પ્રાયશ્ચિત પ્રકરણ 55
તમામ મહેમાનો અને સ્ટાફ નીકળી ગયા પછી જયેશે શરણાઇ વાળાનો માઇક વાળાનો, લાઇટિંગ વાળાનો અને આઈસ્ક્રીમ વાળાનો હિસાબ ચૂકતે કરી દીધો. સિક્યુરિટી સ્ટાફને પણ રજા આપી દીધી અને ૧૩ તારીખે બપોરે બાર વાગે આવી જવાનું કહ્યું.
માત્ર ૩ સ્વીપરોને કેશ આપીને રોકી દીધા અને આખો હોલ સ્વચ્છ કરી દેવાની સૂચના આપી દીધી. ખુરશીઓ પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાની સૂચના આપી. જયેશનું મેનેજમેન્ટ ખરેખર જબરદસ્ત હતું !!
બાર વાગવા આવ્યા હતા. જમવાનું પણ બાકી હતું. પહેલાં તો હોટલમાં જમવાનું કેતને નક્કી કર્યું હતું પરંતુ દક્ષાબેને ઘરે જ જમવાનો આગ્રહ રાખ્યો હતો એટલે હવે ઘરે જવાની તૈયારી કરી. જમીને કેતને પાછા નવી ઓફિસ પણ જવાનું હતું.
" જયેશભાઈ અત્યારે અમે જમવા માટે ઘરે જઈએ છીએ. જમીને આરામ કરીને ચાર વાગે હું અને જાનકી ઓફિસ આવી જઈશું. તમે પણ લંચ પતાવીને ઓફિસ પહોંચી જજો. તમારે અને મનસુખભાઈ ને હોટેલમાં જમવાની ઇચ્છા હોય તો મારા તરફથી તમે લોકો ત્યાં જમી આવો. મારી સાથે જોડાયા છો તો પૈસાની ચિંતા નહીં કરવાની. " કેતન બોલ્યો.
" અરે ના ના સાહેબ તમે કહ્યું એટલે બધું આવી ગયું. આજે તો મારા ઘરે દાળઢોકળી નો પ્રોગ્રામ છે. " જયેશ ઝવેરી બોલ્યો.
" ઓકે ઓકે... એન્જોય " કેતન હસીને બોલ્યો.
જગદીશભાઈનો પરિવાર પણ ઉભો થઇ ગયો હતો. જગદીશભાઈ સૌથી પહેલાં આ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડેન્ટ અને જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. મહેન્દ્ર શાહનો આભાર માનવા માટે એમની પાસે ગયા.
" ડોક્ટર સાહેબ... તમે ઘણી બધી જવાબદારીઓ માથે લીધી છે. કેતન આ લાઈનનો બિલકુલ બિનઅનુભવી છે અને તમારા માર્ગદર્શન નીચે જ આ હોસ્પિટલ ઊભી થઈ છે. હવે પછી આ હોસ્પિટલનું સંચાલન પણ તમારે જ કરવાનું છે. " જગદીશભાઈ બે હાથ જોડીને બોલ્યા.
" તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કેતનની ક્યાંય ભૂલ થતી હોય તો સજેશન આપવાની તમને છૂટ છે. યુવાન લોહી છે અને દિલમાં તરવરાટ પણ બહુ છે. દુનિયાના તમને અનુભવ વધારે છે. જ્યાં બ્રેક મારવાની જરૂર લાગે ત્યાં બ્રેક જરૂર મારજો. સાચા ગરીબોની મફત સારવાર થાય એ અમારો હેતુ છે પરંતુ સંપન્ન લોકો ગેરલાભ ના લે એ જરા જોતા રહેજો. " જગદીશભાઈ બોલ્યા.
" તમે એ બાબતની ચિંતા ના કરશો જગદીશભાઈ. હું સંપૂર્ણ સજાગ છું. તમારા ટ્રસ્ટનો લાભ યોગ્ય માણસોને જ મળશે. " ડૉ. શાહ બોલ્યા.
કેતન અને તેનો પરિવાર હોસ્પિટલની બહાર નીકળ્યો ત્યારે હજુ પણ ઘણા લોકો હોસ્પિટલને જોવા માટે આવતા હતા. હોસ્પિટલ આજે જામનગરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
બંને ગાડીઓમાં કેતન અને તેનો પરિવાર ઘરે પહોંચી ગયો. તમામ સભ્યો આજે ખુશ હતા અને જે સન્માન કેતનને આજે મળ્યું હતું તે અભૂતપૂર્વ હતું. શિવાની તો ભાઈની હોસ્પિટલ જોઈને ગાંડી જ થઈ ગઈ હતી.
આજે જમવામાં દક્ષાબેને ચણાની દાળની પુરણપોળી બનાવી હતી. ઘી થી તરબતર પુરણપોળીની સાથે લચકો દાળ, રીંગણ ફ્લાવર નું મિક્સ શાક તેમજ કઢી-ભાત હતા. બધાંને જમવાની મજા આવી.
કેતને પપ્પાને કહ્યું કે હું અને જાનકી નવી ઓફીસ જવા માટે સાડા ત્રણ વાગે નીકળી જઈશું. સાંજે છ સુધીમાં પાછા આવી જઈશું. ત્યાં સુધી તમે ઘરે આરામ કરજો.
જમીને સહુએ આરામ કરવાનું પસંદ કર્યું કારણ કે આજે બધા જ વહેલા ઉઠ્યા હતા. ત્રણ વાગે કેતન અને જાનકી ઊભા થઈ ગયા. ફ્રેશ થઈને જાનકીએ બે જણાની ચા મૂકી દીધી.
કેતને કબાટમાંથી થોડી નોટો કાઢીને એક કવરમાં પેક કરી અને કવર જાનકીના હાથમાં આપ્યું. " આ પેકેટ તું તારી પર્સમાં મૂકી દે. "
લગભગ સાડા ત્રણ વાગ્યે કેતન અને જાનકી નાયરા પેટ્રોલ પંપ પાસેની નવી ઓફીસ જવા નીકળી ગયા. કેતને રોડ ઉપરથી ઓફિસ બિલ્ડીંગ જોયેલું હતું પણ આજે પહેલીવાર ઓફિસમાં પ્રવેશ કરવાનો હતો એટલે આજે લાભપાંચમ નો દિવસ પસંદ કર્યો હતો.
કેતને ગાડી સ્ટાર્ટ કરી કે તરત જ જયેશને ફોન કરી દીધો હતો. જયેશ હાથમાં ગુલાબનાં ફૂલોના બે બુકે લઈને ઓફિસની બહાર જ ઉભો હતો. જેવા કેતન અને જાનકીએ ઓફિસમાં પ્રવેશ કર્યો કે તરત જ જયેશે બંનેના હાથમાં બુકે આપ્યા.
" વેલકમ શેઠ... વેલકમ મેડમ... તમારી નવી ઓફિસમાં તમારું સ્વાગત કરીએ છીએ. " જયેશ બોલ્યો. બાકીનો સ્ટાફ ઉભો થઇ ગયો.
જયેશે બંનેને એમની મોટી ચેમ્બર બતાવી. એક જ ચેમ્બરમાં ૨ ટેબલ અને ૨ રીવોલ્વીંગ ચેર ગોઠવીને બંનેની સીટીંગ એરેન્જમેન્ટ કરી હતી.
ઓફિસનું ઇન્ટિરિયર બીજા આર્કિટેક્ટે કર્યું હતું છતાં અદભુત હતું. દિવાલોના કલરથી માંડી ફર્નિચરની ડિઝાઇન માં પણ એનું વિઝન દેખાઈ આવતું હતું.
કેતન અને જાનકી બંને પોતાની નવી ઓફિસ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયાં. ઘણી વિશાળ ઓફિસ હતી. એમનાં બંનેના ટેબલ નાં ટોપ પિંક માર્બલનાં હતાં અને બંનેના ટેબલની સામે ૨ ૨ વિઝીટર્સ ચેર ગોઠવવામાં આવી હતી. બંનેની પાછળની દીવાલ ઉપર ઉછળતા દરિયાનું સુંદર વોલપેપર લગાવવામાં આવ્યું હતું.
આજે પહેલા દિવસે બીજું તો કોઈ કામ હતું નહીં. રાજેશ પ્રશાંત અને કાજલે પોતપોતાની ફાઈલો કબાટમાં ગોઠવી દીધી હતી. અને નવા કોમ્પ્યુટરમાં જરૂરી માહિતી પણ અપલોડ કરી દીધી હતી. મનસુખ પણ એક ડ્રાઈવર તરીકે સ્ટાફ મેમ્બર જ હતો એટલે એની પણ એક અલગ ચેર હતી.
કેશ રાખવા માટે કાજલને એક નાનકડું ડબલ લોક વાળું સ્ટીલ નું સેફ પણ આ નવી ઓફિસમાં આપવામાં આવ્યું હતું.
" અરે કાજલ જરા બે મિનીટ અંદર આવ ને. " કેતને બૂમ પાડી.
" જી..સર " કહીને કાજલ દોડતી અંદર ગઈ.
" જાનકી તને ઘરેથી નિકળતી વખતે મેં જે પેકેટ આપ્યું એમાં સવા લાખ રૂપિયા છે. એ કાજલને આપી દે." કેતન બોલ્યો
" હા સાહેબ " કહીને પર્સમાંથી કાઢીને જાનકીએ પેકેટ કાજલના હાથમાં મૂકયું.
" કાજલ આજે લાભ પાંચમનું શુભ મુહૂર્ત છે આપણી ઓફીસનું પણ આજે ઉદ્ઘાટન થયું છે. આ લક્ષ્મીને તિજોરીમાં મૂકી દે અને આ સવા લાખ રૂપિયા કાયમ માટે તારે એમાં જ મૂકી રાખવાના છે. "
કેતન બોલ્યો.
" ઓકે.. સર. " કહીને કાજલ બહાર નીકળી ગઈ અને તિજોરી ખોલી એમાં એ પેકેટ સાચવીને મૂકી દીધું.
જયેશે આ વાતની નોંધ લીધી. કેતન શેઠ ના વિચારો ખરેખર સંસ્કારી હતા.
" શેઠ ચાર વાગ્યા છે. ચા મંગાવું કે ઠંડુ ? આજે મુહૂર્તમાં કંઈક શરૂઆત તો કરવી જ પડશે. " જયેશે કેતનની ચેમ્બર માં પ્રવેશ કરીને પૂછ્યું.
" હા હા ચોક્કસ. તમે એક કામ કરો આપણા બધા માટે ગ્રીન પિસ્તા આઈસક્રીમ મંગાવી દો. અમે સુરતી લાલા આઈસ્ક્રીમના બહુ જ શોખીન હોઈએ છીએ. " કેતને હસીને કહ્યું.
" અરે એ તો બધાની પસંદગી છે શેઠ. હમણાં જ મનસુખને મોકલું છું. " કહીને જયેશ ઝવેરી ચેમ્બરની બહાર આવ્યો અને મનસુખને પૈસા આપી આઈસ્ક્રીમ લેવા મોકલ્યો.
એ પછી જયેશ ફરી પાછો કેતનની ચેમ્બરમાં ગયો અને કેતનની સામેની ચેરમાં બેઠો.
" શેઠ ડોક્ટર શાહ સાહેબે મને આજે કહ્યું છે કે હોસ્પિટલના ચાર્જીસ માટે મારે તમારી સાથે વાત કરી લેવી. એટલે આપણે ચાર પ્રકારના ચાર્જીસ માટે એક ચોક્કસ રકમ નક્કી કરવી પડશે. ઓપીડી માં ડોક્ટરને બતાવવા માટેની કન્સલ્ટેશન ફી, કોઈ દર્દીને એડમિટ કરવો પડે તો રોજનો બેડ ચાર્જ, આઈસીયુમાં દાખલ કરવો પડે તો એનો રોજનો ચાર્જ અને દર્દીને ઓપરેશન કરાવવાનું થાય તો ઓપરેશન નો ચાર્જ પણ આપણે નક્કી કરી દેવો પડશે. " જયેશ ઝવેરી બોલ્યો.
" હા આ બાબતમાં મેં વિચારી જ લીધું છે. જુઓ કન્સલ્ટેશન ફી તો ૧૦૦ રૂપિયા જ રહેશે. દર્દીને દાખલ કરવો પડે તો બેડના રોજના ૧૦૦૦, આઈસીયુ ચાર્જ ૧૦૦૦૦ અને ઓપરેશન નો ચાર્જ ૫૦૦૦૦ રહેશે પછી ગમે તેવું ભારે ઓપરેશન હોય. આ ચાર્જીસ ફાઇનલ છે. " કેતન બોલ્યો.
" એમઆરઆઈ, સીટી સ્કેન, સોનોગ્રાફી અને એક્સરે ના તેમજ તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ ના પ્રાઇવેટમાં શું ચાર્જીસ હોય છે એની તપાસ કરો. ત્યાં જે પણ ચાર્જીસ હોય એના ૫૦ ટકા ચાર્જ આપણી હૉસ્પિટલમાં રહેશે. "
" અને હા, કોઈ ખરેખર ગરીબ હશે અને રાજેશ દવે એનો રિપોર્ટ આપી દેશે તો આપણે હોસ્પિટલના જનરલ વોર્ડના, આઈસીયુ ના અને ઓપરેશનના ટોટલ ચાર્જીસમાં ૫૦ ટકા રાહત આપી દઈશું. તમે રાજેશ દવેને અને વિવેક કાનાણીને જરા અંદર બોલાવો. "
" અરે રાજેશ, વિવેક તમને બંનેને સર બોલાવે છે. " જયેશે ચેમ્બરમાંથી બુમ પાડી.
" જી... સર " કહીને બંને અંદર આવ્યા અને ઉભા રહ્યા.
" રાજેશ તારે પી.આર.ઓ તરીકે ૧૩ તારીખથી હોસ્પિટલમાં જ બેસવાનું રહેશે. આ બાબતમાં આપણે અગાઉ પણ ચર્ચા થઈ જ ગઈ છે. તમામ નવા આવતા દર્દીઓને માર્ગદર્શન આપવાનું કામકાજ પણ તારું જ રહેશે. વોર્ડમાં પણ અવાર નવાર ચક્કર મારતા રહેવાનું. દર્દીના સગાઓ સાથે વાતચીત કરીને દર્દીની સાચી આર્થિક પરિસ્થિતિની તપાસ કરી લેવાની. ૧૩ તારીખ પછી તારો સેલેરી ૫૦૦૦૦ થઈ જશે. તારી જવાબદારી ઘણી છે. " કેતન બોલ્યો.
" જી..સર " રાજેશ દવે બોલ્યો. ડબલ પગાર એ એના માટે ખૂબ જ આનંદના સમાચાર હતા.
" હોસ્પિટલ બની ગઈ છે એટલે વિવેકનું સુપરવિઝન નું કામ પૂરું થઈ ગયું છે. એટલે રાજેશ તારું બધું જ કામ તું વિવેકને સમજાવી દે. તારી જગ્યાએ ૧૩ તારીખથી વિવેક કામ કરશે. " કેતને રાજેશને કહ્યું.
" અને વિવેક હોસ્પિટલના મેન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી હવે તારી રહેશે. એરકન્ડિશન પ્લાન્ટ, જનરેટરનું અવારનવાર ચેક અપ, ઓક્સિજનનો પુરવઠો વગેરે રેગ્યુલર જોતા રહેવું પડશે. દિવસમાં એકવાર હોસ્પિટલની વિઝીટ કરવી પડશે. હોસ્પિટલની કોઈ પણ જરૂરિયાત હોય તો એ તારે પૂરી કરવાની રહેશે. કોઈની કોઈ ફરિયાદ હોય તો એ પણ તારે હેન્ડલ કરવી પડશે. તારો સેલેરી પણ ૧૩ તારીખ થી ૫૦૦૦૦ થઈ જશે. એની ક્વેશ્ચન ? " કેતને હવે વિવેકને કહ્યું.
" નો સર... થેંક્યુ વેરી મચ ફોર ધીસ પ્રમોશન " વિવેક બોલ્યો.
" જયેશભાઈ બાકીના બન્નેનો પગાર પણ ૧૩ તારીખથી ૫૦૦૦૦ કરી દો. આખી હોસ્પિટલની સેલેરી કાજલે કરવાની છે. આટલી મોટી કેશનો બધો હિસાબ રાખવાનો છે. બેંક સાથે પણ એણે વ્યવહારો કરવાના છે. એની જવાબદારી પણ ઘણી વધી ગઈ છે. " કેતને કહ્યું.
" ટિફિનોની સંખ્યા ૨૦૦ ઉપર પહોંચી ગઇ છે. એકલા હાથે પ્રશાંતે હવે બધું જ હેન્ડલ કરવાનું છે. રોજેરોજ થેપલાંનું કલેક્શન તેમ જ દહીંની અને બટેટાની ખરીદી એણે કરવાની છે. બંને હોસ્પિટલમાં ફરીને રોજ ટિફિન પહોંચાડવાના છે. એટલે પ્રશાંત માટે પણ ૫૦૦૦૦ સેલેરી રહેશે. એની મદદમાં એક બે છોકરાઓ તમે આપી દેજો. જે વાનમાં એની સાથે જાય. " કેતને આદેશ આપ્યો.
" જી..શેઠ. હું કાજલને અને પ્રશાંતને પણ સારા સમાચાર આપી દઉં છું. " જયેશ ઝવેરી બોલ્યો.
" અને જયેશભાઈ તમારી વાન જૂની થઇ ગઇ છે. આ વાન તમે પ્રશાંતને આપી દો. ટિફિન સર્વિસ માટે આ વાન સેવામાં રહેશે. તમે એક નવી વેગનઆર છોડાવી લો. " કેતન બોલ્યો.
ત્યાં જ મનસુખ માલવિયા આઈસ્ક્રીમ લઈને આવી પહોંચ્યો.
" શેઠ એક વાત સાચી કહું ? આટલા સારા સમાચાર સાંભળ્યા પછી હવે આઇસ્ક્રીમ ખાવાની સાચી મજા આવશે. " જયેશ બોલ્યો અને બધા હસી પડ્યા.
" પ્રશાંત અને કાજલ તમે પણ સાંભળો. તમારા ચારેય જણનો સેલેરી ૧૩ તારીખથી ૫૦૦૦૦ રહેશે. એના માનમાં આ આઈસક્રીમ મંગાવ્યો છે. " જયેશે ચેમ્બરની બહાર આવીને જાહેરાત કરી. વિવેક અને રાજેશ પણ બહાર આવ્યા. તમામ સ્ટાફે પોતાના આ બોસનો " થેંક્યુ સર " કહીને આભાર માન્યો.
" પ્રશાંત બે ચાર દિવસમાં હું નવી ગાડી લઈ લઈશ એટલે આ વાન તારી પાસે જ રાખજે. તારે ઘણી દોડા દોડ કરવાની હોય છે. " જયેશે કહ્યું.
એ પછી મનસુખે બધાને ગ્રીન પિસ્તા આઇસ્ક્રીમ સર્વ કર્યો. મનસુખે કેતન શેઠ અને જાનકી મેડમને ડબલ આઈસક્રીમ આપ્યો.
આજે તો બીજું કંઈ કામ હતું નહીં એટલે આઇસક્રીમ ખાધા પછી કેતન અને જાનકી ઊભાં થઈ ગયાં અને જયેશ લોકોને પણ ઘરે જવાનું કહી દીધું.
" તમારું મેનેજમેન્ટ પણ કેતન જબરદસ્ત છે એ આજે મેં જોઈ લીધું. ઘણું બધું તમે મનમાં વિચારો છો એ પણ સાબિત થઈ ગયું. દરેક બાબતમાં તમારું એક આગવું વિઝન છે અને આગવી સૂઝ છે એમાં બે મત નથી. " જાનકી ઘરે જતી વખતે રસ્તામાં કેતનને કહી રહી હતી.
"જો જાનકી... મારી નિષ્ઠા સાચી છે. ગુરુજીના આશીર્વાદ મારી સાથે છે. ઈશ્વરે અઢળક પૈસો આપ્યો છે તો એનો આનંદ બધાને વહેંચવામાં હું માનું છું. સુરતનો અલગારી જીવ છે એટલે 'ખાઓ અને ખવરાવો' ની નીતિ મારામાં છે. કોઈનું પણ શોષણ કરવામાં હું માનતો નથી. મારા માણસોને સાચવતાં મને આવડે છે. સારો પગાર આપીશું તો બધા પોતાની હોસ્પિટલ માનીને દિલથી કામ કરશે. " કેતન બોલ્યો.
" જામનગર આવ્યો એ પછીના બે દિવસમાં જ જયેશ ઝવેરીનો એક લાખ રૂપિયાનો પગાર મેં કરી દીધો. આજે તું એનું પરિણામ જોઇ રહી છે. આટલી સરસ કોર્પોરેટ હોસ્પિટલ બની એમાં જયેશ નો ફાળો સૌથી મોટો છે. એણે ઉદ્ઘાટનના પ્રસંગને પણ કેટલો જાજરમાન બનાવી દીધો ? શરણાઈ વાદનની તેં કલ્પના કરી હતી ? સાચા હીરાની પરખ મને છે કારણ કે ડાયમંડ વાળાનો દીકરો છું. " કેતન બોલ્યો. જાનકી પોતાના ભાવિ પતિને જોઈ જ રહી.
..ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)