સ્વાધિષ્ઠાનચક્ર
ચક્રયાત્રાને આગળ ધપાવીએ. આ પહેલાંનાં ૮ હપ્તામાં ઑરા, કુંડલિની, નાડી, ચક્રો વિશે પ્રાથમિક ખ્યાલ, મૂલાધારચક્ર વિશે વિગતે માહિતી અને તેને સંતુલિત કરવાની અનેક પદ્ધતિઓ જાણી. આ એવું ચક્ર છે જેની અંતર્ગત આવતાં અવયવોને મનુષ્યની ઉત્પત્તિ માટેનું કાર્ય સોંપવામાં આવ્યું છે. (આ માહિતીનો Source: ચક્રસંહિતા પુસ્તક પ્રકરણ ૫)
વૈકલ્પિક નામ, શરીરમાં સ્થાન, રંગ, તત્ત્વ, બીજ મંત્ર
મૂલાધારથી તરત ઉપરનું ચક્ર એટલે સ્વાધિષ્ઠાનચક્ર - Sacral Plexus. જાતીય અવયવોથી થોડા જ સેન્ટિમીટર ઉપર, પેડુ એટલે કે Pelvis પાસે તેનું સ્થાન છે. 'Sex Chakra' તરીકે પણ ઓળખાય છે.
બાળપણ યાદ કરીએ: નારંગી રંગની નાની-નાની પીપર આવતી, બહુ ગમતી, યાદ છે? રંગ પણ બહુ ગમતો અને ખટમીઠો સ્વાદ લીધા જ કરવાનું મન થતું. યાદ કરીએ તો અત્યારે પણ મોઢામાં પાણી આવી જાય. બસ, એ રંગ આ ચક્રનો. પૃથ્વી પરનું અમૃત જેને કહીએ છીએ તે જળ આ ચક્રનું તત્ત્વ છે. ચક્રનો બીજ મંત્ર છે ‘વં’.
પૃથ્વી પર સ્વાધિષ્ઠાનચક્રનું સ્થાન
બોલિવિયા-પેરુની સરહદ પાસે આવેલ ટીટીકેકા સરોવર ( Lake Titicaca)ને પૃથ્વીનું સ્વાધિષ્ઠાનચક્ર માનવામાં આવે છે. પૃથ્વીનાં તમામ ચક્રો યીન અને યાન (Feminine - Masculine), બંને પ્રકારની લે લાઇન્સથી જોડાયેલ છે. આ બંને પ્રકારની લે લાઇન્સ કોઈ પણ ચક્રના ભૌગોલિક સ્થાન પર એક-બીજાને છેદતી નથી, સિવાય કે સ્વાધિષ્ઠાન ચક્ર. ટીટીકેકા સરોવર પાસે આ બંને લાઇન્સ એક-બીજાને છેદે છે. અત્યંત શક્તિશાળી લે લાઇન્સ આ જગ્યાએથી પસાર થાય છે. મનુષ્યનું સ્વાધિષ્ઠાનચક્ર પણ આટલું જ પ્રભાવી હોય છે ને! માટે જ તો સામાન્ય રીતે મનુષ્ય આ ચક્રને લગતી વાતોમાં, વિવિધ સ્વાદ માણવામાં જ રચ્યોપચ્યો રહેવાનું પસંદ કરે છે !
સંબંધિત શારીરિક અંગો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ
મેડિકલ સાયન્સની દૃષ્ટિએ લિમ્ફેટિક સિસ્ટમ સાથે તેનો સંબંધ. કિડની, મૂત્રાશય (Bladder), જનનાંગો અને સમગ્ર પ્રજનન તંત્ર સંકળાયેલ છે આ ચક્ર સાથે.
ચક્રનું મહત્ત્વ
ખટમીઠી નારંગી પીપરની જેમ જ જિંદગીની દરેક વસ્તુઓનો 'સ્વાદ' લેવાનું આ ચક્ર; ઇન્દ્રિયોથી લઈ શકાય તેવો તમામ આનંદ માણવાનું કેન્દ્ર; સુગંધ, અવાજ, સ્વાદ, સ્પર્શ, દૃષ્ટિ કે જાતીય જીવનનો આનંદ માણવો; સર્જનાત્મકતા દ્વારા વિવિધ શોખ પોષવા કે રતિક્રિડામાં પણ વિવિધ પ્રયોગો દ્વારા આનંદ મેળવવો - તે બધું જ આ ચક્ર સાથે સંબંધિત. તમામ પ્રકારના દુન્યવી આનંદો સાથે સંકળાયેલું ચક્ર તે આ ચક્ર. ઊર્જાને અહીંથી ઉપર જવામાં સમય લાગે, માટે સમાજનો એક મોટો વર્ગ આ ચક્રની આસપાસ જિંદગીભર રમ્યા કરે કે રમવાનું પસંદ કરે. કામેચ્છા (Libido) અને જાતીય જીવનનો આનંદ પણ આ ચક્ર પર આધારિત. લાગણીઓ અને સંબંધો સાથે સંકળાયેલું આ ચક્ર.
જળ આ ચક્રનું તત્ત્વ છે. શરીરમાં આશરે 70% હિસ્સો પાણીનો છે. ચક્રનું મહત્ત્વ તેના પરથી સમજી શકાશે. તમામ ચક્રને લાગણીઓ સાથે સંબંધ છે. પરંતુ લાગણીઓનું મુખ્ય કેન્દ્ર તો 'સ્વાધિષ્ઠાન’ જ ગણાય.
સંતુલિત ચક્ર
જો સ્વાધિષ્ઠાનચક્ર સંતુલિત હોય તો વ્યક્તિ એકદમ તેજસ્વી, આઝાદ પંખી જેવી, સર્જનાત્મક શક્તિથી ભરેલ અને ખુશ હશે, પોતાની જાતનો અને અન્યોનો ખુલ્લા મને સ્વીકાર કરતી હશે, પરિવર્તનને હસતાં-હસતાં આવકારતી હશે, સ્વસુધારણા માટે તૈયાર હશે. તેની અભિવ્યક્તિ સારી હશે. તેનો સિદ્ધાંત હશે - 'જીઓ જિંદગી જી ભર કે', ઇન્દ્રિયજન્ય તમામ આનંદ તે ભોગવી શકતી હશે - દૃષ્ટિ, ધ્વનિ, સ્પર્શ, સુગંધ, સ્વાદ કે જાતીય જીવનથી. તે વ્યક્તિ પ્રેમ અને સાન્નિધ્ય પૂર્ણ રીતે મુક્ત મનથી માણી શકશે. તે વ્યક્તિ અન્ય તેમ જ ખુદ માટે નોન-જજમેન્ટલ હશે.
ઉચિત હદ સુધી શૃંગારરસમાં રસ(Interest) શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ખુલ્લાપણું દર્શાવે છે; તળાવના બંધિયાર પાણી જેવા નહીં, પરંતુ ખળખળ વહેતી નદીની માફક મુક્ત રીતે વહેતા વિચારો દર્શાવે છે. એક સમયે જેની અતિ પ્રગતિશીલ વિચારધારા હતી, તંત્ર દ્વારા અધ્યાત્મ જ્યાં સર્વસ્વીકૃત હતું, ખજુરાહો અને કોણાર્ક જેવા શૃંગારરસપ્રચુર શિલ્પનું જે જન્મદાતા છે તેવા ભારતમાં કમનસીબે કાળક્રમે વિદેશી શાસકોની સંકુચિત મનોવૃત્તિના પરિણામે સમાજમાં અનેક જડ માન્યતાઓ અને સંકોચ ઘર કરી ગયા છે, જેના વિપરીત પરિણામ સ્વાધિષ્ઠાનચક્રના અસંતુલનના રૂપમાં મળે છે, જે અંતમાં તો સમાજ માટે જ ઘાતક છે. અન્યથા આ ચક્ર સાથે સંકળાયેલ મહાગ્રંથ 'કામસૂત્ર'ના રચયિતા વાત્સાયનને તો ભારતે મહર્ષિ ગણ્યા છે.
અસંતુલન
કારણો
કન્ડિશનિંગ:
નાનપણથી સાંભળતાં આવ્યાં હોઈએ "આ સારું કહેવાય-આ ખરાબ; આ સાચું, આ ખોટું; અરરર, આવું કરાય? કેવું કર્યું એણે તો?" માતા-પિતા, વડીલો, શિક્ષકો, પાડોશીઓ અને બીજા ઘણાં પાસેથી જુદી-જુદી વાતો અને બોધ સાંભળીએ. બહુ જ નાનપણથી સાંભળ્યું હોય કે ખૂલીને બોલાય નહીં, લાગણીઓ અમુક હદ સુધી જ વ્યક્ત કરી શકાય, છોકરો હોય તો તે રડી ના શકે (આસપાસમાં ઘણી વખત સાંભળવા મળશે કે માતા-પિતા દીકરાને કહેતા હોય કે 'રડે છે શું, છોકરો છે કે છોકરી?'), શરીરના અમુક અંગને સ્પર્શ ન કરાય, તેના વિષે ચર્ચા ન કરાય; ભૂખ-તરસ જેટલી જ કુદરતી બીજી શારીરિક જરૂરિયાત એટલે કે કામેચ્છા વિષે તો વાત થતી હશે? છી છી છી છી છી! મનુષ્યમાત્રનું અસ્તિત્વ જે ક્રિયાના પરિણામે છે, તેના વિષે તો મોઢા પર અલીગઢી તાળું રાખવાનું (!) છોકરીઓ માટે તો શિખામણનો વિશેષ ધોધ! અજ્ઞાત મન આ બધું નોંધે જેની અસર જિંદગીભર રહે, વ્યક્તિના નિર્ણયો તેના પર આધારિત રહે, દરેક વાતની, વ્યક્તિની અને સ્વયંની પણ મુલવણી તેના પરથી વ્યક્તિ કરતી રહે, સાચું-ખોટું, સારું-ખરાબ એવું તારણ કાઢ્યા કરે. આને કહેવાય 'કન્ડિશનિંગ', જેની અસર સ્વાધિષ્ઠાનચક્ર પર થાય, થાય અને થાય જ. અવ્યક્ત લાગણીઓ અને ઇચ્છાઓ સ્વાધિષ્ઠાનચક્રની ઊર્જાને પ્રભાવિત કરે, કરી મૂકે તેને અસંતુલિત.
ચક્ર અસંતુલિત થવાનાં બીજાં કારણો પણ હોઈ શકે, જેમ કે:
જિંદગીમાં અનુભવેલો કોઈ મોટો ચડાવ-ઉતાર; જીવનમાં થયેલ અસ્વીકાર, અવહેલના; ભાવનાત્મક અથવા જાતીય રીતે થયેલું શોષણ; લાગણીઓને પહોંચેલી ચોટ; જડ વિચારસરણી ધરાવતા કુટુંબમાં વીતેલું બાળપણ વિગેરે.
ચક્રની સ્થિતિનું સ્વપરીક્ષણ
જાણવું છે મારું સ્વાધિષ્ઠાનચક્ર કેવું છે? થોડા મુદ્દા ચકાસીએ. એકાંતમાં જઈ, શાંત થઈ, જાતને જ થોડા પ્રશ્નો પૂછીએ. એકવારમાં જવાબ ના મળે તો થોડા દિવસ દરરોજ નીચેના પ્રશ્ન ખુદને કરવાના.
1. શું હું સર્જનાત્મક છું? એક ઢાંચાની બહાર (Out of the box ) વિચારી શકું છું?
2. સ્વપ્રેરિત (સેલ્ફ-મોટીવેટેડ) છું?
3. મારી જાતીય ઇચ્છાઓ તંદુરસ્ત છે (અતિશય વધુ/અતિશય ઓછી નહીં)?
4. મારી જાતને પૂરતું - ના વધુ, ના ઓછું - મહત્ત્વ આપું છું?
5. જિંદગીના બધા સ્વાદ કોઈ પણ પ્રકારની અપરાધ ભાવના વગર માણી શકું છું?
6. મારી લાગણીઓ મને વારંવાર ગૂંચવે છે?
7. કોઈ મને ચાહતું નથી, મારો સ્વીકાર કરતું નથી એવી લાગણીથી ઘેરાયેલ છું?
છેલ્લા બે પ્રશ્નોના જવાબ ‘ના’ અને બાકીનાના જવાબ ‘હા’ હોય તો એન્ટ્રન્સ ટેસ્ટ પાસ. પ્રાથમિક રીતે તો એમ લાગે કે ચક્ર સંતુલિત છે . છતાં થોડા વધારે મુદ્દા ચકાસવાના, જેથી થોડી વધુ સ્પષ્ટતા થાય.
ચક્ર અવશ્યકતાથી વિશેષ અથવા અલ્પ ઊર્જા પ્રાપ્ત કરતું હોય તો શું સ્થિતિ ઉદ્ભવે, ચક્રને સંતુલિત કરવાની અનેક પદ્ધતિ વગેરે હવે પછીથી જોઈશું.
(ક્રમશ:)
✍🏾 જિતેન્દ્ર પટવારી ✍🏾
FB: https://www.facebook.com/jitpatwari
YouTube Channel: https://www.youtube.com/channel/UC06ie2Mc4sy0sB1vRA_KEew
Telegram Channel: https://t.me/selftunein
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: