ઘૂઘરા એટલે દિવાળીનાં લેન્ડમાર્ક..!
કસ્સમથી કહું કે, ઘૂઘરા મને એટલા પ્રિય કે,દિવાળીમાં તમામ ખાધને થર્ડ પ્લેટફોર્મ ઉપર કાઢીને ઘૂઘરા ઝાપટવાની જ મને ઉપડે..! આખું વર્ષ કોરોનાનો કાળોતરો હવામાનમાં ભલે ફરી વળ્યો હોય, પણ દિવાળીમાં ઘૂઘરા નહિ ખાધા, તો દિવાળી હોળી જેવી જ લાગે. હરિની કૃપા કેવી હરિયાળી, કે કોરોનામાં હરી ના લીધાં, એટલે તો આ દિવાળીમાં ઘૂઘરાનો હાસ્યલેખ લખવા બેઠો. રમેશીયાને રાજીનો રેડ કરવા પાંચ કિલો ઘૂઘરા વધારે બનશે..! ઘૂઘરા એટલે ઘૂઘરા બોસ..! દિવાળીમાં બનતા ઘૂઘરાઓ પ્રતાપી રાજા જેવાં પરાક્રમી હોય. ‘ઘૂઘરો’ શબ્દ પડતાંની સાથે, જ સાતેય દરિયા મોઢામાં પ્રવેશીને મોઢું પાણી-પાણી થઇ જાય. કાન સસલાંની માફક સરવા, ને જીભ લપકારા માંડે બોલ્લો..! ઘૂઘરાની એટલી પહોંચ છે દાદૂ..! લાડુ અને ઘૂઘરા, બંને મિષ્ટાન કહેવાય, પણ મરણ પ્રસંગમાં લાડુ બનાવવાની છૂટ, બાકી કોઈએ ઘૂઘરા ખવડાવ્યા હોય એવું બન્યું નથી.! એવો કોઈ ઉદાર બન્યો હોય તો ખબર નથી, કે “મરનારને ઘૂઘરા બહુ ભાવતા હતા, તો લો દશ-પંદર ઘૂઘરા ઝાપટતા જાવ..!” દિવાળીને ઘૂઘરા સાથે લફરું જ એવું સોલ્લીડ કે, ઘૂઘરા વગર દિવાળીના 'શ્રીગણેશ' જ ના થાય. ફટાકડો કે ફટાકડી ફૂટવા માંડે એટલે ખબર તો પડે, કે દિવાળીનું પ્રાગટ્ય થયું. પણ ઘૂઘરાવાળી દિવાળીના ઓરતાં જ અલગ..! ઘૂઘરો જ જાણે નુતન વર્ષાભિનંદનનો શુભેચ્છા કાર્ડ..!
ઘૂઘરા રવા-મેંદા કે માવાના હોય, તો કોઈ વળી મસાલાવાળા પણ બનાવે...! જેવો જેનો ટેસ્ટ ને જેવી જેની દાંતની મજબૂતાઈ..! ઘૂઘરા ખાવામાં પણ મસ્ત હોય, ને દેખાવમાં પણ મસ્ત. સાહિત્યકારોએ આ ‘ઘૂઘરા’ શબ્દને એવો સ્વચ્છંદી બનાવી મુકેલો કે, ખાવાના પણ ઘૂઘરા આવે, ને વગાડવાના પણ આવે. અમુક ઘૂઘરા ગળે ઉતારવાના આવે, અને અમુક બળદિયાને ગળે બાંધવાના આવે. બળદના ગળે ઘૂઘરા બાંધીએ તો જ ખબર પડે કે, બળદિયાની હાલ-ચાલ શુ ચાલે છે..? ઘૂઘરા પ્રાણીને પણ ગમે ને, સામાજિક પ્રાણી (માણસ) ને પણ ગમે. દીકરો રડારોળ કરતો હોય તો, મા દીકરાના હાથમા જે પકડાવી દે તે ઘૂઘરો અલગ, ને ખાવાનો ઘૂઘરો અલગ..! ઘૂઘરાનો અવાજ તો આજે પણ અમુકના કાનના પડદામાં ટીંગાયેલો હશે..! પોતાના શ્વાસના ધબકારા સાથે સંભળાતો હશે. બધાં જ કંઈ મારી જેમ ખખડાવેલા ડબ્બાનો અવાજ સાંભળીને મોટાં ના થયા હોય..? ઘૂઘરો અને ઘોડિયું એ આપણી શૈશવ-વિદ્યાપીઠ છે. સરકાર બદલાય એમ, ઘોડિયાવાળો ઘૂઘરો કાળક્રમે બદલાતો ગયો. અસ્સલ તો જાડી ધાતુનો પોલો ઘૂઘરો આવતો. એમાં આપણું ભાવી કેદ થયું હોય એમ, એક કાંકરો આવતો. પછી આવ્યો પિત્તળનો, પછી સ્ટીલનો..! પછી તો જેવાં જેના રેશનકાર્ડ..! ખમતીધરના ફરજંદ ચાંદી અને સોનાના ઘૂઘરાથી પણ મોટાં થયાં.એના કપાળમાં કાંદા ફોડું, આજકાલની પેઢીને તો ઘૂઘરો પણ નહિ જોઈએ. મોબાઈલમાંથી રાખી સાવંત કાઢીને બતાવો એટલે આખું ઘોડિયું આકાશમાં પરિભ્રમણ કરતું હોય એમ બાળક હસતું-હસતું ઉડવા પણ માંડે, ને ઊંઘવા પણ માંડે..! કહેવાય છે ને કે, પુત્રના લક્ષણ પારણામાંથી..! જેવાં અવાજથી એ રડતો બંધ થયો હોય, એવો જ આગળ જઈને એ ખુલવા માંડે. ઘૂઘરો એ માણસના જીવતરનો આધાર સ્તંભ છે..!
ઘૂઘરું, ઘૂઘરી, ઘુવડ, ઘાઘરો, ઘાટી, ઘર, ઘણ, ઘોર, ઘનઘોર, ઘેઘારવ, ઘટા, વગેરે શબ્દો, મૂળ તો ઘ મૂળાક્ષરનાં જ ફરજંદ..! પણ ખાવા માટે ઘૂઘરા કે ઘેબર જ ચાલે..! બંને મીઠી ફોઈના ફરજંદ જેવાં. આખું વર્ષ ભલે ઘૂઘરા વગાડ્યા હોય, પણ વાર તહેવાર આવે એટલે ઘૂઘરા ને ઘેબર ‘હેલ્લો’ કરવા આવે..! ઘૂઘરો ઘરમાં પગલાં નહિ પાડે, ત્યાં સુધી દિવાળી બેઠી હોય એવું લાગે જ નહિ, ને પુરા નહિ થાય, ત્યાં સુધી દિવાળીનું ઉઠમણું નહિ થાય..! ઘૂઘરો એ દિવાળીનું વાહક છે..! ઘૂઘરો ને ઘૂઘરી ભલે એક ઘરાનાના ને હસબંધ-વાઈફ જેવાં લાગતાં હોય, પણ ઘૂઘરી એ ઘૂઘરાની વાઈફ થતી નથી, ને જેમ ઘૂઘરો એ ઘૂઘરીનો સસરો થતો નથી, એમ ઘૂઘરું એ ઘૂઘરી-ઘૂઘરાનું ફરજંદ થતું નથી..! મીરાબાઈ અને મારામાં ફેર એટલો જ કે, મીરાબાઈએ પગે ઘૂઘરું બાંધીને ભક્તિ-નૃત્ય કરેલું, બંદાએ ઘોડિયામાં ઘૂઘરો લઈને બાળ-નાચ કરેલો. મીરાબાઈ તો ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટે પગે ઘૂઘરું બાંધીને નાચેલા, ત્યારે મેં મારા નિજાનંદ માટે ‘ઘોડિયા-નાચ’ કરેલો. કારણ હું જાણતો હતો કે, ભગવાન તો આનંદ સ્વરૂપ પણ છે, નાચણું પણ એક દાઝ છે દાદૂ..! માણસમાત્ર દાઝને પાત્ર..! ‘દાઝ’ એટલે લગન-ઘેલછા-વૃતિ-પ્રવૃત્તિ ને આકૃતિ..! દાઝને જો બળતરા કે દાઝવાની ઘટના સમઝ્યા હોય તો, તમે હોળીની વૃત્તિમાંથી, દિવાળીની પ્રવૃત્તિમાં હજી આવ્યા જ નથી..! દિવાળીના ઘૂઘરાની ઉણપ છે એવું માની લેવાય..! જે સ્ત્રી-જાતકને ખાટું ખાવાની તોવ્ર ઈચ્છા થાય કે, ઝભલા-ટોપી ગૂંથવાની વસંત બેસે તો માનવું કે, સારા દિવસોની મૌસમ એનામાં બેસવા માંડી છે. એમ, ઘૂઘરા બનાવવાની માત્ર ચર્ચા જ થવા માંડે, તો માનવું કે, હવે દિવાળી પગલાં પાડવાની તૈયારીમાં છે. ઘૂઘરો એ દિવાળીનો લેન્ડમાર્ક છે. ઘૂઘરાની વૃતિ કાંદાબટાકાના શાક જેવી હલકટ નહિ. કાંદા-બટાકાને તો દરેક શાક સાથે લફરું (અફેર) હોય એમ. કોઈપણ શાક બનાવો એમાં કાંદો-બટાકો હાજરા-હજૂર હોય..! અંબાણી, અદાણી, કે માર્ક ઝૂકેરબર્ગના ઘરમાં પણ એવું ના બન્યું હોય કે, એમની વાઈફોએ ટીફીનમાં શાક-ભાખરીની જગ્યાએ રોજ ઘૂઘરા બાંધી આપ્યા હોય..! એમાં પછી દુનિયાના ધનિકો આવી જાય..! પુરાણકાળમાં રાવણની માફક લાંબી તપસ્યા કરે તો જ શિવ પ્રસન્ન થતાં, એમ આખું વર્ષ ઘૂઘરા વગાડીને તપસ્યા કરી હોય તો જ, દિવાળીમાં ઘૂઘરા-દર્શન થાય. ધૂળ પડે એના પૈસાને, જેમણે દિવાળીમાં ઘૂઘરો ના ખાધો હોય..! બાકી, બાળક માટે ઘૂઘરાવાળું ઘોડિયું એ બાળ વિદ્યાપીઠ છે, ને ઘૂઘરાવાળી દિવાળી એ અંતિમ ડીગ્રી છે. સૌને મારાં ઘૂઘરા-મુબારક..!