પ્રાયશ્ચિત પ્રકરણ 52
દિવાળીના દિવસે કેતન થોડો વહેલો ઉઠી ગયો. અડધો કલાક ધ્યાન કરી એણે બ્રશ વગેરે રૂટિન કાર્યક્રમ પતાવ્યો. એ પછી એણે નાહી લીધું. સવારે સાત વાગ્યે જ દક્ષામાસી આવી ગયાં હતાં એટલે ચા મુકવાની કોઈ ઝંઝટ ન હતી.
એણે કબાટમાંથી કેટલીક રકમ કાઢી અને બેડ રૂમમાં બેસીને કવર બનાવવા લાગ્યો. આજે દિવાળી હતી અને પહેલી વાર એના હાથે તમામ સ્ટાફને બોનસ આપવાનું હતું. જયેશ અને મનસુખ માટે ૧૦,૦૦૦ નાં બે કવર બનાવ્યાં. દક્ષામાસી ચંપાબેન અને ઓફિસના ચાર સ્ટાફ મેમ્બરો માટે ૫૦૦૦ નાં છ કવર બનાવ્યાં.
શરૂઆત એણે દક્ષામાસીથી જ કરી. એ રસોડામાં જઈ વિનમ્રતાથી દક્ષાબેનને પગે લાગ્યો અને ૫૦૦૦ નું કવર એમના હાથમાં મૂકયું. દક્ષાબેનની ઉંમર ૫૫ આસપાસ હતી.
" માસી આજે દિવાળી છે એટલે પગે લાગું છું. આ ૫૦૦૦ તમારું દિવાળી બોનસ છે. તમે વડીલ છો એટલે તમારા આશીર્વાદ માગું છું. " કેતન બોલ્યો અને નમીને પ્રણામ કર્યા.
દક્ષાબેનની કલ્પના બહારનું થઈ રહ્યું હતું. આટલા મોટા સાહેબ મને પગે લાગીને આશીર્વાદ માગતા હતા. બોનસની રકમ પણ એમણે વિચારી ના હોય એટલી મોટી હતી. એમની આંખમાં પાણી આવી ગયાં અને એમણે આશીર્વાદ આપવા જમણો હાથ કેતનના માથે મુક્યો.
"ભાઈ સુખી રહો અને જલ્દી જલ્દી જાનકીવહુને લઇ આવો. " દક્ષામાસી માત્ર એટલું જ બોલી શક્યાં.
આઠ વાગ્યા આસપાસ ચંપાબેન પણ આવી ગયાં. ચંપાબેન ૪૦ આસપાસનાં હતાં. કેતને એમને પણ બે હાથ જોડી નમસ્કાર કર્યા અને ૫૦૦૦ નું કવર આપી દીધું. ચંપાબેન માટે પણ આ રકમ એમની કલ્પના બહારની હતી.
એ પછી એણે જયેશ ઝવેરીને ફોન કર્યો.
" જયેશભાઈ દિવાળી મુબારક. "કેતન બોલ્યો.
" તમને પણ મુબારક શેઠ" જયેશ બોલ્યો.
" અત્યારે તમે મનસુખભાઈ અને આપણા સ્ટાફના છોકરાઓને લઈને ૧૦ વાગ્યા આસપાસ મારા ઘરે આવી શકશો ? મારી મુંબઈની ફ્લાઈટ છે એટલે ૧૨:૩૦ વાગે તો હું નીકળી જવાનો છું." કેતને કહ્યું.
" જી શેઠ. ચોક્કસ બધાને લઈને આવું છું. " જયેશ ઝવેરી બોલ્યો.
કેતને ફોન કટ કર્યો અને રસોડામાં ગયો.
"માસી હું આજે સુરત જાઉં છું. ૭ તારીખે લાભ પાંચમ છે એટલે ૬ તારીખે બપોરે ૧૨ વાગ્યે ફેમિલી સાથે અહીં આવી જઈશ. તમે અમારી ૭ જણાં ની રસોઈ તૈયાર રાખજો. " કેતન બોલ્યો.
" જી સાહેબ. એમાં કહેવું નહીં પડે. " દક્ષાબેન બોલ્યાં.
૧૦ વાગે જયેશભાઈ પણ બધાને લઈને આવી ગયા. જયેશભાઈ કાજુકતરી નું પેકેટ લઈને આવ્યા હતા. એમણે આવીને બધાનું મોં મીઠું કરાવ્યું અને સૌએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.
કેતને દરેકના હાથમાં કવર આપી દીધાં. અને શુભેચ્છાઓ પાઠવી.
" હું આજે સુરત જઈ રહ્યો છું. ૬ તારીખે બપોરે ૧૨ વાગે ફેમિલી સાથે આવી જઈશ. તમને લોકોને જે સૂચના આપી છે તે પ્રમાણે ઉદ્ઘાટનના આ પ્રસંગને સાથે મળીને દિપાવજો. " કેતન બોલ્યો.
" એમાં કહેવું નહીં પડે સાહેબ. તમે ફેમિલી સાથે ઉદ્ઘાટન સમયે હાજર થઈ જજો બસ. અમે તો અત્યારથી તૈયારીઓ ચાલુ કરી જ દીધી છે. " જયેશ બોલ્યો.
" ના...ના... એમ તો હું ૬ તારીખે બાર વાગે આવી જઈશ. પૈસાની કોઈ જરૂર હોય તો તમને મારા પર્સનલ એકાઉન્ટના સહી કરેલા ચેક આપેલા જ છે. " કેતન બોલ્યો.
" શેઠ પૈસાનો કોઈ સવાલ જ નથી. આ હોસ્પિટલ હવે મારી પોતાની છે એમ માનીને જ ચાલુ છું. મારા માટે પણ ગર્વની વાત છે. " જયેશ બોલ્યો.
" મનસુખભાઈ તમે મને એરપોર્ટ છોડવા માટે બાર વાગે આવી જજો. " કેતને મનસુખભાઈને કહ્યું.
" હા શેઠ. હું જયેશભાઈની વાન લઈને જ આવી જઈશ. તમારી ગાડી ભલે પડી રહેતી. " મનસુખે કહ્યું.
સૌ ઉભા થયા અને આવતી કાલથી શરૂ થનારા નવા વર્ષની શુભેચ્છાઓ પણ એકબીજાને આપી.
મનસુખ માલવિયા ટાઈમ સર આવી ગયો અને ૧૨ અને ૨૫ મીનીટે કેતનને એરપોર્ટ ઉપર ઉતારી દીધો.
જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા કવરમાં બોનસની રકમ જોઈને ખૂબ જ ખુશ થઇ ગયેલા. ખરેખર દિવાળી સુધરી ગઇ હતી. ૧૦,૦૦૦ની રકમ એ કોઈ નાની રકમ ન હતી. કેતન કોઈ ફરિસ્તો બનીને એ લોકોના જીવનમાં આવ્યો હતો.
મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરીને કેતન થોડીવાર સુધી એરપોર્ટના કાફેમાં બેસી રહ્યો અને કોફી પીધી. બોરીવલીથી સવા છ વાગ્યાની ટ્રેન હતી અને હજુ તો ત્રણ પણ નહોતા વાગ્યા. ફર્સ્ટ ક્લાસની ટિકિટ તો એણે અગાઉથી બુક કરી દીધી હતી એટલે એ કોઈ ચિંતા ન હતી.
કેતને જાનકીને ફોન જોડ્યો. " એરપોર્ટ ઉપર બેઠો છું. મળવા આવે છે તું ? "
" કેતન.. કેતન.. તમને હું શું કહું ? એવી રીતે કહો છો કે જાણે અડધા કલાકમાં હું ત્યાં પહોંચી જઈશ." જાનકી હસીને બોલી.
" મજાક કરું છું. એરપોર્ટ પહોંચી ગયો છું. છેક સવા છ વાગ્યાની ટ્રેન છે. ત્રણ કલાક કાઢવાના છે. પહેલાં હોટલમાં જવાનો વિચાર કરેલો પણ પછી એમ થયું કે બે અઢી કલાક માટે હોટલમાં જવાનો શું મતલબ ? "
" એમ તો બહાર પાર્લામાં આપણે મળી શકીએ. પરંતુ હું છેક માટુંગા છું. તૈયાર થઈને વાયા દાદર હું ત્યાં પહોંચું તો પણ મને પહોંચતા દોઢ કલાક થાય. " જાનકી બોલી.
" ના..ના... એ રીતે દોડવાની કોઈ જરૂર નથી. આપણે બે ત્રણ દિવસ પછી ૬ તારીખે મળવાનું જ છે. પપ્પાએ તને વાત કરી જ હશે. તારી જામનગર માટેની ફ્લાઇટની ટિકિટ પણ આવી ગઈ છે. " કેતન બોલ્યો.
" હા મારી ઉપર મમ્મીનો ફોન આવી ગયો ગઈકાલે." જાનકી બોલી.
" ધાર્યા કરતાં પણ હોસ્પિટલ ખૂબ જ સરસ બની છે. કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં પગ મૂકતા હો એવું લાગે. " કેતન થોડી ઉત્તેજનાથી બોલ્યો.
" હા કેતન. તમારી લગન અને તમારી મહેનત કામ આવી છે. તમારું સપનું પૂરું થયું છે. " જાનકી પણ ઉત્સાહથી બોલી.
" એના માટે મારા માણસોને હું યશ આપું છું. દિવસ-રાત જોયા વગર બધાએ પોતાનું કામ સમજીને મહેનત કરી છે. જયેશભાઈ ખડે પગે ઉભા રહ્યા છે. કોઈપણ કામની ના નહીં. મારો પડ્યો બોલ ઝીલે છે."
" હા સાહેબ તમારી એ વાતમાં તો હું પણ સહમત છું. તમને સ્ટાફ ખરેખર ખૂબ જ સારો મળ્યો છે. " જાનકી બોલી.
" તને બીજા પણ એક સમાચાર આપવાના હતા. આપણી સાથે ભણતો હતો એ અસલમ શેખ તને યાદ છે ? "
" હાસ્તો !! અસલમ યાદ હોય જ ને !! તમારો તો ખાસ મિત્ર હતો. તમે તો એને મદદ પણ કરતા હતા. " જાનકી બોલી.
" હા એ જ અસલમ. અત્યારે રાજકોટમાં એ 'ભાઈ ' બની ગયો છે. મોટો બુટલેગર પણ છે. અને એનાં અંડરવર્લ્ડનાં કનેક્શન પણ છે. " કેતને આજુબાજુ જોઇને ધીમેથી કહ્યું.
" શું વાત કરો છો કેતન !!!"
" યેસ.. અને એણે મારા ભૂતકાળના ઉપકારનો બદલો પણ વાળી દીધો છે. એણે મને બચાવી લીધો છે. " કેતન બોલ્યો.
" બચાવી લીધા છે એટલે ? હું કંઈ સમજી નહીં. " જાનકી એકદમ ટેન્શનમાં આવી ગઈ.
" તું જામનગરમાં હતી ત્યારે પેલા નીતા મિસ્ત્રીવાળા રાકેશ વાઘેલાનું નામ તો સાંભળ્યું છે ને ? યાદ હોય તો તને નિતાની મેં બધી વિગતવાર વાત કરી હતી. "
" હા એ બધું યાદ છે. તમે આશિષ અંકલને કહીને એ લોકોને પકડાવી દીધેલા એવું જ કંઈક હતું ને ? " જાનકી બોલી.
" હા. એ ઘટના પછી રાકેશ વાઘેલા મારો મોટો દુશ્મન બની ગયો હતો. મને તો એ વાતની પછી ખબર પડી. એણે મારું મર્ડર કરવાની સોપારી રાજકોટના એક ગુંડાને આપી. આ વાત મેં જાણી એટલે હું અસલમને રાજકોટ જઈને મળ્યો. બધી વાત એને કરી."
" જેણે સોપારી લીધેલી એ ગુંડો અસલમ નો જ માણસ નીકળ્યો. અસલમ એના ઉપર ખૂબ જ ગુસ્સે થયો. અને એ જ ગુંડા પાસે રાકેશ વાઘેલાનું એ જ દિવસે રાત્રે મર્ડર કરાવી દીધું. અસલમે પોતાનું બહુ મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે. એ પણ કરોડો રૂપિયા કમાઈ ગયો છે. "
" શું વાત કરો છો કેતન !!! મને તો હવે તમારું ટેન્શન થઈ ગયું. તમે એકલા જામનગરમાં રહો છો. પછી લોકોની પંચાતમાં પડવાની શું જરૂર ? આ તો સારું થયું કે અસલમ તમને મળી ગયો. હું તમને શું કહું ? તમે પારકા ઝઘડામાં પડવાનું બંધ કરો. હાથે કરીને દુશ્મનો ના ઉભા કરશો પ્લીઝ " જાનકી કેતનની વાત સાંભળીને ખરેખર ગભરાઈ ગઈ હતી.
" કોઈનું સારું કરવામાં આપણી રક્ષા ઈશ્વર પોતે કરે છે. અસલમની મને કોઈ કલ્પના પણ ન હતી છતાં મને મળી ગયો ને ? "
" પણ અસલમ રાજકોટમાં છે અને ભાઈ બની ગયો છે એ તમને કેવી રીતે ખબર પડી ? " જાનકી બોલી.
" એ જ તો ઉપરવાળાની લીલા છે. મને અચાનક અસલમનો વિચાર આવ્યો. મારી પાસે તો નંબર હતો નહીં. મેં આપણા પેલા જૈનમ શાહ નો કોન્ટેક્ટ કર્યો. એણે મને તરત નંબર આપી દીધો. એણે કહ્યું કે અસલમ રાજકોટમાં છે અને ઈંગ્લીશ દારૂના ધંધામાં છે. એટલે હું એને મળવા ગયો અને એ જ દિવસે 'એક હતો રાકેશ' એ વાર્તા પૂરી થઈ ગઈ." કેતને હસીને કહ્યું.
" ખરેખર માતાજીએ જ તમને બચાવ્યા. તમારી વાત સાંભળીને હું એટલી બધી ગભરાઈ ગઈ હતી કે હજુ પણ મારા ધબકારા ઓછા થયા નથી. " જાનકી બોલી.
" હવે સાંભળ આ વાર્તા પૂરી થઈ ગઈ છે. તારે આ બાબતની કોઈ જ ચર્ચા મમ્મી પપ્પા કે શિવાની સાથે પણ કરવાની નથી. ઈટ ઈઝ આ પાસ્ટ !! "
" ઓકે મારા સાહેબ નહીં કહું. પણ હવે આવા કોઈ નવા લફરામાં પડતા નહીં. " જાનકી એ પત્ની ધર્મ બજાવ્યો.
" ચાલો સારો ટાઈમ પાસ થઈ ગયો. હવે હું મૂકું. પરમ દિવસે સવારે અગિયાર વાગ્યાની ફ્લાઇટ છે. તું સમયસર એરપોર્ટ પર આવી જજે. " કહીને કેતને ફોન કટ કર્યો.
" ભાઈ મુંબઈ તો પહોંચી ગયો છું. કચ્છ એક્સપ્રેસમાં બોરીવલીથી નીકળું છું. રાત્રે ૯:૩૦ વાગે સુરત પહોંચી જઈશ. તમે જરા ગાડી લઈને આવી જજો. " કેતને મોટાભાઈ સિદ્ધાર્થને ફોન કર્યો.
" તારું આખું શિડયુલ મને ખબર છે. તું જરા પણ ચિંતા ના કરીશ. હું સમયસર પહોંચી જઈશ. ગેટની બહાર નીકળીને તરત મને ફોન કરી દેજે. " સિદ્ધાર્થ બોલ્યો.
એ પછી કેતને બેગના ઉપરના ખાનામાંથી ચિત્રલેખા મેગેઝિન કાઢ્યું અને એનાં પાનાં ઉથલાવા માંડ્યો. કેતનને પોતાના બાળપણનો જમાનો યાદ આવ્યો. એ જમાનામાં પોતાના ઘરે ચિત્રલેખા જી અખંડ આનંદ અને નવનીત સમર્પણ જેવાં મેગેઝીન આવતાં. પપ્પાને વાંચવાનો બહુ શોખ હતો. હવે તો વાંચવાનો પણ કંટાળો આવતો હતો.
લગભગ પાંચ વાગ્યે એણે ટૅક્સી કરી અને બોરીવલી સ્ટેશને પહોંચી ગયો. ટ્રેન ૬:૧૫ વાગે બોરીવલી આવતી હતી. એ પ્લેટફોર્મ પર આવ્યો અને ચાલતો ચાલતો ફર્સ્ટ ક્લાસનો કોચ જ્યાં આવતો હતો ત્યાં પહોંચી ગયો. સ્ટોલ ઉપરથી પાણીની એક બોટલ લીધી.
દસેક મિનિટમાં ટ્રેન આવી ગઈ. એ પોતાની વિન્ડો પાસેની સીટ ઉપર બેસી ગયો. આખા દિવસનો એને થાક હતો. બોટલમાંથી થોડું પાણી પીને એણે આંખો બંધ કરી દીધી.
વાપી સુધી એણે બેઠા બેઠા જ એક ઝોકું ખાઈ લીધું. એકાદ કલાકની એ તંદ્રામાં એને સ્વામીજીનાં દર્શન થયાં. બંને વચ્ચે કોઇ વાત થઇ ન હતી. સ્વામીજી એને આશીર્વાદ આપતા હોય એવી અનુભૂતિ થઈ. મતલબ કે એ સાચા માર્ગે હતો અને સ્વામીજીની એના ઉપર કૃપાદ્રષ્ટિ હતી !!
રાત્રે ૯ અને ૩૫ મિનિટે ટ્રેઈન સુરત પ્લેટફોર્મ ઉપર પ્રવેશી. કેતનને ફોન કરવાની જરૂર જ ના પડી. સિદ્ધાર્થ અને શિવાની ગેટ પાસે જ ઉભાં હતાં.
" વેલકમ હોમ... ભાઈ " કહીને શિવાની ભાઈને વળગી પડી.
" ઓહો...તું પણ આવી છે સાથે ? " કેતને હસીને કહ્યું.
" હા ભાઈ. ઘરમાં સહુથી નાની છું ને !!ભાઈની આંગળી પકડી લીધી " શિવાની બોલી અને બંને ભાઈઓ હસી પડ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)