જતીન ભટ્ટ (નિજ) તરફ થી ઍક મસ્ત મજાની હાસ્ય રચના
અચાનક લગ્નમંડપ માં અફડાતફડી મચી ગઇ,
એકબાજુ હસ્તમેળાપ ચાલુ હતો ને બીજી બાજુ જમણવાર, ને લગ્ન અટકી ગયા, જેણે ચાંલ્લો આપેલો તે લોકો ટેન્શન માં આવી ગયા, ને જે લોકોના ચાંલ્લા લખાવવાના બાકી હતા એ લોકો મનોમન ખુશ થઈ ગયા,
વસ્તુસ્થિતિ જ એવી સર્જાઈ હતી કે.................
બધાને એકદમ જ આંચકો લાગ્યો કે એકદમ વરરાજા એ ના કેમ પાડી?
અને એ પણ પાછું મોઢે નઈ, ડાબી જમણી બાજુએ ડોકુ ધુણાવીને પાસેના રૂમ માં ભરાઈ ગયા?!!,
બધા ઈવન એના પપ્પા, એની મમ્મી, એની બેન, એના જીજાજી , આ બાજુ, સાસુ, સસરા, બે સાળી, એક સાઢુભાઇ પણ ટેન્શન માં કે કુમારે એકદમ ના કેમ પાડી?
તરત જ બંને પક્ષ વચ્ચે (અલા, બંને પક્ષ ઍટલે વર અને કન્યા પક્ષ)મિટિંગ ભરાઈ,
કન્યા ના પિતા એકદમ ઉશ્કેરાઈ ને : 'જો વેવાઈ, અમે લોકોએ દહેજ આપવાની ના નોતી પાડી, તમે જ લોકો એ કીધેલું કે અમારે દહેજ નઈ જોઇએ,'
વરરાજા ના પિતા:' અરે વેવાઈ, જરા ઠંડા પડો, ખરેખર અમારે કઈ નહી જોઈતું,
કન્યાના પિતા:' તો પછી કુમારથી આવુ નાટક થોડું થાય યાર, એમને ગાડીબાડી જોઇએ તો એય આપી દઈએ યાર, અરે યાર કોઈ લફરું કર્યું હોય તો એ કહો, પણ યાર આવું કંઈ થોડુ ચાલે, રુમ મા ભરાઈ જવાનુ, અને એ પણ ચાલુ હસ્તમેળાપે, !'
વરના પિતા: ':અરે વેવાઈ ,જરા ખમો, અરે એય ટીનીયા (વરરાજા નો ફ્રેન્ડ) જરા જોને ભાઇ, તારો ભાઈબંધ અંદર કેમ ભરાઈ ગયો,'
થોડી વારમાં જ ટીનીયો પાછો આવ્યો,
' એતો દરવાજો જ નથી ખોલતો, કેટલી બુમો પાડી'
વર ની મમ્મી રડતા રડતા:' કોઈ જુઓને મારા છોકરાને, જુઓને અંદર કશું કરી નાખશે તો, હાય, હાય મારો એકનો એક છોકરો છે, કઈ ઊંધું ચતું કરી ના દે, તોડી નાંખો ને બારણું'
કન્યાની મમ્મી:' અરે વેવાણ, હજી હમણાં જ નવુ સાગ નુ બારણું કરાવ્યુ છે, એમ કઈ થોડુ તોડાય'
વર ની મમ્મી એકદમ ગુસ્સામાંઆવીને : ,'તમને બારણાં ની પડી છે, અંદર મારો છોકરો પુરાઇ ગયો છે ને તમને બારણાની પડી છે?'
કન્યાની નાની બેન: : ઓ જીજુ, ઓ જીજુ,બારણું ખોલો ને જીજુ, તમને મારી બેન પસંદ નથી કે શું? ' પછી એકદમ ધીમેથી ' હું તમને જીજુ નઈ કહું બસ,....... ' પછી પાછું જોરથી ' ખોલોને બારણું ,જીજુ'
સાઢુભાઇ બારણાં નજીક જઈને એકદમ ફુસ્ફુસ્તા અવાજે: ' પાછળ બીજો દરવાજો છે, ત્યાંથી ભાગી જાઓ, જો તમે આ લગ્ન કરશો તો મારા જેવી હાલત થશે,બંને બેનો સરખા જ સ્વભાવની છે, તમે તો ડોકુ ધુણાવી ને ઊભા થઈ ગયા, કાશ મેં પણ આવી હિંમત બતાવી હોત તો આજે હું પણ બહું ખૂશમાં હોત!!!!!!'
વરના પિતા: ' કદાચ બાથરૂમ લાગી હશે કે પછી...............'બાકીના શબ્દો ગળી ગયા, પણ બધાને ખ્યાલ તો આવીજ ગયો કે શું કહેવા જતા હતા,
કન્યા ના પિતા:' અરે પણ,અંદર ટોઇલેટ છે જ નઈ'
આ બાજૂ વર ના જીજાજી: ' મને તો ખબર જ હતી કે મારા ' સાલ્લા'ભાઇને આ છોકરી સાથે નઈ જ ફાવે, પણ મારી સાસરી માં મને ગણે છે કોણ?'
પછી એકદમ જ ચૂપ થઈ ગયો, સામે જ એની પત્ની એટલે વરરાજાની બહેન ડોળા કાઢતી ઊભી હતી,...
એટલામાં રૂમ ની અંદર કંઈ અવાજો આવ્યા, બધાં બારણાં પર એક કાન રાખી (પોતાનો કાન ભાઈ)સાંભળવાનો ટ્રાય કરવા લાગ્યા,
અંદર થી પહેલા અરે, અરે એવા અવાજો આવ્યાં, સાથે સાથે કઈ બીજા પણ વિચિત્ર અવાજો આવ્યા, બીજી દશેક મિનિટ નિકળી ગઈ,
બધા એક્બીજા સામે સિસ સીસ..... કરતા હોઠ પર આંગળી રાખીને ચૂપ રહેવાનું કહેવા લાગ્યા,
આખર , બારણા ની કડી ખૂલવાનો અવાજ આવ્યો, કડી ખુલી, વરરાજા પ્રગટ થયા,
બધાને ભેગા જોઈ એ પણ ટેન્શન માં આવી ગયા, ઇશારાથી પૂછયું કે
,' શું થયું?'
બધાંએ એમને સામે પૂછયું:' અરે કુમાર,તમને શું થયું?
વરરાજા એકદમ ઉશ્કેરાઈ ને: ' આ હાર કોણ લાવ્યુ હતું? સાલુ, આ હાર પહેરાવ્યા પછી મને બોચી માં ગલી ગલી થઇ અને પછી તો ગલી ગલી પીઠ તરફ આવી ઍટલે હું આ રૂમ માં આવી ગયો, પછી બધાજ કપડા ઇવન ચડ્ડી, ગંજી કાઢીને જોયું તો સાલી આટલી મોટી ઇયળ નિકળી, હવે બધા જ કપડા કાઢ્યા હોય તો પાછા પહેરતા વાર તો લાગે ને યાર, તમે લોકો પણ યાર ઊંધું ઊંધું સમજી બેઠા, ચાલો પાછા હવે, ઓ મહારાજ, ફરીથી હસ્તમેળાપ કરાવો'...
એ તો પછી થી ખબર પડી કે વરરાજા કન્યાને તો કહીને ગયો હતો...
અને પછી તો એય ને જમણવાર ચાલુ થઇ ગયો ને બધાએ ખુશી ખુશી ખાધું,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. જતીન ભટ્ટ (નિજ)
94268 61995
yashhealthservices@yahoo.com
ગમે તો FB અને Watsapp પર શેર જરૂર થી કરશો