Aa Janamni pele paar - 12 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૧૨

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૧૨

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨

ત્રિલોકના પ્રશ્નનો શું જવાબ આપવો એ દિયાન વિચારી રહ્યો હતો. અસલમાં તે શિનામીને ક્યારેય મળ્યો નથી કે હેવાલી મેવાનને મળી નથી. તેના વિશે બંને કંઇ જ જાણતા નથી. એમનો પરિચય આપવાનું મુશ્કેલ છે. એમ પણ બની શકે કે મેવાને એમના સપનામાં આવીને આ વાતની જાણ કરી હોય. બહુ વિચાર કરીને જવાબ આપવો પડે એમ હતો.

દિયાનને મૂંગોમંતર થયેલો જોઇ ત્રિલોક કહે:'તમે કઇ દુનિયામાં જતા રહ્યા છો? તમે મેવાનના મિત્ર છો કે બીજું કોઇ?'

દિયાન સ્વસ્થ થતાં બોલ્યો:'આમ કહો તો મિત્ર છે અને બીજી રીતે કહીએ તો મારા મિત્રના મિત્ર છે. એટલે હું એમના વિશે વધારે જાણતો નથી. એક-બે વખત અલપ-ઝલપ મુલાકાત થઇ છે...'

દિયાન જાણતો હતો કે તે અડધું અસંબધ્ધ બોલ્યો હતો. તેનો ઇરાદો એવો હતો કે ત્રિલોકને એ કહેવું ના પડે કે તેઓ મેવાન અને શિનામીને સપનામાં મળી રહ્યા છે.

ત્રિલોક હસવા લાગ્યો:'હા....હા...હા....વર્ષો પછી તમને મેવાનની યાદ આવી છે! ખેર, હવે એ લોકો હયાત નથી ત્યારે તમે એમના મિત્ર હોય કે દુશ્મન શું ફરક પડે છે? મારી તો પ્રાર્થના છે કે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને જ્યાં હોય ત્યાં સુખી રહે...ભગવાને એમને બીજો માનવ જન્મ આપ્યો હોય તો એમની જોડી આ જન્મમાં પણ બની રહે એવું ચાહું છું... '

'એ બંને અમારા સપનામાં છે અને અમને દુ:ખી કરી રહ્યા છે...' એવા શબ્દો દિયાનના હોઠ સુધી આવીને ગળામાં પાછા જતા રહ્યા. થૂંક સાથે એ શબ્દો ગળતા બોલ્યો:'અમે પણ એવું જ ઇચ્છીએ છીએ કે એ જ્યાં છે ત્યાં સુખ-શાંતિથી રહે...પણ અમને એમના વિશે જાણવું છે. મારો મિત્ર કહેતો હતો કે તમે તલાવડી બાજુ જાવ ત્યારે એને મળજો. હવે અહીં આવીને એમના મોત વિશે જાણીને દુ:ખ થયું છે...' દિયાન એમના વિશે જાણીને જ જવા માગતો હતો.

'ચાલો, મારી સાથે આવો...' કહીને ત્રિલોક મકાન તરફ ફર્યો.

ત્યાં એક કબૂતર ઉડતું એમની બાજુમાંથી પસાર થઇ ગયું. કબૂતરની પાંખોના ફફડાટથી હેવાલી ધ્રૂજી ગઇ. તેણે દિયાનને પણ માંડ સંભળાય એવા અવાજે કહ્યું:'એમની સાથે ક્યાં જવાનું છે? મને તો ડર લાગે છે. જે વાત કહેવી હોય એ બહાર કહો એમ કહી દે ને...'

દિયાન કંઇ જવાબ આપે એ પહેલાં ત્રિલોક થોડું ચાલીને અટકી ગયો હતો અને પાછું ફરીને બોલ્યો:'તમારે મેવાન અને શિનામી વિશે જાણવું નથી?'

દિયાને હેવાલી તરફ જોઇને જાણે ત્રિલોકના પ્રશ્નનો જવાબ માગ્યો.

હેવાલીને થયું કે અહીં સુધી આવી જ ગયા છીએ અને જો એમના વિશે જાણવા મળતું હોય તો થોડું જોખમ લેવામાં વાંધો નથી. આ જગ્યા ભય પમાડે એવી છે. અવાવરું મકાનમાં આ માણસ એકલો કેવી રીતે રહેતો હશે?

હેવાલીની ઝૂકેલી આંખોને સંમતિ માની દિયાન 'ચાલો, આવીએ છીએ...' કહી એમની પાછળ ચાલવા લાગ્યો. હેવાલીએ દિયાનનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો હતો.

મકાનમાં ત્રિલોકે કહેલી આગની ગંધ જાણે હજુ આવી રહી હતી. વર્ષોથી કોઇ સફાઇ થઇ ના હોય એમ મકાનમાં વિચિત્ર વાસ આવતી હતી. મકાન ખાલી જેવું જ હતું. ત્રિલોક અંદરની તરફના એક રૂમમાં આવવાનો ઇશારો કરવા લાગ્યો.

ત્રિલોક રૂમમાં જઇને એક લાકડાની ખુરશીમાં બેસી ગયો. એના બેસતાની સાથે જ એક કિચૂડાટ શાંતિને ચીરી ગયો. એણે દિયાન અને હેવાલીને સામે મૂકેલા એક ખાટલા પર બેસવાનો ઇશારો કર્યો. ખાટલા પરનું જૂનું અને સડી ગયું હોય એવું ગાદલું જોઇ હેવાલીને સૂગ ચઢી. તેણે દિયાનનો હાથ દબાવી બેસવા જતાં અટકાવ્યો. દિયાન પણ એ ખાટલા પર બેસવા માગતો ના હોય એમ બોલ્યો:'અમે ઊભા જ છીએ. તમે જણાવો...'

એ વાત ત્રિલોકને પસંદ આવી ન હોય એમ ઊભો થયો અને એક જ ઝાટકામાં ખાટલા પરનું જૂનું ગાદલું ખેંચીને બાજુ પર મૂકી દીધું. દિયાન એમનો ઇશારો સમજી ગયો. પાટીવાળો ખાટલો હવે નવો જેવો લાગતો હતો. એના પર બેસવામાં કોઇ વાંધો ના લાગ્યો.

દિયાન અને હેવાલી કમનથી ઊભડક બેઠા.

'જુઓ, મને ખબર છે કે તમે શું કામ આવ્યા છો?' બોલીને ત્રિલોક હસવા લાગ્યો.

દિયાન અને હેવાલી તન-મન-દિલથી હચમચી ઉઠ્યા.

ક્રમશ: