આ વાત 1960ની છે. બોકરવાડા ગામમાં મોતીલાલ શેઠ રહેતા હતાં. મોતીલાલ શેઠની નાણાં ધીરધારની પેઢી હતી. આ પેઢી બાપ-દાદાના સમયથી ચાલતી હોવાના કારણે બોકરવાડા અને એના આસપાસના ગામમાં પેઢીની શાખ ઘણી સારી હતી.
મોતીલાલ શેઠ પણ નાણાં ધીરધારનો ધંધો બાપ-દાદાની જેમ ઘણી ઇમાનદારીથી કરતા હતાં. વ્યાજ પણ માપસરનું લેતા અને પૈસા ચૂકવવામાં કોઇનાથી મોડું વહેલું થાય તો પૈસા લેનારે આપેલી થાપણને હડપ કરી જવાની દાનત ક્યારેય ન રાખતા. પૈસામાં થોડું વહેલું મોડું થતું એ સરળતાથી ચલાવી લેતા. એમની આવી ઉદારતાના કારણે એ આજુબાજુના દસ ગામમાં વખણાતા હતાં.
મોતીલાલ શેઠની પેઢીનો વ્યવહાર આટલો ઉત્તમ અને વ્યવસ્થિત રીતે ચાલતો હતો એનું મુખ્ય કારણ એમનો મુનીમ રઘુનંદન હતો. રઘુનંદન નાનો હતો ત્યારથી જ મોતીલાલ શેઠની પેઢીમાં નોકરીએ લાગ્યો હતો. એ હિસાબ કિતાબમાં ખૂબ જ પાવરધો હતો અને પાછો ઇમાનદાર પણ એટલો જ હતો. એટલે ધીરે ધીરે એને મોતીલાલ શેઠનું દિલ જીતી લીધું હતું. શેઠે પણ પોતાની શરાફી ધંધાનો આખો વહીવટ મુનીમ રઘુનંદનના ભરોસે જ છોડેલો હતો.
મોતીલાલ શેઠ સમાજના આગેવાન અને પ્રતિષ્ઠત વ્યક્તિ હતાં. એટલે બોકરવાડાની આજુબાજુના ગામમાં થતાં દરેક મોટા કાર્યમાં મોતીલાલ શેઠને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવતા. ગામમાં કોઇને પણ કોઇ તકલીફ આવી પડે તો એ સલાહસૂચન માટે મોતીલાલ શેઠને ત્યાં આવતા હતાં. આવા અનેક સામાજિક અને ધાર્મિક કામમાં વ્યસ્ત રહેવાના કારણે શરાફીનો પૂરો ધંધો રઘુનંદનની દેખરેખ હેઠળ જ ચાલતો હતો.
રઘુનંદનના પિતા બોકરવાડા ગામમાં જ મોતીલાલ શેઠના પિતા રામલાલના ખેતરમાં મજુરી કરતા હતાં. રઘુનંદનનો જન્મ થયો.
'અલ્યા જીવલા, તું તો ભણ્યો નથી પણ આ તારા છોકરાને ભણાવજે. એને તારી જેમ મજુરી કરવાનો વખત ના આવે.' આવું મોતીલાલ શેઠના પિતા રામલાલે કહ્યું હતું અને એ વાત જીવલાએ યાદ રાખી હતી.
'' અલ્યા રઘુ, મોટા શેઠ કહેતા હતાં કે 'તું ભણજે' એમ કહી જીવલાએ રઘુને ગામની શાળામાં મુક્યો હતો. ''
રઘુનંદનને ભણવાનું પસંદ ન હતું પણ ગણિત એને ખૂબ ગમતું. ત્રીજા ધોરણમાં જ્યારે ભણતો હતો ત્યારે છઠ્ઠા ધોરણનું ગણિત એને આવડતું હતું.
મજુરી કરીને કુટુંબનિર્વાહ કરતો જીવલો રઘુ બાર વરસનો થયો ત્યારે ટૂંકી માંદગીમાં જ એ મૃત્યુ પામ્યો હતો.
હવે ઘરની અને માતાની જવાબદારી રઘુના માથા પર આવી પડી હતી. રઘુએ રામલાલ શેઠની પેઢી પર નોકરી ચાલુ કરી ત્યારે મોતીલાલ શેઠે પેઢીનો નવો નવો કારભાર સંભાળ્યો હતો. મોતીલાલ શેઠ હિસાબમાં થોડાં કાચા હોવાના કારણે હિસાબમાં ગુંચવાઇ જતા હતાં. રઘુનંદને એક-બે વાર એમને હિસાબ કરવામાં મદદ કરી હતી. એ જ વખતે શેઠને રઘુ સાચો હીરો છે એવું ખબર પડી ગઇ હતી.
હીરાની પરખ રાજાને હોય ક્યાં પછી ઝવેરીને હોય. મોતીલાલ શેઠ તો શરાફીના ધંધાના રાજા પણ હતાં અને હિસાબમાં થોડા કાચા અને માણસને ઓળખવામાં પાકા એવા ઝવેરી પણ હતાં. એમણે રઘુનંદનનું હીર પારખી લીધું અને ધીરે ધીરે પોતાની પેઢીનો સંપૂર્ણ વહીવટ એને સોંપી દીધો.
વીસ વરસની ઉંમરે તો રઘુનંદનને પેઢીમાંથી જે લોકો નાણાં ઉછીના લઇ ગયા હતાં એવા દસ ગામના લોકોના નામ અને રકમ પણ મોઢે થઇ ગઇ હતી. પોતે મજુરનો દીકરો હોવા છતાં મહેનતથી આટલી મોટી પેઢીનો મુનીમ બન્યો હતો એ વાતનો એને અને એની મા બંન્નેને ગર્વ હતો.
રઘુનંદનના લગ્ન એમના જ સમાજની નયનાગૌરી સાથે થયા હતાં. રઘુનંદન અને નયનાગૌરીને એક પુત્રી હતી. પુત્રીનું નામ સુલક્ષણા રાખ્યું હતું.
તુલસીના છોડ અને દીકરીને ઉંમરને વધતા વાર લાગતી નથી.
સુલક્ષણા અઢાર વરસની થઇ હતી. સુલક્ષણાના લગ્ન પણ એમના સમાજના જ એક સારા કુટુંબમાં નક્કી થયા હતાં.
આજે રઘુનંદન માટે ખૂબ આનંદનો દિવસ હતો કારણકે આજે એની દીકરીના લગ્નનો દિવસ હતો. જાનૈયાઓ ધીમે ધીમે માંડવે આવી રહ્યા હતાં. આખો પરિવાર આજે ખૂબ ખુશ હતો કારણકે મોતીલાલ શેઠ પોતે પણ લગ્નમાં હાજરી આપવા માટે આવી ગયા હતાં.
'વરરાજાને બોલાવો. ' ગોરમહારાજે સૂચના આપી.
વેવાઇવર્ગને ગામની શાળામાં જ ઉતારો આપવામાં આવ્યો હતો. રઘુનંદન પોતાના પાંચ સગાંને લઇ ઉતારાના સ્થળે વરરાજાને લેવા માટે પહોંચ્યો.
'અમારે આ લગ્ન નથી કરવા. ' વેવાઇ જાનકીદાસે ગુસ્સાથી કહ્યું.
'વેવાઇ અમારાથી કોઇ ભૂલ થઇ ગઇ છે? ' રઘુનંદને હાથ જોડીને પૂછ્યું.
'મારી ધર્મપત્નીનું કહેવું છે કે આપણી થનારી વહુ કેડે બાંધવા માટે સોનાનો કંદોરો લઇને આવે તો જ આ લગ્ન થશે, નહિ તો લગ્ન નહિ થાય. ' વેવાઇ જાનકીદાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.
'સોનાનો કંદોરો? આ તો મારા માટે શક્ય જ નથી. લગ્નના ખર્ચ કરતા પણ સોનાના કંદોરાની કિંમત બમણી થાય. હું આખી જિંદગી મજુરી કરું ને તો પણ એની કિંમત ચૂકવી ના શકું.' રઘુનંદને હાથ જોડીને વેવાઇને વિનંતી કરતા કહ્યું હતું.
' જો સોનાનો કંદોરો આપવાની ત્રેવડ ના હોય તો લગ્ન મોકૂફ રાખો. અમે જાન લઇને પાછા જઇએ છીએ. હું તમને બે કલાકનો સમય આપું છું. વિચારીને જવાબ આપો.' જાનકીદાસે પોતાનો નિર્ણય જણાવ્યો હતો.
રઘુનંદન પોતાના સગાંવહાલાઓને લઇને માંડવે પાછો આવ્યો. માંડવા પર બધાં વરરાજાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં.
રઘુનંદનને એકલો પાછો આવેલો જોઇ સૌ કંઇક અમંગળ થયું છે એ સમજી ગયા.
' વરરાજા ન આવ્યા? શું થયું? ' મોતીલાલ શેઠે પ્રશ્ન કર્યો.
રઘુનંદને આખી વાત કહી.
'એમાં શું મોટી વાત છે? સોનાનો કંદોરો હું તને આપી દઉં. તું વેવાઇને આપી વરરાજાને અહીં માંડવે તેડી લાવ.' મોતીલાલ શેઠે કહ્યું.
' અરે શેઠ, આ કંદોરાની રકમ તો હું આખી જિંદગી તમારા ત્યાં નોકરી કરું તો પણ ના ચૂકવી શકું. ' રઘુનંદને રડતાં રડતાં કહ્યું.
' તું ચિંતા ના કર. તું ધીરે ધીરે કંદોરાની રકમ ચૂકવી શકીશ. તું ચાલ મારી જોડે પેઢીએ, હું તને સોનાનો કંદોરો આપું તે તું વેવાઇને આપી અને દીકરીને મુહૂર્તના સમયમાં લગ્ન કરાવી એના સાસરે વિદાય કર. ' મોતીલાલ શેઠે આદેશના સ્વરમાં કહ્યું.
મોતીલાલ શેઠ પાસેથી સોનાનો કંદોરો લઇ રઘુનંદન વેવાઇ પાસે પહોંચ્યો અને વેવાઇને સોનાનો કંદોરો આપ્યો.
સોનાનો કંદોરો જોઇ વેવાઇ ખૂબ ખુશ થયા અને લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા.
દીકરીના લગ્ન તો થઇ ગયા પરંતુ આ સોનાના કંદોરાની કિંમત કઇ રીતે ચૂકવું એની સતત ચિંતામાં રઘુનંદન રહેવા લાગ્યો હતો.
' સોનાના કંદોરાની ચિંતા કરવાનું તું છોડી દે. તારા પગારમાંથી તું ધીમે ધીમે જમા કરતો જઇશ તો ચાલશે. મારે એ રૂપિયાની કંઇ ઉતાવળ નથી એ તને ખબર છે.' મોતીલાલ શેઠે એને ઠપકો આપતા કહ્યું હતું.
'શેઠ, કરજ એટલે કરજ. આ જનમમાં ના ચૂકવીએ તો આવતા જનમમાં ચૂકવવું પડે અને હું તો પાછો આપની પેઢીનો મુનીમ પણ ખરો ને? જો હું જ પેઢીનું દેવું માથે રાખું તો કઇ રીતે ચાલે? ' આવું કહીને એ મોતીલાલ શેઠને ચૂપ કરી દેતો.
આ વાતને લગભગ એક વરસ વીતી ગયું હતું.
એ વખતે હિંમતસિંહ નામનો કુખ્યાત ડાકુ મોતીલાલ શેઠની પેઢી પર નજર નાંખીને બેઠો હતો. મોતીલાલ શેઠની તિજોરી લૂંટવાની એની ઇચ્છા એ વરસોથી પોતાના મનમાં પાડતો હતો. પણ કોઇ સંજોગ બેસતા ન હતાં.
હિંમતસિંહના ગુપ્તચરોએ એને ખબર આપી કે આજે સવારે મોતીલાલ શેઠ સામાજિક કામે ભાંડુ ગામ જવાના છે અને કાલે સવારે પરત આવવાના છે.
'મોતીલાલ શેઠની પેઢીને લૂંટવાની આ બરાબર તક છે. સાથીઓ તૈયાર થઇ જાઓ. આ સમય સીઝનનો હોવાના કારણે પેઢીમાં પૈસા પણ આવ્યા હશે. સાંજે પેઢી વસ્તી થાય એટલે આપણે એમાં ધાડ પાડી અને તિજોરી લૂંટી લઇએ.' હિંમતસિંહે પોતાના સાથીઓને આદેશ કર્યો.
બરાબર રાત્રે દસ વાગે હિંમતસિંહ પોતાના સાથીઓ સાથે શેઠ મોતીલાલની પેઢીમાં દાખલ થયો. પેઢીમાં દાખલ થતા જ એણે મુનીમ રઘુનંદનને કામ કરતા જોયો. એ જ વખતે રઘુનંદનની પણ નજર હિંમતસિંહ પર પડી. એ હિંમતસિંહને જોઇને ડરી ગયો પણ બહારથી એની જાતને સ્વસ્થ રાખી.
'હિંમતસિંહ તમે કેમ અહીંયા આવ્યા છો? ' રઘુનંદને હિંમતસિંહને પૂછ્યું.
'એક ડાકુ વાણિયાની પેઢીમાં કેમ આવે? એ વાણિયાના મુનીમને મારે સમજાવવું પડશે? સારું થયું તું અહીંયા મળી ગયો. તારા માલિકની ધનદોલત અને પારકી થાપણ જે કાંઇ પણ પડી હોય એ બધું જ અહીંયા મુકી દે. મારે તિજોરી તોડવી મટે.' ડાકુ હિંમતસિંહે બૂમ પાડીને કહ્યું.
'હિંમતસિંહ તમે ડાકુ થઇને જાણતા નથી કે આ સીઝનનો ટાઇમ છે. લોકો રૂપિયા આપવા તો આવે પણ સામે લેવા પણ આવે. આ ગલ્લામાં પાંચ હજાર રૂપિયા છે. એનાથી વધારે એક રૂપિયો પણ પેઢીમાં છે નહિ. ' રઘુનંદને કહ્યું.
'જો મને આ પેઢીમાંથી રૂપિયા નહિ મળે ને તો હું તને અહીંયા જીવતો નહિ મુકું. ' હિંમતસિંહ ખુંખાર થઇને બોલ્યો.
'હિંમતસિંહ આ તિજોરી ખોલીને તને બતાવી દઉં. તું જોઇ લે. જે મળે એ બધું તારું. ' રઘુનંદને તિજોરી ખોલી બતાવી.
'આ તો સાવ ખાલી છે. તારો કરોડપતિ શેઠિયો ખાલી નામનો જ છે.' ડાકુ હિંમતસિંહે નિરાશ થતા કહ્યું.
' હા, પૈસા ચારેબાજુ ફસાઇ ગયા છે અને આવતા વરસ સુધીમાં તો આ પેઢી પણ ઉઠી જશે.' રઘુનંદને કહ્યું.
' મને લાગતું નથી કે મોતીલાલ શેઠની પેઢી બંધ થાય. જો પેઢી બંધ નહિ થઇ હોય ને તો હું ફરી આવતે વરસે પાછો આવીશ અને એ વખતે તને જીવતો નહીં મૂકું, યાદ રાખજે. ' એટલું બોલતા ડાકુ હિંમતસિંહે રઘુનંદનના પગમાં ગોળી મારી દીધી.
પગમાં ગોળી વાગવાથી રઘુનંદન જમીન પર પટકાયો અને બૂમાબૂમ કરવા લાગ્યો. બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો પેઢીમાં અંદર આવ્યા. રઘુનંદનને લોહીલુહાણ જમીન પર પડેલો જોઇ રઘુનંદનને ગામના વૈદ્ય પાસે લઇ ગયા.
'મારે સાવચેતીથી ગોળી કાઢવી પડશે નહિતર પગ કાપવો પડશે. ' વૈદ્યરાજે કહ્યું.
એ વખતના વૈદ્ય ડોક્ટર કરતા પણ વધારે હોંશિયાર હતાં. હોંશિયાર વૈદ્યરાજે રઘુનંદનના પગમાંથી ગોળી કાઢી અને પાટો બાંધી દીધો.
' ત્રણ મહિના થશે, પહેલાની જેમ ચાલતા. ' વૈદ્યે દવા અને સૂચના બંન્ને જોડે આપી.
બીજા દિવસે મોતીલાલ શેઠ ભાંડુથી પાછા આવ્યા. ગામના લોકોએ તેમને આખી વાત વિગતવાર સમજાવી. પોતાની પેઢીમાં ડાકુ હિંમતસિંહ ઘુસી ગયો હતો તો તો ચોક્કસ એ બધું લૂંટીને જ લઇ ગયો હશે. મોતીલાલ શેઠના પગ પાણીપાણી થઇ ગયા.
મોતીલાલ શેઠ દોડતાં દોડતાં રઘુનંદનના ઘરે પહોંચ્યા.
' ડાકુ હિંમતસિંહ બધું લૂંટીને લઇ ગયો? હું બરબાદ થઇ ગયો? ' મોતીલાલ શેઠે ઊંચા શ્વાસે રઘુનંદનને પૂછ્યું.
' હોય કંઇ શેઠ! જ્યાં સુધી તમારો આ નોકર જીવે છે ને ત્યાં સુધી ડાકુઓની તાકાત છે કે તમારી ધનદોલતને હાથ પણ લગાવે. મને ખબર હતી કે આજે નહિ ને કાલે ડાકુઓ આપણી પેઢી પર ધાડ પાડશે જ. એટલે જ મેં તિજોરીની બરાબર પાછળ ચોર દરવાજો અને ચોર દરવાજાની પાછળ ભોંયરું બનાવડાવ્યું હતું. હું બધી જ ધનદોલતો અને પારકી થાપણો સાંજે પેઢીનો વહીવટ પૂરો થાય એટલે ભોંયરામાં જાતે જ મુકી આવતો હતો. એટલે ડાકુઓના હાથમાં કશું આવે એમ હતું જ નહિ. ડાકુ હિંમતસિંહે મને જાનથી મારવાની ધમકી પણ આપી. પણ ડાકુની બંદૂકથી ડરી જઉં તો તમારું ખાધેલું મીઠુ લાજી ઉઠે. હું જાન આપી શકું છું પણ તમારી મારા ભરોસે મુકેલી મિલકત કદી ડાકુઓના હાથે જવા ના દઉં. ' રઘુનંદને ખુમારીથી કહ્યું.
મોતીલાલ શેઠ રઘુની સામે પડેલા ખાટલામાં ફસડાઇ પડ્યા. એમના જીવમાં જીવ આવ્યો.
રઘુનંદનની પત્નીએ શેઠને પાણી આપ્યું. શેઠ પાણી પીને ઊભા થયા.
'હવે આજ પછી તારે તારા સોનાના કંદોરોના રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી. તે મારી દોલત બચાવી સોનાના કંદોરાનું તારું દેવું તો તે ચૂકવી દીધું પણ મને તારો કરજદાર પણ બનાવી દીધો. તારો ઉપકાર માનું એટલો ઓછો છે ભાઇ.' આટલું બોલતા મોતીલીલ શેઠની આંખમાં ઝળઝળીયા આવી ગયા.
રઘુનંદન આજે ખુશ હતો. શેઠની દોલત બચાવ્યાનો આનંદ તો એને હતો જ પણ સાથે સાથે સોનાના કંદોરાના દેવામાંથી પણ એ આજે મુક્ત થઇ ગયો હતો.
' મા, તારો આ દીકરો ગરીબ ખેતમજુરના દીકરામાંથી આજે એક મોભી શેઠનો સાચા અર્થમાં મુનીમ બની ગયો. ' રઘુનંદન એની મા સામે જોઇને બોલ્યો.
આજે મા અને દીકરા બંન્નેની આંખમાં હર્ષના આંસુ હતાં.
- ૐ ગુરુ