વાત સાંભળતા કનાની આંખમાં ભય મિશ્રિત પ્રશ્ન હતો!" દાદા, પસી શું થયું?" " લે! પશે હુ થાય? મનમાં દુવારિકાવાળાનું નામ લીધું ખભે તો ડાંગ હતી જ! હાવજ હામે ઉગામી ઊભો રહી ગ્યો. વાહે ભેહુ પણ ઊંચા બોથા કરી તૈયાર જ હતી. હાવજ એક ડગલું મોર્ય આવ્યો.હું પાસા પગલે બે ડગલાં વાહે હટ્યો.હાવજ ઈની જગાએ ઊભો ર્યો. વળી હું ડાંગ ઉગામી બે ડગલાં આગળ હાલ્યો. હાવજ વાહે હટ્યો. ઘડીક વાર માટે બધું એમનીમ થંભી ગ્યુ. પસે હાવજને મારી નજર એક થઇ.પણ હવે મારી નજરમાં ભૉ રહી નોતી. મેં દાંત ભીસ્યા ફરીવાર દુવારિકાવાળાનું નામ લીધું.ડાંગ ભીંસીને પકડી.ગમે ઈ થયું. હાવજે ઘડીક એનો દાંડો ઊંચો નીચો કર્યો. પસે પાસો વળી ઓકળામાં ઉતરી ગ્યો."
દાદા પાસેથી આ વાત સાંભળીને કનાની આંખો પહોળી થઈ ગઈ. એ દાદાની નજીક આવી બેસી ગયો. રામુ આપા દૂધની ભરેલી તાહળીમાં બાજરાનો રોટલો ચોળતા ચોળતા વાત કરી રહ્યા હતા. ગીરની ગોવાલણનાં હાથે ટીપેલો ને ચૂલે ચડેલો રોટલો ચોળતાની સાથે જ તેની સોડમ આવી રહી હતી. વાત પૂરી થઈ ત્યાં સુધીમાં રામુ આપા એ આખો રોટલો દૂધમાં ચોળી નાખ્યો. પછી હાથથી તેને બરાબર મિક્સ કરવા લાગ્યા. હજી કનો તો રામુ આપા સામે મોંઢું ખુલ્લું રાખી જોઈ જ રહ્યો હતો.
રામુ આપા જોરથી હસી પડ્યાં, " અલ્યા હવે ખાવા તો માંડી જા.તારે હાવજ્યુ હામુ થાવું હહે તો આવાં બાજરાનાં બઢાને મયુનાં શેડકઢા દૂધની તાહળીયું પીવી જોહે. લે વાલા વાળું કરી લે સાંતીથી.આયા ગર્યમાં તો આપડે હાવજયું ભેળું જ રેવાનુ સે. ઈ આપડું ધેન્ રાખે આપડે ઈનું ધેન રાખવાનું. લગીરેય બીવાનું નય હો!!".
કનો રોજ નાના સાથે સૂતો હતો. આજે ગેલાએ કનાને પોતાના ઓરડામાં સુવડાવ્યો. ગેલાનાં નેહડામાં લાંબી ઓસરી હતી. એ ઓસરીમાં ત્રણ ઓરડા પડતા હતાં. ઓરડાનાં બારણાં લાકડાની ફ્રેમ માથે તેલનાં ખાલી ડબ્બાનાં પતરા જડીને બનાવેલા હતા. એક ઓરડામાં ગેલોને રાજી સુતા હતા. બીજા ઓરડામાં નાના વાછરુ ને પાડરું રાતે પૂરતા હતા. ત્રીજા ઓરડામાં ખાણને નીરણ હતા. નેહડાની દીવાલો ઝાડની ડાળીઓની આડશ કરી તેનાં પર ગોરમટી માટીનું લીપણ કરી બનાવેલી હતી. દિવાલમાં વચ્ચે થોડી જગ્યા લીપણ વગરની હોય તે હવા ઉજાસ માટેની નાનકડી બારી.છત ઉપર વિલાયતી નળિયા. ઓસરીમાં ઝાડનાં થડની થાંભલી બનાવી તેનાં આધારે આડું લાકડું મૂકી તેનાં પર છત ટેકવેલી હતી.આ થાંભલીઓ નાના વાછરું ને પાડરું બાંધવામાં પણ કામ આવતી. નેહડાનું તળિયું ગોરમટી,ઝીણું કુવળ અને ગાયું નું છાણ ભેગું કરી બનાવેલી ગારથી લીપેલું હતું.
રાજી ઘરમાં સૂતી હતી. ગેલો ઓસરીમાં સૂતો. રામુ આપા ને જીણીમાં ફળિયામાં ભેંસોના વાડા પાસે સુતા હોય. રાજીને ગેલા વચ્ચેનો પ્રેમ ખૂબ સંયમ વાળો હતો. આમ તો ગેલો આખો દિવસ ધડિકા લઈને થાકી જતો અને ખાટલે પડ્યા ભેગો ઘોરી જતો. પણ ક્યારેક રાતે ભેંસોની ની ખબર લેવા જાગતો, ત્યારે વાડે આંટો મારી આવતો. આપા ને મા સૂઈ ગયાં હોય તો જ રાજી પાસે ઓરડે જતો.
પરંતુ આજે કનો ખૂબ ડરી ગયેલો હોવાથી ગેલો કનાને લઈ ઓરડામાં સુઈ ગયો. ઓરડામાં બે ખાટલા ઢાળેલા હતા. ગેલા એ કનાને પોતાની ભેગો સુવરાવ્યો. માથામાં હાથ ફેરવતા ફેરવતા ગેલો સામે જાળીયામાંથી આકાશમાં તારોડીયાને તાકી રહ્યો હતો. આખો દિવસ જંગલમાં રખડીને કનો પણ થાકને લીધે તરત સુઈ ગયો. રાજી પડખું ફરી ગેલા સામે તાકી રહી હતી. લાકડાની ખીતીએ ટિંગાડેલું ધીમી વાટે બળતું ફાનસ રાજીનાં ગોરા મુખને વધારે નિખાર આપી રહ્યું હતું. ગેલાએ ઊંડો નિ:સાસો નાખી જાળિયામાંથી નજર હટાવી પડખું ફેરવ્યું. જોયું તો રાજી તેની સામે જ તાકી રહી હતી. ગેલાએ રાજી સામે જોઈ હળવું સ્મિત કર્યું. રાજી હજુ ગેલા ની આંખોમાં આંખો પરોવી જોઈ રહી હતી. ગેલાએ કનાનાં માથેથી હાથ લઈ રાજીનાં માથામાં હળવે હળવે હાથ ફેરવવા લાગ્યો.રાજીનાં આંખમાં આવેલા આંસુનું આવરણ ફાનસના આછા અજવાળે ચમકી રહ્યું હતું. ગેલા નો હાથ હજી રાજીનાં માથા માં ફરતો હતો. રાજીની આંખમાંથી ઉના ઉના આંસુડા છલકાઈ વહેવા લાગ્યાં....
ક્રમશઃ....
(રાજીની આંખમાં કેમ આંસુ હતા? જાણવા માટે વાંચો હવે પછીનો "નેહડો (The heart of Gir)" નો હવે પછીનો ભાગ.)
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621