Aage bhi jaane na tu - 54 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 54

The Author
Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

Categories
Share

આગે ભી જાને ના તુ - 54

પ્રકરણ - ૫૪/ચોપન

ગતાંકમાં વાંચ્યું.....

વીતેલા વર્ષોની વાતો વાગોળતી તરાના આમિર અલી અને જમનાબેન સાથે પોતાના વેરની વસુલાત કરે છે અને પોતાનો મૂલ્યવાન કમરપટ્ટો અનંતરાયને સોંપે છે. મનીષ અને માયાને પણ એ સજા આપે છે અને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા એ બંને નીકળી જાય છે. બધું સમુસુતરું પાર પડે છે અને સૌ પોતપોતાના ઘરે પહોંચે છે. રાજીવ, અનંતરાય અને અનન્યા પણ વડોદરા પહોંચી જાય છે અને સગાઈ માટે તૈયાર થાય છે, રાજીવ એની વ્હાલસોયી બેન રોશનીને મળવા જાય છે....

હવે આગળ....

"રાજીવ, તું કહે એ પહેલાં હું તને કંઈ કહેવા માગું છું. મને ખબર છે મનીષ હવે ક્યારેય પાછો નહીં આવે. એની અને મારી જીવનયાત્રાના રસ્તા ફંટાઈ ગયા છે.." રોશનીએ ભગ્ન હૃદયે અને ભીની આંખે વાત કરી.

"રોશની.....તને આ...આ...વાત કેવી રીતે ખબર...?" રોશનીની સાવ કોરી આંખોમાં ડોકાતી અસ્વસ્થતાની અસર રાજીવને સ્પષ્ટ દેખાઈ રહી હતી પણ એના હૈયામાં ઉતરી એના દર્દનું ઊંડાણ માપવાની હિંમત પણ નહોતી અને ગજું પણ નહોતું....

"હમણાં એ બધી વાત પડતી મુક, સગાઈનું મુરત નજીક છે, ચાલ નીચે જઈએ. બધા મહેમાનોની સાથે અનન્યા પણ તારી બેતાબીથી રાહ જોઈ રહી હશે." રાજીવને લગભગ ખેંચતી હોય એમ રોશની એને હાથ પકડીને નીચે લઈ ગઈ.

અનંતરાયે ઘરે પહોંચીને સૌથી પહેલા સ્ટડીરૂમમાં જઈ કમરપટ્ટો પોતાના સ્ટડીટેબલ નીચે રહેલી છુપી તિજોરીમાં સાચવીને મૂકી દીધો અને ચાવી ટેબલલેમ્પના તળિયે સંતાડી દીધી અને સગાઈ માટે તૈયાર થવા પોતાના બેડરૂમમાં જતા રહ્યા.

બધા આમંત્રિત મહેમાનો પારેખવિલાના ઉપલા માળે આવેલા હોલમાં પોતપોતાનું ગ્રૂપ બનાવી જુદા જુદા ટેબલ ફરતે ગોઠવાઈ ગયા હતા. નીચે હતા ફક્ત રોશની અને રાજીવ. અનંતરાય અને સુજાતા ખડેપગે મહેમાનોની સરભરામાં લાગી ગયા હતા. રાહ જોવાઈ રહી હતી પારેખ પરિવારના પ્રાસાદમાં પગલાં પાડવા પુત્રી બનીને આવનારી પુત્રવધુ અનન્યાની. સાત વાગવામાં દસેક મિનિટ બાકી હતી ત્યારે જ મહેતા પરિવારની ગાડીઓ હોર્ન વગાડતી આંગણે ઉભી રહી. મનહરભાઈ, કામિનીબેન, માલતીમાસી, મનન અને લીના પછી જ્યારે અનન્યા જ્યારે ગાડીમાંથી ઉતરી ત્યારે એક પળ માટે ચાંદને પણ એની ઈર્ષ્યા થઈ હોય એમ વાદળો પાછળ સંતાઈ ગયો. લજામણીના છોડની કુમાશ અને ગુલાબી સ્પર્શથી સજ્જ અનન્યાની આભાથી આંગણું રજનીગંધાની ફોરમ જેમ ફોરી ઉઠ્યું. લાઈટ પિંક અને ગ્રે ચણિયાચોળીમાં સૂરજના પહેલા કિરણના સ્પર્શ થકી હળવેથી ઉઘડી રહેલી કળી જેવું એનું રૂપ રાજીવને મદહોશ કરી ગયું. લાઈટવેઇટ ડાયમન્ડ સેટ એની આભા વધારી રહ્યો હતો. છુટ્ટા લહેરાતા રેશમી વાળ અને કપાળે શોભતો માંગટીકો એના રૂપને રજવાડી બનાવી રહ્યા હતા. લાઈટ ગ્રે જોધપુરી કુર્તા અને ઓફ વ્હાઇટ પહોળી બોટમના પઠાણી પાયજામામાં રાજકુમાર જેવો શોભતો રાજીવ અનન્યાની આંખો વાટે દિલમાં વસી ગયો. રોશની અને લીના એ બંને પાસે ઉભા રહ્યા અને મહેતા પરિવાર અને માલતીમાસી ઉપર હોલમાં ગયા.

"હવે આપણે પણ ઉપર જઈએ," રોશનીએ ખોંખારો ખાધો એટલે એકબીજાની આંખોમાં આંખો પરોવીને ઉભેલા રાજીવ અને અનન્યા શરમાઈને નીચું જોઈ ગયા. રોશનીએ અનન્યા અને રાજીવનો હાથ એકમેકમાં પરોવ્યો એમને આગળ રાખી પોતે લીના સાથે એમની પાછળ પાછળ ચાલવા લાગી.

આદર અને આત્મવિશ્વાસથી છલોછલ રાજીવ અને અનન્યા એકમેકનો હાથ ધરી જ્યારે હોલમાં પ્રવેશ્યા ત્યારે ઉપસ્થિત સર્વે પરિવારજનો અને મહેમાનોએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા. દરવાજા પાસે ઉભેલા મનને પાર્ટી પોપર્સ ખોલી ચકમકતી જરીપેપરના ટુકડા વરસાવ્યા તો જાણે આભમાંથી સિતારાઓ ઉતરી આવી એમના ઓવારણાં લઈ રહ્યા હોય એવું મનભાવન વાતાવરણ ઉભું થયું હતું. બંને જણ સ્ટેજ પણ પહોંચી હાથ જોડી ઉભા રહ્યા ત્યારે ઘડિયાળમાં બરાબર સાત વાગ્યા હતા. હરખની હેલીઓ ઉરમાં ઉછાળા મારી રહી હતી. વર્ષોથી ચાલી આવતી વંશપરંપરા સાથે આધુનિકતાનો અંશ ભેળવી રોશની અને ઇવેન્ટ મેનેજરે સજાવેલા સ્ટેજ અને હોલ ઉડીને આંખે વળગે એવું હતું.

"આજે એક વધુ બકરો હલાલ થવા જઈ રહ્યો છે." મનને ટીખળ કરી.

"ટૂંક સમયમાં આ બકરો પણ એ જ માર્ગે જતો દેખાશે" રાજીવે મનનને અંગુઠો દેખાડ્યો અને બધા હસી પડ્યા, "અને મને નથી લાગતું કે અહીં હાજર રહેલામાંથી ભાગ્યે જ કોઈ બાકાત રહ્યું હોય. લગ્નના લાડુ ન ખાઈને પસ્તાવું તો ખાઈને જ પસ્તાઈએને."

અગાઉથી નક્કી કર્યા પ્રમાણે મનને મહેતા પરિવારના સભ્યો અને સ્નેહીઓની ઓળખવીધી કરાવી તો રોશનીએ પારેખ પરિવારના પ્રિયજનો અને મિત્રવર્તુળનો પરિચય કરાવ્યો.

વિધિના રચેલા વિઘ્નોના ચક્રવ્યૂહને પાર કર્યા પછી આખરે રાજીવ અને અનન્યા લગ્નના પ્રથમ પડાવ એવા સગાઈના બંધનમાં જોડાઈ રહ્યા હતા. બંને પક્ષની પારંપારિક વિધિઓના સમાપન પછી સમય હતો રિંગ સેરેમનીનો. બાંધણીના રૂમાલથી ઢાંકેલી ટ્રે લઈ રોશની સ્ટેજ પર આવી એની સાથે અનંતરાય, સુજાતા સાથે મનહરભાઈ અને કામિની પણ સ્ટેજ પર પધાર્યા.

"અનન્યા એટલે મધની મીઠાશ, સુગંધનો સાથ, હાશનો હુંકાર, ખુશનુમા સવાર... અનન્યા એટલે મધુર સંગીત, ગણગણતા રહીએ એવું ગીત... મારા માટે અનન્યા એટલે ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ.." અનન્યાને પ્રપોઝ કરતા ઘૂંટણ સ્ટેજ પર ટેકવી રાજીવે અનન્યાનો હાથ પકડ્યો. લજ્જાની લાલિમાએ અનન્યાના ચહેરાની સુંદરતા ઓર વધારી દીધી.

રોશનીએ ટ્રે પરથી રૂમાલ હટાવ્યો એટલે એમાં ગોઠવેલા બે કાળા ચમકીલા લાકડાના હાથની ત્રીજી આંગળીએ બે હીરાજડિત વીંટીઓ ઝગારા મારી રહી હતી. એ બંને વીંટીઓ કાઢી રોશનીએ રાજીવ અને અનન્યાના હાથમાં સોંપી. બંનેએ એકમેકની આંગળીઓમાં વીંટી પહેરાવી બંધાઈ રહેલા સંબંધ પર મંજૂરીની મહોર લગાવી દીધી. તાળીઓના અવાજ અને હળવા સંગીતમય વાતાવરણ ઉલ્લાસથી ઉભરાઈ ગયું અને આ યાદગાર પળો કેમેરામાં અને મોબાઈલમાં ફોટા અને વીડિયો સ્વરૂપે સચવાતી રહી.

"લેડીઝ એન્ડ જેન્ટલમેન, અટેંશન પ્લીઝ," રાજીવે માઇક હાથમાં લીધું, "આપ સૌની પ્રેમ-પ્રતીક રૂપ હાજરી અમારા માટે મૂલ્યવાન નજરાણું છે અને હવે અમે બંને આતુરતાથી આપના આશીર્વાદનું આચમન લેવા આવી રહ્યા છીએ તો પ્લીઝ તમે બધા તમારી સીટ પર જ રહો," રાજીવ અને અનન્યાએ પહેલાં પોતાના મમ્મી-પપ્પાના આશિષ લેવા ઝુક્યા.

"અંતરના ઓવારણેથી તને આવકારીએ છીએ દીકરી," સુજાતાએ અનન્યાને પોતાની છાતીસરસી ચાંપી અને અનંતરાય હરખથી રાજીવને ગળે વળગાડી રહ્યા અને સાથે જ સુજાતાએ નાનકડા હીરા મઢેલ સોનાના પાયલની જોડનું બોક્સ ભેટ આપ્યું.

"અમને તો રાજીવના રૂપમાં દીકરો મળ્યો છે." હરખભેર આશીર્વાદ આપી મનહરભાઈએ રાજીવને સોનાની ચેન ભેટ આપી.

"હું હજી બાકી છું, મારા પણ આશીર્વાદ જરૂરી છે તમારા માટે, સમજ્યા," બાજુમાં આવી કમર પર હાથ મૂકી રોશની ઉભી રહી.

"તને કેમ ભુલાય, અમારે પહેલા તારા જ પગે પડવું જોઈતું હતું, માતાજી રીઝે તો બધું સમુસુતરું પાર પડે. અનન્યા, આ દેવીને કોપાયમાન નહિ કરાવતી નહીંતર તારી સાથે મારું પણ આવી બનશે."

"એ...મ... હમણાં તો જવા દઉં છું પણ પછી તારી ખેર નથી." રોશનીએ રાજીવનો કાન આમળ્યો.

"તમારા ભાઈ-બેન વચ્ચે ભલે તુંતું-મૈંમૈં થતી હોય પણ અમારી વચ્ચે તો પાકી ફ્રેન્ડશીપ છે," અનન્યા રોશનીને ભેટી પડી. રોશનીએ એનું કપાળ ચૂમી એને અને રાજીવને કપલ વૉચનું બોક્સ ગિફ્ટ આપ્યું પણ રોશનીની આંખોની ભીની કોર રાજીવથી છુપી ન રહી.

વારાફરતી દરેક ટેબલ પાસે આવી રાજીવ અને અનન્યાએ બધાના પરિચયની સાથે ગિફ્ટસ, બુકે અને શુભકામનાઓનો સહર્ષ સ્વીકાર કરી, કિંમતી પળોને કચકડામાં કંડારી બધાનું અભિવાદન ઝીલતા, જુના સ્મરણોનું સંભારણું સ્મિતમાં સમાવી બધા સાથે નીચે ઉતર્યા. બંગલાની લૉનમાં સુવ્યવસ્થિત ગોઠવેલા બુફે કાઉન્ટર પરથી પોતાની મનભાવતી વાનગીઓની લિજ્જત માણી, મુખવાસ મમળાવી, રિટર્ન ગિફ્ટ તરીકે ચાંદીના સિક્કાની ભેટ લઈ બધા મહેમાનો છુટા પડ્યા એમના ગયા પછી કલાકેકમાં અનન્યા અને એના પરિવારે પણ પારેખ પરિવારની રજા લઈ પ્રસ્થાન કર્યું ત્યારે રાત્રીના પોણા અગિયાર વાગ્યા હતા. બધું આટોપી આશા અને બીજા નોકરોને જમાડી, મોડી રાતે ઘરે ન મોકલતા પારેખવિલામાં જ રાત્રિરોકાણ કરવાનું જણાવી અનંતરાય અને સુજાતા પોતાના રૂમમાં આવ્યા.

"આખા દિવસના થાકનો એહસાસ હવે થાય છે અનંત," ફ્રેશ થઈ ચેન્જ કરી સુજાતાએ બેડ પર લંબાવ્યું.

"આનંદના અસીમ આકાશમાં સાંજ ક્યાં વીતી ગઈ ખબર જ ન પડી," અનંતરાય પણ ફ્રેશ થઈ સુજાતાની પડખે બેઠા અને વાતો કરતાં કરતાં નિંદ્રાદેવીના શરણે થઈ ગયા.

રાજીવે પણ ફ્રેશ થઈ, મળેલ ગિફ્ટસ અને બુકે ટેબલ પર ગોઠવી બાલ્કનીમાં આવી અનન્યાને ફોન જોડયો.

"તને જ ફોન કરવા જઈ રહી હતી, આઝમગઢથી વડોદરા સુધીની સફરથી હવે સફર થાઉં છું. થાકનો ભારો પોપચાં બંધ કરવા ઉતાવળું બન્યું છે અને વિચારોનું મારો આંખમાં ઊંઘ પ્રવેશનો નિષેધ કરે છે. આંખો બંધ કરું છું તો આખા દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ નજર સામે નાચી ઉઠે છે અને ફરી આંખો ખોલી નાખું છું તો રોશનીનો ચહેરો તરવરી ઉઠે છે, જ્યારે એને મનીષકુમારની હકીકત ખબર પડશે ત્યારે એના પર શું વીતશે એ વિચારથી જ હૈયું હચમચી ઉઠે છે." અનન્યાએ રાજીવને પોતાની મનસ્થિતિથી વાકેફ કર્યો.

"હું પણ એ જ વિચારના ચકડોળમાં ગોળગોળ ફરી રહ્યો છું. આપણી સગાઈ તો નિર્વિઘ્ને થઈ ગઈ પણ એ દરમ્યાન પોતાના ચહેરા પર હાસ્ય-મજાકનો મુખવટો લગાડી ફરતી રોશનીની ઉદાસ નજરોનો નછૂટકે સામનો કરવો પડ્યો કેમકે રોશનીને સત્યથી સુપેરે સભાન છે. મનીષકુમાર અને માયાના સંબંધના સિલસિલાની જાણ એને થઈ ચૂકી છે. આમેય અત્યારે એની સાથે વાત કરવાનો યોગ્ય સમય નથી કાલે એની સાથે વાત કરીશ. તું પણ થાકી ગઈ છે, બધા વિચારોને દિમાગની બહાર હડસેલી, આંખોને લોક કરી, ટેંશન ફ્રી થઈ સુઈ જા, કાલે નિરાંતે વાત કરીએ, ગુડ નાઈટ, ટેક કેર" રાજીવે ફોન કટ કર્યો અને બાલ્કની બંધ કરી બેડ પર આવી સુવાની કોશિશમાં પડખા ફેરવવા લાગ્યો.

રોશની પણ હજી જાગતી બેડ પર બેઠી હતી. એને ખબર હતી કે આવનારી સવાર સૂરજની સાથે સેંકડો સવાલ લઈને આવનારી હતી. કાલે રાજીવ અને અનંતરાય પાસેથી જ્યારે સુજાતાને વાસ્તવિકતાની જાણ થશે તો કેવો ધરતીકંપ સર્જાશે અને પોતે શું કહેવું એની અવઢવમાં આળોટતી રોશનીની આંખોમાં ઊંઘ ક્યારે અડ્ડો જમાવી બેઠી અને એની અસરથકી રોશની ક્યારે સુઈ ગઈ એની ખબર જ ન પડી....

વધુ આવતા (અંતિમ) પ્રકરણમાં.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.