garbo gote chadhyo re lol in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ગરબો ગોટે ચઢ્યો રે લોલ..!

Featured Books
Categories
Share

ગરબો ગોટે ચઢ્યો રે લોલ..!

ગરબો ગોટે ચઢ્યો રે લોલ..!

ઉમરમાં જો ૪૦-૫૦ વર્ષ વધારીને ઉમરની ખાધ ખાધી ના ખાધી હોત તો, આજે હું ૨૦-૨૧ નો ફૂટડો યુવાન હોત..! નવરાત્રી આવે એટલે આવું બધું યાદ આવે દાદૂ..! આવી ઉમરમાં એકાદ ગરબો તો ઠીક, બંદાએ આખી નવરાત્રી ખેંચી નાંખી હોત..! હવે આજે તો વિમાની પોલીસીઓ પાકી ગઈ, ને ઢીંચણ પણ પાકી ગયા. અડધો ગરબો ‘ઉખ્ખડ’ બોલીને છોડી દેવો પડે. હઠીલા રોગના હવાલે ગયા પછી, ગરબીનું કાર્યક્ષેત્ર પણ પૃથ્વીના પટ કરતાં લાંબુ લાગે..! લાંબા થઇ જવાય યાર..? બાકી લટકાં તો આજે પણ ફેઈઇણ તો કાઢે, પણ કરીએ શું..? સુગર બ્લડપ્રેસર ને કોલેસ્ટ્રોલ સાથે સાલા સંબંધો જ એવાં બંધાય ગયેલાં કે છોડાય એમ નથી. આડા જ આવીને ઉભા રહી જાય..! એમાં શ્રી રામ જાણે લગનની લાલચમાં મને કોણે ફસાવીને ઘોડે ચઢાવેલો, તે નોટબંધી તો આવી ને ચાલી પણ ગઈ, પણ ‘હાસ્યબંધી’ હજી ઘરમાં અકબંધ છે..! ફીક્ષ ડીપોઝીટની માફક પાકે તો ખરી, પણ ઈચ્છા નાં હોય તો પણ રીન્યુ થયા કરે..! પીળું પાન છે, જાય પણ ક્યાં..? એટલે તો આવાં હાસ્યલેખ લખીને વાલિયામાંથી વાલ્મીકી થવાના વ્યાયામ કરું છું બોસ..! ખૂણે-ખાંચરેથી વિષયો ગોતી-ગોતીને લોકોને હસાવવાને રવાડે ચઢાવું.! આજે પણ, ગરબા ગવાતાં હોય ત્યાં પારોળી ભક્ત બનીને પારોળી ઉપર ઠુંઠવાયને બેસી જ રહેવાનું, ને ઢીચણ ઉપર તાલી ઠોકી થાપ આપતા રહેવાનું, ને લોલ બોલતા રહેવાનું. બાકી ગરબા ગાવાનો હોંશલો તો કયા ગુજરાતીને નહિ હોય..? ધરમપુરના ધોધની માફક અંદરને અંદર ઉછળે તો બહુ, પણ ગરબાનો એક જ આંટો લઈએ એમાં તો છાતી ધમણની માફક ફૂલવા માંડે, ને ટાંટિયા હરી-ઔમ કરવા માંડે. ત્યારે અમારા શ્રીશ્રી ભગા ઉપર સઘળી માતાની એવી અસીમ કૃપા કે, મહીને-મહીને નવરાત્રી આવે તો પણ બિંદાસ ખેંચી નાંખે. ગરબાનો અઠંગ નશીડો ખેલાડી..! ગરબાની હીંચ એકવાર ગમે ત્યાંથી સંભળાવી જ જોઈએ, ધોતિયાંમાં પણ ફેરફુદરડી ફરી આવે. આ માટે કઈ માતાજી એને શક્તિ આપે, એની ખુદને જ ખબર નહિ. નિત નવા નવરંગી રળિયામણા પરિવેશમાં ગરબે ઘૂમતા યોવનધનમાં જ્યારે એ ધોતિયાના વેશમાં ગરબો ખેંચવા જાય ત્યારે તો, મોરના ટોળામાં વાંદરું ઘુસી ગયું હોય એવું લાગે..! ‘યૌવન વીંઝે પાંખને બદલે, ડોહો વીંઝે આંખ’ જેવું લાગે..!

ગરબો એટલે દિન-ચર્યાની માફક, વર્ષ-ચર્યાને અંતે આસો માસે જીવનના સરવૈયાનું કાઢેલું સાંસ્કૃતિક સૌભાગ્ય. શબ્દ-સંગીત-ગાયકી અને પગના ઠુમકાની અનોખી શૈલી દ્વારા માતાજીની આરાધના કરવાની રીતિનીતિ..! ગરબો જોઇને ગરબામાં જોડાવાનું ગમે, જોવાનું પણ ગમે, ને સાંભળવાનું પણ ગમે, ને વીતેલા વરસોને યાદ કરીને ઝૂરવાનું પણ ગમે..! નવરાત્રીમાં હોસ્પીટલના ખાટલે બાટલા ચઢાવીને સુતા હોય, ને કોઈનો ખાટલો હલવા માંડે તો એવું નહિ માની લેવાનું કે, ભાઈને ટાઢીયા તાવની ધ્રુજારી ચઢી છે..! બનવાજોગ છે કે, ભાઈનામાં ગરબાનો પવન પણ ભરાયો હોય..! પરવારી ગયેલા પગના ઢીંચણમાં આપોઆપ ‘ઈમ્યુનીટી’ આવી જાય..! ઓન લાઈન શિક્ષણની માફક, ઓન લાઈન ગરબાની ‘ફોર્મ્યુલા’ આવી ગરબામાં આવી નથી, એ માતાજીની કૃપા છે. નહિ તો કંઈ કેટલાના બેડરૂમ-ડ્રોઈંગરૂમ કે રસોડા ‘ચાચર-ચોક’ માં ફેરવાય જાત. કાનમાં ભૂંગળા નાંખીને ખેલૈયાઓએ ઘરમાં જ ગરબાને ગોટે ચઢાવ્યો હોત..! એકવાર ગરબાની ખુમારી ચઢે પછી, મહામારીને ગાંઠે કોણ..? શ્રદ્ધાનો ટાવર પકડાવો જોઈએ, પછી ભલે ‘હેન્ડ ગ્લોઝ’ પહેરવા પડે કે પીપી કીટ્સ પહેરવી પડે..! કોરોનાનો ગરબો ગાઈને પણ ખેલૈયાઓ ઝૂમી તો નાંખે..! એનું જ નામ છેલછબીલો ગુજરાતી.! ખખડી ગયેલા ઘૂંટણમાં પણ પતંજલિનો પાવર આવી જાય..! બાકી ઢીંચણની પીડા કેવી હોય એ તો ‘ઘાયલકી ગત ઘાયલ જાણે’ એના જેવું છે. ઢીંચણ ઉપર માતાજીનું નાળીયેર વધેરો કે સાતવારની ચુંદડી બાંધો, તો પણ ઢીંચણું ભાનમાં નહિ આવે...! ઢીંચણમાંથી જ જીવ ગતિ કરવાનો હોય, એમ એવું ફફડ...ફફડ થાય કે, ઢીંચણ ચીસ પડાવી નાંખે. એમાં પાછાં એક નહિ, બબ્બે ઢીંચણ આવેલાં. એક ઉપર એક ફ્રી..! એકને સાચવવા જાવ તો બીજું આડું ફાટે. બબ્બે વાઈફ સહન થાય, પણ બબ્બે ઢીંચણની જોડ કણસતી હોય તો કેમની સહન થાય..? એની સારવારમાં પોતે એવો ‘ લોલ ‘ થઇ જાય કે, ‘ઘૂંઘટ કે પટ ખોલ’ કહેવાનું પણ ભૂલી જાય. યાર...ઢીંચણ સંભાળવા જાય કે, ગરબાની ‘લોલ‘ બોલવા જાય..? પણ બ્રેકવાળું ગાલ્લું પણ જે ખેંચી જાણે, એનું નામ ગુજરાતી. ખેલૈયો એકવાર ગરબામાં ગોટે ચઢવો જોઈએ, પછી તો એની ઉમર પણ રીટર્ન થવા માંડે..! હરખનાં ધીંગાણા થતાં હોય ત્યારે, ઉમરનો વર્તારો આડો આવતો નથી. પછી તો જેવી જેની મોજ તેવી તેની તાલી..! હાથમાં ખાલી ચઢી હોય તો પણ તાલી ઠોકવાનો..! એમાં શ્રદ્ધા પણ આવી જાય ને ઝનુન પણ..!

આમ તો ઘરવાળા જ લક્ષ્મી, અન્નપૂર્ણા, સસ્ર્સ્વતી ને કાલિકા કહેવાય. પણ તેથી કંઈ, તેમની હાજરીમાં દાંડિયા થોડાં ખેલાય..? ને રસોડામાં એવાં ગરબા ગાવા થોડાં દે કે, ‘ તમે ચૂલેથી ઉતાર્યા ધાન, મા અન્નપુર્ણા, ને પૂર્યા અમારા કોડ દેવી અન્નપુર્ણા .!” આ તો એક અંદાજ..! બાકી ઘરના માતાજીને પલાળવા એટલે ડામર રોડ ઉપર ઘઉંની વાવણી કરવા જેટલું અઘરું..! બહુ અઘરા દાદૂ..? સાલું, બહાર નીકળે તો કોરોના નડે, ને ઘરમાં રહે તો ઘરવાળા નડે. આદમી જાયે તો જાયે કહાં..? વેપાર ઠપ, વ્યવહાર ઠપ, મિત્રોની મહેફિલ ઠપ, લગન ઠપ, ને નવરાત્રીના ગરબા પણ ઠપ..! માત્ર મરવાનું જ ભપાભપ..! ઘરમાં બેસીને જાતે જ ઢોલકું ઠોકવાનું, ને જાતે જ ગરબો ગાવાનો ને જાતે જ ઝીલવાનો..! મોંઢું માસ્કથી ટાઈટ હોય, એમાં ભાવ પ્રગટ કરવાની હોંશ કાઢવી ક્યાંથી..? ને કોરોના એવો નફફટ કે, ક્યારેય કોઈ સામે બે આંખની શરમ રાખતો જ નથી. માટે બહુ હાયવોય નહિ કરવાની.

આવડે એટલી આરતી બોલવાની. ને ‘લોલ’ શબ્દ આવે ત્યારે, મોટેથી ‘લોલ’ બોલીને તૂટી પડવાનું..! એક જ વાતની કાળજી રાખવાની માતાજીના નામ આવડે કે નહિ આવડે, ગરબાના ‘ સ્ટેપ ‘ આવડવા જોઈએ, એટલે નવરાત્રી પૂરી..! ધત્તતેરીકી...!

---------------------------------------------------------------------------------------------------------------------------------------------