યારી
"બાજુમાં મુક બકા તું દુનિયાદારી, બસ મને તો જોઈએ તું, તારી યારી. " આ શબ્દો આજે સરી પડ્યા હતા અભી ના કાવ્યા માટે. બહુ દિવસે આજે અભીને ફરી શબ્દો સાથે રમવું ગમ્યું હતું. અઢળક લાગણીઓ વરસાવતો, શબ્દો સાથે ઘેલો થઈ રમતો અભી હમણાંથી શુષ્ક અને શાંત થઈ ગયો હતો. અભી નું શુષ્ક અને શાંત રહેવું એની સાથે રહેલા બધા પાત્રો ને અકળાવી, ડરાવી નાખતું હતું. પણ શું થાય આ જ અભીની ઓળખ હતી.
અભી અને કાવ્યા એ આજે અઢળક વાતો કરી હતી અને એ પણ અદ્દલ પોતાને ગમતા ટોનમાં. વાતવાતમાં કાવ્યા બોલી પણ હતી અભી મજા આવી ગઈ યાર કોઈજ વાતનો વિચાર કર્યા વિના બસ મનમાં આવ્યું એ જ અને એવું જ કહ્યું મેં. મને હંમેશાથી આવી જ રીતે વાત કરવી ગમતી. કાવ્યા બોલી ઉઠી દોસ્ત દિલથી કહું છું ભલે આપણે પર્સનલ કોઈજ વાત નથી કરી છતાં મનની મુંઝવણ જાણે હળવી થઈ હોય એવું લાગ્યું.
આજસુધી અભી અને કાવ્યા ક્યારેય મળ્યા નહોતા અને એકબીજાને બરાબર જોયા પણ નથી. અભી જ્યારે પણ હતાશ નિરાશ હોય ત્યારે હંમેશા કંઇક ને કંઇક તોફાન કરવાનું વિચારે. એવું જ એક તોફાન કાવ્યાને અભીની યાર બનાવી જીવનમાં લાવ્યું હતું.
અભી કોઈપણ રેન્ડમ વોટ્સએપ નંબર ઉપર શાયરીઓ કે કંઈપણ મોકલી દેતો. આજે પણ એણે એવું જ કર્યું હતું. " ધબકાર તારો મારામાં ક્યાં સુધી?, તું હોય, હું હોવ, જીવન આપણું જ્યાં સુધી! " કાવ્યા પણ ચોંકી ઉઠી હતી એકદમ અજાણ્યા નંબર પરથી આવો મેસેજ આવેલી જોઈને. પહેલા તો કાવ્યાને લાગ્યું કોઈ મિત્ર એ નવો નંબર લીધો હશે ને મસ્તી કરી હશે. પછી કાવ્યાના મનમાં થયું જે હોય એ પણ મજા આવી ગઈ મારો ક્રશ જે શબ્દ પર છે એ શબ્દ "ધબકાર" કેટલો મસ્ત લાગે છે આજે. કાવ્યાની ઉદાસી ભરી જીંદગીમાં જાણે નવો જોશ આવી ગયો હતો.
કાવ્યા ને પણ મસ્તી કરવાની ઈચ્છા થઈ અને તરત જ એની સામે વાહ... લખી મોકલી આપ્યું. અભી પણ કોઈને તકલીફ આપવાના મૂડ માં હતો અને એમાં પણ કાવ્યના પોઝિટિવ રિસ્પોન્સ થી અભીએ મનોમન નક્કી કરી લીધું કે એ કાવ્યા ને એની લાગણીશીલ વાતોમાં ભોળવી નજીક લાવશે અને એક દિવસ દૂર ધકેલી દેશે. બસ અભી માટે અત્યારે કાવ્યા માત્ર ને માત્ર એક રમત હતી. જે અભી ને રમવી હતી. કાવ્યાને અભીએ ઈશારામાં કહ્યું પણ ખરું કે હું તને દુઃખી કરવા આવ્યો છું. કાવ્યા પણ બોલી ઉઠી તારી ઈચ્છા હોય એમ જ કર. કાવ્યા જ્યારે પણ આ શબ્દો કહેતી અભી બેચેન થઈ જતો અને ફરી એકાંતમાં ખોવાઈ જતો. કાવ્યના મનમાં આ શબ્દો કહેતા એકજ વાત આવતી કે આમપણ ક્યાં હું ખુશીથી ઘેરાયેલી છું તો વળી દુઃખ કોઈ આપી શકે!
દિવસો વિતતા ગયા અને અભી કાવ્યા એકબીજા સાથે ચેટિંગ કરતા ગયા. અભી જેટલો દુઃખી, વ્યસ્થીત, અસ્થિર હતો કાવ્યા પણ એવી જ દુઃખી, વ્યથિત, અસ્થિર હતી. અભી ને કાવ્યા સાથે વાત કરવું ગમતું તો આ તરફ કાવ્યા ને પણ અભી સાથે વાત કરવી ગમવા લાગ્યું. બંને દુનિયાદારી એક તરફ મૂકી એકબીજાની યારી માં મશગુલ થઈ ગયા.
હવે તો કાવ્યા અને અભી ક્યારેક ફોનમાં પણ વાતો કરી લેતા હતા. સમજદારીથી પરે પણ લાગણીસભર યારી ના તાંતણે બંને બંધાઈ ગયા હતા. ભલે બંનેમાં ઘણીબધી અસમાનતા હતી, કાવ્યા હિર તો અભી પત્થર હતો પણ જ્યાં મિત્રતા હોય ત્યાં બીજું બધું ગૌણ થઈ જાય છે બસ એવું જ કંઈક અભી અને કાવ્યાની મિત્રતા માટે થઈ ચૂક્યું હતું. ના કહેલ કેટકેટલી વાતો કાવ્યા અભી ને કરતી થઈ ગઈ હતી. ભલે કોઈજ પર્સનલ વાતો ના થાય તોય જે વાતો થતી એ અભી અને કાવ્યા માટે પર્સનલ થઈ જતી.
અભી પણ જાણે કાવ્યા સાથે રહી સ્થિર થઈ રહ્યો હતો. એકાંકી જીવનમાં જીવવા માટે કાવ્યમાં અભીને સથવારો દેખાઈ રહ્યો હતો. હવે અભીને પણ લાગી રહ્યું હતું કે આ એ વ્યક્તિ નથી કે જેને દુઃખી કરી શકાય. આ તો એ વ્યક્તિ છે જેનાથી ખુશ થઈ જિંદગી જીવવાની હૂંફ ભરી શકાય. એટલે જ હવે અભી કાવ્યાની સંભાળ કરતો થઈ ગયો હતો. અભી પણ નહોતો સમજી શક્યો કે આવું ક્યારથી કરતો એ થઈ ગયો.
એટલે જ આજે અઢળક વાતો કર્યા પછી અભી ના મનમાં સરી પડ્યું. " બાજુમાં મુક બકા તું દુનિયાદારી, બસ મને તો જોઈએ તું, તારી યારી. " બસ આ જ તો છે મિત્રતા અને મિત્ર સાથેનો અઢળક પ્રેમ.
તમે પણ આવી મિત્રતાની અવસ્થામાંથી પસાર થયા હશો અથવા આવું ક્યાંક અનુભવ્યું હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.
જય ભોળાનાથ...
Feelings Academy...