દરેક વ્યક્તિનું પોતાનું સત્ય નિરાળું હોય છે. વ્યક્તિએ પોતે માનેલું સત્ય કદાચ અન્યની દ્રષ્ટિએ અસત્ય હોઈ શકે ,પણ વાસ્તવિકતા હંમેશા સત્ય જ રહે છે. વ્યક્તિ જીવનના અંત સુધી પોતાના સત્યને વાસ્તવિક બનાવવા પ્રયત્નશીલ રહે છે, પરંતુ વાસ્તવિકતાને તો ઈશ્વર કોઈ સાબિતી વિના સત્ય બનાવી દે છે.
મૌસમ અને આલય વધારેને વધારે નજીક આવતાં જાય છે, પોતાની જાતથી અને પોતાના પ્રેમથી, બંને સવારે જ કે.ટી.ને મળવાનું વિચારી છૂટા પડે છે.
સાંજે વિરાજબેન અને ઉર્વીશભાઈ ઘરે આવે છે. અને મૌસમ વિશે પૂછે છે, "આલય મોસમ ગઈ?"
" હા, પપ્પા તમારી રાહ જોત, તો કદાચ મોડું થઈ જાત."
" સાચી વાત છે તારી, તેના પપ્પા હજુ આપણાથી પરિચિત નથી."
"હા ,પપ્પા હું તમને કહેવાનો જ હતો હું કાલે તેના પપ્પાને મળવા જવાનો."
" એકલો જવાનો?"
" હા પપ્પા હું ફકત આલય તરીકે જવા માગું છું. એકવાર હા થઈ જાય પછી તમને બંનેને સાથે લઈ જઈશ. મમ્મીની તો તમને ખબર, એવું બની શકે કે ટી અંકલની કોઈ વાત મમ્મીને ન ગમે તો પહેલેથી જ પૂર્વગ્રહ બંધાઈ જશે."
" ખરું કહ્યું આલય, કાલ તું મળી લે, એમ છતાં એવું લાગે તો હું તો છું જ."
" ચોક્કસ પપ્પા."
સપનાઓની રાત્રી. આજે મૌસમને જાણે જાગતી આંખે સપના જોવાનું મન થતું હતું. કલ્પનાની પાંખે ભવિષ્ય જાણે મોસમને જગાડતું. રાત્રે 1:00 વાગ્યો છતાં મૌસમ તો આજના આલય સાથે ગાળેલા સુંદર સમયમાં જ ઓતપ્રોત હતી. એક બીઝનેસ મીટીંગ પતાવી કેટી અત્યારે આવ્યા . મોસમને જાગતી જોઈ સહેજ ચિંતાથી પૂછ્યું," કેમ મૌસમ તબિયત બરાબર ને?"
મૌસમે કહ્યું ,"હા પપ્પા અમસ્તી જ જાગું છું. તમારે આજે વધારે મોડું નથી થઈ ગયું?"
"હા હું પણ આજે થોડોક વધારે કામમાં વ્યસ્ત હતો. હવે તો હું પણ ઘણીવાર થાકી જાઉં છું આ વ્યસ્તતાથી તારા માટે સમય કાઢી નથી શકતો."
" ઇટ્સ ઓકે ડેડ હું સમજુ તમારી પરિસ્થિતિને."
" હવે તો તું સમજુ થઈ ગઈ મને ખબર, બસ હવે આ મારી વ્યસ્તતા તને આપીને નિવૃત થઇ જવું છે."
મૌસમને થયું આ યોગ્ય સમય છે ડેડને કંઈ કહી દેવાનો, " ડેડ એક વાત કહું?"
" હા બોલને."
" ડેડ મારો એક ફ્રેન્ડ છે સાથે જ ભણે છે.આલય દેસાઈ. તેને કાલે મેં સવારે તમને મળવા બોલાવ્યો છે તમે એક વાર મળી લેશો?"
કેટી મૌસમની આંખોની ભીનાશ જોઈ લાગણીશીલ બની જાય છે,"ચોક્કસ દીકરા હું મળવા માગીશ તારી પસંદને સો ટકા, પરંતુ હા પાડીદઈશ એમ ખાતરી નથી આપતો કારણકે, તને પ્રિય હોય તેના કરતાં તારા માટે શ્રેય હોય તેમાં મને વધારે રસ છે."
કેટીનો હકારાત્મક પ્રતિભાવ જોઈ મૌસમે જાણે બાજી મારી લીધી. કેટી પોતાના રૂમમાં જાય છે અને મૌસમ ફરીથી પોતાના સ્વપ્નની દુનિયામાં. તરત જ આલયને મેસેજ કરે છે.
" હાય ડીયર એક ગુડ ન્યુઝ છે મેં હમણાં જ ડેડને આપણા વિષે વાત કરી તે રાજી થઈ ગયા તને મળવા આઇ એમ સો એક્સાઇટેડ."
" સાચે મેં નહોતું કહ્યું મોસમ? ઈશ્વર સાથ આપશે બસ હવે એક રાત્રિ જ છે આપણી વચ્ચે."
" હા , સાચી વાત છે. ચાલ બાય મોડું થઈ ગયું. ગુડ નાઈટ."
" ગુડ નાઈટ."
સપનાઓની સફર પુરી કરીને મૌસમ આજે વહેલી ઉઠી ગઈ, જાણે આલયની રાહ જોવા માટે. તૈયાર થઈને નીચે આવી તો ડેડ ક્યાંય ન દેખાયા, થોડી ચિંતા અને સાથે ઉદાસી પણ આવી ગઈ. મૌસમને લાગ્યું ડેડ ફરી પાછા વ્યસ્તતામાં પોતાને ભૂલી ગયા કે શું?
તરત જ કેટીનો ફોન લગાડ્યો. ફોનની રીંગ ડ્રોઇંગરૂમમાં સંભળાઈ મોસમની ચિંતા વધારે વધી ગઈ. આટલા વર્ષોમાં ક્યારેય એવું નથી બન્યું કે ડેડ મોડા ઉઠ્યા હોય અથવા તો અત્યાર સુધી ફોન રૂમમાં જ પડ્યો હોય. તે તરત જ કેટીના રૂમ તરફ ગઈ.
કેટી નો રૂમ અંદરથી બંધ હતો મન અમંગળ ચિંતાઓથી ઘેરાવા લાગ્યું" ડેડ ડેડ "મોસમે લગભગ ચિંતાથી ચીસ પાડી.
નીરવ શાંતિ....
મોસમ એ બારણું જોરજોરથી ખખડાવવા લાગ્યું. કંઈ અવાજ ન આવ્યો તેણે તરત જ લોકની બીજી ચાવી શોધી લોક ખોલ્યું. અંદરનું જે દ્રશ્ય જોયું તે અકલ્પનીય હતું. કેટી હજી સુતા હતા અને તેનો એક હાથ જમીન તરફ લટકતો હતો. મોસમને વિશ્વાસ આવતો ન હતો તે દોડી ગઇ જલ્દીથી ડેડને ઉઠાડવા.
" ડેડ શું થયું? પ્લીઝ ઉઠો ઉઠો..."
પરંતુ કેટી તો આજે જાણે આરામ જ કરી લેવા માંગતા હતા. મૌસમને પરસેવો વળી ગયો. તેણે ફટાફટ આલયને ફોન લગાડ્યો." હેલો"
આલયને થયું કે મૌસમ વધારે પડતી ઉત્સાહિત છે, માટે જ ફોન કરીને બોલાવે છે." અરે યાર તૈયાર થાઉં છું હમણાં નીકળું છું."
મૌસમ પોતાની જાત ને રોકી નથી શકતી. તે રડવા લાગે છે. આલય જલ્દી આવી જા, જો ડેડને શું થયું છે. કંઈ બોલતા જ નથી."
આલય પણ ગભરાઈ જાય છે, " શું થયું હું હમણાં જ આવું છું."
મૌસમ ગભરાયેલા સ્વરે બોલે છે." ખબર નહીં કાલે રાત્રે તો અમે વાતો કરી. અને આજે ડેડી હજી ઉઠ્યા જ નથી. બેભાન થઈ ગયા કે શું મને કંઈ ખબર નથી પડતી તું જલ્દી આવી જા."
આલય ઉર્વીશભાઈને સાથે લઈને મૌસમના ઘરે જવા નીકળે છે. ઉર્વીશભાઈ ને કેટીની સ્થિતિ જોતાં જ ખ્યાલ આવી જાય છે. તે આલયની સામે જોઈને માથું હલાવે છે.
આલય મોસમને સમજાવે છે," મોસમ મને લાગે છે કે અંકલને નીંદરમાં જ એટેક આવી ગયો છે. તમારા ફેમિલી ડોક્ટરને બોલાવી લે."
મૌસમ જાણે નિશ્ચેતન બની ગઈ. ફોન લગાડી આલયને આપી દે છે. આલય ડોક્ટર સાથે વાત કરીને તેમને ઘરે બોલાવી લે છે. થોડીક જ વારમાં ડોક્ટર આવી જાય છે, અને તેને મૃત જાહેર કરે છે. મોસમની રહી સહી હિંમત પણ તૂટી જાય છે તે ચોધાર આંસુએ રડવા લાગે છે જાણે આજે તેનો પરિવાર પૂરો થઈ ગયો.
આલય અને ઉર્વીશભાઈ તરત જ બધું સંભાળી લે છે, અને મૌસમ પોતાની જાતને, પોતાના મનને તૈયાર કરવા મથે છે, પરંતુ કેટીના ફેલાયેલા બિઝનેસ અંગે વિચારીને થોડીવાર ધ્રુજારી આવી જાય છે આ બધું કેમ મેનેજ થશે?
શું થશે આલય અને મૌસમના પ્રણય સંબંધની શક્યતાઓનું ?
જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ....
(ક્રમશ)