શું તું સાંભળી શકીશ?.

અચાનક તેજસ્વિની ને અરીસા મા એક નાનું બાળક આમ તેમ દોડતું દેખાયું અને એની પાછળ એક ટોળુ, એ હરામી એ હરામી નો શોર મચાવતું દેખાયું, પોતાના બન્ને હાથો થી એણે પોતાના કાન ઢાંકી દીધા છતાં, એ હરામી એ હરામી, ના પડઘા એને સંભળાતા રહયા, એની આંખો માંથી ગરમા ગરમ આંસુ એના ગાલ ઉપર ઘસી આવ્યા.એણે દાંત કચકચાવ્યા. હાથની મુઠ્ઠીયો વાળી.એક મક્કમ નિર્ધાર કરી ઘર ની બહાર ઉતાવળે પગલે નીકળી, એના મગજ માં બસ એક જ ધુન સવાર હતી કે.

" ના રહેગા બાંસ. ઓર ના બજેગી બાંસુરી,'જો હું જ મારી જાત ને ખતમ કરી દવ તો ન સંતાન થશે.ને ન મારા એ સંતાનને. કે મારે સમાજ ના મેણા ટોણા સાંભળવા પડશે, નર્મદાના ખળખળ વહેતા નીર પાસેની એક ટેકરી ઉપર તેજસ્વિની ચડી ગઈ.બન્ને આંખોને બંઘ કરી. બન્ને હાથો ને જોડીને એણે ઈશ્વરને પ્રાર્થના કરી કે.

'હે ઈશ્વર તે આ જનમમાં આપેલો આ મનુષ્ય અવતાર તો મેં વેડફી નાખ્યો છે, મને માફ કરી દે જે, હું અત્યારે આત્મહત્યાનું અને મારા પેટમાં પાંગરી રહેલા નિર્દોષ જીવને. એના વગર વાંકે એને હણવાનુ પાપ કરવા જઈ રહી છું, આની તું મને જે સજા આપે મને એ મંજુર છે,, આ પ્રાથના કરીને. જેવુ એણે નદીમાં ઝંપલાવવા શરીરને તૈયાર કર્યું, ત્યાં એક મહાત્માએ પાછળથી આવી એના વાળના અંબોડોને પકડી લીધો. અને બીજા હાથમાં પકડેલું કમંડળ ફગાવીને ખભેથી એને જકડી લીધી.

'આ શુ કરે છે બેટી?" ધોળી રૂની પૂણી જેવી દાઢી વાળા મહાત્માએ હાંફતા હાંફતા પુછ્યુ, દુરથી જ તેજશ્વિનીને ટેકરી ઉપર હાથ જોડીને ઉભેલી જોઈ ને એમને અંદેશો આવી ગયેલો કે નક્કી આ છોકરી અનર્થ કરવા જઈ રહી છે, એથી એ દોડતા આવેલા અને તેજસ્વિની ને નદીમાં ખાબકતા રોકી, મહાત્મા ની વય એંસી ની આસપાસ હશે દોડીને આવ્યાં એટલે એ હાંફી ગયા હતા, પોતે ધારેલા કાર્યમાં અવરોધ આવતા તેજસ્વિની વધુ ભુરાઈ થઈ, મહાત્માની પકડ માંથી છુટવા એણે જોર લગાડ્યું, અને આવેશ માં બડબડવા લાગી.

' છોડીદો મને, મારે નથી જીવવું,"વળ ખાઇને એ મહાત્માની પકડ માંથી છુટવા ઉંચી નીચી થવા લાગી, પણ મહાત્માએ આટ આટલી અવસ્થા હોવા છતાં પોતાની પકડ ઢીલી ન થવા દીધી, પણ શાંત અને મૃદુ સ્વરે પૂછ્યું.

' દીકરી તારે મરવું જ છે ને?"

"હા" ઘાંટો પાડતા એ તાડૂકી,

"શા માટે. ગંભીર સ્વરે મહાત્માએ પુછ્યુ, મહાત્માના પ્રશ્ન થી એ વધુ ઉશ્કેરાણી.

'આ મારું જીવન છે એને હું રાખું યા પુરૂ કરૂં કોઈને શું ફરક પડવાનો?"

"કોઈને કંઈ ફરક નહીં પડે બેટા, પણ આત્મહત્યા એ પાપ છે,"

"એ પાપનું જે કંઈ ફળ મળશે એ ભોગવવા હું તૈયાર છું, હવે છોડો મને," મહાત્મા એ ઘણા જ શાંત સ્વરે તેજસ્વિની ને સમજાવતા બોલ્યા.

'ઠીક છે, તારે મરવું જ હોય તો હું તને નહીં રોકું, પણ મારી એક વિનંતી માનીશ?"  તેજસ્વિની એ પ્રશ્નાર્થ ભરી નજર મહાત્મા ઉપર નાખી, "આત્મહત્યા નું પાપ કરતા પહેલા, એક પુણ્ય કરતી જા,".

"શુ" તેજસ્વિની એ પુછ્યુ,

"આ બાળક ને જન્મ આપતી જા બેટી, એનું જતન હું કરીશ, એક જીવ તો બચશે, બે પાપ નું ફળ ભોગવવા ને બદલે તારે એક જ પાપ નું ફળ ભોગવવા નું આવશે, હું ધારું છું ત્યાં સુધી આ જીવને પૃથ્વી ઉપર આવતા બે ત્રણ મહિના થી વધુ સમય નહીં લાગે, એને જન્મ આપ્યા પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે, હું તારી આડે નહીં આવું,". મહાત્માજી ની આ વાત ગરમા ગરમ શીરા ની જેમ તેજસ્વિની ના ગળા નીચે ઉતરી ગઈ, પણ એક મુંજવણ હતી એના મનમાં, એના સમાધાન માટે એણે મહાત્મા ને પુછ્યુ.

' બાપુ, આ ત્રણ મહિના હું રહીશ ક્યાં?" મહાત્માને તેજસ્વિની નો પ્રશ્ન સાંભળીને ધરપત થઈ કે ચાલો આ છોકરી સંતાનને જન્મ આપવા તૈયાર તો થઈ, એક વાર સંતાન નો જન્મ થઈ જશે એટલે એની મમતા જ એને રોકી રાખશે, બે જીવ બચાવ્યા નો સંતોષ મહાત્માના ચેહરા ઉપર સ્પષ્ટ ઝળકતો હતો, એમણે તેજસ્વિની ને કહ્યું.

' અહીં પાસે જ મારો આશ્રમ છે તું ત્યાં રહી શકે છે,.

"નાનપણમાં જ મેં મારી માતા ગુમાવી હતી, ત્યારે હું અગિયારેક વર્ષની હોઈશ, પછી મારા પિતાએજ મને ઉછેરી," મહાત્માના આગ્રહ ને વશ થઈ તેજસ્વિની પોતાની કથની સંભળાવવા લાગી,

"આજથી સાત મહિના પહેલા મારા પિતા અને હું અમરકંટક આવ્યાં, જાત્રા ની જાત્રા અને સાથોસાથ ફરવાનું પણ થાય એવો એમનો ધ્યેય, અમે જે લૉજ માં ઉતર્યા હતા એજ લોજમાં એક લખનૌ નું યુગલ પણ ઉતર્યું હતું, મારા પિતા મળતાવડા અને ઝટ કોઈની પણ ઉપર વિશ્વાસ મુકી દે એવા સ્વભાવ ના, અને એ યુગલ, જેમાં પુરુષ જેણે પોતાનું નામ રણજીત ચૌધરી અને સ્ત્રીએ આયેશા ખાનમ કહ્યું હતું, એમણે મારા પિતા ના એ સ્વભાવ નો ગેર ફાયદો ઉપાડ્યો,

રણજીત લગભગ સાઈઠ નો, અને આયેશા પિસ્તાલીસ ની હશે, એમના કહેવા પ્રમાણે બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતા, છવીસ વર્ષનું લગ્ન જીવન હતું, પણ નિઃસંતાન હતા અને આ નિઃસંતાન પણાને અભિશાપ નહીં પણ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધું હતું,

' અમે વર્ષમાં બે વાર ભારતમાં કોઈ ને કોઈ સ્થાને અચુક ભ્રમણ કરવા નીકળી જ પડીએ.'આયેશાએ કહયું અને રણજીતે ટાપશી પુરી.

' સાઈઠ ટકાથી વધુ અમે ભારત ફરી ચુક્યા છીએ, અને તમે મોહનલાલ? ,

"અમે તો પેહલીવાર વાર જ બાર નીકળ્યા," મારા પિતા એ કહયું,. બીજે દિવસે સવારે અમે બાપદીકરી નર્મદા માતા ના મંદિરે દર્શન કરવા ગયા, સાંજ સુધી ત્યાં ફર્યા, સાંજે પાંચેક વાગે ગેસ્ટ હાઉસ ના ગાર્ડનમાં બેસી અમે નાસ્તો કરતા હતા ત્યાં આયેશા અને રણજીત આવ્યાં,

"ક્યાં ફરી આવ્યાં મોહનલાલ?,"

"નર્મદા માતા ના મંદિરે ગ્યાતા,"મારા પિતા એ કહ્યું,

"કપિલધારા નહીં ગ્યા,?"

"ના ત્યાં કાલે જઈશું,".

"સાંજનો શું પ્રોગ્રામ છે,?" આયેશાએ પુછ્યુ, "થકવાડો લાગ્યો છે, બે કલાક આરામ કરવા નો વિચાર છે," મારા પિતાએ કહ્યું,

"દોઢ કલાક આરામ કરજો, રણજીત બોલ્યો, અને અમે કંઈ પૂછ્યે એ પહેલાં આયશા જ બોલી.

'અહીંથી દોઢ કિલોમીટરના અંતરે સનસેટ પોઈન્ટ છે, ત્યાં જશું, ત્યાંથી ડુબતો સુરજ બહુ જ સોહામણો લાગે છે,"

"દોઢ કિલોમીટર? આટલું ચાલવાનો તો વેંત નથી મારામાં," બાપુ થી બોલી પડાયું, જવાબમાં આયેશા અને રણજીત બન્ને ખડખડાટ હસી પડ્યા,

"ચાલી ને નથી જવાનું ભાઈ. આપણી પાસે ફોરવિલર છે, અડધા કલાકમાં તો પાછા આવી જશું,".   સાડા છ વાગે અમે સનસેટ પોઈન્ટ પહોંચ્યા , પોણા સાતે સુર્ય અસ્ત થયો, સાત વાગે અમે પાછા આવવા રણજીત ની કારમાં બેઠા, અમે ગયા ત્યારે હું અને બાપુ પાછલી સીટ પર બેઠા હતા, પણ આ વખતે એમાં ફેરફાર થયો, પાછલી સીટ માં મારી સાથે આયેશા બેઠી, અને બાપુ ને રણજીત ની બાજુમાં બેસાડ્યા.પણ અમને એમાં કંઈ અજુગતું ન લાગ્યું, રણજીતે કાર ગેસ્ટ હાઉસ ના બદલે બીજા માર્ગે લીધી ત્યારે બાપુએ પુછ્યુ,

"ભાઈ ગેસ્ટ હાઉસ તો પેલા માર્ગે છે ને?".

"હા, પણ આ વિસ્તાર પણ બહુ સરસ અને જોવા જેવો છે," રણજીતે કહ્યું,

"અને થોડા આગળ જશું ને ત્યાં હરણા ના ટોળેટોળા પોતપોતાના ઠેકાણે પાછા ફરતા દેખાશે," આયેશા રણજીત ની વાત ના સંધાણ મા બોલી , મને પણ હરણાંના ટોળેટોળા જોવાની ઉત્સુક્તા થઈ આવી, એવા મા એક જ્ગ્યાએ રણજીતે ગાડી ઉભી રાખી અને કારના સાઈડ ગ્લાસ માંથી. પહેલા એણે અંગુઠો દેખાડ્યો, અને પછી બારી માથી બાહર આંગળી ચીંધતા બોલ્યો.

' ત્યાં ધ્યાન થી જુવો," મારૂ અને બાપુનું ધ્યાન એ દિશામાં દોરવાનું રણજીત નુ ધ્યેય હતું અને એમાં એ કામયાબ થયો બીજી જ સેકન્ડે આયેશાએ મારા નાક ઉપર એક કપડું દબાવ્યું અને હું બેહોશ થઈ ગઈ,'

હું જ્યારે હોશમાં આવી ત્યારે એક નાનકડી ઓરડીમાં હતી, દસેક ફુટ ઉંચે એક જાળી માથી થોડોક પ્રકાશ અંદર આવતો હતો, હું કેટલો સમય બેહોશ રહી એનું મને ભાન ન હતું, ઓરડી ની બાહર થી કંઈ ધીમો ગણગણાટ આવી રહયો હતો, હું અવાજ ની દિશામાં આગળ વધી તો એ અવાજ સ્પષ્ટ સંભળાવવા લાગ્યો, એ આયેશા નો સ્વર હતો અને કહી રહી હતી,

"કમાલની કમજોર છોકરી છે, જરાક જેટલું જ ક્લોરોફોમ સુંઘાળ્યુ તું, ચોવીસ કલાક થવા આવી હજી બેશુદ્ધ છે," રણજીત ધરપત આપતા બોલ્યો, "સારું છે, એ જેટલી વધુ બેભાન રહે એ આપણા માટે હિતાવહ છે, ઝુબેર અને મકરંદ પરોઢિયે રોકડા લઈને આવે એટલે આપણે એને સોંપી દઈશું, પછી એ લોકો ફોડી લેશે આપણે છુટ્ટા," રણજીત ની વાત સાંભળી ને મારા રુંવાડા ઉભા થઇ ગયા, બાપુ ની સાથે આ નરાધમો એ શું કર્યું હશે? મને એમની ચિંતા થવા લાગી, હું માથું પકડીને દિવાલ ને ટેકે બેસી ગઈ, તરસ થી ગળું શોષાતું હતું, ચોવીસ કલાક થી પેટમાં કંઈ ગયું ના હોવાથી કમજોરી વરતાતી હતી, જે દવા મને બેહોશ કરવા સુંઘાડી હતી, એની અસર ના લીધે માથું ફાટફાટ થતું હતું, ત્યાં ઓરડીનો દરવાજો ખુલવા નો અવાજ આવ્યો, આયેશાએ મને બેઠેલી જોઈને બોલી.

"તો તું હોશ માં આવી ગઈ,?" ક્રોધ અને ઘૃણાથી હું એની સામે તાડુકી,

' બેઈમાન સ્ત્રી, તમારા ઉપર મારા પિતાએ મુકેલા વિશ્વાસનો આ બદલો આપ્યો?" આયેશા ખંધુ હસતા બોલી.

' સુંદર છોકરી, આ તો અમારો ધંધો છે, ખુબસુરતી ની સારી એવી રકમ મળે છે, વરસ માં તારા જેવી બે કન્યાઓ હાથ લાગી ગઈ તો ભયોભયો," કેટલા ઠંડા કલેજે એ સ્ત્રી બોલી રહી હતી, મને એના ચેહરા ઉપર થુંકવાની ઈચ્છા થઈ આવી, પણ મોઢું સાવ સુકાઈ ગયું હતું, ઇન્સાનોનું, માસુમ સ્ત્રીઓ નું આ નરાધમો માટે આટલું જ મહત્વ હતું, જે દેશમાં સ્ત્રી ને દેવી તરીકે પૂજવામાં આવે છે, એજ દેશમાં સ્ત્રીઓ ની આવી અધોગતિ પણ થાય છે, શુ કરવુ મને કાંઈ સુઝતું નહતું, ત્યાં આયેશા ના શબ્દો સંભળાયા.

"જેણે તને ખરીદી છે, એ તને પરોઢિયે ચારેક વાગે આવીને લઈ જશે, હું તારા માટે જમવાનું મોકલું છુ, ખાઈ ને તાજી માજી થઈ જા, પછી તારે બેહોશી માં જ એક લાંબા પ્રવાસે જવાનું છે, આપણી આ છેલ્લી મુલાકાત, શુભ રાત્રી," કહીને આયેશા ચાલી ગઈ, અડધી કલાકે ફરીથી દરવાજો ઉઘડ્યો, એક પ્લેટ કોઈએ અંદર સરકાવી જેમાં દાળ ભાત અને એક કાંદો હતો, સાથે એક પુરુષનો અવાજ પણ સંભળાયો.

' ફટાફટ ખાવાનું ખાય લે," મને ભુખ તો ખુબ લાગી હતી, હું પ્લેટ લેવા દરવાજા તરફ સરકી, ત્યાં બીજા પુરુષનો અવાજ આવ્યો.

"સંપત, હું સુ સુ કરીને આવું છું.હોશિયાર રેહજે," અને એના જતા પગલા નો અવાજ મે સાંભળ્યો, હું દરવાજાને અઢેલી ને જ ઊભી હતી, સંપત ઉપર મેં નજર નાખી એ જોવા કે એ શુ કરે છે, સંપત બેફિકરો થઈ ને એક હાથની હથેળીમાં તમાકુ નાંખીને.બીજા હાથના અંગુઠાથી એને મસળવા લાગ્યો, મે મારા મા હતી એટલી હિંમત એકઠી કરી, મારામાં જેટલી તાકાત હતી એટલા જોરથી સંપતને મે ધક્કો માર્યો અને મુઠ્ઠ્યું વાળીને મે દોટ મુકી, અચાનક આવેલા આ ધક્કા માટે સંપત તૈયાર ન હતો, એ ગડથોલીયુ ખાઇને નીચે પડયો, પડતા પડતા એણે રાડ પાડી,

' હાકમ, દોડ ઓલી ભાગી," બે ત્રણ ગલીઓ વટાવી હું મુખ્ય રસ્તા ઉપર આવી,દોડવા ના કારણે હું હાંફી રહી હતી, પણ દોડ્યા સિવાય છુટકો પણ ન હતો મારી પાસે, હાકમ અને સંપત મારી પાછળ હતા, જો એ લોકો ના હાથમાં હું ફરી સપડાણી. તો મારૂ જીવન નર્કમાં વિતશે એ નક્કી હતું, મારા અને એ ગુંડાઓ વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું, એ બન્ને અલમસ્ત ડાઘીયા કુતરા જેવા હતા, હું ભુખી તરસી કમજોર બિલાડી જેવી, હમણાં એ લોકો આંબી જશે એવા ફફડાટ સાથે હું દોડી રહી હતી, ત્યાં મને આશાનું કિરણ દેખાયું, સ્ટ્રીટ લાઈટ ના થાંભલાને અઢેલી ને એક યુવક ઉભો હતો, એના હાથમાં કોઈ પુસ્તક હતું અને એ ત્યાં ઉભા ઉભા એ વાંચી રહયો હતો, મારાથી વધુ દોડી શકાય તેમ ન હતું, હું એ યુવક પાસે જઈ કાકલુદી કરવા લાગી,

"ભગવાનના ખાતર આ ઝાલીમોથી મને બચાવી લ્યો," હું હાથ જોડીને એના ચરણોમાં જ બેસી ગઈ, એ કસાયેલા દેહ વાળો ૧૮/૧૯વર્ષનો, ભગતસિંહ જેવી મરોડદાર મુછો વાળો યુવાન હતો, એણે લેંઘો અને ગંજી પેહરેલા હતા ગંજી ની બાંય માથી એના કસાયેલા બાવડા સ્પષ્ટ દેખાતા હતા, બન્ને ગુંડાઓ ત્યાં આવી પહોંચ્યા, એમાંથી ખુંખાર ચેહરા વાળા હાકેમે એ યુવાન ને ચેતવણી આપી,

' છોકરી ને ચુપચાપ અમારે હવાલે કરી ને ચાલતો થા,"

"નહીંતર?" શાંત સ્વરે એ યુવાને પુછ્યુ,

' નહીતર એક પણ હાડકુ સલામત નહીં રહે,' હાકેમે ઘુરકતા કહયું, જવાબ માં એ યુવાને કોણીએ થી પોતાનો હાથ વાળ્યો ને બાવડા માં ઉંચા નીચા થતા સ્નાયુ દેખાડતા પુછ્યુ,

" આ જોયું,? તમારા માથી કોઈ પણ એક જણ આગળ આવે અને મારા હાથનો એક મુક્કો ખાધા પછી પોતાના શરીરને આ ધરતી ઉપર સ્થિર રાખી બતાવે, તો હું મારી હાર સ્વીકારી ચુપચાપ ચાલ્યો જઈશ,"

"તારી તો" એક ગંદી ગાળ બોલતા સંપતે ખિસ્સા માંથી ચાકુ કાઢ્યું અને એણે એ યુવાન પર વાર કર્યો, એ યુવાને ડાબા હાથે એના વારને રોક્યો અને જમણા હાથે એના જડબા ઉપર એવો જોરદાર મુક્કો માર્યો કે એના મોં માંથી લોહીનો જાણે ફુવારો છુટ્યો, લોહીના એ ફુવારા સાથે ચાર પાંચ દાંત પણ ઉડતા દેખાયા, સંપત કપાયેલા ઝાડની જેમ જમીન ઉપર પછડાયો, એની એ હાલત જોઈને હાકમની હિંમત ન થઈ કે એ એ યુવાન ની નજદીક પણ આવે, એ ત્યાંથી ભાગી છુટ્યો, એ યુવાને મારી તરફ ફરતા કહ્યું,

' તમે ઇચ્છો તો તમને તમારા ઘર સુઘી પહોચાડી દવ," જવાબમાં હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી,

"હું.. હું.. હું અહીં સાવ અજાણી છું હું.. હું.,." હું હજી કાંઈ આગળ બોલું એ પહેલાં જ મને અટકાવતા એ બોલ્યો,

"ઠીક છે, તમારી કહાણી આપણે સલામત સ્થળે જઈએ પછી સંભળાવજો, પેલો ગુંડો મદદ લઈને હમણાં પાછો આવશે," એ મને પોતે જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં લઈ ગયો,

"હું અહીં વ્યાયામ ટ્રેનર તરીકે કામ કરું છું, અને અહીજ રહું છું," એ મને હોસ્ટેલના વોર્ડન પાસે લઈ ગયો, હાથ જોડીને એણે વોર્ડનને નમેસ્તે કર્યા, પણ મને જોઈને નમસ્તે નો જવાબ આપવાને બદલે વોર્ડને સવાલ કર્યો,

" આ કોણ છે બળદેવ,?"

"સર, એક અબળા છે, બે ગુંડાઓ ના પંજા માથી એને બચાવીને અહીં લાવ્યો છું, આજની રાત એને અહીં આસરો આપો, સવારે એની કઈક બીજે સગવડ કરીશું," વોર્ડને મને ઉદ્દેશીને પુછ્યુ,

"કોણ છે બેન તું, અને ગુંડાઓ ના પનારે કેમ કરતા પડી?," મેં ટુંકમાં મારી કથની કહી સંભળાવી, સાંભળીને એ બંનેને મારા ઉપર દયા આવી, અને એમને મારી ભુખ અને પ્યાસનો પણ અહેસાસ થયો, વોર્ડનના કહેવા થી બળદેવે મારા માટે ખાવા પીવા નો બંદોબસ્ત કર્યો, વોર્ડને પોતાની ઓફિસની બ્રેન્ચ પર મને સુઈ જવા કહ્યું અને જતા જતા આશ્વાસન આપતાં ગયા,

' આગળ શું કરવું તેનો આપણે સવારે વિચાર કરશું," સવાર ક્યારે પડી એનું મને ભાન ના રહ્યું, મારી જ્યારે આંખ ખુલી ત્યારે હું જે બ્રેન્ચ પર સુતી હતી એની સામે જ ખુરશી ઉપર બેસીને વોર્ડન અને બળદેવ હવે મારા માટે શું કરવું એની મસલત કરી રહ્યા હતા, મને જાગેલી જોઈને વોર્ડને મારી તરફ એક થેલી લંબાવતા કહ્યું,

"જો બહેન.આમાં હું મારી દીકરી ના એક જોડી કપડાં લાવ્યો છું, તમે નાહીને એ કપડાં પેહરી લેજો, પછી બળદેવ તમને તમારા પિતાને સુપૃત કરવા આવશે, તમે નચિંત રેહજો,'

હું નાહી ને કપડાં બદલી ને પાછી ઓફિસમાં આવી ત્યારે ગરમા ગરમ નાસ્તો તૈયાર હતો. મને ભુખ પણ ખુબ લાગી હતી, મે ત્રણ દિવસે ધરાઈ ને ખાધું, પછી વોર્ડને બળદેવ ને કહ્યું,

' તને બે દિવસ ની રજા આપુ છુ, તેજસ્વિની ને એના પિતાને હવાલે કરવાની જવાબદારી તારી,"

' આ મારી ફરજ છે સર, પિતા પુત્રી નું એ મિલન જોઈ મને ખુબ આનંદ થશે,". હું અને મારા પિતા જે લોજમાં ઉતર્યા હતા ત્યાં જઈને મારા પિતા વિશે પૃચ્છા કરી તો ખબર પડી કે એક કલાક પેહેલા જ એ અનુપપુર સ્ટેશને રાઈ પુર જતી ટ્રેઈન પકડવા રવાના થયા છે, અમે પણ અનુપપુર જવા બસ પકડી.

બળદેવ બહુજ સાલસ અને શાંત સ્વભાવનો યુવક હતો, મારો ખુબજ આદર કરતો, મારૂ ધ્યાન રાખતો, એક અજાણ્યા સ્થળે મુસીબત ના સમયે એ જે રીતે મારી મદદે આવ્યો હતો એ જોઈને મારૂ મન અહોભાવ થી ગદગદ થઈ ગયું હતું, મે રડમસ અવાજે આભાર વ્યક્ત કરવાની કોશિશ કરી,

' બળદેવ, તમે દેવદૂત બનીને મારી વહારે આવ્યા, હું તમારો આ અહેસાન ક્યારેય નહીં ભુલી શકું,"

" હું તમારા ઉપર કોઈ અહેસાન નથી કરતો,"

આકાશ તરફ જોતા બળદેવ બોલ્યો.

"અમે આર્ય સમાજના લોકો મુર્તિ માં નહી મનુષ્ય માં ઈશ્વરને જોતા હોઈએ છીએ, તમારી મદદ એ મારા માટે ઈશ્વરની સેવા જ છે," અમે સ્ટેશન પર પોહચ્યા ત્યારે, રાઈ પુર જવાની ટ્રેને,ઉપાડવાની સિટી મારી, અમે દોડીને ટ્રેઈન માં ચડ્યા, ટ્રેઈન માં ડબ્બે ડબ્બે ફરીને અમે બાપુને ગોતવા લાગ્યા, અને એક ડબ્બામાં મારા બાપુ મળ્યાં પણ ખરા, પણ એ મને જોઈને જાણે હેબતાઈ ગયા,

"તુ?" ત્રણ દિવસે બાપુને જોઈને હું આનંદના અતિરેકમાં એમને વળગી ગઈ, અને ધ્રુસકે ધ્રુસકે હું રડી પડી, પણ મને જોઈને બાપુને આનંદ નહી પણ આઘાત લાગ્યો હોય એમ મને દુર હડસેલી દીધી,

"આઘી ખસ, તારે ને મારે કોઈ સંબધ નથી,"

હું બાઘાની જેમ એમના ચેહરા ને તાકી રહી,

" આ, આ શુ કહો છો બાપુ," મારી આંખમાંથી અશ્રુ ના રેલા દડી રહયા હતા," પણ મારા આંસુની એમને મન કોઈ કિંમત ન હતી, એ ક્રુરતા પૂર્વક બોલ્યા.

"હું તારો કોઈ બાપુ ફાપું નથી, મારી સ્ત્રીને કોઈ સંતાન નહોતું એટલે એની જીદને કારણે અનાથ આશ્રમ માથી તને દત્તક લીધી હતી,"

મારા હ્રદયને કોઈ ચીરી રહ્યું હોય એવો મને આભાસ થયો, અને બાપુના છેલ્લા શબ્દોએ તો મને ભાન વિહોણી કરી નાખી,

"કેટલાય સમયથી હું તારા થી પીછો છોડાવવા મથતો હતો એમાં રણજીતે પચાસ હજાર ની ઑફર કરી, ને મે તને એના હવાલે કરી દીધી, હવે તુ તારા રસ્તે અને હું મારા રસ્તે," હું આઘાત થી બેહોશ થઈ ને ઢળી પડી,  હું ભાનમાં આવી ત્યારે એક નાનકડી ઝૂંપડીમાં જમીન ઉપર પડી હતી, બળદેવ મારી બાજુમાં બેસી ને મને હવા નાખી રહયો હતો, મેં આંખ ખોલીને એના ચેહરા ઉપર નજર નાખી, તો તેણે મારા તરફ દયામણું સ્મિત કર્યું,મે પથારીમાં બેઠા થતા પુછ્યુ,

' આપણે ક્યાં છીએ બળદેવ,?".

"આપણે પારૂલ માસી ને ત્યાં છીએ,".

"એ કોણ?"

' ઘણાં વર્ષો પહેલાં માસી અમારી હોસ્ટેલમાં રસોઈ બનાવવા આવતા, પછી હોસ્ટેલ છોડીને અહીં પેડ્રાગામ માં સ્થાયી થયા, ત્યારે એમનો સામાન ફેરવવા માં મે એમને મદદ કરી હતી, અને ત્યારે એક વાર હુ એમની સાથે અહીં આવ્યો હતો,.

"છોકરી ભાનમાં આવી કે,?". આ પ્રશ્નની સાથે માસીએ વાંકા વળીને ઝૂંપડીમાં પ્રવેશ કર્યો, માસીએ મારી બાજુમાં બેસતા કહ્યું,

'તારી સાથે ખુબ ખરાબ થયું તેજુ, તને તેજુ કહું તો ચાલશે ને છોકરી,?" હુ બેશુદ્ધ હતી તે દરમ્યાન બળદેવે, મારા વિશે વિગતવાર વાત માસીએ કરી હશે, મે ચેહરા ઉપર પરાણે સ્મિત લાવતા કહ્યું,

"હા ચાલશે માસી, તમે મારી માં જેવા જ,,,,,,,". હુ હજુ તો,,,છો,,, એમ કહું એ પહેલાં માસી મારૂ મોઢું તોડી લેતા બોલ્યા,

"જો ભઈ, હુ કોઈ સંબધ જોડવામાં નથી માનતી, બળદેવના કહેવા થી હુ તને અહી આસરો આપુ છુ, પણ એના બદલે તારે મારા ઘરનું બધું જ કામ કરવું પડશે, અને સાથે મારી સેવા પણ કરવી પડશે, તને મંજુર હોય તો રે, નહીંતર બીજું ઘર શોધી લે," માસીનું આ સ્વરુપ બળદેવે કદાચ પેહલિવાર જ જોયુ હશે, એટલે એ ચોંકીને માસીને જોઈ જ રહ્યો,

' એલ્યા જોઈ શુ રહયો છે મને,? મારી વાત કડવી લાગી,?"

'તમે આની પાસે ઘરકામ, અને સાથે તમારી સેવા પણ કરાવશો,?"

"હુ એને મફતમાં આસરો અને રોટલા આપુ એવી ડફોળ નથી,"

. "પણ". બળદેવ કંઇક કહેવા જતો હતો પણ, મે એને રોકતા કહ્યું,

'તમે મારી ચિંતા ન કરશો, હુ માસીની હ્રદય પૂર્વક સેવા કરીશ, અને ચિંધ્યા કામ પણ કરીશ,".

"અને એમાંજ તારી ભલાઈ છે," આમ કહી માસી છણકો કરીને બાજુમાં જ આવેલી બીજી ઝૂંપડીમાં ચાલ્યા ગયા, માસીના આ વર્તનથી બળદેવનાં ચેહરા ઉપર ચિંતાની સાથે સાથે ઉદાસીના ભાવ પણ ઉપસી આવ્યા, બળદેવ ના મુખ પર વ્યાધિ જોઈને મે કહયું,

"મને હવે મારા હાલ ઉપર છોડી દો બળદેવ, તમે મારી ઘણી મદદ કરી,"

"એ કેમ બને તેજસ્વિની, તમને એક કર્કશા અને હ્રદય વિહોણી સ્ત્રીને હવાલે કરીને હુ કઈ રીતે જઈ શકું,?"

. "તમે જાવ, તમારે આજે તો હોસ્ટેલ પોહચી જવાનું હતું,,"

"હા, પણ હુ તમને કોઈ સારી વ્યક્તિ ને સપૃત કરી ને જ જઈશ,". મે રડમસ ચહેરે કહ્યું,

"મને મારા નસીબ પર છોડિદો, જે બાપના ખોળામાં હુ રમીને મોટી થઈ એ બાપે જ મારો ત્યાગ કર્યો, તો કોઈ પારકી સ્ત્રી પાસે હુ શું અપેક્ષા રાખું, જે થાશે તે જોયુ જશે,".

"જ્યાં સુધી કોઈ લાયક હાથમાં તમારો હાથ ના સોપુ ત્યાં સુધી હુ તમારી સાથે જ રહીશ," મને પણ આ બે દિવસ માં બળદેવ નો સહવાસ ગમવા લાગ્યો હતો, અને તેને મારી આટલી ફીકર કરતા જોઈ મને અનહદ આનંદ પણ થયો, બળદેવ માસી પાસે ગયા અને પુછ્યુ,

' માસી, તમે તમારી ઝૂપડીનું શુ ભાડું લેશો, હુ તમને દર મહિને એ ભાડું આપીશ, અને જ્યાં સુધી તેજસ્વિની માટે કોઈ સારું ઠેકાણું નથી મળતું હુ ત્યાં સુધી અહીં જ રહીશ,"

"સારું, પચાસ રૂપિયા આપજે, ખાલી ઝૂપડા ના હો,"

હું ઝૂંપડીમાં સુતી, અને બળદેવ ઝૂપડાની બાહર ચટ્ટાઈ નાંખીને સુઈ જતો, એની પાસે થોડાક પૈસા હતા, એમાંથી થોડીક ઘર વખરી અને અમારા બન્ને માટે બે બે જોડી કપડાં લઈ આવ્યો, બળદેવ રોજ સવારે બજારમાં ચાલ્યો જતો, અને મજુરી કરતો, એમાંથી શાક, લોટ અને ચોખા લાવતો, અને માસીને આપવા થોડી બચત પણ કરતો, અમને અહી આવ્યાં નો એ ચોથો દિવસ હતો, હું રોજ સવારે પાંચ વાગે ઊઠીને પેહલા સ્નાન કરતી પ્રભુ ને પ્રાર્થના કરતી, પછી રસોઈ બનાવતી, બળદેવ છ વાગે ઊઠીને સીધા નદીએ જતા ત્યાંથી નાહી ને આવતા, આવીને બજારે ટિફિન લઈને મજુરી કરવા ચાલ્યા જતા, આજે હું નાહીને પ્રાથના ની તૈયારી કરતી હતી ત્યાં, અચાનક વરસાદ વરસવા લાગ્યો, બળદેવે વરસાદથી બચવા ઝૂપડીના દ્વારને ખટખટાવ્યું, મે દ્વાર ખોલ્યું, બળદેવ ચટાઈ લઈને અંદર આવ્યો, બળદેવે શરીર પર ફકત પાયજામો જ પહેર્યો હતો, એની વિશાળ ખુલ્લી છાતી પર સિંહની કેશવાળી જેવા વાળ ના ગુચ્છા મે પહેલી વખત જ જોયા, એના ઘુંઘરાળા માથાના વાળ માથી ટપકી રહેલા પાણી ના બિંદુઓ એના કપાળ પરથી સરકી ને નાકના ટેરવા વડે હોઠ પર અને પછી દાઢી પર આવીને દડી જતા હતા, અને એ જોઈને, મારી ધમણીમાં લોહી ઉછાળા મારવા લાગ્યું, અને બળદેવે પણ કદાચ મારા ભીંજાયેલા, ચેહરા ઉપર વિખરાયેલા વાળ પેહલી જ વાર જોયા હશે, મારી આંખો સાથે એની આંખો મળતાજ, મારી જેમ એ પણ કામદેવનો શિકાર થઈ ગયા, અને અમે ક્યારે એકમેકમાં ઓત પ્રોત થઈ ગયા એનું ભાન ના રહ્યું, જ્યારે અમારા આવેગ નો એ ઉભરો શાંત થયો ત્યારે અમને ખયાલ આવ્યો કે અમે તમામ મર્યાદા વળોટી ચુક્યા છીએ,

"આપણે ભાન ભુલ્યા બળદેવ," મે થોથવાતા સ્વરે કહ્યું,

"હું તારા માટે યોગ્ય ઠેકાણું શોધવાનું કહેતો હતો ને, શુ તુ મને તારા યોગ્ય સમજે છે તેજુ,?" બળદેવે પેહલી વાર મને તુંકારે અને તેજુ કહીને સંબોધી, અને હું જવાબમાં ફરી એક વાર. વેલ વૃક્ષને વળગે તેમ તેને વીંટળાઈ ગઈ,. સવાર થતા જ બળદેવ અને હું માસી પાસે ગયા, બળદેવે માસીને કહ્યું,

"માસી, મારે અને તેજસ્વિની ને લગ્ન કરવા છે, કોઈ મહારાજ ને પુછી ને મહુરત કઢાવી આપશો?," માસી પહેલાં તો ચોંકી ગયા, પછી એમને પરિસ્થિતિ સમજાઈ હશે, એટલે બોલ્યા,

"અગ્નિ આગળ માખણ રાખો એટલે એ પિગળવાનું જ," માસી શું બોલ્યા એ અમને ના સમજાયું, પણ પછી માસીએ કહ્યું,

' આપણા ગામમાં એક મારાજ છે ખરા. પણ હાલ જાત્રાએ ગયા છે, એ આવે એટલી વાર રાહ જુવો,"  અમે મહારાજ ના આવવાની રાહ જોવા લાગ્યા, એ દરમિયાન બળદેવ હવે ઝૂંપડીમાં જ સુવા લાગ્યા, અમે પરણ્યા પહેલા જ પતિ પત્ની ની જેમ રહેવા અને જીવવા લાગ્યા, અને એક દિવસ બળદેવ મજૂરીએ ગયા હતા, હું રોજ ની જેમ, મારું કામ પતાવી ને માસીને મદદ કરવા ગઈ, ત્યાં અચાનક મને ચક્કર આવ્યા અને હું પડી ગઈ, સાંજે બળદેવ આવ્યાં ત્યારે માસીએ વધામણી આપી,

'તેજુ માં બનવા ની છે, મીઠાઈ ખવરાવ ," બળદેવ ના મુખ પર ખુશી તો છલકાણી, પણ એક ડર પણ હતો,

' પણ માસી લગ્ન પહેલા," માસીએ એમના કાન આમળ્યા,

" લગ્ન પછીના કામ. લગ્ન પહેલા કરો તો પરિણામ તો આવે જ ને,?'

' માસી, તમને મહારાજ નું કહ્યું હતું ને,?"

"હા મને ખ્યાલમાં છે.પણ મારાજ હજુ હરિદ્વાર થી આવ્યાં નથી, એ આવે એટલે તરત તમારા લગ્ન થઈ ગયાં સમજો," લગભગ બીજો દોઢેક મહિનો વીત્યો, મારા પેટમાં ત્રણ મહિના નો ગર્ભ ઉછરી રહ્યો હતો,, સાંજે હું અને બળદેવ વાળું પતાવી ને બેઠા હતા, ત્યાં માસી આવ્યાં અને કહ્યું,

"બળદેવ, પેલા મારાજ હરિદ્વાર થી આવી ગયા છે, તું કેતો હો તો કાલે એને બોલાવી ને મુરત કઢાવી યે,". માસી ની વાત સાંભળી ને હું અને બળદેવ રાજી રાજી થઈ ગયા, મારાથી બોલી જવાયું,

"નેકી ઓર પુછ પુછ,,,,,"

' તું ચુપ રે છોકરી," મને વડચકુ ભરતા માસી તાડુક્યા, પછી બળદેવ ને ઉદ્દેશીને પુછ્યુ,

"બળદેવ, તને ખાતરી છે કે આના પેટમાં જે જીવ છે એ તારો જ છે," આ વખતે મારાથી રાડ પડાય ગઈ,

"તમે કહેવા શું માંગો છો, બળદેવ નું જ છે,"

મારી વાતને ઉડાડી દેતા માસી બોલ્યા.

"એ તો તારું કહેવું છે, પણ હુ બળદેવ ને પુછું છું," "હા,, હા માસી એ મારૂ જ સંતાન છે," બળદેવે કહ્યું, પણ માસી એ શંકા નું બીજ બળદેવ ના દિમાગ માં રોપી જ દીધું,

"તે કહ્યું હતું ને કે કોઈ સ્ત્રી વિક્રેતા ના હાથ માથી તે એને છોડાવેલી, અને તેજુ ના કહેવા પ્રમાણે, એ ચોવીસ કલાક બેહોશી ની હાલત મા એ લોકો પાસે રહેલી, એ ચોવીસ કલાકમાં એની સાથે શું થયું હશે તને ખબર છે,?" બળદેવે નકાર મા માથું ધુણાવ્યું, મારાથી ચીસ નીકળી ગઈ,

' મારી સાથે કંઈ નથી થયું,"

"જે લોકો સ્ત્રીઓને ફક્ત લે વેચ ની વસ્તુ જ સમજતા હોય, એવા વરુઓ, તને સ્પર્શ કર્યા વગર ના રહે, એ હું નથી માનતી,"

"તમારે જે માનવું હોય તે માનો, પણ મારા શરીર ને બળદેવ સિવાય કોઈએ નથી અડ્યો, તમે ચુપ કેમ છો બળદેવ,?' મે રડમસ અવાજે બળદેવ ને પુછ્યુ,

'હું તને ક્યાં કંઈ કહું છું તેજુ," મારા ખભા ઉપર હાથ મૂકી ને એ બોલ્યા, પછી માસીને એમણે કહ્યું,

' માસી, મને ખાત્રી છે કે તેજુ, નિર્દોષ છે, તમે મહારાજ ને બોલાવી લેજો,"

"તો મારે શું,"કહીને માસીએ વિદાય લીધી, બે દિવસ પછી મહારાજ આવ્યાં, અને અગિયારમા દિવસ નું અમારા લગ્નનું મુહૂર્ત કાઢ્યું,.

મે બળદેવમાં આવી રહેલા પરિવર્તનને જોયુ, છેલ્લા ચારેક મહિના થી મને જરાય અળગી ન કરનાર, બળદેવ, મારાથી દુર થતો હોય એવું મને લાગ્યું, ફરીથી એ ચટ્ટાઈ લઈને ઝુપડી ની બાહર સુવા લાગ્યો, મારી નાની નાની વાતોનું ધ્યાન રાખનારો, મારા ઉપર પ્રેમ ન્યોછાવર કરનારો બળદેવ, મારાથી કતરાવા લાગ્યો, અમારા લગ્નને ત્રણ દિવસ ની વાર હતી અને એનું એ વર્તન મને અસહય લાગતું હતું, એથી મેં એને પુછ્યુ.

"બળદેવ, હું થોડા સમય થી જોઈ રહી છું કે તમે મારાથી અતડા અતડા રહો છો, શુ વાત છે,?"  "ખબર નહીં કેમ તેજુ, મારૂ મન આ લગ્ન કરવા ની ના પાડે છે,"

"શુ બોલો છો તમે," મારો અવાજ તરડાઈ ગયો,

"હું તને દોષ નથી દેતો તેજુ, તારી સાથે સંજોગો જ એવા ઉભા થયા હતા, પણ આ સંતાનને સ્વીકારવા મારૂ મન તૈયાર નથી," હું આશ્ચર્યથી એમની સામે જોઈ રહી,

"તમને મારા ઉપર વિશ્વાસ નથી,?" કાળજે પહાડ જેવો ભાર મહેસુસ કરતા મે પુછ્યુ,

"વિશ્વાસ જ વિશ્વ નો શ્વાસ છે, એ સાચું, પણ તેજુ, જ્યારે હ્રદય ડંખતું હોય ને ત્યારે, જુદા થઈ જવામાં જ મજા છે,". આટલું કહી એ ઝડપ ભેર ઝુપડીની બાહર જતા રહ્યો , અને હું એને જતા જોઈ રહી, ઈચ્છા તો ઘણી થઈ કે દોડીને એમના પગ પકડી લવ, પણ હું દોડી ના શકી, મને મઝધારે મૂકીને એ જતા રહ્યા, મને એમ હતું કે જ્યારે એમને સચ્ચાઈ સમજાશે, ત્યારે એ જરૂર પાછા આવશે,

હું કાગ ડોળે એમની રાહ જોવા લાગી, એમને ગયા ને મહિનો વીત્યો પણ એ ન જ આવ્યાં, માસીના જુલમ પણ મારા ઉપર વધવા લાગ્યા, ઘરનું બધું જ કામ કરાવી લીધા પછી મારી પાસે પોતાના પગ પણ કચરાવતા, અને બદલા માં ફક્ત એક વાર વધ્યું ઘટ્યું ખાવા આપતા, એમાં કાલે સાંજે હું પાણી ભરીને આવતી હતી, ત્યાં મે સમતોલ પણુ ગુમાવ્યું, માટલું મારી કેડ માથી છટકી ને નીચે પડ્યું અને ફુટી ગયું, તો માસી ઝાડુ લઈને મારા ઉપર તુટી પડયા, અને હું. અત્યાર સુધી જે હિંમત થી. આવતી મુસીબતો નો સામનો કરી રહી હતી, એ હિંમત હવે પડી ભાંગી, મારી ધીરજ નો અંત આવ્યો બાપુ, અને મેં મારા જીવન નો અંત લાવવાનો નિર્ણય કર્યો,

મહાત્માએ તેજસ્વિની ની સંપુર્ણ કથા ખુબ શાંતિથી સાંભળી, પછી ખુબ ધીર ગંભીર સ્વરે કહ્યું,

"બેટી, આત્મહત્યા એ મહા પાપ છે,,,,,"

"જુવો, જુવો , હવે તમે ઉપદેશ ના આપતા,'

મહાત્માને અધવચ્ચે રોકતા તેજસ્વિની બોલી,

"તમે કહ્યું છે કે સંતાન ને જન્મ આપ્યા પછી હું મારું ધાર્યું કરી શકું છું,".

"જેવી તારી ઇચ્છા,"મહાત્માએ સ્મિત કરતા કહયું, પેડ્રાગામ થી તેજસ્વિની ને તરછોડી ને બળદેવ પાંચ મહિને પોતાની હોસ્ટેલે આવ્યો ત્યારે ત્યાં એની ખાલી જ્ગ્યા પુરાઈ ગઈ હતી, બે દિવસ ની રજા વોર્ડને બળદેવ ને આપી હતી, તેજસ્વિની ને એના પિતા સુધી પહોંચાડવાની. એના બદલે એ છ મહિને આવ્યો, એક મહિના સુધી એની પ્રતિક્ષા વોર્ડને કરી, પછી તેમણે હોસ્ટેલ ના બચ્ચાંઓ માટે નવો ટ્રેઈનર રાખી લીધોહતો.વોર્ડનને બળદેવેં પોતાના રોકાણ નું જ્યારે કારણ કહ્યું, ત્યારે વોર્ડન ને એના ઉપર ઓર ગુસ્સો આવ્યો, અને એ આક્રોશ પુર્વક બોલ્યો,

'તને એ અબળા પ્રત્યે જરાય દયા ન આવી? મને તારા પ્રત્યે કેટલું માન હતું, પણ એ બધા પર તે પાણી ફેરવી નાખ્યું, એક માસુમ સ્ત્રીને બેજીવી કરીને આમ મઝધારે મૂકીને તું ચાલ્યો આવ્યો, તને જરાય શરમ ન આવી, ધિક્કાર છે તારા પર, જા હવે તારું મોં મને ક્યારેય ન દેખાડતો,". વોર્ડન ના હાથે હડધુત થઈને એ આમતેમ ભટકવા લાગ્યો, ક્યારેક એને લાગતું કે પોતે લીધેલો નિર્ણય બરોબર છે, તેજસ્વિની ના પેટમાં પાંગરતું એ બાળક મારૂ નહીં જ હોય, પણ ઊંડે ઊંડે એનો આત્મા એને ડંખી પણ રહ્યો હતો, કે તેજુ ને પોતે ખરેખર અન્યાય કર્યો છે, એ દુખયારી સ્ત્રી ને પોતે વધુ દુઃખ આપી ને આવ્યો છે, આમ ને આમ અસમંજસ માં બળદેવ રઝળપાટ કરવા લાગ્યો, એનું હ્રદય એને સમજાવતું કે જા તારી ભુલ સુધારી લે, તેજુ પાસે ચાલ્યો જા, એ મનને તૈયાર કરતો તેજસ્વિની પાસે જવા, પણ ત્યારે એના પગ ભારે થઈ જતા, આવી રીતે બળદેવ ભટકવા લાગ્યો, ક્યારેક મજુરી કરતો, ક્યારેક રઝળ્યા કરતો, ક્યારેક ખાઈ લેતો, તો ક્યારેક ભુખ્યો રહેતો.પણ વધારે તો ભુખ્યો તરસ્યો જ પડ્યો રહેતો, એનું ખડતલ કસરતી શરીર સુકાવા લાગ્યું, આંખ્યું ઉંડી ઉતરવા લાગી, માથા પર વાળ અને ચેહરા પર દાઢી વધવા લાગી, મેલા ઘેલા કપડા પહેરી ને એ ભટક્યા કરતો, થાકી જાય ત્યારે કોઈ વૃક્ષ ની છાયા માં સુઈ જતો, આવીજ રીતે એક દિવસ પોતાના બન્ને ગોઠણ ઉપર માથું ટેકવીને એ એક ઝાડની છાયા માં બેઠો હતો, અને એના કાને.

' બચાવો બચાવો.' નો અવાજ સંભળાયો, અવાજની દિશામાં એણે નજર ફેંકી તો સામેની ટેકરી પર થી માર માર કરતી એક સાયકલ દોડતી આવી રહી હતી, એની ઉપર નવ દસ વર્ષ નું એક બાળક, જેના પગ પેડલ પર થી છટકી ગયા હતા, અને એ,

' બચાવો બચાવો.' ની બૂમો મારતો હતો, બળદેવ સાયકલ ની દિશા માં દોડ્યો, સાયકલને રોકવાના એના પ્રયાસ થી સાયકલ રોકાઈ પણ ખરી, પણ શરીરમાં આવી ગયેલી કમજોરી ના કારણે,એ પોતાને સમતોલ ના રાખી શક્યો, અને ગડથોલીયું ખાઈ ને એ એક તરફ, અને સાયકલ.તથા સાયકલ સવાર બીજી તરફ પડ્યા, સાયકલ સવાર બાળક ને કોણીએ અને ગોઠણે સારો એવો માર લાગ્યો હતો. બળદેવ ને કપાળ માં પથ્થર લાગવાથી લોહી નીકળતું હતું, એ કપડા ખંખેરી ને બાળક પાસે આવ્યો અને એને ઊભો કરતા કહ્યું,

"સાયકલ ના આવડતી હોય તો ઢળાણ પર થી સાયકલ દોરીને ઉતરાય,"

"મને સાયકલ આવડે છે હો,"બાળક બોલ્યો.

"હુ રોજ આમજ ઉતરું છુ, બ્રેક દબાવીને રાખું, એટલે આસ્તે આસ્તે ઉતરી જવાય, પછી દોરીને ઉપર લઈ જાવ કારણકે ડુંગરો ચડાતો નથી,"

"તો આજે શું થઈ ગયું," બળદેવને છોકરા સાથે વાત કરવાની મજા પડી,

"આ જુવોને બ્રેક જ તુટી ગઈ," છોકરો રડમસ અવાજે બોલ્યો, પછી પોતાની સાયકલ ને ઉભી કરવા એણે ડગલું ભર્યું, પણ ગોઠણ છોલાય ગયો હોવાથી, એના મોં માં થી ઉંહકારો નીકળી ગયો,

"ઓય મા," પછી ટેકરીના ચઢાણ તરફ નજર નાખતા બોલ્યો,

"બાપરે, હવે હું ઘેર કેમ કરતા જઈશ,?" એ ડુંગરા ઉપર એની વાડી હતી, બળદેવે એને હિંમત આપતા કહ્યું,

"ચિંતા ન કર, હું તને મુકી જઈશ,"

"પણ કેવી રીતે,? મારો તો પગ જ ઊંચો નથી થતો," બળદેવે વાંકા વળીને સાયકલ ઉભી કરીને કહ્યું.

"ચાલ બેસીજા સીટ ઉપર," બળદેવનો સહારો લઈ એ છોકરો સાયકલ પર બેઠો, ત્યાં એનું ધ્યાન બળદેવ ના કપાળમાંથી નીકળતા લોહી ઉપર પડ્યું,

"અરે, તમને તો લોહી નીકળે છે," એમ કહી એણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને બળદેવ ના કપાળ પર બાંધવા ગયો,, પણ બળદેવે એને રોકતા કહ્યું,

"છોકરા, મારા કરતા તો તને વધુ લાગ્યું છે,"

"મારૂ નામ છોકરો નહીં, અણમોલ છે," અણમોલે પોતાનું નામ કહ્યું,

"મારૂ નામ બળદેવ,"

"પણ હું તો તમને ભાઈ જ કહીશ," અણમોલ બહુજ વાતુડ્યો અને મળતાવડો છોકરો હતો, પોતાની કેટલી મોટી વાડી છે, અને વાડીમાં શું શું વાવ્યું છે, ઘરમાં કોણ કોણ છે, એ બધાની વિગતવાર માહિતી વાડીએ પોહચ્યાં ત્યાં સુધી માં એણે બળદેવને આપી દીધી,

દુર થી જ અણમોલ ની માએ જોયુ કે કોઈ અજાણ્યો શખ્સ અણમોલને સાયકલ પર બેસાડીને આવી રહ્યો છે, તો એને ફાળ પડી, દોડીને એ વાડીના ફાટક પાસે આવી અને ગભરાયેલા સ્વરે એકી શ્વાસે પુછ્યુ,

"શુ થયુ મારા દીકરાને?," પણ જવાબ આપવાનો વેંત બળદેવ માં રહ્યો ન હતો, દસ વર્ષ ના છોકરા ને સાયકલ પર બેસાડીને આટલું ચઢાણ ચડવું ખાવાનું કામ ન હતું, અણમોલ સાયકલ પર થી જેવો ઉતર્યો, એવો જ સાયકલને એક બાજુ હડસેલી ને બળદેવ ધમણ ની જેમ હાંફવા લાગ્યો, અણમોલ અને એની મા એને ટેકો આપીને વાડીમાં લઈ આવ્યાં, અને એક ખાટલા ઉપર બેસાડ્યો, થોડી વારે બળદેવ નું હાંફવાનું થોડું ઓછું થયું, એટલે અણમોલ ની માએ કહ્યું,

"તારો ખુબ ખુબ આભાર દીકરા, તુ ત્યાં હાજર ન હોત,તો કોણ જાણે મારા અણમોલ નું શુ યે થાત,?" "મેં કંઈ નથી કર્યું બા, હું તો ફક્ત નિમિત્ત છું,"

"તે મને બા કહી,?" ગદગદ કંઠે બાએ પુછ્યુ, "અણમોલે મને ભાઈ કહ્યો, તમે પણ મને દીકરો કહ્યો, હવે તમને હું બા ન કહું તો શું કહું બા,?" બળદેવે સ્મિત કરતા પુછ્યુ, અને બા એના મોહક સ્મિત ઉપર જાણે વારી ગયા,

"ક્યાં રહે છે તું, અને શું કરે છે,?" જવાબમાં બળદેવે ગમગીન સ્વરે પોતાના વિતેલા જીવનનો સારાંશ બાને કહી સંભળાવ્યો,બાને એનું વૃતાંત સાંભળી ને ઘણું દુઃખ થયું, અને બળદેવ ને ઠપકો આપતાં બોલી,

"તે આવી મુર્ખાઈ કેવી રીતે કરી? એ અભાગણી ને તું આમ રઝળતી કેવી રીતે મુકી શકે,?" બન્ને હાથોમાં પોતાનો ચહેરો ઢાંકીને બળદેવ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, ઘણા સમયથી હ્રદય માં સંઘરી રાખેલો ભાર જાણે એણે હળવો કર્યો,

"મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ બા,"

"તે મને બા કહી છે ને, તો હવે તારી જિંદગીની ગાડીને પાટા પર ચડાવવા નું કામ મારૂ," .

"પણ કેવી રીતે,?" પ્રશ્નાર્થ ભરી નજરે બળદેવે બા ને પુછ્યુ,

"જો હવે તારે અહીજ રેહવાનું છે, આપણી વાડીનું ધ્યાન રાખ, આ માથાના જટીયા અને દાઢી છોલાવી નાખ, ખાઈ પી ને તાજો થઈ જા, ચાર દિવસ પછી આપણે પેડ્રાગામ જઈશું અને તેજસ્વિની ને તેડી આવીશું, અને અહીં આંગણામાં તમારા બન્નેના લગ્ન હું કરાવીશ,"

"બા, તેજુ મને માફ કરશે,?"

"હ્ર્દય પુર્વક માફી માંગો તો એક ભુલ ઈશ્વર પણ માફ કરે," પાંચમે દહાડે બાએ ઘોડાગાડી મંગાવી, અને વહેલી સવારે બા, અણમોલ, અને બળદેવ ઉત્સાહ ભેર તેજસ્વિની ને લેવા પેડ્રાગામ જવા રવાના થયા, બાએ બળદેવ ને સારા કપડા પહેરાવ્યા હતા, બળદેવ પણ બાલ દાઢી કરાવીને, સુંદર લાગી રહ્યો હતો, ચેહરા ઉપર ભગત સિંહ જેવી આંકડા વાળી મુછો સાથે એ પહેલાંની જેમ દીપી રહ્યો હતો, હા શરીર હજુ પહેલા જેવું નોતું, પણ તેજસ્વિની ને આજે મહિના પછી પોતે મળશે, એ વિચારો માં એનું મુખ ઝગારા મારતું હતું, અને દિલમાં એક ડર પણ હતો, કે જે અન્યાય એ તેજુ ને કરીને આવ્યો હતો, શુ તેજુ એને માફ કરશે,? પોતે કઈ રીતે એની આંખો સાથે આંખ મિલાવી શકશે, પોતે હાથ જોડીને એની પાસે માફી માંગશે, એ માફ નહીં કરે તો કરગરીને એના પગમાં પડી જઈશ, કોઈ પણ ભોગે એને મનાવ્યે જ છુટકો, જાત જાતના વિચારો અને તરંગો પેડ્રાગામ પહોચતા સુધી બળદેવના મષ્તક માં દોડતા રહ્યા, માસીના ઘર પાસે જેવી ઘોડાગાડી ઉભી રહી કે ઠેકડો મારીને એ નીચે ઉતર્યો, અને.

'તેજુ તેજુ.' કરતો પોતાની ઝુપડી તરફ દોડ્યો, પણ ત્યાં તેજુ ના દેખાઈ, એટલે એ માસીના ઝૂપડા પાસે આવ્યો, માસી અંદર નાસ્તો કરી રહ્યા હતા, એણે માસીને પુછ્યુ."માસી, માસી તેજુ ક્યાં,?" માસીએ બેફિકરાઈ થી હાથ હલાવતા ઉત્તર દીધો,

"મને કાંઈ ખબર નથી હો, કાલ સવારની નથી દેખાતી,".

"ક્યાં ગઈ?" બા અને બળદેવે એકી સાથે પુછ્યુ,

"કાલ ની કાંઈ પણ કીધા વગર ની વય ગય છે, હવે તમારે જ્યાં ગોતવી હોય ન્યાં ગોતો," માસી હાથ ખંખેરતા બોલ્યા,

"હવે આપણે ક્યાં ગોતસુ બા," રડમસ અવાજે બળદેવે બાને પુછ્યુ,

"તારા ભાગ્યમાં હશે તો જરૂર એ તને મળશે," બાએ ધીરજ આપતા કહ્યું, અને પછી ઉમેર્યું,

"ચાલ દીકરા આપણે ગામમાં પણ તપાસ કરી લઈએ, કદાચ કોઈ ને તેજુ વિશે કાંઈ ખબર હોય,

"એ લોકો ઘોડાગાડી તરફ ફરતા હતા ત્યાં માસી આડા ઉભા રયા,

"મોટે ઉપાડે એને ગોતવા તો નીકળ્યા છો,પણ આખો મહિના મારૂ મફત નું ખાધું છે, એના પૈસા કોણ દેસે," ગળુ દબાવી દેવાની ઈચ્છા થઈ બળદેવને પણ એ કાંઈ કરે એ પહેલાં બાએ સો રૂપિયા બળદેવને આપતા કહ્યું,

"લે, બાળ એને,". આખા ગામમાં તપાસ કરી પણ તેજસ્વિની નો ક્યાંય પત્તો ન લાગ્યો, અને નિરાશ થઈને એ લોકો પાછા વાડીએ આવ્યાં, ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા, બળદેવ હ્રદયમાં એક બોજ લઈને જીવી રહ્યો હતો, કે તેજસ્વિની ની આજે જે દશા હશે, એ મારા જ કારણે હશે,

હે પ્રભુ, આજે એ જીવતી પણ હશે યા નહીં, એની રક્ષા કરજો ઈશ્વર, બળદેવ ની આંખો પ્રશ્ચાત્તાપ ના આંસુ સારતી હતી,.

સુખરૂપ રીતે તેજસ્વિની ની પ્રસુતિ થઈ ગઈ, મસ્ત મજાનો ચંદ્રના શીતળ તેજ જેવો, ફુલ સરીખો કોમળ પુત્ર નો જન્મ થયો, અને તેજસ્વિની, પુત્રના અવતરવા ની સાથેજ પોતાના તમામ દુઃખો ને જાણે ભુલી ગઈ, એ ભુલી ગઈ કે એના પિતાએ, એને વેચીને કઈ રીતે એનાથી હાથ ખંખેરી નાખ્યા, એ.એ પણ ભુલી ગઈ કે બળદેવે એને પ્રેમ આપ્યા પછી,કઈ રીતે એને તરછોડીને ચાલ્યો ગયો, બળદેવના ગયા પછી માસીએ એની સાથે કેવો વર્તાવ કર્યો, અને કઈ રીતે હડધુત કરીને પોતાને કાઢી મુકી એ પણ એ ભુલી ગઈ, એને પોતાના પુત્રના મુખ મંડળ માં જ પોતાનું સર્વસ્વ દેખાવા લાગ્યું,. છઠ્ઠે દિવસે મહાત્માએ બાળકને પોતાના બન્ને હાથો માં ઉચકીને એનું નામ કરણ કર્યું,

"આજ થી આ બાળક, માણેક દેવ ના નામે ઓળખાશે,". નામ સાંભળીને હરખાવા ના બદલે તેજસ્વિની કટુતા પુર્વક બોલી,

"કથીર ની કુખે થી જન્મેલા નું નામ માણેક,?"

"કોણ કહે છે કે તું કથીર છે દીકરી,? તું તો તેજસ્વિની, યાને વીજળી, વીજળી અને બળ ના સાનિધ્ય થી માણેકનો જ જન્મ થાય,". બળ, બળદેવ, આ નામ સાંભળીને ભુલાઈ ગયેલી વેદના ફરી તાજી થઈ, સંકોચાઈ ગયેલો ડર, ફૂંફાડો મારીને ફરી બેઠો થયો, આ માણેક જ્યારે મોટો થશે, સમજણો થશે, અને પુછશે કે મારો બાપ કોણ છે, ત્યારે હું શો જવાબ આપીશ, સમાજ જ્યારે મારી તરફ આંગળી ચીંધી ને કહેશે કે, જો પેલી રહી, કુંવારી માં, ત્યારે હું ક્યાં જઈને મારૂ,મોં, સંતાડીસ, ના, ના, હું ન તો સમાજનો કે ન માણેકના પ્રશ્ન નો સામનો કરી શકીશ, એના દિલો દિમાગ ઉપર ત્રણ મહિના પુર્વે નું સવાર થયેલું.આત્મહત્યા નું ભુત ફરી એક વાર સવાર થયું, આ બધાનો સામનો કરવા કરતા મરવું બહેતર છે, આમ પણ મહાત્માએ, કહયું હતું ને કે સંતાનને જન્મ આપી લે પછી હું તને નહીં રોકું, બસ ત્યારે, હવે હું છુટી, મારા માણેકને સાચવવાની જવાબદારી બાપુએ લીધી જ છે, પછી હું શા માટે દુનિયાના મેણા ટોણા સાંભળવા જીવતી રહું, અને ફરી એક વાર એણે મૃત્યુનો નિર્ધાર કર્યો,

રાતે માણેકને સુવરાવીને ઘનઘોર રાત્રીમાં, એ આશ્રમ માંથી નીકળી, નર્મદાના કાંઠે આવીને, એણે હાથ જોડયા, આંખો મીચી અને પ્રાર્થના કરી,

"હે પ્રભુ, હું આવી રહી છું,' અને એણે ખળ ખળ વહેતી નદી ના નીર માં ઝંપલાવ્યું, દુઃખથી રીબાતા માનવીને મન, મૃત્યુ એટલે છુટકારો, માનવ દુઃખથી પીડાતો હોય ત્યારે આવેશમાં આવી જઈ,એ પીડાથી મુક્તિ મેળવવા આપઘાત કરવાનું પગલું તો ભરી લેતો હોય છે, પણ પગલું ભર્યા બાદ જ્યારે મૃત્યુનો સાક્ષાતકાર થાય છે અને ત્યારે જ એની ભયાનકતા નો ખ્યાલ આવે છે, અને ત્યારે એ મૃત્યુને કેમ ટાળવું એના હવાતિયા મારવા લાગે છે,

તેજસ્વિની એ પણ નર્મદામાં ઝંપલાવી તો દીધું, પણ જ્યારે એ નદીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી, એના નાક આંખ અને મોં મા પાણી ભરાવા લાગ્યા, ત્યારે એને મૃત્યુ ની વાસ્તવિકતા સમજાણી, અને તે એમાંથી બચવા મથવા લાગી, કદાચ એનું મરવું માં નર્મદાને પણ નહીં ગમતું હોય, એક દુખયારી ના મોત નું કલંક પોતાના માથે નહીં ચડાવવા માંગતી હોય, એટલે પાણીમાં ઘસમસતી જઈ રહેલી તેજસ્વિની ના હાથોમાં ઝાડની એક મોટી ડાળખી આવી ગઈ, અને એ એને બેવ હાથેથી વળગી ગઈ, પાણીના વહેણમાં, નદીના ભેખડો સાથે, અથડાતી, કુટાતિ, તેજસ્વીની કોણ જાણે ક્યાંય સુધી તણાઈ. અને પછી એક કિનારે,માં નર્મદાએ એને લાંગરી, ભેખડોમા અથડાવાથી એને ઘણે ઠેકાણે લાગ્યું હતું. કપડાના લીરે લીરા થઈ ગયા હતા, ક્યાંય સુધી એ બેહોશીની હાલત માં ત્યાં પડી રહી, અને જ્યારે એ ભાનમાં આવી ત્યારે સુરજ મધ્યાને હતો, નદીના પાણી થી એણે પોતાની પ્યાસ તો બુઝાવી, પણ હવે એ ભુખથી બેબાકળી થઈ ગઈ, ખાવાનું શોધવા એ આમતેમ ભટકવા લાગી,

આજે અણમોલ નો અગિયારમો જન્મ દિવસ હતો, બા અને બળદેવ એને ધામધૂમ થી ઉજવવા ની તૈયારી ઓ કરી રહ્યા હતા, અણમોલના બાળમિત્રો સહિત અગિયાર ભુદેવો ને પણ બપોરના ભોજન નું આમંત્રણ અપાયું હતું, ખીર, પુરી, અને સુકા બટેટાનું શાક બનાવવામાં આવ્યું હતું, કેળના પાન ઉપર શાક, અને પુરી,અને કટોરામા ખીર પીરસવામાં આવી હતી, મહેમાનો જમીને જતા જતા અણમોલ ને, આશિષ આપતાં જતા હતા, અને કેળના પાન માં વધેલો એંઠવાડ વાડીના ફાટક પાસે ફેકતાં જતા હતા, અણમોલ પોતાના જન્મ દિવસ ની ઉજવણી થી બહુજ ખુશ હતો, ત્યાં અચાનક એની નજર ફાટક પાસે, ભિખારણ જેવી હાલતમાં, એઠવાડમાં ખાવાનું શોધતી તેજસ્વિની ઉપર પડી, એનું માસુમ હ્ર્દય દ્રવી ઉઠ્યું, એ દોડીને બા પાસે ગયો,

"બા, બા ત્યાં જો પેલી સ્ત્રી એઠવાડમા ખાવાનું શોધી રહી છે," બાની નજર પણ એ સ્ત્રી પર પડી, એમને પણ એના ઉપર દયા આવી, એમણે બળદેવને હાંક મારી,

'બેટા, પેલી સ્ત્રી ને અંદર લાવીને જમાડી દે, બિચારીની આંતરડી ઠરશે તો મારા અણમોલ ને એના આશિર્વાદ મળશે,"

"હા જરૂર બા," કહેતાક ને બળદેવ ઉતાવળે પગલે ફાટક પાસે ગયો, અને પેલી સ્ત્રી ને ઉદ્દેશીને બોલ્યો.

"તમે અંદર આવીને આરામ થી બેસીને જમો," બળદેવનો સ્વર તેજસ્વિની ના કાને અથડાતા જ એણે અવાજ ઓળખ્યો, એ બે ચાર ડગલાં પાછળ ખસી, અને તિરસ્કાર ભરી નજર એણે બળદેવ પર ફેંકી, વિખરાયેલા વાળ, તેજ વિહોણો, છતાં ગુસ્સાથી તગતગતા તેજસ્વિની ના ચેહરાને બળદેવે ક્ષણભરમાં ઓળખી લીધો, અને એ ગોઠણ ભેર તેજસ્વિની ના પગ પાસે બેસી પડ્યો,

"મને માફ કરી દે તેજુ, તારી આ દશા મારા જ કારણે થઈ છે, હું, હું તારો અપરાધી છું," કહી ને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો, બળદેવનું આક્રંદ સાંભળીને બા અને અણમોલ સહિત બીજા મહેમાનો પણ ફાટક પાસે દોડી આવ્યા, બાને સમજાય ગયું કે આ સ્ત્રી જ તેજસ્વિની છે, બળદેવને આમ બાળકની જેમ રોતા, અને એની આંખો માંથી વહી જતા આંસુઓ ને જોઇને તેજસ્વીની નો ગુસ્સો બરફની જેમ ઓગળી ગયો, અને એ બળદેવને વીટળાઈ ગઈ, બન્નેની આંખો માંથી ગંગા જમુના વરસવા લાગી, બન્ને જ્યારે શાંત થયા, ત્યારે એમને ભાન થયું કે બા એમના માથા પર હાથ પસરાવી રહી છે, અને ઘણી બધી આંખો એમને આશ્ચર્યથી જોઈ રહી છે, તેજસ્વીનીએ પ્રશ્નાર્થ ભરી નજરે, બળદેવ તરફ જોયુ, તો બળદેવે કહ્યું,

"આ બા છે, તને છોડીને હું આવ્યો, પછી મારૂ કામ જતું રહ્યું, હું મારા પાપોની સજા રૂપે ભુખ્યો તરસ્યો રઝળતો હતો, ત્યારે બાએ મને આશરો આપ્યો, મને નવજીવન આપ્યું," બળદેવ નો કંઠ આટલું બોલતા રુંધાવા લાગ્યો, ત્યારે બા એ આગળ ચલાવ્યું,

"અમે તને લેવા પેડ્રાગામ પણ ગયા હતા, પણ તું એક દિવસ અગાવ જ ત્યાંથી નીકળી ગઈ હતી, બળદેવ ખુબ હતાશ થઈ ગયો હતો, પણ મને ખાતરી હતી કે તમારું મિલન જરૂર થશે, અને હા, બાળક ક્યાં, તું ગર્ભવતી હતી ને," બા ના સવાલ ના જવાબમાં તેજસ્વીનીએ કહ્યું,

' માસીએ હડધુત કરીને મને જ્યારે ચાલ્યા જવાનું કહ્યું, ત્યારે મને એક જ રસ્તો દેખાયો આપઘાત નો, હું નદીમાં ઝંપલાવવા ગઈ તો એક મહાત્માએ મને રોકી, અને કહ્યું, તારે મરવું જ હોય તો પહેલાં, આ બાળકને જન્મ આપ, પછી તું છુટી, સાત દિવસ પહેલા મેં બાળકને જન્મ આપ્યો, ગઈ કાલે છઠ્ઠી હતી, અને એજ રાતે હું નર્મદામાં કુદી પડી,પણ નદીમાં કુદયા પછી ફરી જીવવાની જીજીવિષા જાગૃત થઈ અને હું જીવ બચાવવા હવાતિયાં મારવા લાગી. અને ત્યાં એક ઝાડનું ઠુઠું મારા હાથમાં આવ્યું, અને હું બચી ગઈ, ભુખ ખુબ લાગી હતી, અને હું અહીં આવી પોહચી,"

"ઈશ્વર, તમારો મેળાપ કરાવવા માંગતો હશે બેટા," બા હરખ ભેર બોલી,

"એ મહાત્મા ક્યાં રહે છે,?" બળદેવે પુછ્યુ, તેજસ્વીની યાદ કરવા લાગી કે એ આશ્રમ અહીંથી કેટલો દુર હશે, પણ એને પોતાને એ પણ ક્યાં ખબર હતી, કે નદીમાં તણાઈને એ આશ્રમથી કેટલે દૂર અને ક્યાં આવી પોહચી છે, એને અસમંજસ માં જોઈ, બા બોલી,

'મહાત્મા નું નામ તને ખબર છે,?"

"પ્રયાગરાજ ગિરિ," તેજસ્વીની ના મુખ માંથી આ નામ નીકળતા જ બા ના ચેહરા ઉપર ચમક આવી,

"મે જોયો છે એમનો આશ્રમ,"

"તો ચાલો આપણે માણેક ને લઈ આવીએ," તેજસ્વીનીએ કહ્યું, બાએ તરત ઘોડાગાડી મંગાવી,

એ લોકો જ્યારે આશ્રમે પહોંચ્યા ત્યારે માં વગર નો માણેક રોઈ રોઈ ને અડધો થઈ ગયો હતો, તેજસ્વીનીને સહી સલામત જોઈને મહાત્માજી ને ધરપત થઈ, એક મીઠી મુસ્કાન સાથે માણેકને એમણે તેજસ્વિની ના ખોળામાં મુક્યું, બાજુમાં હાથ જોડીને બળદેવ અપરાધીની મુદ્રા માં ઉભો હતો, મહાત્મા પ્રયાગરાજ ગીરીએ પોતાના બન્ને હાથ ઉંચા કરી ને આશિષ આપતાં કહ્યું,

"તમારા દુઃખના દિવસો હવે પુરા થયા,"

સમાપ્ત

શીર્ષક=એક નારી દુખિયારી

લેખક=અમીર અલી દરેડિયા.