એક પૂનમ ની રાત
પ્રકરણ : 69
રાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ધીમે ધીમે ઠંડક વધી રહી છે. સિદ્ધાર્થે જીપ પાર્કીંગમાં પાર્ક કરી. આજુબાજુ જોઈ સ્ટેશનમાં પ્રવેશવા જાય છે ત્યાં એની કીટલી પર નજર પડે છે તો કીટલી બંધ થઇ રહી છે એનો માલિક મગન બધું સમેટી રહ્યો છે. સિદ્ધાર્થ કુતુહલવશ એની પાસે આવ્યો અને બોલ્યો મગન તું ક્યારે આવ્યો ? તું તો ...મગને કહ્યું અરે સાહેબ ગામડે જઈ આવ્યો ખાસ કામ હતું વ્યવહારે જવું પડે એવું હતું તો જઈ આવ્યો હવે રાત પડી ગઈ વસ્તી કરું છું..સિદ્ધાર્થ વિચારમાં પડ્યો પણ કંઈ બોલ્યો નહીં એ ભલે કહી બીજું કંઈ પૂછ્યા વિના પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો સીધો કમિશનર ઓફિસમાં ગયો દરવાજો ખોલ્યો ત્યાં વિક્રમસિંહે કહ્યું આવ સિદ્ધાર્થ આવ અંદર ટીવી પર ન્યુઝ ચાલતા હતાં. વિક્રમસિંહ રસ પૂર્વક સાંભળી રહેલાં એમણે સિદ્ધાર્થને ઈશારો કરી બેસવા કહ્યું પટાવાળો બાબુ પાણી લઇ આવ્યો.
ન્યુઝમાં બ્રેકીંગ ન્યુઝ આવી રહેલાં...હમણાંથી વડોદરા શહેરમાં ખબર નહીં શું ચાલી રહ્યું છે. ધોળે દિવસે અકસ્માતની જાણે વણઝાર છે, શું થાય છે કોઈ પકડાતું નથી. ઐતિહાસિક સ્થળોએ આગ લાગે છે કોઈ પ્રેત ભૂત વડોદરાનાં જાહેરમાર્ગ કે ગલીઓમાં ફરી રહ્યું હોય એવી લોકમોઢે વાત ચાલી રહી છે. શહેરની પોલીસ શું કરી રહી છે ? આજ સુધીની બધીજ વાતો લોકોને બકવાસ લાગી રહી છે એમાંય છોકરીઓને એકલા બહાર ફરવું ભયથી વિશેષ કંઈ નથી રાજ્યનાં મુખ્યમંત્રીને રૂબરૂ ફરિયાદ કરવામાં આવી છે પોલીસ ક્યારે ઊંઘમાંથી જાગશે કે રસ્તેથી પૈસા ઉઘરાવવાજ વ્યસ્ત છે ? નવરાત્રી જેવા તહેવાર કાલથી શરૂ થઈ રહ્યાં છે એમાં જુવાન છોકરીઓનાં રક્ષણનું શું ? ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે.
સમાચારની વિના રોકટોક ગતિ ચાલુ હતી અને વિક્રમસિંહે કહ્યું બાબુ ટીવી બંધ કર અને જા મગન હોય તો બે ચા લઇ આવ.
સિદ્ધાર્થે કહ્યું ના સર મગન હમણાજ બધું બંધ કરતો હતો. મોડું થઈ ગયું છે સર....હું પણ ઘરે જવા માંગુ છું આપની પરવાનગી લેવાજ આવ્યો હતો.
વિક્રમસિંહે વિસ્મયથી પૂછ્યું સિદ્ધાર્થ શું થયું ? તું થાકેલો અને કોઈ ચિંતામાં જણાય છે શું વાત છે ? સિદ્ધાર્થે કહ્યું સર હમણાં તો ન્યુઝ માં સાંભળ્યું આપણે સાચેજ આટલી મહેનત અને બંદોબસ્ત પછી પણ કાયમ વ્યવસ્થા કથળેલાંજ લાગે છે મીડીયાને. અને રોજ રોજ કોઈ નવી ઘટના બને છે છે જેનો તાત્કાલિક ઉકેલ મળતો નથી. ઉકેલતો મળતો નથીજ પણ બલ્કે એક નવી ઘટના કોઈ જૂની ઘટના સાથે સંકળાયેલી લાગે છે વળી કાલથી નવરાત્રી ચાલુ થાય છે છોકરીઓની સલામતી રાખવી એમનાં પર હુમલો ના થાય કોઈ મોર કળા ના કરી જાય એનું ધ્યાન રાખવું પડશે સર તમારી કમીટીમાં જે નક્કી થયું છે એ પ્રમાણે આખાં શહેરમાં પોલીસ દળ, એલ આઈ બી વિભાગનાં માણસો ગોઠવી દીધાં છે મોડી રાત્રીથી સવાર સુધી ઘોડાપોલીસનો બંદોબસ્ત કરી દીધો છે છતાં મનમાં ફડક રહે છે કે કોઈ ઘટના બની જશે તો ?
અને ખાસ તો મીલિન્દનાં કુટુંબમાં જે બની રહ્યું છે એ વધારે ચિંતાજનક છે મારી પાસે જે ગુપ્ત માહિતી આવી છે એ વધુ ચોંકાવનારી છે સર આજે હું લાઈબ્રેરી થઈને આવ્યો મારી પાસે જે માહિતી આવી હતી જેમાં લાઇબ્રેરીનાં પુસ્તકનો ઉલ્લેખ હતો અને એ પુસ્તકોમાં...સર હું પેહલા બધોજ અભ્યાસ કરીને આપને પૂરો રીપોર્ટ આપું છું કોઈ અધૂરી માહિતીથી તમને સાચી સમજણ નહીં મળે. પછી પોતાની પાસે રહેલું દળદાર જીર્ણ થયેલું પુસ્તક બતાવ્યું અને પછી સિદ્ધાર્થે કહ્યું સર આ પુસ્તકમાં છાપેલી જ્ઞાનની વાતો કરતાં આ પુસ્તકમાં કાપલીઓ રૂપે મુકેલી માહિતી અગત્યની છે જુઓ એમ કહી એ જાડા દળદાર પુસ્તકમાં પાના ફેરવી અલગ અલગ જગ્યાએ મુકેલી અનેક કાપલીઓ બતાવી પછી બોલ્યો સર આ એક માધ્યમ છે અને એનાંથી ષડયંત્રો રચાય છે કોઈ ચોક્કસ માણસો કામ કરે છે અને શહેરમાં શાંતિનો ભંગ થાય છે એમાં ષડયંત્રથી માણસો પોતાનો ઉલ્લુ સીધો કરવા અલગ અલગ માણસોનો ઉપયોગ કરે છે અને એમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે આમાં ષડયંત્રમાં કાળો જાદુ, પ્રેત - ભૂતની સાચી ખોટી વાતો સંકળાયેલી છે એમાં કોઈ કાળી શક્તિ સંડોવાયેલી છે એવો મને શક છે એ સાબિત કેટલું કરી શકીશ મને નથી ખબર પણ કોઈ કાળી શક્તિ ચોક્કસ છે જ.
વિક્રમસિંહે કહ્યું સિદ્ધાર્થ આપણે તો સાક્ષાત અનુભવ કરેલો છે પણ મીડીયાને જણાવતા આપણી મશ્કરી કરશે આપણે આપણી રીતે કામ કરી અને કોઈપણ રીતે આ ગુનાહીત કામો બંધ કરાવવા પડશે કાલથી તહેવાર ચાલુ થાય છે પછી લાંબા સમય સુધી તહેવારો રહેશે આપણે સતર્ક રહેવુંજ પડશે મુખ્યમંત્રી મારી પાસે જવાબ માંગે છે એટલે સિદ્ધાર્થ જરૂર પડે વધુ દળ બોલાવી લઈએ પણ આ જે ગુનાખોરી વધી રહી છે એને શરુઆતથીજ દાબી દઈએ નહીંતર વાત હાથ બહાર નીકળી જશે.
સિદ્ધાર્થે કહ્યું સર હમણાંતો હું ઘરે જઉં છું. ઘરે જઉં આ ગ્રંથનો અભ્યાસ કરીશ અને એમાંથી કોઈ ક્લ્યુ મળી આવે છે કે કેમ જોઈ લઉં પછી આખી વ્યુ રચના બનાવી લઈશ જેથી તપાસ સાચી દિશામાં આગળ વધે અને હોસ્પિટલનાં સંપર્કમાં છું વંદનાની તબીયત અંગે અને અઘોરીજીનો પણ સંપર્ક કરીશ જેથી જરૂર પડ્યે એમની મદદ લઇ શકાય. વિક્રમસિંહે કહ્યું મનીષ કામ્બલે અને બીજી ટીમ પેટ્રોલીંગમાં જ છે અહીં કાળુભા સંભાળી લેશે એ પણ હોસ્પિટલમાંથી આવી ગયો છે અને ત્યાં બે હવલદાર મૂકી આવ્યા છે. વળી રઘુનાથ અહીં છે જ. હું પણ શહેરનાં મુખ્ય વિસ્તારોની વીઝીટમાં જઉં છું પછી ઘરે જઈશ. તું ઘરે જઈ શકે છે કાલથી તને સમય નહીં મળે. સારું છે તું એકલો છે કોઈની કોઈ ચિંતા નહીં ઘરે તારે પ્રશ્ન નહીં કોઈ જવાબ નહીં સિદ્ધાર્થે હસતાં હસતાં કહ્યું હાં સર એની પણ મજા છે.
સિદ્ધાર્થ અને વિક્રમસિંહ પોતપોતાનાં સાધનો લઈને નીકળ્યાં. સિદ્ધાર્થે પુસ્તક સાથે લીધું અને ઘરે જવા નીકળ્યો. વિક્રમસિંહ જીપમાં બેઠાં અને એમનાં દ્રાઇવરને કહ્યું બધાં મુખ્ય રાજમાર્ગ પર લઈને છેવટે ઘરે લેજે પહેલાં બધાં વિસ્તારની વીઝીટ લેવા માંગુ છું. દ્રાઇવરે કહ્યું ભલે સર. અને એણે જીપ સ્ટાર્ટ કરી.
વિક્રમસિંહ રાજમાર્ગ પર બધે નજર રાખી રહેલાં જીપ મધ્યમ ઝડપે ચાલી રહી હતી પણ એમનાં મનમાં વિચારો ખુબ ઝડપથી ચાલી રહેલાં. એમને સમજાતું નહોતું શહેરમાં બનતાં બનાવોની કદી નથી મળી રહી અને ઘણાં કિસ્સાઓમાં તો એમનો દીકરો દેવાંશ પણ સંકળાયેલો હતો. એમણે વિચારતાં વિચારતાં દેવાંશને ફોન કર્યો...
દેવાંશે તરતજ ફોન ઉપાડ્યો અને બોલ્યો હાં પાપા - શું થયું ? વિક્રમસિંહે કહ્યું અરે કંઈ નહીં એમજ ફોન કર્યો તારો વિચાર આવ્યો સીધી રિંગ કરી.
દેવાંશે કહ્યું પાપા કોઈ ચિંતા નથીને ? મારો વિચાર આવ્યો પછી કોઈ ચિંતા થઇ ? વિક્રમસિંહે કહ્યું ના ના એવું કંઈ નથી પણ તું ક્યાં છે ? બધું બરોબર ? દેવાંશે કહ્યું પાપા હું વ્યોમાના ઘરે છું આમતો બધું બરોબર છે પણ...વ્યોમા ..કંઈ નહીં પાપા આમ ઓકે છે બાકીની વાત રૂબરૂમાં કહીશ...પાપા અઘોરીજી ની મદદની જરૂર પડશે. અમારે સાથે કંઈક અજબ અને ભયાનક અનુભવ થાય છે ...આ વાત કોઈને કહેવાય એવી નથી અને સહન થાય એવી પણ નથી.
વિક્રમસિંહે કહ્યું કાલેજ અઘોરિજીનો સંપર્ક કરી લઈશું કંઈ જરૂર પડે ફોન કરજે પછી રૂબરૂ વાત કરીશું. એમ કહીને ફોન મુક્યો.
*****
અનિકેત અને અંકિતા રીક્ષામાં નીકળ્યા અને રીક્ષા દ્રાઈવર અંકિતા તરફજ વિચિત્ર રીતે મીરરમાંથી જોઈ રહેલો એનું ધ્યાન રોડ કરતાં અંકિતા તરફજ હતું અને ત્યાં સામેથી એક બાઈક આવી અને .....અંકીતાની ચીસ નીકળી ગઈ ...
વધુ આવતા અંકે - પ્રકરણ :70